Tue, Jan 26, 2021

છૂટાછવાયાં વિચારતરંગો

આશ્રમના મારા નિવાસ દરમિયાન મેં અનુભવેલી મનની જુદીજુદી અવસ્થાઓ અને ભાવનાઓને વ્યક્ત કરવા માટે હવે પછીની પંક્તિઓ પૂરતી થઈ પડશે. એ પંક્તિઓને લખાયે એક વરસ જેટલો વખત વીતી ગયો છે. એટલા વખત દરમિયાન પણ મને મારામાં ફેરફાર થયેલા અને થઈ રહેલા દેખાય છે. મારા એ વખતના વિચારો તથા ભાવો મોટે ભાગે સંક્ષિપ્ત, પ્રવાહી અને પ્રસંગોપાત પેદા થયેલા હોવાથી, એમને એક જ પ્રકરણમાં સમાવી લેવામાં આવ્યા છે એ ઉચિત જ છે.

આશ્રમના નિવાસ દરમિયાન મારો જગત પ્રત્યેનો અને માનવસમાજ પ્રત્યેનો દૃષ્ટિકોણ મોટે ભાગે બદલાયો, પરંતુ મેં આગળ પર નિર્દેશ કર્યો છે તે પ્રમાણે એ પરિવર્તન વધારે ભાગે અજ્ઞાત, આકસ્મિક અને સહજ હતું. મેં પ્રથમ જોયેલું કે અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં મારો વ્યવહાર એકદમ અલગ રહેતો, પરંતુ હવે એવી જ પરિસ્થિતિઓને હું જુદા જ સંદર્ભમાં જોવા લાગ્યો. મારા મનની અંદર સમન્વયનો ભાવ અથવા વિચાર જોર પકડવા લાગ્યો. મારા વ્યક્તિગત રંગરોગાન અને અંગત પૂર્વગ્રહનો ત્યાગ કરીને પ્રત્યેક પદાર્થને અને ઘટના-પ્રસંગને એના વાસ્તવિક પ્રકાશમાં અથવા મૂળ સ્વરૂપમાં જોવાની અને મૂલવવાની મનોવૃત્તિ મારી અંદર વધવા માંડી. મને સમજાયું કે વિકાસની એવી ભૂમિકા પણ અસ્તિત્વ ધરાવે છે અને એથી મારે એને ગમે તે ભોગે પણ હસ્તગત કરવી જોઈએ. મને એવું પણ સમજાયું કે એ ભૂમિકાની પ્રાપ્તિ કેવળ બૌદ્ધિક સમજ, સિદ્ધાંતો અને આદર્શો દ્વારા નહિ થઈ શકે. કારણ કે મારી સાધનાના તબક્કા દરમિયાન મેં એમની અંદર એકથી વધારે વાર ફેરફારો કરેલા. મારી એ સમન્વયાત્મક ભૂમિકા માટેની સાધનાત્મક શોધ આશ્રમ સિવાય બીજે ક્યાંય ચાલુ રાખી હોત તો કદાચ કષ્ટકારક અને અંદરના સંઘર્ષનો સામનો કરનાર થઈ પડત. પરંતુ રમણ મહર્ષિ જેવા મહાપુરુષની ઉપસ્થિતિએ બુદ્ધિના બધા જ આવેગોનો અંત આણ્યો. એમની આજુબાજુના વાયુમંડળમાં માનવનાં મૂળિયાં સત્ય સુધી પહોંચી જતાં અને એ સત્યનો સહેલાઈથી સાક્ષાત્કાર કરી શકતો.

વખતના વીતવાની સાથે મારા જીવનમાંથી ધાર્મિક પૂર્વગ્રહો અને ગૂઢ વિદ્યાના સિદ્ધાંતો પણ અનાયાસે આપોઆપ જ છૂટી ગયા કે શાંત પડ્યા. આત્માની આસપાસનું ક્ષેત્ર સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યું. હજુ હમણાં જ મેં મારી પુરાણી આદતને અનુસરીને ક્રાઈસ્ટ પ્રત્યે મારા વિચારોને કેન્દ્રિત કર્યા ત્યારે શિવને એક તરફ મૂકી દીધા. મારા સ્વરૂપના ધ્યાનમાં બુદ્ધને માટે કોઈ પ્રકારનો અવકાશ નહોતો રહ્યો. એક વખત એવો પણ આવ્યો કે મનમાં મહર્ષિની આકૃતિએ સ્થાન જમાવ્યું. એ અવસ્થા કેટલાંક સપ્તાહો સુધી ચાલુ રહી. એ સઘળો સમય કોઈ પણ પ્રકારની ચિંતા કે ઉપાધિ વિનાની સંપૂર્ણ શાંતિનો હતો. એ સમય દરમિયાન ભાવિ જીવનના વધારે સૂક્ષ્મ તથા અવનવા ગહન આધ્યાત્મિક અનુભવો માટેની આવશ્યક ભૂમિકાની તૈયારી થઈ રહેલી.

