if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

* માલેટ *

આધ્યાત્મિકતાની અદભુત દુનિયામાં પૂર્વપશ્ચિમના ભેદ નથી હોતા. એને અનુસરીને બ્રન્ટનની પેઠે બીજા કેટલાય પરદેશી અધ્યાત્મપ્રેમી આત્માઓ રમણ મહર્ષિ પાસે આવવા માંડ્યા.

એ આત્માઓમાં સ્ત્રીઓનો સમાવેશ પણ સ્વાભાવિક રીતે જ થઈ જાય છે.

એવી જ એક સંસ્કારમૂર્તિ અધ્યાત્મપ્રેમી સુશિક્ષિત સ્ત્રીએ રમણાશ્રમમાં થોડોક વખત રહીને મહર્ષિના સ્વર્ગીય સાંનિધ્યનો સ્વાદ ચાખેલો.

એ સ્ત્રીનું નામ પાસ્કાલાઈન માલેટ.

પોતાના મિત્રો સાથેની મહર્ષિના આશ્રમની મુલાકાત સંબંધમાં એ સન્નારીએ એના પુસ્તક ‘ટર્ન ઈસ્ટવર્ડઝ’ માં જે ઉદગારો કાઢ્યા છે તે ખાસ મનન કરવા જેવા છે. એ ઉદગારોનું અધ્યયન કરવાથી મહર્ષિના અસાધારણ વ્યક્તિત્વનો ખ્યાલ આવે છે. એ પુસ્તકમાં એ લખે છે :

 ‘ભારતીય પરંપરા પ્રમાણે પ્રણામ કરીને અમે મહર્ષિના હોલમાં શાંતિપૂર્વક આગળ વધીને દર્શનાર્થીઓની સાથે જમીન પર બેસી ગયાં. એ અવિસ્મરણીય દૃશ્યને હું શાંતિથી નિહાળવા લાગી. મારું સમગ્ર ધ્યાન એ મધ્યવર્તી મુખ્ય વ્યક્તિ પર કેન્દ્રિત થયું, જેનું નીરવ ગૌરવ, શાંત સાત્વિક સામર્થ્ય અને પરિપૂર્ણ મૌન એ આખાય સ્થળને અનિવર્ચનીય શાંતિથી ભરી દેતું લાગ્યું. એમની તારા સરખી સુપ્રકાશિત આંખનું અવલોકન કરવાથી અનંતતાના રહસ્યનું સૌથી પહેલું ઉદઘાટન કરી શકાતું ને વિચારથી પારના પરમાનંદનો અનુભવ થતો.

‘એ વખતે મહર્ષિના મહાન વાર્ષિક જન્મોત્સવની જોરશોરથી તૈયારીઓ ચાલી રહેલી. એ અવસર પર દેશના વિભિન્ન વિભાગોમાંથી હજારોની સંખ્યામાં લોકો એમનું દર્શન કરવા અને એમના આશીર્વાદ મેળવવા એકઠા થાય છે તથા એ બધાને માટે ભોજન તથા આશ્રયનો પ્રબંધ કરવામાં આવે છે.’

 ‘અમે હોલમાં પ્રવેશ્યાં ત્યારે મહર્ષિ લખવામાં, પત્રો વાંચવામાં ને વર્તમાનપત્રો જોવામાં મગ્ન હતા. દુનિયામાં બનતી બધી જ ઘટનાઓમાં એ ઊંડો રસ લેતા દેખાયા. તો પણ મને લાગ્યું કે એ સમસ્ત સમય દરમિયાન એ દેશ અને કાળથી અતીત અવસ્થામાં વાસ કરે છે, જ્ઞાન અને અજ્ઞાન તથા બીજાં બધાં જ દ્વંદ્વોમાંથી મુક્તિ મેળવી ચૂક્યા છે, અને સૃષ્ટિના સૂત્રધાર જેવી પરમચેતનામાં પ્રતિષ્ઠિત છે.’

 ‘એમનું વ્યક્તિત્વ એકદમ અનાસક્ત અને દેહાધ્યાસથી પર હતું તો પણ સાર્વત્રિક સહાનુભૂતિ, કરુણા ને સ્નેહથી સભર દેખાયું. એમની પાસે સુખ તેમ જ સહાયતા મેળવવાની આશાથી આવતાં દુઃખી ને વ્યથાતુર લોકોની વ્યથાઓ, પીડાઓ, ચિંતાઓ અને સમસ્યાઓ તેમ જ મુશ્કેલીઓને સમજવાની શક્તિથી એ સંપન્ન લાગ્યા. ગરીબ અને અમીર, સ્ત્રી–પુરૂષ અને બાળકો, તથા બ્રાહ્મણો ને શૂદ્રો સૌ એમને મન સરખાં હતાં. એ સૌને સમદૃષ્ટિથી જોયા કરતા.’

