એક વધારે ઓપરેશન

છેલ્લા કેટલાક દિવસોથી આશ્રમમાં ચારે તરફ એવી અફવાઓ વહેતી થયેલી કે શ્રી રમણ મહર્ષિના શરીર પર જે ગાંઠ થયેલી અને ભયંકર રીતે એમના સમસ્ત શરીરને કમજોર બનાવીને વધતી જતી હતી તેને ઑપરેશન કરીને કપાવવી પડશે. કાલે રાતે મદ્રાસથી કેટલાક શસ્ત્રક્રિયા કરનારા ડૉકટરો જુદાં જુદાં સાધનો લઈને આવી પહોંચ્યા. એમણે સાંજના ધ્યાનના કાર્યક્રમમાં રસપૂર્વક ભાગ લીધો અને મંદિરના હોલને છોડતાં પહેલાં મહર્ષિ સાથે થોડીક વાતચીત કરી.

આજે સવારે મહર્ષિ પોતાની રોજની જગ્યાએ બેઠા ન હતા એટલે આશ્રમવાસીઓએ જણાવ્યું કે એમનું ઑપરેશન લગભગ મધ્યાહ્ન સુધીમાં થવાનું છે.

બધા જ પશ્ચિમવાસીઓ સાવધાન બની ગયા. મંદિરની આજુબાજુ કેટલાય લોકો ચક્કર મારવા લાગ્યા અને બીજા અનેક જ્યાં એમનું ઑપરેશન થવાનું હતું ત્યાં દવાખાનાની બાજુમાં આમતેમ ફરવા માંડ્યા.

સંધ્યા સમયે અમને જણાવવામાં આવ્યું કે ઑપરેશન પૂરું થયું છે પરંતુ મહર્ષિની તબિયત નાજુક હોવાથી એમનાથી દવાખાનાનો ત્યાગ નહિ કરી શકાય. પાછળથી એ દવાખાનાના શ્વેત રંગના મકાનની ઓશરીમાં ડૉકટરો અને આશ્રમવાસીઓથી ઘેરાઈને આરામ ખુરશી ઉપર બેઠા ત્યારે સમીપવર્તી મેદાનમાં એમના દર્શન માટે આતુર માનવોની લાંબી હાર જામી. દર્શનાર્થીઓ એક પછી એક આગળ આવતાં, શાંતિપૂર્વક થોડાંક પગથિયાં ચઢતાં, પ્રણામ કરતાં અને તરત જ બીજી તરફથી નીચે ઊતરી જતાં.

હું ત્યાં હાજર ન હતો. મેં મંદિરની મુલાકાત લીધી, ત્યાં મારી રોજની બેઠક ગ્રહણ કરી, ધ્યાનમાં ડૂબકી મારી અને શબ્દ કરતાં પણ વધારે શક્તિશાળી નીરવ, શાંત, નામરૂપરહિત, નિર્વિચાર અવસ્થાનો અનુભવ કર્યો. ધ્યાનની એ શાંત દશા કેટલી બધી સુખદ હતી ! એ અવસ્થા કાલાતીત તેમ જ અનિર્વચનીય અથવા અતીન્દ્રિય હતી. તેની અભિવ્યક્તિ શબ્દો દ્વારા એટલી સહેલાઈથી કરી શકાય તેમ નથી. એ શાંત નીરવ અવસ્થાનો સ્પર્શ વિચાર દ્વારા કરવાનું સહેજ પણ પસંદ નથી પડતું. એ અવસ્થા વિશે જે કાંઈ કહેવાય છે, તે તો પાછળથી જ કહેવાતું હોય છે.

એટલા માટે જ અહીં જે કંઈ લખવામાં આવ્યું છે તે તો ભોજન પછીનો કેટલોક સમય પસાર થયા પછી નિરાંતના વખતે બધા જ આરામ કરવા ગયા હોય, આશ્રમનું જીવન સ્થગિત થઈ ગયેલું દેખાતું હોય અને મંદિરના હોલમાં કોઈ પણ ન હોય એવે વખતે જ લખાયું છે. મોટા ભાગના માણસો બપોરના ભોજન પછી ત્રણ વાગ્યા સુધી સૂઈ જતા. મારે મોટા પ્રમાણમાં પત્રવ્યવહારનું કાર્ય રહેતું હોવાથી હું સૂઈ શકતો ન હતો. જુદી જુદી પ્રકૃતિના, ભૂમિકાના તથા આદતોવાળા, વિભિન્ન માનસિક વિકાસવાળા, માનવોના પત્રો મારી પાસે દુનિયાના બધા જ ભાગોમાંથી આવ્યા કરતા.

તાપ એટલો બધો લાગતો કે શરીરને હલાવવાનું મન થતું નહિ પરંતુ મનની પ્રવૃતિઓ તાપથી અલિપ્ત રહેતી અને મન સામાન્ય રીતે પોતાનું કાર્ય કર્યા કરતું. દિવસના પત્રવ્યવહારને પૂર્ણ કરીને હું મારી નોંધપોથીને તૈયાર કરતો અથવા ભારતનાં મારાં સંસ્મરણો વિશેના થોડાંક પૃષ્ઠોને લખતો. મારું એ લખાણ સામાન્ય માનવ પણ સમજી શકે એવી ઢબનું રહેતું. એ કાર્ય મને એટલું બધું પસંદ નહોતું પડતું એટલા માટે એને હું ઉત્સાહરહિત મનથી કર્યા કરતો. કેટલાકને એ પુસ્તકનું વર્ણન સામાન્ય પ્રકારનું દેખાશે તો બીજા કેટલાકને અતિશયોક્તિભર્યું અથવા પૂર્વગ્રહયુક્ત લાગશે, એવી પ્રતીતિ થવા છતાં પણ મારે માટે અન્ય કોઇ વિક્લ્પ ન હતો.

મહર્ષિ પોતાના ઑપરેશનના થોડાક દિવસો પછી મંદિરના હોલમાં પ્રવેશ્યા. સૌથી પ્રથમ થોડા કલાકોને જ માટે, એ પછી થોડાક વધારે વખતને માટે અને છેવટે એમનો રોજનો કાર્યક્રમ પહેલાંની પેઠે જ શરૂ થયો. એમના શિષ્યો તથા ભક્તો મોટે ભાગે એમને પ્રણામ કરવા તેમ જ એમના અંતિમ દર્શન માટે જુદા જુદા પ્રદેશોમાંથી આવવા લાગ્યા. એમાનાં કેટલાક ભારતવાસી હતા તો કેટલાક પશ્ચિમના જુદાજુદા દેશોના નિવાસી પણ હતા. એ બધા મોટે ભાગે મોટી ઉંમરના માનવો હતા, અને એકાદ બે દિવસ પૂરતા રહેવા માટે આવતા. એમનામાંના કેટલાક ગંભીર તો કેટલાક હળવા મિજાજના પણ દેખાતા. મહર્ષિના જૂના શિષ્યોમાંના એક સુપ્રસિદ્ધ યોગી રામૈયા આશ્રમમાં લગભગ બે મહિનાથી રહેતા હતા. મહર્ષિની સંનિધિમાં એ સવારે તથા સાંજે નિયમિત રીતે વિરાજતા. એ સફેદ વસ્ત્રોને ધારણ કરતા અને શાંત, નિર્વિકાર, અલિપ્ત અને અચલ દેખાતા. એમણે મૌનવ્રત ધારણ કરેલું.

ઑપરેશન પછી મહર્ષિ ખૂબ જ કૃશ થઈ ગયેલા પરંતુ હવે દેખીતી રીતે જ એમનામાં થોડોક સુધારો થવા લાગ્યો, આજુબાજુના લોકોમાં આશાવાદી અફવાઓ વહેતી થઈ. કેટલાક ચમત્કારની અપેક્ષા રાખવા લાગ્યા તો બીજા કેટલાક ઉપચારની નવીન પદ્ધતિનાં વધારે સારાં પરિણામોની પ્રતીક્ષા કરવા લાગ્યા. હું એમના ભવિષ્યનો વધારે વિચાર નહોતો કરતો. હું તો મહર્ષિ મારી પાસે સ્થૂલ રીતે નહિ હોય એવા સમયે થનારા શોકને એક બાજુએ રાખીને વર્તમાન કાળ પર જ મારા ધ્યાનને કેન્દ્રિત કરતો. તો પણ મને માહિતી હતી કે એમને પંચમહાભૂતના સ્થૂલ શરીરમાં હું વધારે વખત સુધી નહિ જોઈ શકું; આ એમનું અંતિમ દર્શન છે.

 - © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.