Text Size

ભગવાન રમણ મહર્ષિ

પૂર્વ પરિસ્થિતિ

માનવજીવનનું ધ્યેય કેવળ આહારવિહાર, ભોગવિલાસ, સંપત્તિ સંગ્રહ અથવા અધિકારપ્રાપ્તિ થોડું છે ? કેટલાક અસંસ્કારી, અજ્ઞ માનવો એવું માનતા હોય અને આજે પણ માનતા હોય તો ભલે; પરંતુ સુસંસ્કારી, સદસદ્દવિવેકી, પ્રાજ્ઞપુરૂષો તો એવું માનતા નથી જ. દિવસે દિવસે દુનિયા વિચાર ને આચારના ક્ષેત્રમાં આગળ વધતી જાય છે ને નોંધપાત્ર પરિવર્તનોમાંથી પસાર થાય છે. જે પ્રજા ધર્મ, ઈશ્વર કે આધ્યાત્મિકતામાં માનતી નથી તે પણ સમાજવાદ, સર્વોદય કે સામાજિક અને રાષ્ટ્રીય ઉત્કર્ષમાં માને છે અને એને માટેનાં આવશ્યક માનવીય તથા સામાજિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે. ભારતીય ઋષિઓએ સંસ્કૃતિના ઉષઃકાળથી જ માનવને એના જીવનધ્યેયનું સ્મરણ કરાવતાં કહ્યું છે : आत्मानं विजानीथ । આત્માને જાણો. कस्त्वम् । તું કોણ છે, તારૂં મૂળભૂત વાસ્તવિક સ્વરૂપ શું છે એને ઓળખ. એ સ્વરૂપનો સાક્ષાત્કાર કર. સંસારનો કોઈ યે પદાર્થ પ્રયોજન વગરનો નથી હોતો. પ્રત્યેકની પાછળ કોઈ ને કોઈ જ્ઞાત અજ્ઞાત સ્થૂલ સૂક્ષ્મ પ્રયોજન હોય જ છે. આટલું મોટું માનવજીવન પણ નિષ્પ્રયોજન ના જ હોઈ શકે. અને એ પ્રયોજન પોતાને જાણવાનું, પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થવાનું, પરમશાંતિની મૂર્તિ બનવાનું, કે અવિદ્યાજન્ય બંધનોને તોડવાનું જ હોઈ શકે.

        * * *          * * *          * * *          * * *

ભારતવર્ષના પ્રાતઃસ્મરણીય સ્વનામધન્ય મહાપુરૂષોએ માનવજીવનના દ્વિવિધ ધ્યેયનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે જીવન અલ્પતાને ખંખેરી કાઢીને પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થવા અથવા અવિદ્યાનો અંત આણીને પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે છે. એ મહત્વના ધ્યેયની સાથે સાથે બીજું પેટાધ્યેય બીજાની સેવાનું છે. એ દ્વિવિધ ધ્યેયની પૂર્તિ માટે માનવે પુરૂષાર્થ કરવો જોઈએ. તો જ જીવન ઉજ્જવળ બને કે સાર્થ ને સફળ થઈ શકે.

વેંકટરામનના હૃદયમાં, પૂર્વના કોઈક પરંપરાગત પ્રબળતમ સંસ્કારોના પરિણામે, જીવનના એ મૂળભૂત ધ્યેયની સિદ્ધિની તમન્ના જાગી ઊઠી. એની પ્રેરક વીણા એમના અંતરમાં કિશોરાવસ્થામાંથી જ વાગી ઊઠી. એમનું અંતર બધી જાતના બાહ્ય વિષયો કે પદાર્થોમાંથી ઉપરામ બની ગયું. પોતાના અંતરમાં વધારે ને વધારે ઊંડી ડૂબકી મારીને પરમશાંતિ અથવા સ્વરૂપનિષ્ઠારૂપી મહા મૌક્તિકને મેળવવાની અભિલાષાની એમના જીવનમાં અભિવૃદ્ધિ થવા માંડી.

એવી અભિલાષા, ભાવના, ઉત્કંઠા અથવા લગનીનું મહત્વ આત્મવિકાસના સાધકના જીવનમાં ઘણું મોટું છે. એના સિવાય સાધનાનો સાચો સ્વાદ નથી સાંપડતો ને સિદ્ધિના સુખદ સુમેરુ શિખર પર આસીન પણ નથી થવાતું. સાધકો કે ભક્તોના શરૂઆતના જીવનમાં એનું દર્શન થતું હોય છે. એનો આવિર્ભાવ થયા પછી જેમ જેમ એ સુસ્થિર ને સુદૃઢ બને છે તેમ તેમ સાધક વધારે ને વધારે સાધનાપરાયણ બનતો જાય છે અને પોતાના જીવનધ્યેયને પ્રાપ્ત કરવા મોટામાં મોટો ભોગ આપવા તેમજ પુરૂષાર્થ કરવા તૈયાર થાય છે.

વેંકટરામનનું મન પણ એવા પ્રખર પુરૂષાર્થને માટે તૈયાર થયું. એમના અંતરમાં આત્મવિકાસના શ્રેયસ્કર ક્ષેત્રમાં આગળ વધવાનો ઉત્સાહ ઊછળવા માંડ્યો. પરિણામે સ્કૂલનો અભ્યાસ એમને ફીકો લાગ્યો. એમનું મન એના પરથી ઉપરામ થવા માંડ્યું. જે ભણતર જન્મમરણની પાર પહોંચવામાં, માનવમનની સમસ્યાઓનો ઉકેલ કરવામાં, પરમાત્માની પ્રાપ્તિમાં, ને જીવનને કાયમ કાજે કૃતાર્થ કરવામાં મદદરૂપ ના થઈ શકે, જેથી મન અને ઇંદ્રિયોને જીતવાનો માર્ગ ના મળે, તે ભણતરથી શો લાભ ? એથી કયો મહત્વનો હેતુ સરી શકે ? એની પાછળ માનવજીવનના મહામૂલ્યવાન સમયને નિર્ગમન કરવાથી શું વળે ? એ સમય ને શક્તિસામગ્રીનો સદુપયોગ જીવનને ધન્ય કરવા, આત્મસાક્ષાત્કાર સાધવા, ને મૃત્યુંજય બનવા માટે જ કરવો જોઈએ. એને માટે કોઈક એકાંત સ્થળનો આધાર લેવો જોઈએ. એ સ્થળમાં એકનિષ્ઠાથી દીર્ઘકાળ પર્યંત સાધના કરવી જોઈએ. જીવનની જે પળો પસાર થઈ રહી છે તે મહામૂલ્યવાન છે, અને એમનો ઉપયોગ એ માટે જ કરવો જોઈએ. અને એ પણ બનતી વહેલી તકે.

એ વિચારો ને ભાવો એમને ઘેરી વળ્યા.

એમની મનોદશાની અસર એમના જીવન વ્યવહાર પર પડ્યા વિના ના રહી. એ જોઈને એમના મોટા ભાઈએ એમને એકવાર કહ્યું પણ ખરૂં :

 ‘તું તો કોઈ મોટા જ્ઞાની કે યોગીના જેવો વ્યવહાર કરી રહ્યો છે ! આવું જ વર્તન કરવું હોય તો તારાથી અભ્યાસ શી રીતે થઈ શકશે ? તારાં લક્ષણો સ્કૂલના અભ્યાસને અનુકૂળ નથી દેખાતાં. આવી ઉદાસીનતાપૂર્વક જીવવા કરતાં તો તું જંગલમાં જાય તે વધારે સારું છે. ઘર છોડીને વહેલી તકે વિદાય થઈ જા તો અમને કશો શોક નહિ થાય.’

ઘર તથા કુટુંબના વડીલો ને સ્કૂલના શિક્ષકો વેંકટરામનથી અસંતુષ્ટ રહેવા અને એમને એક અથવા બીજા કારણે ઠપકો આપવા લાગ્યા. વડીલોની ચિંતા વધી ગઈ.

વેંકટરામનની આજુબાજુ ચારે તરફથી વિરોધનો વંટોળ ઊઠવા લાગ્યો. એમની સ્થિતિને કોઈ સહાનુભૂતિથી ના સમજી શક્યું. એમાં કોઈનો દોષ પણ ન હતો; કારણ કે કોઈને એ ભૂમિકાનો અનુભવ નહોતો થયો. સંસારના વિવિધરંગી વિષયો ને રસોમાં ડૂબેલા માણસો આત્મવિકાસની અભીપ્સા કે ઝંખનાને કેવી રીતે સમજી શકે ? એમને એની કલ્પના પણ ક્યાંથી આવી શકે ? એ વખતે આજુબાજુના સમાજમાં જે ધર્માચરણ ચાલતું તે કોઈ પણ પ્રકારની ચમત્કૃતિ કે જીવનશક્તિ વગરનું, રૂઢ, મોટે ભાગે કર્મકાંડ પૂરતું જ મર્યાદિત અને પરંપરાગત હતું. એનો આધાર જીવનની વિશુદ્ધિ કે જીવનના વિકાસને માટે નહોતો લેવાતો, કેવળ આત્મસંતોષ માટે જ લેવાતો. તિલક, કંઠી, દેવદર્શન, મૂર્તિપૂજા, સ્વાધ્યાય તેમજ બાહ્ય વિધવિધાનો ને વ્રતોમાંથી એ ઊંચું નહોતું આવતું. માનવના હૃદયમાં એથી પરમાત્મપ્રેમની પવિત્ર રાગરાગિણી ના પેદા થતી ને માનવનું તંદ્રાધીન અંતર એનો આધાર લઈને પરમાત્મદર્શન માટે આતુર બનીને આક્રંદ પણ ના કરી ઊઠતું. એવા માનવો જન્માંતર સંસ્કારોથી સમલંકૃત સાધકને શું સમજે ? જેને વિષયોની મોહિની ના લાગી હોય તે જ પરમાત્માના પ્રેમીના રાગમય હૃદયની પરિસ્થિતિને પારખી શકે.

પોતાની આજુબાજુની પ્રતિકૂળ પરિસ્થિતિને જોઈને ભવિષ્યના એ સર્વમાન્ય મહાત્મા પુરૂષનું મન અસ્વસ્થ બની ગયું. એમને થયું કે બરાબર છે મને કોઈ સમજી શકતું નથી ને મારું મન અભ્યાસમાં લાગતું નથી તો આ ઘરમાં મારું સ્થાન કેટલું ને ક્યાં સુધી ? જે જીવનમાં સંપૂર્ણ શાંતિ ના હોય એ જીવનની કિંમત કેટલી ? કોઈક કોલાહલરહિત એકાંત શાંત સ્થળમાં જઈને મારા સમગ્ર જીવનને સાધનામાં લગાવું એ જ ઉચિત છે. એના સિવાય જીવનનું સર્વોત્તમ સાફલ્ય નહિ થઈ શકે.

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok