Text Size

સાધનાનું સરવૈયુ - ૧

સાધનાનો સ્થૂળ કે સૂક્ષ્મ, બહિરંગ અથવા અંતરંગ અભ્યાસક્રમ કોને માટે છે ? જે સનાતન શાંતિની આકાંક્ષા રાખે છે એને માટે  અથવા તો જે અપૂર્ણાવસ્થાનો અનુભવ કરે છે એને માટે. જે પૂર્ણાવસ્થાને અનુભવે છે ને સનાતન શાંતિથી સંપન્ન, મુક્ત તથા કૃતકૃત્ય છે એને તો વ્યક્તિગત વિકાસની સાધનાની આવશ્યકતા જ નથી હોતી. એ તો સદાને માટે આત્મતૃપ્ત હોય છે. જીવનના વ્યક્તિગત આત્મિક વિકાસને માટે એને કાંઈ મહત્વનું મેળવવાનું શેષ નથી રહેતું. પરંતુ એવી પૂર્ણ, મુક્ત, કૃતકૃત્ય અવસ્થાની અનુભૂતિ કાંઈ જેને તેને નથી થતી. એમ કહો કે કોઈક વિરલ વ્યક્તિવિશેષને જ થતી હોય છે. મોટા ભાગના માનવો તો અપૂર્ણાવસ્થામાં અથવા અશાંતિમાં જ શ્વાસ લે છે. એ જો આત્મવિકાસની સાધના પ્રત્યે ઉદાસીન રહે તો જીવનનું જરૂરી શ્રેય ન સાધી શકે. એમણે તો સાધનાની રુચિ જગાવી ને વધારીને સાધના પ્રત્યેનો પ્રેમ કેળવવો જ જોઈએ.

અપૂર્ણતાનો અંત આણીને પૂર્ણતામાં પ્રવેશ કરવા તથા પ્રતિષ્ઠિત થવા માટે, સમસ્ત પ્રકારનાં ક્લેશ બંધન, અશાંતિ અને અવિદ્યાજન્ય દોષોમાંથી મુક્તિ મેળવીને સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને અમૃતત્વના અપરોક્ષ અનુભવ માટે અને અંધકારમાંથી પરમસત્યના પરિપૂર્ણ પરમપાવન પ્રકાશમાં પહોંચવા માટે આત્મસાધનાની અનિવાર્ય આવશ્યકતા છે. પૃથ્વીનો નાનોમોટો પ્રત્યેક પદાર્થ પોતાની સાધનામાં સંલગ્ન દેખાય છે. સૂર્ય સ્વયં પ્રકાશનો પુંજ બનવાની સાથેસાથે સંસારને સ્વાભાવિક રીતે જ પ્રકાશ, ઉષ્મા, ચેતના કે જીવનનું દાન દે છે. ચંદ્ર તથા તારાગણો પણ એવી જ રીતે પોતાની સાધનામાં રત રહે છે. પૃથ્વી અનંતકાળથી અથક રીતે સેવાસાધના કર્યા કરે છે. સરિતા સાગરમાં સમાવા માટે પોતાના જીવનધનને લઈને અનુરાગપૂર્ણ અભિસરણ કર્યા કરે છે. પુષ્પો ઉદ્યાનમાં પ્રસન્નપણે પ્રકટીને એની શોભા બને છે. માનવ પણ એ શાશ્વત વિશ્વનિયમમાં અપવાદરૂપ ન બની શકે. એણે પણ આત્મવિકાસની અને સંસારની શોભા બનવાની સમજપૂર્વકની સમ્યક્ સાધનાનો આધાર લેવો જ જોઈએ. એની સાચી મહત્તા એમાં જ સમાયેલી છે.

પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ ફરે છે અને સાથે સાથે સૂર્યના અદમ્ય અનંતકાલીન આકર્ષણનો અનુભવ કરતી એની પ્રેમપૂર્ણ પરિકમ્માનો પરિત્યાગ પણ નથી કરતી. માનવ પણ એવી રીતે બીજી બાહ્ય પ્રવૃત્તિઓ કરતાં કરતાં પોતાની આત્મધરીને ન ભૂલે કે પોતાના મૂળભૂત સચ્ચિદાનંદરૂપનું વિસ્મરણ કરીને એમાંથી ન ડગે એ એટલું જ આવશ્યક છે. આજના જગતનું તટસ્થ રીતે નિરીક્ષણ કરતાં લાગે છે કે મોટા ભાગનાં માનવો પોતાના મૂળભૂત સચ્ચિદાનંદરૂપને વિસ્મરીને અથવા પોતાની આત્મિક ધરીમાંથી ચ્યુત થઈને કે પતન પામીને દુન્યવી રસો, વિષયો તથા પદાર્થોમાં આસક્તિ કરી બેઠા છે. એને લીધે અસ્થિરતાનો, ચંચળતાનો, ક્લેશનો અને અશાંતિનો અનુભવ કરે છે. એમાંથી મુક્તિ મેળવીને જીવનને જ્યોતિર્મય કરવા ને શ્રેયસ્કર બનાવવા એમણે પોતાની આત્મિક ધરીમાં સ્થિર થવાનું છે. સાધના એવી સ્થિતિમાં મદદરૂપ બને છે.

