ભગવાન રમણ મહર્ષિ

વેંકટરામન મળી ગયો !

કાળચક્ર પોતાનું કાર્ય કરવા લાગ્યું.

વેંકટરામને ૨૯મી ઑગસ્ટ ૧૮૯૬ ને દિવસે ગૃહત્યાગ કર્યો તે પછી ઈ.સ. ૧૮૯૮ના મેની પહેલી તારીખે મદુરામાં સુબ્બય્યરનો સ્વર્ગવાસ થયો. એ શોક પ્રસંગના ઉપલક્ષમાં નેલ્લિયપ્પય્યરનાં કુટુંબીજનો મદુરા ગયાં. સુબ્બય્યરની મરણોત્તર વિધિથી નિવૃત્ત થઈને એક દિવસ સૌ ઘરના આંગણામાં બેઠેલા ત્યારે એક ઉલ્લેખનીય ઘટના બની. તિરુચ્ચુલીનો એક છોકરો ત્યાં દોડી આવ્યો ને બોલી ઊઠ્યો:

 ‘વેંકટરામન મળી ગયો, મળી ગયો !’

 ‘કેવી રીતે ને ક્યાં મળી ગયો ?’

 ‘એ અત્યારે તિરૂવણ્ણામલૈમાં છે.’

 ‘ત્યાં શું કરે છે ?’

 ‘બીજુ શું કરવાનું હોય ? એ સાધુ બની ગયો છે.’

 ‘સાધુ ?’

 ‘હા સાધુ.’

 ‘સાચી વાત છે ?’

 ‘સો ટકા સાચી.’

 ‘તને એ માહિતી કેવી રીતે મળી ?’

 ‘હું જે કહું છું તે સાચું જ કહી રહ્યો છું. હું મદુરાના તિરુજ્ઞાન સંબંધરના મઠમાં ગયેલો. ત્યાં તંબિરાન નામના કોઈ સંતપુરૂષ તિરૂવણ્ણામલૈમાં તપશ્ચર્યામય જીવન જીવનારા કોઈક પવિત્ર સંયમી નાની ઉંમરના સંતની પ્રશંસાત્મક વાતો કરી રહેલા. તંબિરાને જણાવ્યું કે એ સંત તિરુચ્ચુલીના નિવાસી છે. એમનો એ પરિચય સાંભળીને મને એ વિશે વિગતો મેળવવાની ઈચ્છા થઈ આવી. તંબિરાનનો વિશેષ સંપર્ક સાધીને મેં બીજી માહિતી પ્રાપ્ત કરી તો મારી ખાતરી થઈ કે તિરૂવણ્ણામલૈના એ તપસ્વી સંતપુરૂષ બીજા કોઈ નહિ પણ વેંકટરામન જ છે. એવી ખાતરી થતાં હું તમને સૌને સમાચાર પહોંચાડવા માટે વહેલામાં વહેલી તકે આવી પહોંચ્યો.

એ અભિનવ સમાચાર સાંભળીને કુટુંબીજનોને આનંદ થયો. એમના અંધકારાવૃત આશારહિત અંતરમાં આશાનું અવનવું કિરણ ફૂટી નીકળ્યું.

એ ઘટના પછી થોડેક દિવસે નેલ્લિયપ્પય્યર પોતાના કોઈક મિત્રને લઈને તિરૂવણ્ણામલૈ જઈ પહોંચ્યા. એ વખતે એ માનામદુરામાં વકીલાતનો વ્યવસાય કરતા. વકીલાતના એ અખૂટ અનુભવને એમણે તિરૂવણ્ણામલૈમાં જરા જુદી રીતે કામે લગાડવાનો હતો ને પોતે તેમાં સંપૂર્ણપણે સફળ થશે એવી શ્રદ્ધા હતી.

રમણ મહર્ષિ એ વખતે નાયકરના આમ્રવૃક્ષોના બગીચામાં વાસ કરતા.

નાયકરે એમને અંદર પ્રવેશ કરતાં અટકાવ્યા ને કહ્યું : ‘સ્વામીજી મૌન રાખે છે ને તીવ્ર તપમાં મગ્ન રહે છે. તમારા અંદર જવાથી એમની સાધના તથા શાંતિમાં વિક્ષેપ પડશે.’

 ‘પરંતુ અમે તો એમના સંબંધી છીએ. એમની સાધના તથા શાંતિમાં વિક્ષેપ પાડવાની ઈચ્છાથી પ્રેરાઈને અમે અહીં નથી આવ્યા. એવી અમંગલ કામના અમારાથી કરી જ ના શકાય. અમે તો એમનાં દર્શનનો લહાવો મળશે એને અમારું મોટું ભાગ્ય માનીશું.’

