Text Size

ધ્યાનની વિધિ

એકાંત શાંત સવારમાં અનુકૂળ આસન પર બેસીને સાધનાત્મક અભ્યાસનો આરંભ કેવી રીતે કરવો એ પણ વિચારવા જેવું છે. કોઈ પણ સ્થળમાં જ્યારે બેસવાની તૈયારી કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં તો એની સ્વચ્છતાનો આગ્રહ રાખીએ છીએ. શરીરને પણ બને તેટલું સ્વચ્છ તથા સ્વસ્થ કરવાની કોશિશ કરવી. એવી કોશિશ આસન જેવા હળવા વ્યાયામથી થઈ શકે. એ પછી સ્વચ્છ સ્થળમાં આસન પર બેસીને નાડીશોધન જેવી પ્રાણાયામની ક્રિયાઓનો અભ્યાસ કરવો. એથી પ્રાણવાયુની વિશુદ્ધિમાં અને બીજી રીતે મહત્વની મદદ મળે છે. બને તેટલા ઊંડા શ્વાસ લેવાની ને છોડવાની ક્રિયા પણ કરી શકાય. એ પછી મનની સ્થિરતા તથા પવિત્રતા માટે પ્રાર્થના કરવી જોઈએ. એવી પ્રાર્થના બધી રીતે હિતાવહ છે. પરમાત્માની પ્રાર્થના કર્યા પછી સદ્ ગુરૂ કે પ્રાતઃસ્મરણીય સત્પુરૂષોનું સ્મરણ કરવું અને એમના શુભાશીર્વાદની કામના કરવી. એ પછી બુદ્ધિને 'હું શુદ્ધ છું, બુદ્ધ છું, મુક્ત છું, શાંતિસ્વરૂપ છું, પ્રેમસ્વરૂપ છું, આનંદસ્વરૂપ છું,’ - એવી સદ્ ભાવનાથી ભરી દઈને મનને સમાહિત અથવા શાંત કરવા માટે નામજપનો અથવા ધ્યાનનો અભ્યાસ આરંભવો, અને તે પહેલાં નિશ્ચય કરવો કે આજે તો મન શાંત, સ્થિર અથવા એકાગ્ર થશે જ; આજે અસાધારણ, અદ્ ભુત, અલૌકિક આનંદનો અનુભવ થશે, ચંચલતા શમી જશે, ને બધી રીતે લાભ પહોંચશે.

ધ્યાનનો અભ્યાસ મુખ્યત્વે બે રીતે થઈ શકે છેઃ એક તો જપ સિવાયના ધ્યાનનો અભ્યાસ ને બીજો જપ સાથેના ધ્યાનનો અભ્યાસ. જપ સિવાયનો ધ્યાનનો અભ્યાસ જુદીજુદી રીતે થઈ શકે છે. એમાંની એક વિશિષ્ટ રીત ગીતાના છઠ્ઠા અધ્યાયમાં બતાવવામાં આવી છે :
आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् ।
'મનને આત્મામાં સ્થાપીને, જોડીને કે સ્થિર કરીને બીજું કાંઈ પણ ચિંતનમનન ન કરવું, કશો વિચાર ન કરવો’ એટલે કે મનને નિર્વિચાર ધ્યાનમાં આગળ વધવાની સાધના કરવી. એનું નામ નિર્વિચાર ધ્યાન. નિર્વિચાર શબ્દપ્રયોગ એવી રીતે અદ્યતન નથી પરંતુ પુરાતન છે. ગીતા જેટલો પુરાતન તો છે જ પરંતુ ગીતા કરતાંયે વધારે પુરાતન છે. પાતંજલ યોગદર્શનમાં મહર્ષિ પતજંલિએ એનો ઉલ્લેખ કરતાં સૂત્ર લખ્યું છે કે  निर्विचारवैशारधैरध्यात्मप्रसादः । એટલે કે નિર્વિચાર દશામાં પ્રવીણતા કે સિદ્ધહસ્તતાની પ્રાપ્તિ થતાં આત્માની અનુભૂતિની અથવા આત્મિક અનુગ્રહની પ્રાપ્તિ થઈ જાય છે. એના પરથી અનુમાન કરી અને સહેલાઈથી સમજી શકાય છે કે નિર્વિચાર દશા ઘણી સુંદર, આદર્શ અને ઉપયોગી હોવા છતાં પણ સાધનામય જીવનનું સારસર્વસ્વ નથી. એ સાધ્ય નથી, સાધન છે. સાધકે એનો આધાર લઈને સંતોષ માનીને બેસી રહેવાને બદલે આગળ વધવું જોઈએ. એને આત્માનુભૂતિ દ્વારા આત્મનિષ્ઠાને કેળવવી, વૃદ્ધિગત કરવી તેમ જ અખંડ રાખવી જોઈએ. નિર્વિચાર દશાનો ઉપયોગ કરીને કે લાભ લઈને, અસ્મિતાની પાર પહોંચીને પોતાના મૂળભૂત સચ્ચિદાનંદસ્વરૂપનો સાક્ષાત્કાર કરવો જોઈએ.

