Tue, Jan 26, 2021

દીક્ષાઓ

રમણ મહર્ષિ જેવા સ્વાનુભવસંપન્ન સદગુરુદેવની સુખદ સંનિધિમાં આપણું મન સત્યના સાક્ષાત્કારને માટે અંતરાયરૂપ બનતાં અટકતું ત્યારે અતીતકાળથી ઉપદેશવામાં આવેલા આત્મજ્ઞાનનો સ્વાનુભવ સહજ બનતો અને આપણા જમાનામાં પણ જેમણે સત્યનો સાક્ષાત્કાર કર્યો હોય તેમની  પરંપરાને બળ મળતું.

મેં જોયું કે જે પ્રશ્નો તથા સમસ્યાઓના ઉકેલને મેં મારી બુદ્ધિની મર્યાદાને લીધે ટાળેલો કે મુલતવી રાખેલો તે પ્રશ્નો, તથા સમસ્યાઓનો ઉકેલ મારે માટે અચાનક જ થઈ ગયો. પ્રથમ તો એ પ્રશ્નો, સિદ્ધાંતો તથા સદુપદેશોને બુદ્ધિની મદદથી સમજવાની ઈચ્છાનો અભાવ વર્તાયો. મને લાગ્યું કે જુદા જુદા વખતે અને માનવજાતિના વિવિધ વર્ગોને માટે ઉપદેશવામાં આવેલી સાધના-પદ્ધતિઓની અને એમનાં સાધ્યોની સમીક્ષા તેમ જ સરખામણી કરવાનું કાર્ય એ કાર્યની ઈચ્છા સાથે કેટલું બધું છીછરું, ક્ષુલ્લક કે નિરર્થક છે ! છેલ્લા થોડાક વખતથી મને એવું ગાંડપણ વળગેલું. મારા પોતાના સંતોષને માટે હું કોઈ પણ ભોગે કોઈક ચોક્કસ સુખકારક સિદ્ધાંત પર પહોંચવા અને એને વળગી રહેવા માગતો હતો. હવે હું સમજ્યો કે એથી કાંઈ જ નહિ વળે, એ તો સમયનો દુરુપયોગ છે, અંધકારમાં અટવાવા બરાબર છે. કારણ કે મારી પદ્ધતિ બરાબર ન હતી. આપણે શું જાણવા જેવું છે ? ભૌતિક નામરૂપવાળા જુદા જુદા પદાર્થો અથવા આપણા મનમાં એમના સંસર્ગમાં આવવાથી થનારી પ્રતિક્રિયા ? દુન્યવી પદાર્થોના સંબંધથી પરમ જ્ઞાન મેળવવાની પદ્ધતિ કદી પણ સફળ નથી થતી, સાર્થક નથી ઠરતી. એક દુન્યવી પદાર્થની સ્મૃતિ બીજા પદાર્થ સાથે સંકળાયેલી હોઈને નવા નવા ભાવો, સંકલ્પો, વિચારો વધતા જ જાય છે, ને નવાં નવાં રૂપોની પરંપરા પણ મનમાં પેદા થતી રહે છે.

માનવો એ સાદાસીધા સત્યને કેમ નથી સમજતા ? જગતનાં સઘળાં સ્વરૂપોનું જ્ઞાન કાંઈ એક જ દિવસમાં નથી થતું અને એવું જ્ઞાન મેળવાના પ્રયત્નનો અંત જ નથી હોતો. જ્ઞાનની પ્રાપ્તિનું ધ્યેય-વર્તુળ ઉત્તરોત્તર વધતું જ જાય છે. એનો અંત નથી દેખાતો. મહર્ષિ રમણ કહે છે :

‘નામ તથા રૂપથી ભરેલા જગતના પદાર્થોને જાણવાનો પ્રયત્ન એવો અર્થ વગરનો છે જેવો અર્થ વગરનો પ્રયત્ન માથાના વાળને કપાવ્યા કે કઢાવ્યા પછી પ્રત્યેક વાળના ભાગ્ય વિશે વિચાર કરતા રહેવાનો છે.’