 ‘એમની સંનિધિમાં રહેવાથી માનવને એમની મહામૂલી મદદ મળી રહે છે એમાં શંકા નથી. આશ્રમમાં આવનાર કોઈપણ–– પછી એ આશ્વાસન મેળવવા, આધ્યાત્મિક પ્રકાશની પ્રાપ્તિ કરવા, કે કેવળ કુતૂહલવૃતિથી પ્રેરાઈને આવતા હોય તો પણ, ખાલી હાથે પાછા નથી ફરતા એ હકીકત સાચી છે. પ્રત્યેકને પોતાની ઓછીવત્તી યોગ્યતાનુસાર મદદ મળી રહે છે, અને અનેક આત્માઓએ એવા અંતરંગ અનુભવોની પ્રાપ્તિ કરી છે જેમણે એમનાં જીવનને ધરમૂળથી બદલી નાખ્યાં છે.’       

                        

 * હારી ડિકમન *

એમનો પવિત્ર પ્રકાશ ઝીલવા ને પાવન થવા પશ્ચિમના જે અનેક આત્માઓ એમની પાસે આવી પહોંચ્યા તેમાં હારી ડિકમન સૌથી પહેલા હતા.

રશિયાની પશ્ચિમે આવેલા બાલ્ટિક સમુદ્રના તટ પરના નાના રાજ્ય લેટવિયાના તુકુમ શહેરના વતની ડિકમન એક અત્યંત સંસ્કારી આત્મા હતા. એમને છેક કિશોરાવસ્થાથી જ યોગાભ્યાસની લગની લાગેલી. એથી પ્રેરાઈને એમણે યોગની જુદી જુદી ક્રિયાપ્રક્રિયાઓનો અભ્યાસ કરેલો. એ રમણાશ્રમમાં રહ્યા તે દરમિયાન એમની પાસેથી આસનાદિ ક્રિયાઓને શીખવા માટે કેટલાય સાધકો આવી પહોંચેલા અને એમને એમણે પોતાની શક્તિ મુજબ પથપ્રદર્શન પૂરું પાડેલું.

ડિકમન મહર્ષિ પર ખૂબ જ પ્રેમ ને શ્રદ્ધા રાખતા ને એમને સર્વસ્વ સમજતા. જરૂર પ્રમાણે એ એમનું માર્ગદર્શન પણ મેળવતા. એમને યોગ તથા વેદાંત પર પ્રીતિ હતી ને બ્રહ્મચર્યના પાલનમાં શ્રદ્ધા. એ અંગ્રેજી, હિંદી ને સંસ્કૃત સારી રીતે જાણતા. એમણે  મહર્ષિના ‘હું કોણ છું ?’ પુસ્તકનો પોતાની ભાષામાં અનુવાદ કરેલો ને વિવેકાનંદના ગ્રંથો અથવા વ્યાખ્યાનો વાંચી કાઢેલાં. એથી એમને ઘણો લાભ થયેલો.

ડિકમન પોતાના શિષ્યો તથા પ્રશંસકો સાથે પોતાના દેશમાં દર વરસે મહર્ષિની જયંતીનો ઉત્સવ કરતા. મહર્ષિએ એમને લખેલા એક પત્રનો સારાંશ ઉદધૃત કરવા જેવો છે :

‘કામ તથા પ્રેમ કેટલા જુદા છે ? બંનેમાં કેટલું અંતર છે ? એક સ્વર્ગમાં લઈ જાય છે ને બીજું નરકમાં. એક સંસારનો સંરક્ષક છે તો બીજો સર્વસંહારક. એ બંનેના તફાવતને જે નથી જાણતો તેનો સર્વનાશ નિશ્ચિત છે.’

‘બ્રહ્મચર્યપાલનથી તેજ, ઓજસ, બળ, બુદ્ધિ બધાંની રક્ષા થાય છે. ભોગવિલાસ એ બધાંનો નાશ નોતરે છે. બધી સારી ટેવોને માટે તેમ એને માટે પણ દસથી સોળ વરસોની વચ્ચેની અવસ્થા ઉત્તમોત્તમ છે.’

‘ભોજન સીમિત અને સાત્વિક જોઈએ. રાતના દસ વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધીની નિદ્રા પૂરતી છે.’