નિર્વિચાર કે નિર્ગુણ ધ્યાન કેવી રીતે કરવું ? એ ધ્યાનની એક પદ્ધતિ કોઈ પણ પ્રકારના વિચાર, ભાવ અથવા કોઈ પણ પ્રકારની બાહ્ય ક્રિયાનો આધાર લીધા વિના મનને શાંત રાખવું ને શાંતિપૂર્વક નિર્વિકલ્પ બનીને બેસવું, તેવી છે. એવી રીતે ધ્યાન કરવાથી મનની ધ્યાન કરનારી અથવા ધ્યાનમાં જોડાનારી કે લાગનારી વૃત્તિ પણ લય પામશે કે શાંત બની જશે. જેમને એ પદ્ધતિ પસંદ પડે અને એનું આલંબન લેવાનું ઉચિત લાગે એ એને પસંદ કરીને એનું આલંબન લઈ શકે છે.

બીજી પદ્ધતિ શ્વાસ તથા પ્રશ્વાસની ગતિનું નિરીક્ષણ કરીને ધ્યાન કરવાની છે. નાસિકાનાં છિદ્રોમાંથી સહજ રીતે ચાલતા શ્વાસ તથા પ્રશ્વાસનું ધ્યાન રાખવાથી અથવા એની અંદર મનને પરોવવાથી બીજા વિચારો મનમાં પેદા નથી થતા ને મન સહેલાઈથી સ્થિરતાનો અનુભવ કરે છે. મનનો મોટો ભાગ અને પાછળથી લગભગ બધો જ ભાગ અંતર્મુખ બનીને વિક્ષેપરહિત રીતે અસ્ખલિતરૂપે ધ્યાનમાં અસાધારણ અવસ્થામાં વહ્યા કરે છે.

ત્રીજી પદ્ધતિ કુંભક સાથે કરાતા ધ્યાનની છે. એ પદ્ધતિ ખાસ સમજવા જેવી છે. શ્વાસોચ્છ્ વાસની  પ્રક્રિયા કરતાં કરતાં શ્વાસને કાઢીને બહાર રોકી રાખવો અને તેની સાથે ધ્યાન કરવું અથવા મનને ત્યાં જોડવું અને એકાગ્ર કરવાનો અભ્યાસ આદરવો. શ્વાસ જ્યાં સુધી રોકી શકાય ત્યાં સુધી રોકી રાખવો અને ન રોકાય ત્યારે છોડી દઈને સ્વાભાવિક રીતે જ શ્વાસ લેવાનું ચાલુ કરવું. વળી થોડા વખત પછી શ્વાસ રોકવો અને મનને પણ એની અંદર સ્થિર કરવાની કોશિશ કરવી. એવો જ અભ્યાસ શ્વાસને અંદર રોકીને પણ કરી શકાય. શ્વાસને અંદર રોકવાના અભ્યાસને આંતર કુંભક અને શ્વાસને બહાર રોકવાના અભ્યાસને બાહ્ય કુંભક કહી શકાય, અને એની સાથેના ધ્યાનને આંતર તથા બાહ્ય કુંભક સાથેના ધ્યાનનું નામ આપી શકાય.