એ વાળને કાં તો કચરાપેટીમાં નાખવામાં કે બાળી નાખવામાં આવશે. બંને પ્રકારની પરિસ્થિતિમાં એમનો અને એમના મૂળ માલિકનો અધિક સંબંધ નહિ રહે. ક્ષણભંગુર કલ્પનાના પરિણામે પેદા થયેલો ભૂતકાળ પણ એક મોટી ભ્રાંતિ જ છે. એ ભૂતકાળ કદી કોઈ પણ ઉપાયે પાછો નથી ફરતો, અને એક વારના એના અભિનેતાઓને માટે પોતાના પાઠને કે ભાવાર્થને ફરી વાર રજૂ નથી કરતો. એ તથ્ય પરથી સમજાય છે કે માનવો પોતાના જીવનની કટુતાને ને આફતોને આટલા બધા પ્રમાણમાં શા માટે વધારી રહ્યા છે. એ ભૂતકાળના - આગળ અસ્તિત્વ ના ધરાવતા - અનુભવોનું અહર્નિશ ચર્વણ કરે છે અને કેવી રીતે વર્તમાનના આનંદને નથી અનુભવતા. વર્તમાનમાં ડૂબકી મારીને તેને પૂર્ણપણે જીવવાને બદલે ભૂતકાળમાં જ શ્વાસ લે છે. એવી ધ્યેય વિનાની, પાર વિનાની પ્રવૃત્તિથી આત્મસાક્ષાત્કાર નથી થતો, પરંતુ આત્મજ્ઞાન અથવા આત્મસાક્ષાત્કારની મદદથી એવી વ્યર્થ પ્રવૃત્તિનો અંત આવે છે. જે મહાન સંતપુરુષની આગળ હું બેઠેલો તે દેશ તથા કાળનાં બંધનથી મુક્ત હતા. મારે માટે એમાં મોટી આશા સમાયેલી. એ જ મારી દીક્ષા હતી.

મહર્ષિના જીવન પર એમના અનુયાયીઓ દ્વારા લખાયેલાં જુદાંજુદાં પુસ્તકો કે લખાણોને વાંચીને મેં મહર્ષિના જીવનની નાની મોટી વિગતો સાથે માહિતી મેળવી. રમણ મહર્ષિ કિશોરાવસ્થામાં માતાપિતા સાથે ઘરમાં રહેતા ત્યારે શિવ સંપ્રદાયના ત્રેસઠ સંતોની વાતોને વાંચીને એમને એવા જ લોકોત્તર સંત થવાની સહજ ઈચ્છા થઈ. એમણે એવા બનવાનો નિર્ણય કર્યો. એવી રીતે જે પણ મહર્ષિનું દર્શન કરતા એમને એમના જેવા બનવાનો ઉત્કટ ભાવ થતો. જે શક્તિને સંસારની કોઈએ શક્તિ સાથે સરખાવી ના શકાય તે અમને એ મહાપુરુષની ચેતના સાથે એક થવાના અમારા જીવનધ્યેયનું સ્મરણ કરાવતી. એ સ્વપ્ન એકાદ ક્ષણ સુધી સાકાર થયેલું દેખાતું. મૌન એક અને સર્વવ્યાપક જણાતું. એ મૌનમાં અથવા નીરવ શાંતિમાં જીવન ભળી જતું અને જે જીવનથી પર કહેવાતા તે અપરિવર્તનશીલ અનંત આનંદસ્વરૂપ ગુણાતીત પૂર્ણ પરમાત્મા જ શેષ રહેતા. એક ઓછા જાણીતા પશ્ચિમી યોગીનું પેલું કથન સાચું લાગતું કે ઈશ્વર અને સત્ય સરળ હોવા છતાં એટલાં તો ઉજ્જવળ છે કે જો તે પોતાના પૂર્ણ મહિમા તથા પ્રકાશ સાથે પ્રત્યક્ષ થાય તો કોઈ પણ ગ્રહ ટકી શકે નહિ. એ ભસ્મિભૂત બની જાય. એમાં મહાન સત્ય સમાયેલું લાગ્યું. એ પણ એક દીક્ષા હતી.

મહર્ષિની સંનિધિમાં મારું મન સંસાર સાથે શાંતિ સ્થાપી શક્યું. સંસાર મારે માટે કોઈ ભયંકર હાનિકારક દુષ્ટ રાક્ષસ ના રહ્યો. મને દેખાતા માનવો મારાથી જુદા દેખાવાને બદલે આત્મારૂપ દેખાયા. મારી અંદર કાર્ય કરતો નિયમ એમની અંદર પણ કાર્ય કરી રહેલો. એ ભાવના અથવા અનુભૂતિનું પ્રાકટ્ય મહર્ષિના પેલા સદુપદેશનો અમલ કરવાથી થવા લાગ્યું : ‘જ્યારે કોઈને મળો ત્યારે વિચાર કરો કે એના શરીરમાં જે વસે છે તે ઈશ્વર જ છે.’

એ મારી અંતિમ દીક્ષા હતી.

 - © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.