નાયકરે એમની ઓળખાણ માગી તો એમણે એક કાગળ પર લખી જણાવ્યું : ‘માનામદુરાના વકીલ નેલ્લિયપ્પય્યર તમારાં દર્શનની ઇચ્છા રાખે છે.’

એ કાગળ નાયકરને આપીને એમણે કહ્યું : ‘તમારા સ્વામીજીને આ કાગળ વંચાવજો ને એ પછી એમની અનુમતિ મળે તો જણાવજો. અમે એમનું દર્શન કરીને આનંદ પામીશું.’

નાયકરે કાગળ મહર્ષિને પહોંચાડ્યો. મહર્ષિ એને તરત જ ઓળખી ગયા.

એ કાગળ મહર્ષિના મોટા ભાઈ નાગસ્વામી જ્યાં કારકુન તરીકે કામ કરતા તે રજિસ્ટ્રેશન વિભાગનો હતો. એની પાછળના ભાગમાં નાગસ્વામીના હસ્તાક્ષર હતા. એના પરથી મહર્ષિ સહેલાઈથી સમજી શક્યા કે નાગસ્વામી રજિસ્ટ્રેશન વિભાગમાં કામ કરે છે. કાગળની બીજી બાજુએ મહર્ષિના પૂર્વાશ્રમના કાકાના હસ્તાક્ષર હતા. મહર્ષિએ એમને ઓળખી કાઢ્યા અને એમને અંદર આવવાની અનુમતિ આપી.

નેલ્લિયપ્પય્યર મહર્ષિ પાસે આવી પહોંચ્યા.

મહર્ષિનો બાહ્ય વેશ તદ્દન બદલાઈ ગયેલો. એની એમને કલ્પના પણ ન હતી. એ દેખીને એમનું હૃદય હર્ષ અને શોકના દ્વિવિધ સંમિશ્રિત ભાવોમાં ઝૂલી રહ્યું.

મહર્ષિ પોતે મૌન હોવાથી એમની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાની શક્યતા ના લાગવાથી નેલ્લિયપ્પય્યર પલનિ સ્વામી તથા નાયકરની સાથે વાતે વળગ્યા ને બોલ્યા :

 ‘સંતોનો સમાગમ કોને માટે સુખદાયક અને કલ્યાણકારક નથી થતો ? આજનો દિવસ મારા જીવનનો ધન્ય દિવસ છે. અમારા કુટુંબમાંથી એક આત્માએ આત્મકલ્યાણનો આદર્શ માર્ગ અંગીકાર કરીને એકધારી તીવ્ર તપશ્ચર્યા દ્વારા આવી અસાધારણ અવસ્થાની પ્રાપ્તિ કરી તે જોઈને અમને અનેરો આનંદ થઈ રહ્યો છે. વેંકટરામને ઘરમાંથી વિદાય લીધી ત્યારથી અમે ખૂબ જ ચિંતિત હતાં. એમની શોધ કરવામાં અમે કોઈ પણ ઉપાય બાકી નથી રાખ્યો. એમને એક સાધનારત સંતપુરૂષના સ્વરૂપમાં નિહાળીને મારું પોતાનુ અંતર આનંદોર્મિથી ઊભરાઈને ઊછળી ઊઠ્યું છે. મારાં લોચન આ આશીર્વાદરૂપ અદ્દભુત દર્શનથી ધન્ય બન્યાં છે. વેંકટરામને અમારા કુળને ઉજાળ્યું છે એમાં શંકા નથી; પરંતુ એમના એક સંબંધી તરીકે મને એક બીજો વિચાર આવી રહ્યો છે. એને વ્યક્ત કર્યા સિવાય મને શાંતિ નહિ વળે.’

 ‘કયો વિચાર આવી રહ્યો છે ?’