ધ્યાનની ચોથી પદ્ધતિ ભ્રૂમધ્યમાં કે હૃદયપ્રદેશમાં દ્રષ્ટિ સ્થાપીને કરાતા ધ્યાનની છે. દ્રષ્ટિને સાચેસાચ ક્યાં સ્થિર કરવી, સ્થાપવી કે જોડવી એનો નિર્ણય ધ્યાનના અભ્યાસીએ પોતે જ પોતાની મેળે અથવા બીજાના માર્ગદર્શન પ્રમાણે કરવાનો છે. કેટલાક સાધકો એવું માને છે કે જ્ઞાની અથવા યોગી હોય છે તે ભ્રૂમધ્યમાં ધ્યાન કરે છે અને ભક્ત હોય છે તે હૃદયપ્રદેશમાં દ્રષ્ટિને કેન્દ્રિત કરે છે. પરંતુ એ માન્યતા પરંપરાગત તથા રૂઢ હોવા છતાં આદર્શ અથવા બરાબર નથી. ધ્યાનના અભ્યાસ દરમિયાન મનને ક્યાં કેન્દ્રિત કરવું ભ્રૂમધ્યમાં કે હૃદયપ્રદેશમાં, એ સાધકની પ્રકૃતિ અથવા રુચિ પર આધાર રાખે છે, અને એનો નિર્ણય સાધકે પોતાની રુચિ તથા પ્રકૃતિને લક્ષમાં લઈને કરવો જોઈએ.

ધ્યાન કરતી વખતે અથવા ધ્યાન કરતાં પહેલાં ષણ્મુખીમુદ્રાનો અભ્યાસ કરવાથી પણ મનની એકાગ્રતામાં મદદ મળે છે. ષણ્મુખી મુદ્રા કાનનાં બંને છિદ્રો, આંખ અને નાકને બંધ કરીને કરવાની હોય છે અને એની સમુચિત વિધિ કોઈ યોગ્ય જાણકાર પાસેથી જાણી લેવી જોઈએ. હાથ દુઃખી જાય ત્યારે એ મુદ્રા બંધ કરીને થોડી વાર પછી પુન: ચાલુ કરવી જોઈએ. એવી રીતે અડધા કલાક સુધી એનો અભ્યાસ કરી શકાય. એ ધ્યાનની પાંચમી પદ્ધતિ.

છઠ્ઠી પદ્ધતિ ખેચરી મુદ્રાની યાદ આપતી, એને મળતી આવતી, પદ્ધતિ છે. એ પદ્ધતિ પ્રમાણે જીભના અગ્રભાગને મુખમાં જ્યાં સુધી પહોંચી શકે ત્યાં સુધી ઉપર તાલુપ્રદેશે પહોંચાડીને લગાડી રાખવો. એવું કરવાથી મનની સ્થિરતા સહેલી બનશે. જીભને દીર્ઘ સમયપર્યંત રોકી રાખવાનું શક્ય ન બને ત્યારે પૂર્વવત્ પાછી વાળવી, ને થોડા વખત પછી તાલુપ્રદેશમાં લગાડવાની કોશિશ કરવી. એ ક્રિયા મનની સ્થિરતામાં મદદરૂપ બનશે.

પરંતુ નિર્વિચાર, નિર્ગુણ, નિરાકાર ધ્યાનની પદ્ધતિ જેમને જરા પણ પસંદ ન પડે તેમણે શું કરવું અથવા કઈ સાધના- પદ્ધતિનો આધાર લેવો ? એમણે શું ધ્યાન કરવું જ નહિ ? એમને માટે બીજો કોઈ રસ્તો જ નથી રહેતો ? આપણે કહીશું કે રહે છે. એવા સાધકોનો માટે અન્ય અનેક વિકલ્પો શેષ રહે છે. જેમને નિર્વિચાર ધ્યાન પસંદ ન પડતું હોય તેણે સવિચાર ધ્યાનમાં પોતાના મનને જોડવાની કોશિશ કરવી જોઈએ. આંખ બંધ કરીને ધ્યાનમાં બેસવાની પ્રવૃત્તિ કરતી વખતે ભાતભાતના ને જાતજાતના વિચારો આવે છે ને સતાવે છે. એ એક વાસ્તવિકતા જ હોય તો પછી એ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને સુવિચારનો આધાર લઈને ધ્યાન કરવું વધારે સારું, ઉપયોગી અને હિતાવહ ગણાશે. એવા ધ્યાનની એક પદ્ધતિ આત્મવિચારનો આધાર લેવાની પદ્ધતિ છે. એ પદ્ધતિનું સ્વરૂપ સમજવા જેવું છે.

આત્મવિચારનો આધાર લેવાનો અર્થ ધ્યાનમાં બેસીને આત્માના સ્વરૂપને વિચારવું એવો છે. મારું વાસ્તવિક મૂળભૂત સ્વરૂપ શું છે, હું શરીર નથી, મન નથી, પ્રાણ નથી, ઈન્દ્રિયો નથી, ફેફસાં નથી, ધાતુઓ નથી, બુદ્ધિ નથી, કોશ નથી, પરંતુ સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા છું: પ્રેમસ્વરૂપ છું, શાંતિસ્વરૂપ છું, આનંદસ્વરૂપ છું, શુદ્ધ છું, બુદ્ધ છું, મુક્ત છું; મને શોક નથી; રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, ભય નથી. હું કલ્યાણસ્વરૂપ છું. કાલાતીત છું. એવાએવા વિચારો તથા ભાવોનો આધાર લેવાથી છેવટે મન એવા વિચારપ્રવાહમાં ડૂબીને સ્થિર અથવા એકાગ્ર બની જશે ને આત્મામાં અવગાહન કરીને લીન થશે.

ધ્યાનમાં જેમ આત્મવિચારનો આધાર લઈ શકાય છે તેમ પરમાત્માનો વિચાર કરીને પણ મનને સ્થિર કરવાની કોશિશ કરી શકાય છે. પરમાત્મા પ્રેમસ્વરૂપ, સત્યસ્વરૂપ, આનંદસ્વરૂપ છે. એવા ભાવોમાં તેમ જ વિચારોમાં મશગૂલ અથવા તલ્લીન બનીને ધ્યાન કરવાથી ધીમેધીમે શાંતિ મળે છે ને દેહભાવથી ઉપર ઉઠાય છે. વિચારનો આધાર લઈને ક્રમશઃ આગળ વધવાથી આખરે વિચાર પણ શાંત થાય છે. મન આત્માના અનંત ઊંડાણમાં ડૂબી જાય છે. એને શાસ્ત્રીય પરિભાષા પ્રમાણે દેહાતીત દશાનું અથવા સમાધિ અવસ્થાનું સુંદર નામ આપી શકાય.

દીપકની જ્યોતિની ભ્રૂમધ્યના પ્રદેશમાં કલ્પના કે ધારણા કરીને ધ્યાનના અભ્યાસનો આધાર લેવાની પરિપાટી આપણે ત્યાં પ્રવર્તમાન છે. એ પરિપાટી પણ સમગ્ર રીતે વિચારતાં સંતોષકારક છે. મનને સ્થિર કરવાની સાધનામાં એનું યોગદાન ખૂબ જ મહત્વનું છે.

સવિચાર ધ્યાનમાં મંત્રજપ સાથેના ધ્યાનનો સમાવેશ સહેલાઈથી કરી શકાય છે. મંત્ર એની પાછળના મહાન મંગલ સ્વાનુભવસિદ્ધ વિચાર અથવા ભાવનું પ્રતિનિધિત્વ ધરાવે છે. એનો આધાર લઈને પણ ધ્યાનનો અભ્યાસ આરંભી શકાય છે. એવો અભ્યાસ અનેક રીતે આનંદદાયક, શાંતિપ્રદાયક, એકાગ્રતાકારક, પ્રેરક અને આશીર્વાદરૂપ થઈ પડે છે. એના લાભ ધાર્યા કરતાં અનેક છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Not everything that can be counted counts, and not everything that counts can be counted.
- Albert Einstein

prabhu-handwriting

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok