અરવિંદ આશ્રમમાં

એક દિવસ એક મિત્રે મને જણાવ્યું કે થોડા દિવસ પછી અરવિંદ આશ્રમમાં મહર્ષિ અરવિંદનો દર્શન-દિવસ આવી રહ્યો છે. એવા દિવસો વરસમાં ચાર વાર આવતા.

પશ્ચિમના દેશોમાં સફળતાપૂર્વક પ્રચાર પામેલા શ્રી અરવિંદનાં જુદાં જુદાં પુસ્તકો દ્વારા મેં એમના ઉપદેશો વિશે કેટલીક પૂર્વ-માહિતી મેળવેલી. વર્ષો પહેલાનાં મારા પેરિસના નિવાસ દરમિયાન મેં શ્રી અરવિંદના એક પુસ્તકને ખરીદેલું. તે પુસ્તક મને એના સરળ અને સ્પષ્ટ માર્ગદર્શનને માટે તથા એમાં વ્યક્ત થયેલા ઊંડા બુદ્ધિવાદને માટે ખૂબ જ ગમી ગયેલું. પોન્ડિચેરીના એ આશ્રમનું ધ્યેય પૂર્વ તથા પશ્ચિમની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાનું તેમ જ માનવજાતિને દોરવણી આપી શકે એવા આધ્યાત્મિક રંગે રંગાયેલા ભાવિ નેતાઓના મંડળને તૈયાર કરવાનું હતું. એટલા માટે સામાન્ય માનવો શ્રી અરવિંદના આશ્રમને જાદુવિદ્યાની સ્કૂલ કહેતા.

શ્રી અરવિંદના દર્શનને માટે વિશેષ લેખિત મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેતી. મારા જાણવામાં આવ્યુ કે આશ્રમના કર્મચારીઓનો પરિચય ના હોય તો એવી મંજૂરી સહેલાઈથી મળતી નથી. અમને એ મંજૂરી કોઈ પણ પ્રકારની તકલીફ વગર મળી ગઈ. તેથી ઑગસ્ટની ચૌદમી તારીખે હું પોન્ડિચેરીની ટ્રેનમાં નીકળી શક્યો. પોન્ડિચેરી સંસ્થામાં પ્રવેશતી વખતે કરવામાં આવતી બે કે ત્રણ કલાકની કસ્ટમની વિધિને લીધે મારી મુસાફરીમાં થોડોક વધારે વખત લાગ્યો. સ્ટેશન છોડયા પછી મેં જોયું તો આખુંય નગર ફ્રેન્ચ અને ભારતીય ધ્વજોથી શણગારવામાં આવેલું. તે વખતે ભારતીય પ્રજાસત્તાકની સ્વતંત્રતાની બીજી સંવત્સરી ઉજવવામાં આવી રહેલી. રાજકારણના નિષ્ણાત જેવા તે વખતના ફ્રેન્ચ ગવર્નરે ભારતની પ્રજાને માઠું ન લાગે એટલા માટે સરકારી ઓફિસોનાં મકાનો પર બન્ને દેશોના ધ્વજોને ફરકાવવાનો આદેશ આપેલો. જનતાએ એ આદેશને અનુસરીને આખાયે નગરને શણગારેલું. નગરમાં સાઈકલ પર મોટે ભાગે આફ્રિકાના સિંગાલીઝ કાળા ફ્રેન્ચ સૈનિકો ચક્કર મારતા દેખાતા. એ સૈનિકોના એક ઉપરીએ મને સમજી શકાય તેવી ફ્રેન્ચ ભાષામાં આશ્રમનો માર્ગ બતાવ્યો.