 ‘અમે ઇચ્છીએ છીએ કે એ અમારી પાસે કે સાથે રહે, અમને સૌને એમનાં દર્શન સમાગમનો, એમની સેવાનો દેવદુર્લભ લાભ આપે, ને ઈચ્છાનુસાર તપ કરે. અમે એમના તપમાં વચ્ચે આવવા નથી માગતાં. અમે એમને સઘળી રીતે સહાય કરીશું. એ એમના વ્રતોને ને નિયમોને ભલે વળગી રહે ને પોતાની જીવનપદ્ધતિને અનુસરીને આગળ વધે. અમે એમને એમાંથી ડગાવવા નથી માગતાં. હું જ્યાં રહું છું ત્યાં માનામદુરામાં જ એક મહાન સંતની સમાધિ છે. એ સમાધિ સાધના માટે સર્વપ્રકારે સાનુકૂળ છે. ત્યાં એમને રહેવાની બધી જ વ્યવસ્થા થઈ શકે તેમ છે. એમની ઈચ્છા હોય તો એમને એ શાંત, સુંદર, સાનુકૂળ, સ્થળમાં રહેવા માટે મારી સાથે જ લઈ જઉં.’

નેલ્લિયપ્પય્યરે બનતી બધી જ દલીલો કરી જોઈ. કોર્ટમાં એ પોતાની અસામાન્ય દલીલશક્તિથી કેટલાય કેસો જીતી ચૂકેલા એ સાચું, પરંતુ એ દલીલ શક્તિનો ઉપયોગ આ પ્રસંગે નહોતો કરી શકાય તેમ.

મહર્ષિના મન પર એમની દલીલોની કશી જ ઉલ્લેખનીય અસર ના પડી. એમના શબ્દોને એ એવી જ સ્વસ્થતા ને નિર્વિકારિતાથી સાંભળી રહ્યા. નેલ્લિયપ્પય્યરને એમની આત્મવિકાસની અંતરંગ અવસ્થાનો લેશપણ ખ્યાલ ન હતો, ને ના હોય એ સહેજે સમજી શકાય તેમ હતું, તોપણ એ એટલું તો સ્પષ્ટતાપૂર્વક સમજી શક્યા કે વેંકટરામન પહેલાના વેંકટરામન નથી રહ્યા, એમનું વ્યક્તિત્વ હવે આમૂલ બદલાઈ ગયું છે, કુટુંબીજનો કે પરિવારનાં સભ્યો પ્રત્યે એમને કોઈ પણ પ્રકારનો અનુરાગ નથી રહ્યો, અને જે માર્ગ લીધો છે તેનો કોઈ પણ સંજોગોમાં પરિત્યાગ કરીને એ ઘેર પાછા ફરવા નથી માગતા. ના, એને માટેની આશાનું આછુંપાતળું એકે કિરણ હવે નથી દેખાતું.

તો પછી અહીં રહેવાનો અર્થ શો ? તે તો હિમાલય જેવા આત્મલીન અને અચળ છે. એ બેઠા બેઠા બધું શાંતિથી સાંભળી રહ્યા છે ખરા, પરંતુ એમની મુખમુદ્રા પર કોઈયે પ્રકારનું પરિવર્તન નથી દેખાતું.

તિરૂવણ્ણામલૈમાં પાંચ દિવસ રહ્યા પછી નેલ્લિયપ્પય્યરે એમના મિત્ર સાથે મદુરા જવા માટે વિદાય લીધી. વિદાય થતાં પહેલાં એમણે મહર્ષિની મમતાળુ માતાને મહર્ષિની માહિતી મોકલી ને જણાવ્યું કે વેંકટરામન તદ્દન બદલાઈ ગયા છે અને એમના પાછા ફરવાની લેશ પણ આશા નથી. એમને સમજાવવા કે મનાવવાના બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા છે. ઈશ્વરે એમને માટે એવું જ વિધાન રચ્યું હોય એવું લાગે છે એટલે જ એ આટલી બધી મક્કમતા તેમ જ સાહજિકતાથી એ માર્ગે જઈ રહ્યા છે. સંતોષ માત્ર એટલો જ છે કે એમનો માર્ગ અમંગલ નથી પણ મંગલ છે, આદર્શ છે. અભિનંદનીય છે.

* * *          * * *          * * *          * * *

એ પછી થોડેક વખતે મહર્ષિએ આમ્રવૃક્ષોના એ સ્થાનને પણ કોઈક પ્રતિકૂળતા લાગવાથી છોડી દીધું ને અરૂણગિરિનાથના નાના મંદિરમાં રહેવાનું શરૂ કર્યું. એ સ્થાનને છોડતી વખતે એમણે કોઈ પણ માનવના સાથ કે સંસર્ગ વિના એકલા જ રહેવાનો નિશ્ચય કર્યો, ને પલનિ સ્વામીને જણાવ્યું :

 ‘આપણે બંને હવે જુદાં જુદાં સ્થળમાં રહીએ, આવશ્યકતાનુસાર ભિક્ષા માગીએ ને સાધના કરીએ. આપણે સાથે ના રહીએ એ સારું છે.’

