પ્રસ્થાન

બે દિવસ પછી મારે આશ્રમમાંથી વિદાય થવાનું હતું. એ પહેલાં મારે મારા કેટલાક મિત્રોને મળી લેવાનું હતું. એમનામાંના કેટલાકને મારા પ્રસ્થાનની માહિતી મળતાં એ મને મારા આશ્રમનાં નિવાસ્થાન પર મળવા આવ્યા.

ભારતમાંથી બહાર જનારા દરેકને રસી મૂકવામાં આવતી. તેને લીધે મને પણ છેલ્લા થોડાક દિવસોથી તાવ આવેલો. ઠંડા પ્રદેશોની સરખામણીમાં ગરમ પ્રદેશોમાં તાવની અસર અધિક અનુભવાય છે, પરંતુ સમગ્ર રીતે વિચારતાં મારા શરીરે તિરુવણ્ણામલૈની આબોહવાને સારો સાથ આપ્યો. ભારતના મારા નિવાસ દરમિયાન એ તાવને લીધે મેં એક જ વાર અસ્વસ્થતા અનુભવી.

મારે સૌથી પ્રથમ મદ્રાસ જઈને, રમણાશ્રમની મુલાકાત પહેલાં મેં જેની ઊડતી મુલાકાત લીધેલી તે અડિયારમાં આવેલા થિયૉસોફીકલ સોસાયટીના સુંદર મુખ્ય કેન્દ્રમાં થોડાક દિવસો ગાળવાના હતા. પ્રવાસની આવશ્યક વિધિને પૂરી કર્યા પછી મારે દક્ષિણ ભારતમાંથી રેલ્વે દ્વારા સિલોન જઈને સમુદ્ર માર્ગે આગળ વધવાનું હતું.

મિત્રો સાથેની વાતચીત્તમાં મેં જણાવ્યું કે આશ્રમમાં વધારે વખત વીતે તે પહેલાં જ હું પાછો ફરીશ. મારા મિત્રોને પણ લાગ્યું કે અમે ફરી વાર મળીશું. પરંતુ મને થયેલી બીજી લાગણી વિશે મેં કોઈને પણ કશું ના જણાવ્યું કે હું મહર્ષિને ફરી વાર એમના સ્થૂળ શરીરમાં જોઈ શકીશ નહીં.

એ વાક્યને મેં લગભગ અજ્ઞાત રીતે લખેલું. એને વાંચીને મને ભય લાગ્યો. એનો અર્થ એવો થયો કે એમનું સ્થાન મંદિરના હૉલમાં, ભોજનખંડમાં અને સમસ્ત આશ્રમમાં ખાલી પડશે ને કોઈનાથી કોઈ પણ રીતે નહિ પુરાય. એ પરમ પવિત્ર પ્રાણવાન પ્રદીપના પ્રખર પ્રકાશે મારા અંતરના અંધકારને દૂર કર્યો હતો. એ પ્રદીપને ભૂલવાની કોઈ શક્યતા જ નહોતી દેખાતી.

હું એવા વિચારો કરી રહેલો ત્યાં જ મારા અંતરમાંથી કોઈએ જણાવ્યું : ‘તેં તો તારા ગુરુદેવને ક્યારના દફનાવી દીધા. એમના જીવનકાળ દરમિયાન જ તું કલ્પના કરે છે કે એમની વિદાયના પ્રત્યઘાતો તારા પર કેવા પડશે !’

મારે માટે એટલું પૂરતું હતું. થોડી વારમાં તો હું મારું દેહભાન ભૂલવા લાગ્યો. એટલે મારી બાજુમાં બેઠેલા મિત્રે હાથ પકડ્યો ને પૂછયું કે શું થઈ રહ્યું છે ?

મેં તરત જ ‘હું કોણ છું’ એ પ્રશ્નનો આધાર લીધો એટલે મને પૂર્વવત્ ભાન આવ્યું. મને થયું કે જેને આપણે સમયના નામથી ઓળખીએ છીએ એ સમય નામની વસ્તુ કેટલી બધી ભ્રામક અને અસ્થિર છે ?

મને બાઈબલનું પેલું વાક્ય યાદ આવ્યું :

‘હજાર વરસો એક દિવસ બરાબર છે અને એક દિવસ હજાર વરસો બરાબર.’

મારો પ્રસ્થાનનો સમય એક દિવસ પાછો ઠેલાયો. રાતે મારે રમણ મહર્ષિની રજા લેવાની હતી. એનું મહત્વ ધાર્યા કરતાં ઘણું વધારે હતું. મહર્ષિની ઉપસ્થિતિના એ અંતિમ કલાકો હતા. એવા કિંમતી કલાકો ફરી વાર ક્યારે મળશે તે કોણ કહી શકે ?

મારા ઉતારા પર આવીને હું આસન પર બેઠો અને થોડા વખતમાં જ આંખને બંધ કરીને ધ્યાનમાં ડૂબવાનો પ્રયત્ન કરવા લાગ્યો. વખતના વીતવાની સાથે જ બધા જ બાહ્ય વિચારોને ભૂલીને હું શાંત દશામાં ડૂબી ગયો.

એ દશામાં સફળતાપૂર્વક ડૂબવા માટે મનમાં પેદા થતા વિચારોને ને ભાવોને ઈચ્છાનુસાર સમયે અને સમયપર્યંત કાબૂ કરવાની આવશ્યકતા હોય છે.

મારા ખંડના દ્વારને કોઈએ ખખડાવ્યું એટલે હું ભાનમાં આવ્યો. મેં દ્વારને ઉધાડીને જોયું તો બહાર કામ કરનારી છોકરી ઊભેલી. એણે કહ્યું કે બપોરનો વખત થયો હોવાથી ભોજન લાવવા માટેનું વાસણ લઈ જવું જોઈએ. એણે સુંદર સ્મિત કર્યું, અને એના લાલસાયુક્ત લોચનને મારા ખંડમાં એક તરફ પડેલાં કેળાં પર કેન્દ્રિત કર્યાં. મેં એને સમજાવવાની કોશિશ કરી કે કેળાં તો ઘીવાળા ભાતના ભોજનને કર્યા પછી જ ખાવાં જોઈએ.

પરંતુ મારા પ્રસ્થાનનો સમીપ આવ્યો ત્યાં સુધી હું એને એની સફળતાપૂર્વક પ્રતીતિ કરાવી શક્યો નહિ.

 - © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.