આશ્રમના જુદા જુદા વિભાગો જુદા જુદા મકાનોમાં જોવા મળતા. એ વિભાગોની વ્યવસ્થા ખૂબ જ સુંદર અને અસરકારક હોવાથી ભોજન તથા નિવાસની ટિકિટોને માટે લાગતી લાંબી લાઈનોનો નિકાલ ઝડપથી થઈ શકતો. દર્શનનો સમય બપોરે ત્રણ વાગ્યાનો હતો. બપોરે મુલાકાતીઓ માટેના મકાનના એક મોટા રૂમમાં હું બેઠો. સારી રીતે તૈયાર કરેલા શાકાહારી ભોજનને જાતમહેનતથી પૂરું પાડવામાં આવતું અને જેમને બ્રેડ તથા માખણ જોઈતા હોય તેમને તે પણ આપવામાં આવતાં. ભોજનની પદ્ધતિ ભારતીય અને અંગ્રેજી પદ્ધતિના સંમિશ્રણ જેવી કંઈક અનોખી દેખાતી. હાથમાં ચમચા તથા છરીની સાથે મુલાકાતીઓ જમીન પર પાથરેલી સ્વચ્છ જાજમો પર નાનકડાં ટેબલો કે બાજઠોની સામે બેસતા. દર્શનાર્થીઓમાં અસંખ્ય પશ્ચિમવાસીઓ પણ હતા. એમાંના કેટલાક આશ્રમના સાધકો પણ બનેલા. સમીપવર્તી શેરીઓ છેલ્લામાં છેલ્લી ઢબની મોટરોથી ભરેલી. ગરમી પુષ્કળ હોવાથી હજારો મુલાકાતીઓ ઠંડા પીણાંની દુકાનોમાં બેઠેલા દેખાતા. મારી તરસ ઠંડા પીણાંથી સંતોષાય તેવી સામાન્ય નહોતી. નાના સરખા બંદરને નિહાળ્યા પછી, નૌકાઓને હલેસાં તથા સઢની મદદથી આગળ વધતી જોઈને મેં વૃક્ષોની નીચે થોડોક વિશ્રામ લીધો તો પણ સાગરની સમીપતા મારી ગરમીને ઘટાડી શકી નહિ.

બપોરે ત્રણ વાગ્યે આશ્રમના દરવાજાને ઉધાડવામાં આવ્યો ત્યારે ચાર ચારની પંક્તિમાં ઊભેલા આશરે બે હજાર દર્શનાર્થીઓની લાંબી કતારો દૂર દૂર સુધી જોવા મળી. દર્શનાર્થીઓ દ્વારા ભારત અને અન્ય અનેક દેશોનું પ્રતિનિધિત્વ થઈ રહેલું. દીર્ધકાળની પ્રતીક્ષા પછી હું આખરે શ્રી અરવિંદના મકાનની પાસે આવી પહોંચ્યો. દર્શનાર્થીઓની પંક્તિએ આગળ વધીને હોલમાં પ્રવેશ કર્યો. દીવાલો પરથી શ્રી અરવિંદ અને એમના સહયોગિની અથવા સંગિની ફ્રેન્ચ માતાનાં ચિત્રો દેખાયાં. અત્યારે એમને માતાજી તરીકે ઓળખવામાં આવતા. એ અસાધારણ શક્તિ, ભક્તિ તથા કુશળતાપૂર્વક આશ્રમનું સંચાલન કરતાં. મહર્ષિ અરવિંદ આશ્રમની પ્રવૃતિઓને સંભાળવાને બદલે એકાંતિક ધ્યાનમય જીવન ગાળી રહેલાં. માતાજી કોઈપણ પ્રકારના વિશેષ પ્રયત્ન વિના લગભગ બે હજાર શિષ્યો અથવા સાધકોને સંભાળી રહેલાં. આશ્રમમાં જે શિષ્યોને રાખવામાં આવતા તે શિષ્યો પોતાની સમસ્ત ભૌતિક સંપત્તિનું આશ્રમને સમર્પણ કરતા અને આશ્રમ બદલામાં એમની સર્વ પ્રકારે સંભાળ રાખતો. એમની ભૌતિક ચિંતાઓ એવી રીતે દૂર થતી હોવાથી પ્રત્યેક આશ્રમવાસી માતાજીના આદેશોનું પાલન કરતો. પ્રત્યેક આશ્રમવાસીને કંઈ ને કંઈ કામ કરવાનું રહેતું હોવાથી આશ્રમ મોટે ભાગે કોઈક વિહાર અથવા મઠના જેવો સ્વાશ્રયી દેખાતો. એમાં કામકાજ, સ્વાધ્યાય તથા ધ્યાનનો નિશ્ચિત કાર્યક્રમ રહેતો.

