ભગવાન રમણ મહર્ષિ

પાતાળલિંગમમાં

પાતાળલિંગના એ પુરાતન જીર્ણશીર્ણ સ્થાનમાં એમણે પ્રસન્નતાપૂર્વક પ્રવેશ કર્યો પરંતુ એ પ્રવેશ એમને માટે અસાધારણ અગ્નિપરીક્ષા  બરાબર થઈ પડ્યો. ત્યાં રહીને સુખશાંતિપૂર્વક બેસવાનું ને તપશ્ચર્યા કરવાનું સહેલું ન હતું. એ પુરાતન સ્થળમાં કીડા ને મંકોડા પુષ્કળ પ્રમાણમાં હોવાથી મહર્ષિ જ્યારે ઊંડા ધ્યાનમાં બેસતા ત્યારે એ એમના શરીર પર ફરી વળતા. એમને લાંબા વખત પછી ઉત્તમ પ્રકારનું ભક્ષ્ય મળવાથી એમની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એમણે એમના શરીરને ફોલી ખાધું. પરિણામે એની અંદરથી લોહી નીકળવા લાગ્યું.

મહર્ષિના જેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાધારણ સાધક ના જ બેસી શકે એ દેખીતું છે. એવા વિષમ વાતાવરણમાં ધ્યાન કરવાનું કામ કપરું છે. શરીર પર કીડી કે માખી બેસે છે તોપણ માણસનું ધ્યાન તરત ત્યાં ચાલ્યું જાય છે અને એની એકાગ્રતાનો નાશ થાય છે તો કીડી, માખી કે મંકોડા જો ચટકા ભરવાનું આરંભે તો તો પછી કહેવું જ શું ? એ અવસ્થામાં અસાધારણ મનાતા સાધકો પણ માનસિક સ્થિરતાને ભાગ્યે જ સાચવી શકે. મહર્ષિની એ વખતની આત્મિક અવસ્થા સાધારણ ન હતી, અસાધારણ પણ ન હતી; અસાધારણમાં અસાધારણ હતી એટલે શરીરની ઉપર થતી અસરોની વચ્ચે પણ એ અચળ અને આત્મનિષ્ઠ રહ્યા. ઊંડી ધ્યાનાવસ્થામાં ડૂબી જતા ત્યારે એમનું મન શરીરથી ઉપર ઊઠી જતું. એ અવસ્થામાં શરીરને થતી અસરોની ખબર એમને ના પડતી.

એમની નીડરતા, હિંમત તથા તીવ્ર તપશ્ચર્યાને દેખીને દર્શકો ખૂબ જ આશ્ચર્યચક્તિ બની ગયા. કેટલી બધી અસાધારણ તપશ્ચર્યા ! એમનામાંના કેટલાક એમને કોઈ અલૌકિક આત્મા સમજવા લાગ્યા અને અધિકાધિક આદરભાવથી જોવા માંડ્યા. તોપણ છોકરાઓનો ઉપદ્રવ હજુ શાંત નહોતો થયો. છોકરાઓ તોફાની વૃત્તિનો આશ્રય લઈને એમને પજવવાના આશયથી એકાંત પાતાળલિંગ તરફ માટી ફેંકતા. એને લીધે એમનું સમસ્ત શરીર માટીથી ઢંકાઈ જતું. તોપણ બાહ્ય જગતમાંથી મનને નિવૃત્ત કરીને આત્માની અલૌકિક ધ્યાનસાધનામાં તલ્લીન બનેલા હોવાથી એ જરા પણ ચલાયમાન ના થતા તથા વિક્ષુબ્ધ પણ ના બનતા. એમની એકાગ્રતા અને આત્મપરતા એવી જ અકબંધ રહેતી. એમાં કશો પણ ફેર ના પડતો. તોફાની છોકરાઓના વિક્ષેપમાંથી એમને ઉગારવાને માટે એકવાર પરમસંત પાગલ શેષાદ્રિ આવી પહોંચ્યા પણ છોકરાઓની ઉપર એની લગાર પણ અસર ના થઈ. એમને એ સંતને બદલે પાગલ સમજતા હોવાથી એમની ઉપસ્થિતિમાં એ વિશેષ તોફાન કરવા લાગ્યા. પાગલ શેષાદ્રિ પોતાનો પ્રયત્ન નિફષ્ળ જતાં ત્યાંથી નિરુપાયે પાછા વળ્યા.

