Text Size

ભગવાન રમણ મહર્ષિ

અરુણાચલના મંદિરમાં

જીવ અને શિવની એકતાની અનુભૂતિના પરિણામરૂપે જે સ્વયંભૂ સહજ શાંતિની પ્રાપ્તિ થાય છે તેને લીધે મૌનાવસ્થા સ્વાભાવિક બની જાય છે. એવી મૌનાવસ્થા અનુભૂતિની ઉચ્ચોચ અવસ્થાએ આસીન થયેલા કોઈક બડભાગી મહાપુરૂષને જ પ્રાપ્ત થઈ શકે છે.

કેશને કઢાવી નાખવાથી તથા વસ્ત્રોના પરિવર્તનથી વેંકટરામનનું સમસ્ત સ્વરૂપ બદલાઈ ગયું. એ પ્રથમ દૃષ્ટિએ જ તપસ્વી દેખાવા લાગ્યા. એમનું શરીર ચમકવા લાગ્યું. એમના અંતરને ઊંડું સુખ સાંપડ્યું. અને કેમ ના સાંપડે ? આદ્ય શંકરાચાર્યે કહ્યું જ છે કે ગંગાના પ્રશાંત તટપ્રદેશ પરના તરુની નીચે નિવાસ હોય, પૃથ્વીની પથારી હોય, એકાંતવાસ હોય, અને સર્વ પ્રકારના ભોગ અને બાહ્ય પરિગ્રહનો પરિત્યાગ હોય, તો એવો વૈરાગ્ય કોને માટે સુખકારક ને શાંતિદાયક ના થાય ?

गंगा तट तरू मूल निवासः शय्या भूतल मजिनं वासः।
सर्व परिग्रह भोगत्यागः कस्य सुखं न करोति विरागः॥

વેંકટરામનને ગંગાના પ્રશાંત પવિત્ર તટપ્રદેશની પ્રાપ્તિ નહોતી થઈ, એ એમના એકાંત આરાધનારત જીવન દરમ્યાન અરૂણાચલના આકર્ષક મંદિરમાં જ વાસ કરતા, તોપણ એમને સુખાનુભૂતિ થયા કરતી. એકાદ શહેનશાહ કરતાં પણ વિશેષ સુખનો આસ્વાદ એમને મળ્યા કરતો. શંકરાચાર્યે કહ્યા પ્રમાણે એ પૃથ્વી પર પથારી કરતા, એકાંતવાસનો આધાર લેતા, અને સર્વ પ્રકારના પરિગ્રહ તથા લૌકિક ભોગોનો ત્યાગ તો પ્રથમથી કરી દીધેલો. વૈરાગ્યની માત્રા તો એમનામાં પરિપૂર્ણપણે જ-આંતરબાહ્ય બંને પ્રકારના વૈરાગ્યનો ને ત્યાગનો સમન્વય એમના જીવનમાં થઈ ગયો પછી એમને સુખની શી કમી રહી શકે ? પવિત્ર આત્મિક સુખના દૈવી ફુવારાઓ એમના અંતરાત્મામાંથી આપોઆપ ફૂટવા લાગ્યા.

વિત્તેષણા, લોકેષણા ને પુત્રેષણા - દેહવાસના, શાસ્ત્રવાસના ને લોકવાસનાનો પરિત્યાગ કરીને બીજી બધી જ લૌકિક તથા પારલૌકિક લાલસાઓને  તિલાંજલી આપીને એ અરૂણાચલના સુંદર શાંતિમય સ્થાનમાં રહેવા લાગ્યા. એ સ્થળ કેટલું બધું વિશાળ, અદ્દભુત, આલીશાન ને સુંદર છે ! એનું અવલોકન કરનાર એનાથી મંત્રમુગ્ધ બનીને આશ્ચર્યોદ્દગાર કાઢીને બોલી ઊઠે છે : ‘કેટલું બધું આકર્ષક અને આહ્ લાદક, આશ્ચર્યકારક મંદિર ! એને રચાયે કેટલો બધો સમય લાગ્યો હશે ! એનુ નિર્માણ કરનારની બુદ્ધિ કેટલી બધી કળાત્મક, સૂક્ષ્મ તેમ જ રસાળ હશે !’