કતારમાંથી ધીરે ધીરે આગળ વધતી વખતે મારું ધ્યાન દીવાલો ઉપરની સૂચનાઓ ઉપર ગયું. એમાં જણાવવામાં આવેલું કે સૌથી અનુકૂળ વલણ મૌન તથા ધ્યાનનું છે. એવું પણ કહેવામાં આવતું કે માતાજી દિવ્ય જ્ઞાન ધરાવે છે. અને એ જ્ઞાનની મદદથી કેટલાયે વધારે પડતા આલોચક વૃત્તિના મુલાકાતીઓને શ્રી અરવિંદનાં દર્શન વિના જ કેટલીક વાર પાછા વાળવામાં આવેલા.

અને ખંડની પાસે પહોંચ્યા એટલે શ્રી અરવિંદ અને માતાજીને બેઠેલાં જોયાં. એમની ડાબી તથા જમણી તરફ પુષ્પો તથા ભેટોની મોટી પેટીઓ પડેલી. આખરે મને એ બંનેનું અસાધારણ દર્શન થયું. દર્શનાર્થીઓની કતાર ધીમે ધીમે આગળ વધી એટલે હું એમને મારી અનુકૂળતાએ નિરાંતે જોઈ શક્યો. એ કોઈ પણ પ્રકારના હલનચલન વગર ઊંડા ધ્યાનમાં બેઠેલાં. શ્રી અરવિંદનું શરીર સુદૃઢ હતું. એમના માથા પર સફેદ વાળ હતા અને એમની મુખાકૃતિ ભારતીય કરતાં અંગ્રેજને વધારે મળતી આવતી. એમનું વિશાળ કપાળ એમની મહાન બુદ્ધિશક્તિને સૂચવતું અને એમની તેજસ્વી તીક્ષ્ણ આંખો અવકાશમાં સ્થિર થયેલી. એ બંનેની આજુબાજુ શક્તિશાળી માનસિક તરંગો વહેતા હોય એવો અસાધારણ પ્રભાવ મારી ઉપર પડ્યા વિના રહ્યો નહિ. માતાજીનું મુખ એમણે પહેરેલી સાડીના છેડાથી ઢંકાયેલું. એમની આંખોને હું ન નિહાળી શક્યો. એમની આખીય આકૃતિ અસાધારણ એકાગ્રતાથી ભરેલી લાગી. એમની ઉંમર શ્રી અરવિંદની ઉંમર કરતાં મોટી લાગી. એક આશ્રમવાસીના કહ્યા પ્રમાણે શ્રી અરવિંદ એ વખતે ચુમોત્તેર વર્ષના હતા. હું જ્યારે બારેક ફૂટ દૂર હતો ત્યારે મારા ગળામાં અને મારા કંઠમાં એક વિચિત્ર લાગણી થઈ આવી. તે બંને સખત થઇ ગયાં. એ વખતે કતારમાંથી આગળ વધવા સિવાય મારાથી બીજી કોઈ પ્રવૃત્તિ ન થઈ શકી તો પણ એ વખતે મારું મન પહેલાંની જેમ જ કામ કરી રહેલું. કોઈ દૈવી શક્તિ મારી રક્ષા કરી રહેલી, એમ મને લાગ્યું. મારી ઉપર કોઈની સંમોહન વિદ્યાની કશી અસર થતી હોય એવું મને લાગતું નથી. મારી ચેતના ઢંકાઈ નહોતી ગઈ પરંતુ મારું સ્થૂળ શરીર કોઈ અદૃષ્ટ શક્તિથી ભરાઈ ગયું હોય એવું લાગવા માંડ્યું. એ બંને મહાન આત્માઓથી હું બારેક પગલાં આગળ વધ્યો ત્યાં સુધી મને એવી વિચિત્ર લાગણી થતી રહી. પછી સધળું પૂર્વવત્ સામાન્ય થવા લાગ્યું અને મારે બોલવું હોય તો બોલી શકાય એવી પરિસ્થિતિ પેદા થઈ.

