Mon, Jan 25, 2021

પુનરાવતાર

રમણ મહર્ષિની સંનિધિમાં થનારા સાંજના ધ્યાનના કાર્યક્રમના અનુસંધાનમાં મેં સપ્તાહમાં એક રાતે ધ્યાન કરવાનું ચાલુ રાખ્યું. એ ધ્યાનની નોંધ રાખવાનું મને ઉચિત ન લાગ્યું, કારણ કે એ એકસરખાં હતાં અને એમને લિપિબદ્ધ કરવાનું કામ કપરું હતું. હું એટલું અવશ્ય કહી શકું કે ધ્યાનનો એ કાર્યક્રમ મારી ચેતનાને એવા પ્રદેશમાં લઈ જવાના પ્રયત્નરૂપ હતો જયાં કેવળ જીવન - જીવન જ જીવન - વ્યાપી રહેલું અને બીજાં નામ તથા આવરણોનો અભાવ હતો. આરંભની અવસ્થામાં વિચારોની દુનિયાથી ઉપર ઊઠવામાં મને મુશ્કેલી લાગતી એટલે મારે સંધર્ષ કરવો પડતો. પરંતુ પાછળથી પડદા પરની ફિલ્મની પેઠે મારા ભૂતકાળનાં ચિત્રો દેખાવા લાગતાં અને આખરે પરોઢના શાંત સમયે મોટે ભાગે મારું મન સુખમય અને શાંત બની જતું.

જુલાઈ માસની એ રાતને હું આજે પણ નથી ભૂલી શક્યો. એના મર્મને મેં આ પ્રકરણના શીર્ષકના રૂપમાં રજૂ કર્યો છે. એ રીતે મારા દુન્યવી જીવનને કાયમને માટે ચોક્કસ રીતે દફનાવી દેવામાં આવેલું. ત્યાં સુધીના મારા જીવનમાં એકાએક પરિવર્તન આવ્યું. અનિત્યતાના અસીમ સાગરમાં સપડાયેલું મારું જીવન એકાએક પુનરાવતાર પામ્યું.

મને તે વખતે સમજાયું નહોતું કે કેવળ વર્તમાનનું જ અસ્તિત્વ છે અને ભૂતકાળમાં સતત રીતે પ્રવેશવાનો અર્થ કામચલાઉ આત્મઘાત જેવો જ થાય છે. સૌથી પ્રથમ તો મને એક પુસ્તકના થોડા ફકરાઓ યાદ આવ્યા. એ ફકરાઓએ મને દીર્ધકાળ પર્યંત મંત્રમુગ્ધ કરેલો તો પણ એમના રહસ્યને હું પૂરેપૂરું સમજી શક્યો ન હતો.

‘અને શિષ્યે હૃદયના મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં એક વેદી હતી. એ વેદી ઉપર બે દીપકો પ્રકાશતા હતા.’

‘એ સમજ્યો કે એ દીપકો એના પોતાના જીવનના પ્રતિનિધિ જેવા હતા. સમીપવર્તી દીપક જુદા જુદા રંગોવાળો, સ્થિર જ્યોતિવાળો અને થોડાક ધુમાડાવાળો દેખાતો હતો. એને થયું કે એ દીપક એના પોતાના વિચારો તથા ભાવોનું પ્રતીક છે’

‘બીજો દૂરનો દીપક રંગ વગરનો હતો. એનાં કિરણો આજુબાજુ બધે જ ફરી વળેલાં અને પહેલા દીપકના રંગોની અંદરથી પસાર થઈ રહેલાં. એ અચળ હતો, પવિત્ર હતો, શાંતિપૂર્વક પ્રકાશતો હતો અને અનંત શાંતિથી સંપન્ન દેખાતો.

‘થોડા વખતમાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ કોઈ સંતપુરુષે ત્યાં પ્રવેશ કર્યો. અને બંને દીપકોને હાથમાં લઈને એમનાં સ્થાનોને બદલી નાખ્યાં. એણે જાણે કે ઉદગારો કાઢ્યા કે અત્યાર સુધી તમે નાશવંત અસાર જીવન અને જગતનું નિરીક્ષણ કરી રહેલા પરંતુ હવે અનંતતાના પ્રકાશનું અવલોકન કરશો. તમારી અત્યાર સુધીની પ્રવૃત્તિને લીધે તમારે માટે અનંતનું દર્શન અશક્ય થઈ ગયેલું.’

*

હું કોણ ? હું કોણ ? હું કોણ ? એ પ્રશ્નના સંશોધનનો મેં પ્રયત્ન કર્યો અને અચાનક મારું સમસ્ત જીવન આરંભથી માંડીને અંત સુધી મારા મનની આગળ રમવા માંડ્યું. એ જીવનને જોતાં જોતાં હું પહેલાંની પેઠે અલૌકિક અનુભવોમાંથી પસાર થયો.