એક બીજે દિવસે થોડાક મુસલમાન છોકરાઓ પાતાળલિંગ તરફ માટીના ઢેફાં ફેંકતા’તા ત્યારે  વેંકટાચલ મોદલી નામના સદ્ ગૃહસ્થની નજર એમની ઉપર પડી. એ મંદિરની પાસેના રસ્તા પરથી પસાર થઈ રહેલા. એમને રમણ મહર્ષિ વિશે માહિતિ હોવાથી એ બધી પરિસ્થિતિને સહેલાઈથી સમજી ગયા. રમણ મહર્ષિ પાતાળલિંગમાં તપશ્ચર્યા કરે છે ને છોકરાઓ એમને સતાવી રહ્યા છે એ જોઈને એમને ક્રોધ પેદા થયો.

વૃક્ષની તૂટેલી ડાળખીને લઈને એ એમની પાછળ પડ્યા એટલે છોકરાઓ નાસી ગયા.

એટલામાં તો વેંકટચલ મોદલીની દૃષ્ટિ સંત શેષાદ્રિ પર પડી.

એ પાતાળલિંગના સ્થળમાંથી બહાર નીકળી રહેલા.

એમને દેખીને મોદલીને આશ્ચર્ય થયું.

એમણે એમને પૂછી જોયું : ‘છોકરાઓના ઉપદ્રવને લીધે તમને કાંઈ વાગ્યું તો નથી ?’

શેષાદ્રિએ સસ્મિત શાંતિ ભરેલા સ્વરે જણાવ્યું : ‘મને તો નથી વાગ્યું.’

 ‘તો પછી અંદર સાધના કરી રહેલા સ્વામી ને ? એમને તો નથી વાગ્યું ?’

 ‘ના. એ પણ સલામત છે. ઈશ્વર––ભગવાન અરૂણાચલ એમની રક્ષા કરી રહ્યા છે ને કરશે. છતાં પણ એમનું ધ્યાન રાખજો.’

 ‘સારું. એમનું ધ્યાન રાખવાની આપણી ફરજ છે. છોકરાઓ એમના મહિમાને નથી જાણતા એટલે એમને સતાવે છે અને કેટલાક મોટી ઉંમરના માણસો પણ અજ્ઞાનને લીધે એમની મશ્કરી કરે છે, પરંતુ આટલી નાની ઉંમરમાં આવું કઠોર તપ કોણ કરી શકે છે ? એ તો કોઈ સિદ્ધેશ્વર કે દેવતા છે.’

‘સાચું છે.’ શેષાદ્રિએ સંમતિનો સૂર પુરાવ્યો : ‘એમના સંસ્કાર ઘણા ઊંચા છે. એવું તપ સામાન્ય સાધકથી નથી થાય તેવું. એ કોઈ મહાન યોગી આત્મા છે.’

એ પછી મોદલી મહાશય પાતાળલિંગના એ એકાંત શાંત સ્થળમાં પ્રવેશ્યા.

આજુબાજુ બધે જ અંધકાર હોવાને લીધે પહેલાં તો એમને કશું જ ના દેખાયું, પરંતુ પછી બધું ઝાંખું ઝાંખું દૃષ્ટિગોચર થયું : પવિત્ર પાતાળલિંગ અને એની પાછળના નીરવ નિસ્પંદન ભાગમાં સાધનામાં ડૂબેલા, ધ્યાનસ્થ, આત્મલીન, મહર્ષિ !

એમને નિહાળીને મોદલીને આનંદ થયો. સાથે સાથે એમની અવસ્થાના વિચારથી દુઃખ પણ થયું. સુખદુઃખનાં સંમિશ્રિત ભાવ તરંગોની એમના મન પર અસર થઈ.