પલનિ સ્વામીના મસ્તક પર જાણે કે વીજળી પડી. એમને મહર્ષિનો પ્રસ્તાવ જરા પણ પસંદ ના પડ્યો. એમને મહર્ષિ માટે અનંત મમતા હતી. એ દિવસની ભિક્ષા લઈને એ અરુણગિરિનાથના મંદિરમાં પાછા ફર્યા ને કહેવા માંડ્યા :

 ‘તમને છોડીને હું ક્યાંય નહિ જઈ શકું. મારાથી તમારા સંસર્ગ વિના નહિ રહી શકાય.’

મહર્ષિ મૌન રહ્યા.

એ પલનિ સ્વામીના પવિત્ર પ્રેમથી પરિચિત હતા. એ પ્રેમની પાછળ સ્વાનુભવના પરિણામે પેદા થયેલી સદ્દબુદ્ધિ હતી. માટે જ એ નિઃસ્વાર્થ ને સનાતન હતો. પલનિ સ્વામીનો એ પ્રેમ એમના શુભ પૂર્વસંસ્કારોની પ્રબળતાના પરિણામરૂપ હતો. એ પવિત્ર પ્રેમને લીધે જ એ મહર્ષિના સંસર્ગને સાચવી શક્યા અને એમની મહામૂલી સેવા કરી શક્યા.

અરુણગિરિનાથના નવા મંદિરમાં પણ લોકોની ને દર્શનાર્થીઓની ભીડ સારા પ્રમાણમાં રહેતી હોવાથી મહર્ષિને શાંતિ ના લાગી. એટલા માટે એકાદ માસ પછી એમણે એ મંદિરનો ત્યાગ કર્યો, અને અરૂણાચલેશ્વરના મંદિરના મિનારામાં રહેવા માંડ્યું. પરંતુ ત્યાં પણ શાંતિ ના દેખાવાથી એકાદ અઠવાડિયાથી અધિક ના રહી શક્યા. એ સ્થાનપરિવર્તન કરીને અરૂણાચલની ઉત્તરપૂર્વ દિશામાં આવેલી પવલ કુન્નૂ નામની ટેકરી પર પહોંચી ગયા. જનતાની માન્યતાનુસાર એ ટેકરી અરૂણાચલ પર્વતની જ પવિત્ર ટેકરી છે. એની ઉપર શંકર ભગવાનનું મંદિર, જલાશય તથા ગુફા ને નીચે મઠ છે. મહર્ષિ મંદિરના મંગલ વાતાવરણમાં આવેલી ગુફામાં રહેવા લાગ્યા. પલનિ સ્વામી સેવાભાવથી પ્રેરાઈને એમને માટે ભિક્ષા માગી લાવતા, પરંતુ કોઈવાર એ બહાર જતા ત્યારે મહર્ષિ ગુફામાંથી બહાર આવી, નીચે ઊતરીને, એ કામ અત્યંત પ્રેમપૂર્વક કરી લેતા. ભાવિક ભક્તો ગુફામાં પણ ભિક્ષા પહોંચાડવાનો આગ્રહ રાખતા.

ગુફામાં મહર્ષિનો શેષ સઘળો સમય આત્મસાધનામાં પસાર થતો. સાધનામાં એ એટલા બધા તલ્લીન રહેતા કે વાત નહિ. બાહ્ય જગતનું ને શરીરનું વિસ્મરણ એમને માટે સહજ બની જતું.  કોઈ કોઈ વાર એવું પણ બનતું કે મંદિરના પૂજારીને ગુફામાં એમની ઉપસ્થિતિનો ખ્યાલ ના રહેતો ને એ મંદિરનાં બારણાં બંધ કરીને બહાર નીકળી જતો. એવે વખતે કેટલાક લોકો બારણાં ના ઊઘડે ત્યાં સુધી એમનાં દર્શનની ઈચ્છાથી બહાર બેસી રહેતા.

પવલ કુન્નૂ નામની એ ટેકરી પ્રવાલ પર્વતના નામે પણ ઓળખાતી. મહર્ષિ એ ટેકરી પર છ મહિના જેટલો લાંબો સમય રહીને તપશ્ચર્યા કરતા રહ્યા. એ સમય દરમિયાન એમના ત્યાગ તથા વૈરાગ્યની કસોટી કરતો એક ઐતિહાસિક બનાવ બન્યો એ ખાસ ઉલ્લેખનીય છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.