ધ્યાનનો મર્મ

મનમાં જ્યાં સુધી વિચારોનો ભાર ભરેલો હોય ત્યાં સુધી ધ્યાન કરવાનું કામ કઠિન છે. બધા જ બાહ્ય વિચારોમાંથી મનને મુક્ત કરવામાં આવે ત્યારે જ ધ્યાનની સાધના સારી રીતે કરી શકાય છે. યોગમાર્ગના લગભગ બધા જ સાધકો એ શરતને સમજતા હોવા છતાં બધા એનો અમલ નથી કરી શકતા.

જે યોગ કે ગૂઢવિદ્યાની જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તે ઘણીવાર એવું માને છે કે ધ્યાન એક એવી સાધનાત્મક પ્રક્રિયા છે જેની મદદથી મનને પહેલાંના વિચારોને અનુસરીને અમુક ચોક્કસ દિશામાં વાળવામાં આવે છે. ધ્યાનના નામે કરવામાં આવતી એવી  ક્રિયાપ્રક્રિયાઓનું પરિણામ ખૂબ જ સામાન્ય હોય છે. એમનો આધાર વરસો સુધી લેવામાં આવે તો પણ મનને નિર્વિચાર કરીને પવિત્ર બનાવવાનું કાર્ય શક્ય બનતું નથી.

એવી સંસ્થાઓના આગળ વધેલા સભ્યોને જે નિયમો અને સિદ્ધાંતો શિખવવામાં આવે છે તે પણ મોટે ભાગે અસરકારક નથી હોતા. એમાંના કેટલાક કૃત્રિમ હોય છે તો કેટલાક કુદરતી. એમનામાંથી કેટલાક અગત્યના આ પ્રમાણે :

૧. સાધકની અંદર જે ગુણ ખૂટતો હોય તેને મેળવવા માટેની કલ્પના. સાધકની પ્રકૃતિ જો ભોગપરાયણ હોય તો ધ્યાનના નકકી કરેલા સમય દરમિયાન એણે પોતે પવિત્ર છે એનો વિચાર કરવો.

૨. બહારના ભળતા વિચારોના આક્રમણનો અંત આણવા માટે એને આપવામાં આવેલી સૂચના પ્રમાણે વિચારનું સૂક્ષ્મ આવરણ તૈયાર કરવું.

૩. કોઈક મંત્રની મદદથી સુદીર્ઘ સમયપર્યંત મનને એક જ ભાવ કે વિચાર પર કેન્દ્રિત કરવું.

ધ્યાનની બીજી કુદરતી પદ્ધતિમાં સૌથી પ્રથમ સમાવેશ પ્રાર્થનાનો થાય છે. પરમાત્માને કરવામાં આવતી એવી પ્રાર્થના પ્રામાણિક અને નિયમિત રીતે પૂરતો સમય આપીને થતી હોય છે તો એનું પરિણામ સંતોષકારક આવે છે અને મન ધ્યેય પદાર્થને છોડીને બીજા બધામાંથી મુક્તિ મેળવે છે.

એ પછીથી મન નિર્વિચાર બનવા માંડે છે અને પરમાત્માની પરમકૃપાથી ભરપૂર બને છે.

સાધકને સાધનામાર્ગમાં કોઈક સદગુરુ અથવા માર્ગદર્શક મળી જાય છે તો એનું સઘળું કામ સરળ, સહેલું અને અસરકારક થાય છે. અનેક સાધકોને સાધનાકાળમાં એમનું સ્થૂળ શરીરે દર્શન થાય છે. સદગુરુનો જીવંત પ્રત્યક્ષ સમાગમ ચંચળ-અશાંત મનને શાંત કરવામાં અને સ્વસ્થ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. સદગુરુના સૂચવ્યા પ્રમાણે આત્મવિચારનો આધાર લેવાથી સહેલાઇથી આગળ વધાય છે. આત્મવિચારની પ્રક્રિયામાં આગળ વધવા માટે મનની સ્થિરતા અનિવાર્યરૂપે આવશ્યક છે એનું પણ ધ્યાન રાખવું ઘટે.