શ્રી અરવિંદની સંનિધિમાં મારાથી એટલું અનુભવાયું. શ્રી રમણ મહર્ષિની સંનિધિમાં જે ઉચ્ચ આધ્યાત્મિક વાયુમંડળનો અનુભવ થતો હતો અથવા જે આશ્ચર્યકારક અંતરંગ સંપર્ક અને જીવંત પ્રેરણાની પ્રાપ્તિ થતી હતી તેમનો ત્યાં અભાવ વર્તાયો. હું કોઈની કોઈની સાથે સરખામણી કરવા માંગતો નથી. મેં શ્રી અરવિંદ પ્રત્યે અસાધારણ પ્રેમ અને આદરભાવ રાખનારા કેટલાક શિષ્યો સાથે વાર્તાલાપ કરી જોયો. એના પરથી મને જણાયું કે એ બધા એમની દ્વારા કલ્યાણકારક અસરનો અનુભવ કરી રહ્યા હતા. છતાં પણ પ્રત્યેક પ્રકારના માનવને એના પોતાના ગુરુદેવની આવશ્યકતા હોય છે અને આ મારા ગુરુદેવ ન હતા. એનાથી વિશેષ હું કંઈ નહિ કહી શકું.

પાછળથી મેં આશ્રમના પુસ્તકાલયની તથા પુસ્તકોના સારી પેઠે સંગ્રહાયેલા વેચાણ-વિભાગની મુલાકાત લીધી. એ બધું જોઈને મને થોડુંક આશ્ચર્ય થયું. એ પુસ્તકોમાંનાં કેટલાંક શ્રી અરવિંદે પોતે રચેલાં હતાં તો બીજાં કેટલાક પૂર્વ તથા પશ્ચિમ તત્વજ્ઞાનના મારા જાણીતા લેખકોનાં પુસ્તકો પણ હતાં. એ પુસ્તકો મોટે ભાગે ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષામાં લખાયેલાં. એમાં ધ્યાન, માનસિક એકાગ્રતા તથા સંમોહિની વિદ્યાનો સમાવેશ થતો. મને હવે એ વિષયોનું આકર્ષણ નહોતું રહ્યું. મને સમજાયું કે મારા માર્ગ સાથે જેને સંબંધ ન હોય તેવી કોઈ વસ્તુમાં હવે મને રસ નથી રહ્યો. મારા ગુરુદેવે મને આત્માસાધના સંબંધી જે જ્ઞાન પૂરું પાડેલું તે જ્ઞાન સર્વોપરી લાગ્યું. એનો અર્થ એવો થયો કે મનની જુદા જુદા વિષયોમાં ફરનારી કામનાઓ અદૃશ્ય થવા લાગેલી. વાસનાઓ કાંઈક અંશે હળવી બનેલી. હવે મને સમજાયું કે કેટલાંય વર્ષોથી મનની જે શાંતિની મેં શોધ કરેલી તે શાંતિનો ઉદભવ ક્યાંથી થતો હતો. મારા ભૂતકાળ તથા વર્તમાનકાળના જીવનની એ સરખામણી છેવટની હતી. મારા પોન્ડિચેરી-પ્રવાસની એ છેવટની એકમાત્ર ફળશ્રુતિ સાબિત થઈ.

સાંજના સમયે આશ્રમના વિશાળ હોલમાં થતા ધ્યાન અને પૂજાના કાર્યક્રમમાં મેં ભાગ લીધો. ત્યાંનો કાર્યક્રમ સહજ રીતે, સંવાદપૂર્વક અને ઊંડા અર્થ સાથે પ્રયોજનને લક્ષમાં રાખીને થતો દેખાયો. સફેદ વસ્ત્રોમાં સજ્જ હજારો શિષ્યો તથા મુલાકાતીઓ એ વિશાળ ખંડમાં જોવા મળ્યા.