મારા મનની આગળ ઉપસ્થિત થતાં અનુકૂળ અને પ્રતિકૂળ દૃશ્યોને દૃષ્ટા તરીકે થોડાક વખત સુધી જોયા પછી મારી ઈચ્છાશક્તિની મદદથી મારા સઘળા સામર્થ્યને કેન્દ્રિત કરીને મેં એ દૃશ્યોને શાંત કરી દીધાં. એ બધાં દૃશ્યો મારા સ્વરૂપના અંગરૂપ ન હતાં. એ ક્ષુલ્લુક અનુભવો, મુર્ખતાપૂર્ણ પ્રયત્નો, પ્રયોજન વિનાના વિચારો, પલટાતા જતા ભાવો અને વિચારો અને બીજું બધું જે થોડાક સમય પહેલાં મને મારા વ્યક્તિત્વના અંગરૂપ લાગતું તેની સાથે મારે કશો સંબંધ ન રહ્યો. મારા ભૌતિક સ્તર પરથી આગળ વધીને હું હવે ક્યાંક દૂરના પ્રદેશમાં આગળ વધી રહેલો.

કારણોને શોધવાના મારા પ્રયત્નોનો કોઈ અર્થ ન દેખાયો. જુદીજુદી વાતોનાં સ્પષ્ટીકરણોમાં મને કોઈ પ્રકારનો રસ ન લાગ્યો. મારે માટે જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયેલું હોય એવું લાગ્યું.

‘જે પોતાના જીવનને બચાવવા માગશે તે તેને ખોઈ નાખશે અને જે એને ખોઈ નાખશે તે એને સાચવી શકશે.’

માનવજાતિના એક મહાન સદગુરુના એ રહસ્યમય અને ગૂઢાર્થથી ભરેલા ઉદગારો બે હજાર વર્ષ પહેલાં નીકળ્યા હોવા છતાં આજે પણ પ્રેરક થઈ પડ્યા હોય એવું લાગ્યું. એવા જ બીજા શબ્દોનું મને સ્મરણ થયું :

‘પૃથ્વી તથા સ્વર્ગનો નાશ થશે તો પણ મારા શબ્દોનો નાશ નહિ થાય.’

મારી ધ્યાનવસ્થા પછી પ્રસરેલી શાંતિમાં મને ખબર પણ ન પડી કે કેવી રીતે કેટલાય કલાકો પસાર થઈ ગયા. રાતના સમયે આશ્રમના કંપાઉન્ડમાં આવનારા જંગલી પશુઓના અવાજો સંભળાવા લાગ્યા. આંખ ઉધાડીને મેં બારીમાંથી બહાર જોયું તો એક વાંદરું દેખાયું.

*

બીજો દિવસ શરૂ થયો. રમણ મહર્ષિએ પસંદ કરેલા પવિત્ર પર્વતની તળેટીમાં એક બીજો દિવસ શરૂ થયો. અહીંના વાતાવરણમાં જરા પણ થાક લાગતો ન હતો. એનું કારણ અહીંની આબોહવા હતું કે અહીં વિરાજતા પરમ પ્રતાપી મહાપુરુષનું અસાધારણ વ્યક્તિત્વ હતું, તેની ખબર ન પડી. મને એટલું અવશ્ય લાગ્યું કે આવું આધ્યાત્મિક રીતે અનુકૂળ વાતાવરણ મેં મારા જીવનમાં આ પહેલાં બીજે ક્યાંય નહોતું જોયું. થોડા વખત પછી મને એ વાતાવરણનો લાભ નહોતો મળવાનો એવું લાગવાથી મેં એ વાતાવરણ સાથે મારી જાતને જેટલી પણ કરી શકાય એટલી એકરૂપ કરવાનો પ્રયત્ન કર્યો.

ધ્યાન વખતે ગવાતા જુદાં જુદાં ગીતોને યાદ કરવાનો મેં પ્રયત્ન કર્યો જેથી મારે આશ્રમથી દૂર જુદા વાતાવરણમાં વસવાનું થાય ત્યારે એ ગીતો ઉપયોગી થઈ શકે. પશ્ચિમના અશાંત કોલાહલયુક્ત વાતાવરણમાં એ ગીતો મારે માટે અસાધારણ આલંબનરૂપ બને તેમ હતાં.

મહર્ષિની સ્મૃતિ મહાન પ્રેરણા તથા ઊંડી શાંતિ આપી શકે તેમ હતી. મંદિરના ધ્યાન કરતી વખતે એમની આંખમાં જે ભાવો તરવરતા તેનું વર્ણન મારાથી કેવી રીતે કરી શકાય ?

મારા ઉષ્ણતાથી ભરેલા, એકાન્ત, સાદા નિવાસસ્થાનમાં બેસીને આ પંક્તિઓને લખી રહ્યો છું ત્યારે મહર્ષિના કેવળ સ્મરણ માત્રથી એમની આકૃતિ મારી આગળ આવીને ઊભી રહી. એને પરિણામે બીજા બધા જ વિચારો બંધ પડયા.

વિચારો બંધ પડતાં મારુ લેખનકાર્ય પણ આપોઆપ બંધ પડી ગયું.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.