જીવંત સદગુરુની સંનિધિમાં માનવના ભાવો પણ પવિત્ર બને છે. સદગુરુનાં ચિત્રોમાં પણ અસાધારણ શક્તિ સમાયેલી હોય છે. જેમને પોતાના જીવનકાળ દરમિયાન એમને જોવાનું સદભાગ્ય ના સાંપડ્યું હોય એમને માટે એમનાં ચિત્રો મદદરૂપ થઈ પડે છે. અનુભવની મદદથી નક્કી થયું છે કે ચિત્રોની મદદથી પણ નોંધપાત્ર પરિણામોની પ્રાપ્તિ થઈ શકે છે. મન જ્યારે વિચારરહિત અને શાંત બને છે ત્યારે સાચું ધ્યાન સિદ્ધ થાય છે. તે પહેલાં નથી થતું. એ પછી આત્માનુભવનો લાભ મળે છે. એવા ધ્યાનમાં કોઈ લાગણી, અનુભૂતિ કે રૂપોની ઝાંખી નથી થતી. રમણ મહર્ષિ જણાવતા કે સાધકનું ધ્યેય સમાધિમાં થતી જુદાં જુદાં સ્વરૂપોની ઝાંખી નથી પરંતુ પવિત્ર આત્મભાવની અનુભૂતિ છે. સાધકનું ધ્યાન એના પ્રત્યે જ કેન્દ્રિત થવું જોઈએ. આત્મભાવ પ્રકટતાં આપોઆપ સમાધિ થાય છે ને ધ્યાન સફળ બને છે.

સમાધિની અલૌકિક અવસ્થા તરફ આગળ વધીએ છીએ ત્યારે દેહભાન ભુલાઈ જાય છે, વિચારો ને ભાવો શાંત થાય છે અને અહંકારમાંથી મુક્તિ મળે છે. સારું ને નરસું બધું જ મટી જાય છે. એમનું અસ્તિત્વ જ નથી રહેતું. આપણે અંધકારમાં નથી હોતા પરંતુ પ્રકાશસ્વરૂપ હોઈએ છીએ. એ વખતે દૃષ્ટા કે દૃશ્ય ના હોવાથી આપણે એને જોઈ શકતા નથી. મહર્ષિ કહેતા કે પરમપવિત્ર આત્મા સિવાય બીજા કશાનું અસ્તિત્વ નથી રહેતું અને આપણા જીવનનો એકમાત્ર આદર્શ એનો સાક્ષાત્કાર કરવાનો જ હોય છે.

સાચા ધ્યાનની મદદથી આત્માનો સાક્ષાત્કાર શક્ય બને છે. જુદાં જુદાં સાધનોનો આશ્રય ધ્યાનના એ જ વિરાટ ધ્યેયને નજર સમક્ષ રાખીને લેવામાં આવે છે. એ અંતિમ ધ્યેયની સિદ્ધિ થતાં વચગાળાનાં વિવિધ સાધનોની આવશ્યકતા નથી રહેતી.

આત્માસાક્ષાત્કારનો એ સીધો રાજમાર્ગ સૌને અનુકૂળ નથી લાગતો. એટલા માટે તો સાધનાના અન્ય માર્ગોનું પણ નિર્માણ થયું છે.

મારે અનેક યોગીઓને મળવાનું થયું. એ આત્મસાક્ષાત્કારના ઉદાત્ત માર્ગથી અજ્ઞાત ના હોવા છતાં, એમના જીવનમાં એમની મનપસંદ સાધનાપદ્ધતિનો આધાર લઇને આગળ વધ્યે જતા. એમની પરિસ્થિતિ એવી હતી તો પછી સામાન્ય સાધકોનું તો કહેવું જ શું ? એમને અનેક પ્રકારની સાધનાપદ્ધતિઓનો આધાર લેતા જોઈને કશું આશ્ચર્ય નહોતું થતું.

 - © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.