ઉપનિષદ-ઈશાવાસ્ય ઉપનિષદના ઋષિ સુંદર સારગર્ભિત પ્રાર્થના કરતાં કહે છે કે 'પરમસત્યનું’ સ્વરૂપ અવિદ્યાના સ્વર્ણઢાંકણથી ઢંકાઈ ગયું છે. એને લીધે એનો સાક્ષાત્કાર અથવા સ્વાનુભવ નથી થઈ શકતો. એનાં દર્શનની સુયોગ્યતા સાંપડે તે માટે સંસારના પરમપોષક પરમાત્મા ! કૃપા કરીને અવિદ્યાના એ ઢાંકણને દૂર કરી દો અને અમારા જીવનને કૃતાર્થ કરો.’

ઉપનિષદના ઋષિની એ અસાધારણ અસરકારક પ્રાર્થનામાં સાધનાનું સરવૈયું સમાઈ જાય છે. સાધનાના પ્રમુખ પ્રયોજન પ્રત્યે પણ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. એને ઢાંકણ કહો, આવરણ કહો, આચ્છાદન કહો, કર્મસંસ્કાર કહો, અવિદ્યા કહો, માયા કહો કે બીજું ગમે તે નામ આપો, પરંતુ માનવની પોતાની અંદર એવું કશુંક છે જેને લીધે એ પોતાના વાસ્તવિક મૂળભૂત સચ્ચિદાનંદરૂપનો સાક્ષાત્કાર નથી કરી શકતો કે પોતાને અનુભવી નથી શકતો. સ્વરૂપના સાક્ષાત્કાર અથવા સ્વાનુભવના એ મંગલ માર્ગને કે શ્રેયસ્કર સાધનને સાધનાના સરસ નામથી ઓળખવામાં આવે છે. સાધનાના એ પ્રયોજનના સંબંધમાં સાધકે કદી પણ ભુલાવામાં નથી પડવાનું. એ પ્રયોજનને સદાય યાદ રાખવાનું છે.

કેટલાક સાધકો એ સંબંધી વિભિન્ન પ્રકારની ભ્રાંતિ સેવે છે કે ગેરસમજમાં પડે છે. એટલા માટે નાની કે મોટી સિદ્ધિઓ મેળવવા, ધનપ્રાપ્તિ કરવા, યશસ્વી બનવા, લૌકિક કષ્ટોમાંથી છૂટવા, વ્યાધિનું નિવારણ કરવા, યૌવનને પામવા અને એવાં એવાં સાધારણ પ્રયોજનોથી પ્રેરાઈને એમની પરિપૂર્તિ માટે સાધનાનો આશ્રય લે છે. એમને સરવાળે જેટલો ને જેવો થવો જોઈએ તેટલો ને તેવો લાભ નથી થતો. એમની ઈપ્સિત પ્રયોજનપૂર્તિ થાય તો પણ એ એના કરતાં પણ ઘણી મોટી ને મહત્વની મહામૂલ્યવાન વસ્તુથી અથવા સ્વરૂપસાક્ષાત્કારથી વંચિત રહી જાય છે. એ એમના જીવનનું આત્યંતિક આત્મિક કલ્યાણ નથી કરી શકતા. એવી બહારની સિદ્ધિઓની પ્રાપ્તિથી શું વળે ને કયો વિશેષ ઉપયોગ હેતુ સરી શકે ?

માનવીની પાસે શરીર છે અને શરીરની સહાયથી જ સાધના કરવાની છે એટલે સાધનામાં શરીરની ઉપેક્ષા કરવી બરાબર નથી. મન ને બુદ્ધિ પણ એમાં અત્યંત અગત્યનો ભાગ ભજવે છે. એટલે એમની અવગણના પણ ન કરી શકાય. હૃદયનું સ્થાન પણ એવું જ અગત્યનું છે. સાધના દ્વારા એનો પણ સમુચિત વિકાસ સાધવો જોઈએ. અને માનવીની અંદર એ સઘળાથી સર્વોત્તમ આત્માનું અસ્તિત્વ છે એ તો સર્વવિદિત હોવાથી કોઈ સાચી શ્રેષ્ઠ શ્રેયસ્કર સાધના એની પ્રત્યે આંખમીચામણાં કરવાનું તો ભૂલેચૂકે પણ ન શીખવી શકે. તન, મન, અંતર અને આત્માનો સુયોગ્ય વિકાસ સાધનાના અભ્યાસક્રમમાં આવશ્યક છે. માનવના વ્યક્તિત્વમાં એનું સ્થાન ખૂબ જ મહત્વનું છે એ કદી પણ ન ભુલાવું જોઈએ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You don't have to be great to get started but you have to get started to be great.
- Les Brown

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok