Tue, Jan 26, 2021

મહર્ષિને મળતાં પહેલાં - 2

આ પુસ્તકના પાછળના પ્રકરણમાં વર્ણવ્યા પ્રમાણે એ પછી મેં વિચારનો આધાર લીધો. પ્રગતિના પંથ પરનાં પ્રથમ પગલાં હંમેશાં ખૂબ જ કઠિન હોય છે. આત્મવિકાસના પંથે પ્રવાસ કરતી વખતે જે સંકટોનો સામનો કરવો પડેલો તે સંકટની સામે પાછળથી હું હસી શકતો, પરંતુ એ વખતે તો એમની આંતરિક યંત્રણા લગભગ ઘણી ભારે હતી. માનવની અંદરની દુનિયાને બદલવી પડે છે અને એના મનને વશ કરવું રહે છે. મારા જીવનની એ એક મોટી કરુણતા હતી કે એ બધું કરવું જોઈએ એની માહિતી તો મને હતી જ, પરંતુ મારા મનનું સમર્પણ કોને કરવું એની ખબર ન હતી. મારા મનમાંથી મેં ચિંતનની પ્રક્રિયાને બાકાત રાખવાનો પ્રયત્ન કર્યો ત્યારે મારી અંદર કશુંક રિક્તતા જેવું લાગ્યું. એ રિક્તતા આનંદદાયક તો નહોતી જ પરંતુ થોડોક ભય પેદા કરતી. એ વખતની લાગણીને પેલા પર્વતારોહણ કરનારા માનવની લાગણી સાથે સરખાવી શકાય જે પર્વતના ઊંચા પ્રદેશ પર પહોંચ્યા પછી શ્વાસ લેવા માટેની પૂરતી હવાનો અભાવ લાગવાથી ગૂંગળામણને અનુભવે છે. એટલા માટે મેં નક્કી કર્યું કે મારે ધ્યાનનો અને આત્મવિચારનો આધાર લેવા માટે વધારે સારા અવસરની અને વધારે સારા અવસરની અને વધારે સારા સંજોગોની આવશ્યકતા છે.

મને ઘણા લાંબા વખતથી ખબર હતી કે કોઈક ચોક્કસ વસ્તુ વિશે આપણે ચોક્કસ વખતે એકાગ્રતાપૂર્વક વિચારીએ તો છેવટે એવા એકધારા અભ્યાસના પરિણામે જણાય છે કે એ વસ્તુ તરફ અને એ જ વખતે આપણું મન વળવા માંડે છે. એને લીધે આપણું ધ્યાન સરળ બને છે, વધારે અસરકારક ઠરે છે, અને વધારે પડતી મહેનતમાંથી મુક્તિ મળે છે. મેં એ સાધનની સહાયથી આગળ વધવાનો નિર્ણય કર્યો અને એની સાથે સાધના માટેના વધારે સાનુકૂળ સંજોગોને શોધવાનો સંકલ્પ કરી લીધો.

જેમની સાથે હું કોઈ કોઈ વાર પત્રવ્યવહાર કરતો તે મારા સુશિક્ષિત મોટી ઉંમરના રોમન કેથોલિક ધર્મગુરુ મારા સાધનાત્મક પ્રયત્નોથી માહિતગાર હતા. એમણે મને મારા પ્રયત્નોમાંથી પાછા વાળવાનો પ્રયત્ન નહોતો કર્યો. મેં એમને લખ્યું કે હું એક એવા સ્થળની શોધમાં છું જ્યાં થોડાક મહિના સુધી રહીને શાંતિપૂર્વક ધ્યાન કરી શકું. એમણે મને એમના પોતાના મઠમાં રહેવાની ભલામણ કરી. એમણે જણાવ્યું કે જે રોમન કેથોલિક હોય અને આધ્યાત્મિક અભ્યાસની અભિરુચિથી સંપન્ન હોય તે ત્યાં જઈ શકે છે. ત્યાં રહેતા સાધકોના સાદા જીવનમાં ભાગ લઈ શકે છે, અને પોતાની અંતરંગ યોગ્યતા પ્રમાણે મદદ મેળવી શકે છે. મને મારી અંતઃપ્રેરણા દ્વારા જણાયું કે હું એ જ વસ્તુની શોધ કરી રહેલો.

થોડાંક સપ્તાહોમાં મેં મારી સઘળી જરૂરી તૈયારી કરી લીધી. એટલે મને મઠના વડા ધર્મગુરુ પાસે લઈ જવામાં અને કામચલાઉ સાધક તરીકે સ્વીકારવામાં આવ્યો. મારા પક્ષે એને માટે કોઈ પ્રકારનું ઉત્તરદાયિત્વ નહોતું અને મેં નિખાલસતાપૂર્વક કોઇ પણ પ્રકારના સંકોચ સિવાય જણાવી દીધું કે દક્ષિણ ગોળાર્ધના દેશમાં પહોંચવા માટે મારો વિચાર થોડાક મહિનાઓ પછી યુરોપને છોડવાનો છે. પરંતુ મને કહેવામાં આવ્યું કે મારા પાદરી મિત્રે મારા વિશે બધી જ માહિતી પૂરી પાડી છે અને બધું જ વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે.

પેરિસના મધ્યભાગમાં આવેલા મઠના વિશાળ મકાનમાં મને એક સુંદર આનંદદાયક ઓરડો આપવામાં આવ્યો. બીજા એક ધર્મગુરુએ મારી પાસે પહોંચીને મને કેવાં પુસ્તકોનું વાચન પસંદ પડે છે તે પૂછી જોયું. એમણે થોમસ એ કેમ્પીઝના પ્રખ્યાત પુસ્તક ‘ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ’ ને વાંચવાનું સૂચન કર્યુ. મેં એમને જણાવ્યું કે હું એ જ પુસ્તકને વાંચવાની ઈચ્છા રાખું છું ત્યારે એમની પ્રસન્નતાનો પાર રહ્યો નહી. સંજોગોવશાત એ પુસ્તક એમણે પહેરેલા ઝભ્ભાના ખિસ્સામાં જ હતું.

આંરભનાં કેટલાંક અઠવાડિયાં દરમિયાન મને તદ્દન એકલો જ રહેવા દેવામાં આવ્યો. મારી યોજના પ્રમાણે મેં મઠના સાદાસીધા વાતાવરણમાં  પ્રવેશ કર્યો. એ વાતાવરણ મને મારા ધ્યેયની પૂર્તિ માટે સર્વ પ્રકારે સાનુકૂળ જણાયું. સવારમાં નાસ્તો કરતાં પહેલાં હું ચર્ચના પહેલા માળની ઉપર આવેલ ગેલેરીની મુલાકાત લેતો. એ ગેલેરી ચર્ચની અંદરના ભાગમાં ચારે તરફ ફેલાયેલી અને એમાં જે ખુરસીઓ તથા બેઠકો દેખાતી એમની ઉપર બેસીને ઘર્મગુરુઓ રોજ સવારે સમૂહપ્રાર્થના કરતા અને ચર્ચાવિચારણાનો આધાર લેતા. પાછળથી તો જ્યારે જ્યારે ધ્યાનમાં બેસવાની આવશ્યકતા લાગતી ત્યારે હું એ નીરવ શાંત સ્થાનની મુલાકાત લેતો. સવારના અલ્પાહાર પછી દિવસના વિશિષ્ટ કાર્યક્રમ પ્રમાણે જે કાંઈ શક્ય હતું એનું અધ્યયન કરતો. જમ્યા પછી ફરવા નીકળતો અને નગરનાં જુદાંજુદાં સુપ્રસિદ્ધ સ્થળોની મુલાકાત લેતો. વધારામાં, એ વિશાળ નગરના કોલાહલયુક્ત જીવન વચ્ચે મારા મનને વશ કરવાનો ને પલોટવાનો કે સુધારવાનો પ્રયત્ન કરતો.

કેટલીક વાર તો વહેલી સવારે હું ધ્યાનમાં મગ્ન બનીને મઠની ઝાંખી ગેલેરીમાં મારી ખુરસી પર બેસતો. મઠના સ્ટાફના એક પાદરીએ મને કેટલાક કલાકો સુધી કોઈ પણ પ્રકારના હલનચલન વગર એક આસન પર બેઠેલા જોઈને એક દિવસ મારા ઓરડામાં પ્રવેશીને મને પૂછ્યું કે આવા લાંબા અને દેખીતી રીતે જ ઊંડા ધ્યાનના અભ્યાસથી સ્વાસ્થ્યને હાનિ નહિ પહોંચે ? એ વયોવૃદ્ધ પુરુષે જણાવ્યું કે શરીર નાશવંત અને અતિશ નાજુક છે; એને હાનિ પહોંચાડવાથી ઈશ્વરને આરાધવાની શક્તિ ધટી જાય છે. મેં એમને ખાતરી આપી કે હું જે કાંઈ કરું છું તેની મને માહિતી છે. મારું શરીર કેટલું સહી શકે છે તે પણ હું જાણું છું. એમની મારે માટેની લાગણીને માટે મેં એમનો સાચા દિલથી આભાર માન્યો.

મોટી દિવાલો દ્વારા બહારની દુનિયાથી છૂટી પડેલી એ મહાન જાતિની પ્રવૃત્તિના જુદાજુદા બધા જ વિભાગોની મેં મુલાકાત લીધી. મેં રસોઈયા, નોકરો, માળીઓ અને દરજીઓની સાથે વાર્તાલાપ કર્યો. બધા જ એક વિશાળ ધર્મકુટુંબના ભાઈઓ જેવા હતા ને પોતપોતાનું કર્તવ્ય બજાવતા. સવારના સમય દરમિયાન એ પાદરીઓને સેવાપૂજામાં મદદ કરતા અને દિવસ દરમિયાન ટૂંકા વખતની પ્રાર્થનાઓ કરવા માટે ચોક્કસ સમયે એમની પ્રવૃત્તિઓને બંધ રાખતા.

એ બધા મોટે ભાગે સરળ, સખ્યપૂર્ણ, ભકત હૃદયના પુરુષો હતા. એમણે એમનાં જીવન ત્યાં યુવાવસ્થામાંથી જ પસાર કરેલાં. કેટલીકવાર એમની દેશના બીજા મઠોમાં બદલી કરવામાં આવતી. એ સઘળી પરિસ્થિતિને કોઈ પણ પ્રકારના વિરોધ કે બડબડાટ વિના સ્વીકારતા. એમને જોઈને પોતાની ઈચ્છાનું સમર્પણ કરવાના રહસ્યને અને એના આધ્યાત્મિક વિકાસમાંના સ્થાનને હું સુચારુરૂપે સમજી શક્યો. એ પ્રકારનું સમર્પણ માનવના પુરાતન પ્રતિસ્પર્ધી અહંનો અંત આણવાના અમોઘ અક્સીર સાધનરૂપ હતું. એ પ્રકારની સાધનાપદ્ધતિ સરળ અને પ્રમાણમાં ઓછું ભણેલા માનવોને માટે સર્વોત્તમ છે. રોમન કેથોલિક સંપ્રદાયના અધિકાંશ પાદરીઓ એ જ માનવવર્ગમાંથી બહાર આવતા.

મેં એમને પૂછ્યું કે તમે શું વધારે પસંદ કરો છો, પ્રાર્થના કે સંપ્રદાયને માટેનું સેવાકાર્ય, તો એમણે ઉત્તર આપ્યો કે અમારું સેવાકાર્ય પ્રાર્થનાનું એક બીજું સ્વરૂપ, પ્રાર્થનાનો એક બીજો પ્રકાર જ છે.

એ પ્રસંગ પછી ત્રણેક વરસે હું ભારતમાં ગયો ત્યારે મને એક પત્રિકા મળેલી. એ પત્રિકા હિમાલયમાં પોતાના આશ્રમવાળા એક ઉચ્ચ શિક્ષા પામેલા સુપ્રસિદ્ધ ભારતીય સંત તથા યોગીએ તૈયાર કરેલી. એનું શીર્ષક ‘પ્રવૃતિ પૂજા છે. એ ઈશ્વરને અર્પણ કરો.’ એવું હતું.

એના પરથી પૂર્ણતાની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરતા સઘળા માનવોને સાંધનારી અદૃષ્ટ કડીઓને હું સારી પેઠે સમજી શક્યો. પૂર્વીય સાધનાપદ્ધતિ પ્રમાણે નક્કી થયેલા પંથનું અનુસરણ કરીને જેમને માટે મને અસાધારણ અનુરાગ અને ઊંડો આદરભાવ હતો તે મહાન સદગુરુની ઉપસ્થિતિથી પાવન બનેલા મંદિરમાં રહેતા મને કશો વિસંવાદ ના લાગ્યો તેનું મૂળ કારણ મને પશ્ચિમનાં અધ્યાત્મ-કેન્દ્રોમાંના એક કેન્દ્રમાં એ વખતે સમજાયું.

એ વખત દરમિયાન મારે રામકૃષ્ણ મિશનની પેરિસ શાખાના અધ્યક્ષ સુપ્રસિદ્ધ સ્વામી એસ. ના સંપર્કમાં આવવાનું થયું. રમણ મહર્ષિના આશ્રમ તરફથી મને એમને મળવાની ભલામણ કરવામાં આવેલી. એ સદા કાર્યમાં ખૂબ જ વ્યસ્ત રહેતા તો પણ એમને મારી સાથેનો તિરુવણ્ણામલૈનો પત્ર બતાવવામાં આવ્યો ત્યારે એમણે મને તરત જ મુલાકાત આપી. અમારી વાતચીત દરમિયાન એમણે જણાવ્યું, ‘શ્રી રમણ મહર્ષિ તમારા આધ્યાત્મિક ગુરુદેવ છે. એમની મદદ માગશો તો એ તમને મદદ કરશે.’

મેં એમની આગળ મારી કેટલીક અંતરંગ મુશ્કેલીઓ રજૂ કરી એટલે એમણે મને એક નાનોસરખો મંત્ર આપ્યો અને જણાવ્યું કે આ મંત્રથી તમે મહર્ષિનો સંપર્ક સાધી શકશો. એ મહર્ષિને મેં ત્યારે જોયા નહોતા. એ મંત્ર ૐ રમણ ૐ એવો હતો.

મહિનાઓ પસાર થયા અને મારો વિચાર સુદૃઢ બન્યો; તો પણ એ વિચાર પાછળથી દક્ષિણ અમેરિકામાં બન્યો તેમ, વ્યક્તિત્વનું પરિપૂર્ણપણે પરિવર્તન કરનારો જીવંત પ્રેરક વિચાર નહોતો બન્યો. પરંતુ તેની તુલના પણ રમણ મહર્ષિની સુખદ પ્રત્યક્ષ સંનિધિમાં પ્રગટનારા પ્રકાશ સાથે થઈ શકે તેમ નહોતી. એટલા માટે હું માનું છું કે જે મહામાનવે અમારા પ્રતિઘોષને અનુરૂપ આત્માની શોધને માટે આત્મવિચારનો આશ્ચર્યકારક અભ્યાસક્રમ આપ્યો એ મહામાનવ અમારા સાચા સદગુરુ અને પ્રિય જીવન-દેવતા હતા.

એમણે એમની જાતને જીવનના અનંત સાગરમાં, વિશ્વ ચેતનામાં, આત્મામાં કે પરમાત્મામાં વિલીન કરેલી.

સુખશાંતિના અને આત્મકલ્યામના પરમ સનાતન ધામ અથવા આપણા આદિ ઘરને શોધવા નીકળેલા આપણા સૌનો અંતિમ આદર્શ, આપણું અંતિમ ગંતવ્ય સ્થાન એના સિવાય બીજું ક્યું હોઈ શકે ? આપણે સૌ અનંતના એક જ અર્ણવને શોધનારાં, એની દિશામાં જ્ઞાત-અજ્ઞાત રીતે વહેનારા સ્ત્રોતો જેવાં જ છીએ.

 - © યોગેશ્વરજી ('રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં')

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.