વેલ્લાલ રાજાએ કરેલી અરૂણાચલ મંદિરની રચના જનતા માટે ખરેખર આશીર્વાદરૂપ ઠરી છે. એની સ્થાપત્યકળા તો લોકહૃદયને સ્પર્શી જાય તેવી છે જ, પરંતુ એની શાંતિ, આહલાદકતા અને પ્રેરકતા એટલી જ––બલકે એથી પણ વધારે અસરકારક ને અસાધારણ છે. પ્રવેશતાંવેંત જ એના અદ્ ભુત વાતાવરણથી પ્રભાવિત થઈને દર્શનાર્થી ઉચ્ચતમ આધ્યાત્મિક ભાવોનો અનુભવ કરે છે ને કોઈક અવનવા અલૌકિક આનંદપ્રદાયક પ્રદેશમાં વિહરવા મંડે છે. ત્યાંના પરમાણુઓ અતિશય પવિત્ર ને પ્રશાંતિપ્રેરક છે. મંદિરની લંબાઈ ૧૪૮૦ ફીટ જેટલી ને પહોળાઈ ૬૮૦ ફીટ જેટલી છે. મંદિરની ચારે બાજુ મોટા મોટા, આકાશને અડવાની હરીફાઈ કરતા, દરવાજા ને ગુંબજો છે. દૃષ્ટિપાત કરતાંવેંત જ એ દર્શનાર્થીના હૈયાને હરી લે છે. એ વખતે મંદિરમાં મરમ્મત ચાલતી. મંદિરના ગોપુરમાં જુદા જુદા માળ બનાવેલા છે. પૂર્વ દિશા તરફના મિનારાની ઊંચાઈ ૨૧૬ ફીટ છે. એમાં અગિયાર જેટલા માળ છે. એમાંના કોઈ પણ માળ પર બેસવામાં આવે તો દિવસો, મહિના ને વરસો સુધી કોઈ નામ પણ ના લે એવું એકાંત છે. એમાં પંખી પણ નથી ફરકતું.

મંદિરના વિશાળ સ્થાનમાં એવાં તો અસંખ્ય સ્થાનો છે. જ્યાં આસન લગાવીને માણસ સાધનાપરાયણ બનીને કોઈ પણ પ્રકારના બાહ્ય વિક્ષેપ વગર આત્મલીન બની શકે.

મંદિરનું ઉદ્યાન પણ દર્શનીય છે. અરૂણાચલનું એ મધુમય મંદિર પોતાના સહસ્ત્ર સ્તંભોના મંડપ માટે ખાસ વખણાય છે. એ મંડપ ખરેખર દર્શનીય છે. એ ભવ્ય મંડપના નિરીક્ષણથી માનવનું મન આશ્ચર્યચકિત બની જાય છે. એની બાજુમાં શિવગંગા નામે સરોવર છે. એનું પાણી સુધાસમું સ્વાદિષ્ટ છે. પવિત્ર પરમાત્મ પ્રેમથી સંપન્ન ભક્તો, યોગીઓ અને સ્થિતપ્રજ્ઞ ગુણાતીત મહાપુરુષોના હૃદયના પ્રતીકસમું એ સરોવર ખૂબ જ સુંદર છે. માનવને એ વિશુદ્ધ પ્રેમમય, રસાળ જીવનની પ્રેરણા પૂરી પાડે છે.

વેંકટરામનનો પ્રાણ એ બધું પેખીને પુલકિત બની ગયો. એ પણ જીવનની સંસિદ્ધિના એવા જ મંગલમય મંદિરનું નિર્માણ કરવા માગતા’તા જેમાં પરમાત્માના પરમ પવિત્ર પ્રેમનું સુંદર સુધામય સરોવર હોય : જેના ગૌરવગુંબજો દિશાપ્રદિશામાં પોતાના મહિમાનું જયગાન ગાતા ઉપર ઊઠ્યા  હોય : જેની અંદર અનાદિ, અચલ, અનંત, પરમાત્માની પ્રતિમા હોય : જેને સંયમના સુદૃઢ મહાદ્વારોએ સુશોભિત કર્યું હોય : જેમાં પ્રજ્ઞાનો તપઃપૂત પાવન પ્રદીપ અહર્નિશ જલ્યા કરતો હોય, શુદ્ધિનાં સુમનો હોય, અને અનુરાગની આરતી જેને અનવરત રીતે અલંકૃત કરતી હોય : સહસ્ત્રદલ ચક્રમાં વિરાજેલા પરબ્રહ્મ પરમાત્માએ જેમાં પ્રકટ બનીને પ્રકાશ પાથર્યો હોય : એવા મંદિરનિર્માણ માટે ધનની આવશ્યકતા ન હતી. આવશ્યકતા હતી એકમાત્ર અનુરાગપૂર્ણ આરાધનાની. એવી આરાધનાનો આધાર લેવાથી એવા મહિમામય મંદિરનું નિર્માણ થશે જ એવી એમને શ્રદ્ધા હતી.