એ પાતાળલિંગના સ્થાનમાંથી ધીમે પગલે બહાર નીકળ્યા.

સહસ્ત્રસ્તંભવાળા મંડપની પશ્ચિમ તરફ જે બાગ છે તેમાં એ વખતે પલનિ સ્વામી નામના મલયાલી સાધુપુરૂષ પોતાના શિષ્યો સાથે વાસ કરતા.

એમની પાસે પહોંચીને મોદલીએ બે ત્રણ માણસોની મદદ માગી.

પલનિ સ્વામીએ એમની માગણીનો સ્વીકાર કર્યો.

એ પછી એમણે બીજા ત્રણ માણસોની મદદથી પાતાળલિંગના શાંત સ્થાનમાં પ્રવેશીને મહર્ષિને એમની ઊંડી ધ્યાનાવસ્થામાંથી જાગૃત કરવાનો પ્રયત્ન કરી જોયો, પરંતુ એમનો પ્રયત્ન નિરર્થક ઠર્યો.

બાહ્યજ્ઞાનશૂન્ય બનીને સમાધિદશામાં ડૂબેલા મહર્ષિ જ્યારે કોઈ રીતે જાગ્યા જ નહિ ત્યારે એમણે પેલા માણસોની મદદથી એમના લોહીથી લથબથ થયેલા જખમી શરીરને ઊંચકી લીધું.

પાતાળલિંગના સ્થાનમાંથી એવી રીતે બળજબરીપૂર્વક બહાર કાઢવા છતાં મહર્ષિની સમાધિદશા તૂટી નહીં ત્યારે એમના આશ્ચર્યનો અંત ના રહ્યો. યોગ અથવા ધ્યાનની એવી અદ્ ભુત અવસ્થાનું દર્શન એમણે એ પહેલાં કદાપિ નહોતું કર્યું. એ વિશેનાં કેટલાંક ઉપલક વર્ણનો એમણે પુસ્તકોમાં વાંચેલાં ને સદાશિવ બ્રહ્મ જેવા મહાયોગીના અસાધારણ સમાધિજીવન વિશે સાંભળેલું, પરંતુ સાંભળવું ને વાંચવું એક વસ્તુ છે ને પ્રત્યક્ષ અનુભવવું એ જુદી જ વસ્તુ છે. એવા સ્વાનુભવનો પ્રસંગ એમના જીવનમાં એ પહેલો જ હતો. એ અપરોક્ષાનુભવ અત્યંત અનેરો અને અવિસ્મરણીય હતો એમાં સંદેહ નહિ. ધ્યાનની એવી અદ્ ભુત અવસ્થાની અનુભૂતિ એટલી નાની ઉંમરમાં થવાનું કામ કેટલું બધું કષ્ટસાધ્ય કે કઠિન છે તેની કલ્પના એ માર્ગના સાધકો સહેલાઈથી કરી શકશે. એમના અંતરમાં મહર્ષિની એ અનુભૂતિને માટે અસાધારણ આદરભાવ ઉત્પન્ન થશે એ નિર્વિવાદ છે.

મોદલી મહાશયે મહર્ષિના શરીરને ગોપુર સુબ્રહ્મણ્ય સ્વામીના મંદિરમાં રાખી દીધું.

મહર્ષિએ લાંબે વખતે નેત્રો ઉઘાડ્યાં.

એમનું બાહ્યજ્ઞાનશૂન્ય ધ્યાનાવસ્થિત સમાધિમગ્ન મન પાછું જાગૃતિમાં આવ્યું ને બાહ્યજ્ઞાનથી સંપન્ન બન્યું.

એ પ્રસંગ પછી એમને માટે પૂજ્યભાવ ધરાવતા લોકો એમને બ્રાહ્મણ સ્વામીના સવિશેષ નામે સંબોધવા લાગ્યા.

કેટલાય ધર્મપરાયણ શ્રદ્ધાળુ સ્ત્રીપુરૂષો એમને ભારે ભક્તિભાવથી જોવા લાગ્યાં.

એમના જીવનમાં એવી રીતે એક અવનવા અધ્યાયનો આરંભ થયો.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.