શ્રી અરવિંદ ત્યાં માતાજીની સાથે થોડા વખત માટે દેખાયા. એમની મુખાકૃતિ ગૌરવવાળી, અસાધારણ એકાગ્રતાવાળી, ગંભીર તથા પ્રેરણાત્મક લાગી. પરંતુ મારું સાચું અંતર તો ત્યાંથી માઈલો દૂર પશ્ચિમમાં બંધાયેલા સફેદ સંગેમરમરના ભારતીય મંદિરમાં દોડી ગયું. ત્યાં અગરબત્તીના તથા ધૂપના સમૂહથી વીંટળાઈને થોડાક શિષ્યો તથા ભક્તોની વચ્ચે એક મહાપુરુષ પોતાના ભૌતિક જીવનના અંતિમ તબક્કામાં આવીને ઊભા રહેલા. એ મહાપુરુષે મને મારા અનુકૂળ પ્રારબ્ધને પરિણામે મારા જીવનને ઉજ્જવળ બનાવવાનો માર્ગ બતાવ્યો હતો. એ મહાપુરુષ માનવની અંદર રહેલી અદૃશ્ય આત્મજ્યોતિને જાગ્રત કરવા અથવા માનવોના અંતરમાં ઊંડે ઊંડે જલી રહેલી એ જ્યોતિની સ્મૃતિને બળવાન બનાવતા. સઘળા સદુપદેશો તથા સિદ્ધાંતોથી એ જ્યોતિ અતીત કહેવાય છે. અરુણાચલના એ મહાન સંતની સામે બેસીને અમે એ જ્યોતિની પાસેથી સર્વ પ્રકારની મદદ મેળવતા. એ જ્યોતિ સઘળી દીક્ષાઓનું ઉગમ સ્થાન કહેવાય છે અને એના સિવાય કોઈ પણ શાસ્ત્રને સારી પેઠે સમજી શકાય નહિ. સાચી શાંતિ પણ ન મેળવી શકાય. એ સૌના કેન્દ્રમાં છે. એમાંથી ભૌતિક જગતના અંધકારને ભેદનારા સઘળાં કિરણો પ્રાદુર્ભાવ પામે છે.

શ્રી અરવિંદના શિષ્યો રમણ મહર્ષિના ‘જંગલ-આશ્રમ’ના નામથી ઓળખાતા નિવાસસ્થાન પ્રત્યે કોઈ પ્રકારની દુર્ભાવના રાખતા હોય એવું મને ના લાગ્યું. પોન્ડિચેરીના કેટલાય સાધકો તથા મુલાકાતીઓ તિરુવન્નામલાઈની પણ મુલાકાત લેતા. મહર્ષિના શ્રીચરણો પાસે બેસતા અને એમની સાથે વાર્તાલાપ કરતાં. અરવિંદ આશ્રમના કેટલાક સાધકોની નોંધપોથીઓ એ વાતની સાક્ષી પૂરતી. રમણ મહર્ષિએ અરુણાચલ પર્વતના પવિત્ર વાયુમંડળમાં પચાસ વર્ષ પૂરાં કર્યાં એના ઉપલક્ષ્યમાં આશ્રમ તરફથી પ્રસિદ્ધ થયેલા સુવર્ણજયંતિ સ્મૃતિ અંકમાં શ્રી અરવિંદના બે શિષ્યોએ મૂલ્યવાન લેખો લખ્યા છે. એના પરથી પણ એ વાતને સમર્થન સાંપડે છે.

રમણ મહર્ષિ આખરે મંદિરના હોલમાં પધાર્યા એટલે એમની સંનિધિમાં ધ્યાનની સાધનાને શરૂ કરવાનું શક્ય બની શકયું.

 - © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.