Tue, Jan 26, 2021

આશ્રમમાં

જીવંત પુરુષો વિશે લખવાનું કાર્ય ખરેખર અને અતિશય નાજુક હોય છે. એટલા માટે મારી નોંધપોથીનો આટલો અંશ હું સામાન્ય અવલોકનો અને અભિપ્રાયો પૂરતો મર્યાદિત રાખીશ. મારા રમણ મહર્ષિના આશ્રમના નિવાસ દરમિયાન ત્યાં જોવા મળેલા વિદેશી મુલાકાતીઓમાં બે અમેરિકન સન્નારીઓ અને એક અમેરિકન સદગૃહસ્થ હતાં. એક અંગ્રેજ આશ્રમના વિસ્તારમાં ચૌદ વરસોથી વાસ કરતા. એક અંગ્રેજ સન્નારી મારા આશ્રમમાંના આગમન પછી તરત જ ત્યાં આવી પહોંચેલી. એ ઉપરાંત થોડાક ફ્રેંચ પુરુષો, એક યહુદી, બે પોલેન્ડવાસી અને એક જર્મન પણ ત્યાં જોવા મળ્યા. કેટલાક વિરલ અપવાદને બાદ કરતાં મારો સમગ્ર સમય મહર્ષિના સમાગમમાં અને મારી પોતાની સમસ્યાઓના ઉકેલમાં વીતી જતો. બીજા કોઈ જાતના સામાજિક જીવનની ઈચ્છા મને નહોતી સતાવતી. અમારા સૌનું સંમિલનસ્થાન મોટે ભાગે આશ્રમનો હોલ અને સ્વાભાવિક રીતે જ મહર્ષિ દર્શન આપતી વખતે પોતાનો અધિકાંશ સમય જ્યાં પસાર કરતા એ મંદિર હતું.

ભારતવાસીઓમાં મને સૌથી વધુ આકર્ષક અને રસપ્રદાયક સંન્યાસીઓ અથવા વિરક્તો લાગતા. એમનામાંના કેટલાક તો બુદ્ધિમાન અને સાચા ત્યાગી હતા. એમને હું સાંજે કેટલીક વાર બાજુનાં દેવમંદિરોમાં એકઠા થયેલા ખેડૂતોને સદુપદેશ આપતાં જોતો. એ ખેડૂતો આજુબાજુનાં શહેરોમાંથી ને ગામડાઓમાંથી આવતા. મંદિરના પ્રાંગણમાં બત્તીઓ બળતી અને સંન્યાસીઓ મંદિરનાં પગથિયાં પર બેસીને સ્તોત્રો સંભળાવતા અને પવિત્ર ધર્મગ્રંથોનું પારાયણ કરતા.

ત્યાં મારી ભારતની એક યુનિવર્સિટીના વિજ્ઞાનના પ્રોફેસરની સાથે અનેક વાર વાતો થઈ. એ પ્રોફેસર મુસલમાન હતા. આશ્રમના પોસ્ટ માસ્તરની સાથે પણ મારે અવાર-નવાર મિત્રતાપૂર્ણ વાતો થતી. એમના શિશુસહજ નિર્દોષ, નિખાલસ, સ્નેહાળ, સ્વભાવનો-વ્યવહારનો અને એમના મહાન દેશવાસી ભગવાન રમણ મહર્ષિ પ્રત્યેની એમની અસીમ શ્રદ્ધાભક્તિનો પ્રભાવ મારી ઉપર ઘણો સારો પડતો. મારી ટપાલથી કદાચ એમને થોડુંક મુશ્કેલીમાં મૂકાવું પડતું તો પણ એ પોતાના કર્તવ્યનું પાલન પૂરેપૂરી નિષ્ઠા, શક્તિ અને સદભાવનાથી કરતા રહેતા.

ભારતના જુદાજુદા બધા જ પ્રદેશોના હજારો બ્રાહ્મણો અને બુદ્ધિવાદી માનવોનો પ્રવાહ અસ્ખલિત રીતે તિરુવણ્ણામલૈ તરફ વહેતો રહેતો. રાજા અને મહારાજા જેવા ઉચ્ચ ભારતીય વર્ગના પ્રતિનિધિઓ પણ વારંવાર મહર્ષિની મુલાકાતે આવતા. એમનામાંના કેટલાકની સાથે સુંદર, ચિત્તાકર્ષક, મૂલ્યવાન સાડીઓવાળી યુરોપિયન સ્ત્રીઓ હતી. રાજાઓ તથા રાજકુમારો માટે આશ્રમના કંપાઉન્ડથી થોડેક દૂર એક સ્વતંત્ર ઉતારાનું સ્થાન રખાયેલું. એ આશ્રમને અસાધારણ મોટી મદદ કરતા અને એના નિર્માણકાર્યમાં પણ એમણે ખૂબ જ મહત્વનો મૂલ્યવાન ફાળો આપેલો.

મહર્ષિની ઉપસ્થિતિમાં દર્શનાર્થીઓની વચ્ચે કોઈ પ્રકારનો ભેદભાવ નહોતો રાખવામાં આવતો તો પણ આશ્રમના કર્મચારીઓ રાજાઓ માટે મહર્ષિની બાજુમાં જ બેસવાની જગ્યા કરી આપતા, કારણ કે એ બધા એકાદ બે દિવસોને માટે જ આવતા.

આશ્રમનાં પ્રકાશનોની એક સુંદર સુવ્યવસ્થિત દુકાન પણ જોવા મળતી. પરંતુ એ બધી વિગતો મારે માટે ગૌણ હતી અને મને એટલી બધી આકર્ષક નહોતી લાગતી. રમણ મહર્ષિ - સદગુરુ - સૂર્યસદૃશ પ્રકાશતા અને બીજા બધા જ એમની આજુબાજુ ફરતા રહેતા.

 - © યોગેશ્વરજી ('રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં')

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.