એ તબક્કો પસાર થઈ ગયો એટલે મેં જોયું કે મારા જીવનમાં વિરોધાભાસ વગરની એવી અનોખી અભિનવ અવસ્થાનો ઉદય થયો છે કે જેમાં અનેક માનસિક અંતરાયો અને અવરોધોનો અંત આવ્યો છે. એ સમય દરમિયાન મેં અરુણાચલ પર્વતની તળેટીમાં આવેલી મુસલમાન સંત અથવા ફકીરની કબરની મુલાકાત લીધી અને અનુભવ્યું કે એ કબરના સ્થળ પાસે અને આશ્રમમાં બંને ઠેકાણે એવું એકસરખું અનુકૂળ વાતાવરણ જોવા મળે છે જેની મદદથી પોતાની પ્રાકૃત કે નિમ્ન પ્રકૃતિના પાશમાંથી સહેલાઈથી છૂટી શકાય.

મારો પ્રથમ અનુભવ બીજા અનુભવથી જરાક જુદો હતો તો પણ, વિચારોની પરંપરાનો ભંગ થવાથી સમજાયું કે એ બંને પ્રકારના અનુભવો વચ્ચે અંતરંગ એકતા છે. એટલા માટે તો મહર્ષિ જણાવતા કે બધા જ સાધનામાર્ગો જો સારી પેઠે સમજવામાં આવે તો, એક જ ધ્યેયની પાસે પહોંચાડી દે છે.

નીરવ શાંતિના પ્રદેશમાંથી નીચે આવીને વાણીમાં વ્યક્ત કરવા માટે શું લાવી શકાય ? અનોખા આધ્યાત્મિક અનુભવ કરનારી મનોવૃત્તિમાં જે પાર વિનાનાં પરિવર્તનો થાય છે એ પરિવર્તનોનું વર્ણન કેવી રીતે કરી શકાય ? ઉદાહરણ તરીકે, આપણે સમસ્ત સૃષ્ટિની અંતરંગ આત્મિક એકતાને કોઈ પણ પ્રકારના સંશય સિવાય સમજી શકીએ છીએ અને એવી આકસ્મિક અનુભૂતિ દરમિયાન મૃત્યુનો ભય નિરર્થક લાગે છે. એ પ્રકારની નિર્ભયતા અથવા પૂર્ણતાની સાથેની એકાત્મતાના પરિણામે પુનરાવતાર થયો હોય એવું લાગે છે અને અસાધારણ આત્મસુખ અનુભવાય છે.

મને સત્વર સમજાયું કે જીવનનો એકમાત્ર સાચો આનંદ સ્થૂળ રૂપમાં અથવા બીજા કોઈયે સ્વરૂપમાં સેવાતા પોતાના અલગ અસ્તિત્વના વિચારમાંથી મુક્તિ મેળવવામાં સમાયેલો છે. મને લાગ્યું કે જીવનનાં બધાં જ બાહ્ય પરિવર્તનો સાચાં નથી પરંતુ માયાવી છે, અને એ પરિવર્તનો પરિવર્તનશીલ પદાર્થોની પ્રીતિ, મમતા અને આસક્તિ કરનારને માટે ક્લેશકારક, અશાંતિદાયક અને દુઃખદ ઠરે છે. એવી સમજણમાંથી માન્યતા પેદા થઈ કે આસક્તિ સાથે કરવામાં આવેલી પ્રત્યેક પ્રવૃત્તિ નવાં બંધનોને અને નવાં કષ્ટોને ઉત્પન્ન કરે છે. એમ પણ સમજાયું કે સંસારમાં કશું જ આવશ્યક નથી અને માનવજાતિના ભાવિ વિશે અથવા અમુક ચોક્કસ જાતિ કે દેશ સંબંધી ચિંતા કરવી એ સમયને બગાડવા બરાબર છે, શક્તિને વેડફવા સમાન છે. અને આપણું મૂળભૂત મુખ્ય કર્તવ્ય આપણી નાનકડી દુનિયાને ઓળખવાનું અને આપણા સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાનું છે. અલબત્ત પરમાત્માની મહાન યોજનાને અનુલક્ષીને આપણે એમના કાર્ય માટે નિમિત્ત બની શકીએ, પરંતુ આપણે કોઈક કર્મ કરીએ છીએ એવી માન્યતા ભૂલભરેલી છે. આપણી સાથે સ્થૂળ રીતે આપણું વ્યક્તિત્વ, શરીર, મન-નામ-રૂપ સંકળાયેલું છે. સત્ય-સ્વરૂપના સાક્ષાત્કારથી સમજાય છે કે આપણી સૃષ્ટિના કર્તા પરમાત્મા સાથે એકતા છે.

પરંતુ એ છેવટની સ્વાનુભૂતિને પામ્યા પહેલાં સાધનાપથનાં કેટલાં બધાં પગથિયાં પરથી, કેટલી બધી ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે, અથવા અનુભવજન્ય દિવ્ય જ્ઞાનની કેટલી બધી દીક્ષાઓ લેવી પડે છે !

 - © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.