‘મનને ઉત્તમ વિચારમાં લગાડવું જોઈએ. ઉત્તેજક સાહિત્યનું વાચન છોડી દેવું જોઈએ. ફુલના બહારના સૌન્દર્ય પર મુગ્ધ થવાથી લાભ નહિ થાય. એને મોહકતા આપનારા આત્મતત્વનો વિચાર કરવો જરૂરી છે. સ્ત્રીની અંદરના આત્માને ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ, કેમકે સૌન્દર્યનું સાચું કારણ આત્મા જ છે. ’

એક આશાસ્પદ સંસ્કારી સાધકને સંબોધીને લખાયલો આ પત્ર કેટલો બધો સુંદર ને સર્વોપયોગી છે ? એના લખાવનારા મહર્ષિ તો ધન્ય છે જ; પણ જેમને ઉદ્દેશીને એ લખાયો છે તે ડિકમનને પણ ધન્યવાદ આપીએ. 

 

* ભિક્ષુ પ્રજ્ઞાનાનંદ*

મહર્ષિના સંસર્ગમાં આવેલા અસાધારણ આત્માઓમાં ભિક્ષુ પ્રજ્ઞાનાનંદ પણ ઉલ્લેખનીય છે.

પ્રજ્ઞાનાનંદ અંગ્રેજ હતા. એમણે ઓક્સફર્ડની ઉપાધિ પ્રાપ્ત કરેલી. એ કેટલીય ભાષાઓનું પ્રભુત્વ ધરાવતા. પૂર્વાશ્રમનું એમનું નામ ફેડરિક ફલેચર હતું. યરોપના બીજા વિશ્વયુદ્ધમાં એમણે એક પલટણના અધિપતિ તરીકે ભાગ લીધેલો. પરંતુ એમને માટે એક સૈનિક કે સેનાધ્યક્ષ કરતાં જુદા જ પ્રકારનું જીવન નિર્માયું હોવાથી યુદ્ધની ભયંકરતા તથા વિનાશકતાને જોઈને એમનું હૃદય રડીને દ્રવી ઊઠ્યું. એમને હિંસાના એ અમંગલ માર્ગનો ત્યાગ કરીને અહિંસાના મંગલ માર્ગને અપનાવવાનું મન થયું અને એના પરિણામે એમણે બુદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. ફ્રેડરિક ફ્લેચર એવી રીતે ભિક્ષુ પ્રજ્ઞાનાનંદ બન્યા.

ભીક્ષુ બન્યા પછી એ બ્રહ્મદેશ ને તિબેટમાં લાંબા વખત લગી પરિભ્રમણ કરતા રહ્યા. એમણે રંગુનમાં એક આશ્રમની સ્થાપના પણ કરી.

ઈ.સ.૧૯૩૨માં ભારતભ્રમણ દરમિયાન ભાગ્ય એમને રમણાશ્રમમાં લઈ આવ્યું. મહર્ષિની મુલાકાતથી એમને અતિશય આનંદ થયો. મહર્ષિની નિષ્ઠા તથા શાંતિથી પ્રભાવિત થઈને એમના સાંનિધ્યમાં રહેવાની ભાવનાથી એમણે આશ્રમમાં લગભગ બે મહિના સુધી વાસ કર્યો, અને એમના સદુપદેશનો લાભ લીધો.

આશ્રમમાંથી વિદાય થયા પછી પણ મહર્ષિ સાથેનો એમનો સંબંધ ચાલુ જ રહ્યો.

એ એમની આધ્યાત્મિક અવસ્થા સંબંધમાં અવારનવાર પત્રો લખીને મહર્ષિનું માર્ગદર્શન મેળવતા ને મિત્રો તથા પ્રશંસકોને મહર્ષિનો પરિચય કરાવતા.

પોલ બ્રન્ટન જ્યારે પહેલવહેલા મહર્ષિના આશ્રમમાં આવ્યા ત્યારે ભિક્ષુ પ્રજ્ઞાનાનંદ ત્યાં હાજર હતા.

મહર્ષિના જીવનસંદેશે સંસારના જુદા જુદા પ્રદેશોના અધ્યાત્મપ્રેમીઓને પ્રભાવિત કર્યા છે. જર્મની તથા ઈંગ્લાંડના વિદ્વાન વિચારકો એથી વધારે આકર્ષાયા છે.

સ્વિત્ઝરલેંડમાં એમના સંદેશના પ્રચાર માટે તથા આત્મસાક્ષાત્કારની ધ્યાન જેવી અંતરંગ સાધનાના અભ્યાસ માટે એમની એક ભક્ત સ્ત્રીએ કુદરતી સૌન્દર્યથી છવાયલા સરસ શાંત વાતાવરણની વચ્ચે એક આશ્રમની સ્થાપના કરી છે. એ સન્નારીનું નામ શ્રીમતી ઓલ્ગા ફ્રોબ કીપકીન છે. આશ્રમનું સરનામું–Casa Garbrinella, Ascona Tessim, Switzerland.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.