વિભિન્ન પ્રકારની વિચારધારાથી વેંકટરામન તરબોળ બની ગયા ત્યાં તો આરતીનો આરંભ થયો ને મંદિરના ઘંટ વાગી ઊઠ્યા. કેટલું બધું નયનાભિરામ દ્રશ્ય ને કેટલો બધો આનંદદાયક અદ્દભુત અવાજ ! ભક્તો બે હાથ જોડીને પ્રણામાંજલિ કરતા સ્તુતિ ગાવા માંડ્યા. નવલ સુંદર ઉત્સવમય જીવનનો સ્વર્ણ સંદેશ સંભળાવતી શરણાઈઓ અંતરને એમના અમૃતમય આલાપથી આપ્લાવિત કરતી વાગી રહી. દીર્ઘકાલીન ઉત્સાહપૂર્વકની સાધનાના પરિણામે સાધકની અંદરના સૂક્ષ્મ જગતમાં જ્યારે અનહદ અથવા અનાહત નાદનો ઉદ્દભવ થાય છે ત્યારે ઝાંઝ પખાજ, ઘંટ, શરણાઈઓ ને વીણાઓ વાગી ઊઠે છે ને સ્વર્ગીય સંગીતનો સ્વાદ સાંપડે છે. એ અલૌકિક બ્રહ્મનાદમાં મનની વૃત્તિને જોડવાથી અતીન્દ્રિય અવસ્થાની અને એ દ્વારા પરમાત્માની અનુભૂતિ શક્ય બને છે. જીવનમાં ધન્યતાની આરતીનો આરંભ થાય છે. ભગવાન અરૂણાચલની આરતી તો એ અલૌકિક આરતીનું સ્થૂલરૂપ જ હતી. વેંકટરામન પોતાના જીવનમાં ધન્યતાની એવી જ આરતી ઉતારવા માગતા’તા. એ આરતી પ્રસંગ એટલા માટે જ એમના જીવનનો પ્રેરક પ્રસંગ થઈ પડ્યો.

વેંકટરામનને સત્તરેક વરસની નાની ઉંમરે અરૂણાચલ મંદિરનું અનુકૂળ વાતાવરણ સાંપડ્યું એ એમનું સદ્દભાગ્ય નહિ તો બીજું શું ? એ ઈશ્વરની કૃપા જ હતી.

ઈશ્વરના અનુગ્રહ વિના એવો અમૂલખ અનુકૂળ અવસર કેવી રીતે મળી શકે ? ઈશ્વરનો અનુગ્રહ તો સૌની ઉપર છે જ, પરંતુ એની અનુભૂતિ સૌ કોઈ નથી કરી શકતું. માનવે પોતાનાં તનના ને મનનાં દ્વારને સંસારાભિમુખ કર્યો છે. એમને પરમાત્માભિમુખ કરવામાં આવે તો ઈશ્વરની અનુકંપાની અનુભૂતિ સહજ બને. વેંકટરામને એવું જ કરેલું. જગતમાં જન્મીને જ્યારથી વિવેકજન્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારથી એમણે પરમ પિતાની ખોજ કરવાનો સંકલ્પ કરીને છેવટે એમનું શરણ લીધું. સમસ્ત સંસારના સમર્થ સૂત્રધાર અને સૌના જીવનની ગતિવિધિ ને પ્રવૃત્તિના સંચાલક એ પરમ પિતાએ જ ક્રમેક્રમે એમના જીવનમાં અનુકૂળતા કરી આપી.

અરૂણાચલેશના મધુમય મંદિરપ્રવેશ સાથે એમને પરાપૂર્વનો કોઈક ચોક્કસ સંબંધ હતો કે કેમ એનો યથાર્થ ઉત્તર તો એ જ આપી શકે : આપણે તો એનું અનુમાન કરીને એવો કોઈક ઘનિષ્ટ સંબંધ હશે એવી માન્યતા જ રાખવી રહી. તોપણ એટલું નિર્વિવાદ હતું કે એમનો એ પ્રદેશમાં આવવાથી પોતાના ઘરમાં આવ્યા બરાબર જ આનંદ થવા લાગ્યો.

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok