ધ્યાનનું પ્રયોજન

ધ્યાનના સાધકોને ધ્યાનની અવસ્થા દરમિયાન અનેકવિધ અવનવા અનુભવો થતા હોય છે. કોઈની જ્યોતિ દેખાય છે, કોઈને પ્રેરણા સંભળાય છે, કોઈ દેવદેવી કે સિદ્ધપુરૂષનો દર્શનલાભ મળે છે, ભૂતભાવિનું જ્ઞાન થાય છે, સમાધિ સાંપડે છે, અને એવાએવા અનેકવિધ અનુભવો થયા કરે છે. એ અનુભવોથી આનંદ મળે છે, ઉલ્લાસ સાંપડે છે, અને સાધનાત્મક પ્રેરણાની પ્રાપ્તિ થાય છે. તોપણ સાધકે એમને મેળવીને અટકી નથી જવાનું. એ અનુભવોને સાધનાના સારસર્વસ્વ જેવા નથી સમજવાના. ધ્યાનની સાધના એવા અનુભવોની પ્રાપ્તિ માટે નથી કરવામાં આવતી. એ અનુભવો ધ્યાનની સાધના દરમિયાન થતા હોય તો એમને આવકારીએ તે ભલે; પરંતુ એમની અંદર આસક્ત બનીને જીવનના મૂળભૂત ધ્યેયને સ્વપ્ને પણ ભૂલી ન જઈએ. કદાચ અણિમાદિ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય તોપણ શું ? સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ આત્મસિદ્ધિ છે, સૌથી અસાધારણ ઉપયોગી શ્રેયસ્કર અનુભવ આત્માનુભવ છે, એને યાદ રાખીને એની સંપ્રાપ્તિ સુધી અનવરત રીતે આગળ વધતા રહેવું જોઈએ.

ધ્યાનનાં અંતિમ આદર્શની અથવા પ્રધાન પ્રયોજનની સંસ્મૃતિ અને એની સંસિદ્ધિની સાધના સાધકને સારુ સદાય આશીર્વાદરૂપ છે. એના સિવાયની બીજી નાનીમોટી વચગાળાની સિદ્ધિઓમાંથી સાધકે પોતાના મનને ઉપરામ કરવું જોઈએ. મનની અંદર બીજી વસ્તુપ્રાપ્તિની લેશ પણ લાલસા રહી જાય છે તો તે સાધકને માટે મોટામાં મોટા અંતરાયરૂપ થાય છે. લાલસા કેવળ પરમાત્મદર્શન, સ્વરૂપસાક્ષાત્કાર અથવા સ્વાનુભૂતિની જ હોવી જોઈએ. સાધક એનું સતત સ્મરણ રાખશે તો એ એને માટે પરમ કલ્યાણકારક થઈ પડશે.

ધ્યાન કરવાનો સંદેશ સાવ નવો નથી. લોકો એક યા બીજી રીતે કોઈ ને કોઈ વસ્તુનું ધ્યાન ધરતા જ હોય છે. કોઈ ધનનું ધ્યાન કરે છે, કોઈ ધરાનું તો કોઈ રમાનું. પોતપોતાની રુચિ અને પસંદગી પ્રમાણેના પદાર્થનું ધ્યાન સૌ કોઈ કર્યા કરે છે. મનની વૃત્તિ એમાં લાગેલી રહે છે. મન એવા નિદિધ્યાસન ને ધ્યાનમાં આનંદ પણ અનુભવે છે; પરંતુ લૌકિક પદાર્થોનું એ ધ્યાન માણસને શાંતિ ક્યાં આપે છે ? એ તો એને શાંતિ આપવાને બદલે એના મનને અશાંત કરે છે, બેચેન બનાવે છે, લાલસાથી ભરી દે છે. એ ધ્યાન એના જીવનના રહસ્યને ઊકેલી નથી શકતું, એની સમસ્યાઓમાંથી એને મુક્તિ નથી આપતું, અને એનું કલ્યાણ પણ નથી કરતું. એવા દુન્યવી પદાર્થોના ધ્યાનની વાત આપણે નથી કરતા. આપણે તો આત્મા કે પરમાત્માના ધ્યાનની વાત કરીએ છીએ, એની ભલામણ કરીએ છીએ. એ ધ્યાન જ જીવનનું કલ્યાણ કરી શકે છે, સુખશાંતિના અમૂલખ-અખૂટ ભંડારરૂપ બને છે અને બધી રીતે લાભકારક ઠરે છે. એવા ધ્યાનની ભલામણ જ શાસ્ત્રોએ અને સંતોએ કરેલી છે. મનને આદેશ આપતાં એમણે કહ્યું છે કે દુન્યવી પદાર્થોનું ધ્યાન કરવાથી શું વળવાનું છે ? તેથી તમારું શ્રેય નહિ સધાય. તારે જો સાચેસાચ કૃતાર્થ થવું હોય તો હે મન, બીજા બધા જ પ્રકારના ધ્યાનમાંથી તારી વૃત્તિને હઠાવી લઈને તારી પોતાની મૂળ આધારશક્તિ જેવા પરમાત્માનું ધ્યાન કર.

આજના માણસને ધ્યાન કરવાનો અવકાશ જ ક્યાં છે ? જીવન એવું જટિલ બની ગયું છે અને જટિલ બનતું જાય છે કે માણસને એની સમસ્યાઓ છોડીને બીજે જોવાની ફુરસદ જ નથી. એવી દલીલ દલીલને ખાતર સારી લાગે છે, તોપણ એકદમ અસ્થાને છે. મુખ્ય મુદ્દો માણસને આજના જટિલ જીવનમાં અવકાશ છે કે નહિ એ નથી; પરંતુ એને પોતાના જીવનવિકાસમાં અથવા તો આત્મભિમુખ થવામાં રસ છે કે નહિ એ છે. જો એને રસ હશે તો એ ગમેતેમ કરીને વખત મેળવશે અને મળેલા વખતનો અંતર્મુખ અથવા આત્માભિમુખ થવા માટે સદુપયોગ કરશે. એથી ઊલટું, જો એનામાં એવી અભિરુચિ કે રસવૃત્તિ જ નહિ હોય, તો મળેલા સમયનો અથવા તો અવકાશનો પણ એ સદુપયોગ નહિ કરે, અને આત્મવિકાસને માર્ગે નહિ વળે. અવકાશના સમયનો ભળતો ઉપયોગ જરૂર કરશે અને એવી રીતે એને વ્યર્થ વિતાવી દેશે, પરંતુ એમાંથી કાંઈ જીવનોપયોગી લાભ નહિ મેળવી શકે. એટલે સૌથી મહત્વની ને મૂલ્યવાન વસ્તુ તો ધ્યાન માટે રસ હોવો એ છે, એ વિના ધ્યાનની પ્રવૃત્તિ કદાપિ નહિ થઈ શકે.

ધ્યાનમાં રસ હોય તો આવો અને ધ્યાન કરવાનો પ્રારંભ કરો. તમારા રોજિંદા જીવનવ્યવહારમાંથી થોડોક સમય કાઢીને નિયમિત રીતે ધ્યાનમાં બેસવાની ટેવ પાડો. તેને માટે બ્રાહ્મમુહૂર્તનો શાંત સમય વધારે અનુકૂળ રહેશે. એ વખતે વાતાવરણ પ્રસન્ન ને કોલાહલરહિત હોવાથી ચિત્તવૃત્તિની સ્થિરતા અથવા એકાગ્રતા સહેલાઈથી સિદ્ધ થઈ શકશે, અને એક પ્રકારના અનેરા આનંદની પ્રાપ્તિ થશે. એટલા માટે જ એ સમયને સર્વોત્તમ કહેવામાં આવ્યો છે.

ધ્યાનમાં બેસો ત્યારે પ્રસન્નતાપૂર્વક, જાણે કોઈ મંગલમય મહોત્સવમાં સામેલ થતા હો, અથવા તો જીવનના પરિત્રાણની પાવન પ્રક્રિયામાં પ્રવૃત્ત થઈ રહ્યા હો, એવી ભાવનાપૂર્વક બેસો એ આવશ્યક છે. તમારા રોમરોમમાં રસ અને ઉત્સાહ હોવો જોઈએ, અંતરમાં અનેરો આનંદ હોવો જોઈએ, અને તમારી નસેનસ નવા જોમ ને નવી સ્ફૂર્તિથી નાચી ઊઠવી જોઈએ. બને તેટલા શાંત ચિત્તથી ધ્યાનની પ્રક્રિયાનો આરંભ કરો તથા ધ્યાનમાં પ્રવેશ કરો, અને ધીમેધીમે, કોઈ પણ પ્રકારની નિરર્થક ઉતાવળ વિના, ચિત્તની વૃત્તિને બહારના પદાર્થોમાંથી ઉઠાવી લઈને શાંત અથવા તો આત્માભિમુખ કરવાની કોશિશ કરો. એને માટે કોઈ મંત્ર કે રૂપ જેવા પ્રતીકનો આધાર લેવો પડે તોપણ લો. એવી રીતે ક્રમેક્રમે ધ્યાનમાં આગળ વધો.

ધ્યાનમાં બેસતાવેંત જ તમારું ચિત્ત શાંત કે એકાગ્ર થઈ જશે એવું ન માની લેતા. એવી શાંતિ અને એકાગ્રતા માટે તો ઘણા જ ઊંચા સંસ્કારો તેમજ ઘણી ઉત્તમ પ્રકારની યોગ્યતાની જરૂર પડશે. એવી અસાધારણ યોગ્યતાવાળા આત્માઓને માટે એવી શાંતિ કે એકાગ્રતા સહજ થઈ પડે છે. એને માટે એમને કોઈ વિશેષ પરિશ્રમ નથી કરવો પડતો. બાકી બીજા બધાને માટે તો ઊંડા, લાંબા, નિયમિત ને વ્યવસ્થિત અભ્યાસની આવશ્યકતા રહેશે. ચિત્તને એમણે ધીરેધીરે ને ક્રમેક્રમે કેળવવું રહેશે તથા એને માટેના કાર્યક્રમને નિરાશ કે નાહિંમત થયા વગર અનંત ઉત્સાહપૂર્વક વળગી રહેવું પડશે. સાધનામાં રસ ધરાવનારા કેટલાક અભ્યાસીઓ ફરિયાદ કરે છે કે અમે લાંબા વખતથી બેસીએ છીએ તોપણ એકાગ્રતા નથી થતી. પરંતુ એવી ફરિયાદના ફળરૂપે એમણે નિરાશ થવાની, નાહિંમત બનવાની કે સાધનાને છોડી દેવાની જરૂર નથી. સાધનાનો એવો પરિત્યાગ કવેળાનો પ્રાણઘાતક નીવડશે. એથી લાભને બદલે હાનિ જ થશે.

ચિત્તની સ્થિરતા ને શાંતિ કાંઈ એકાદ-બે દિવસ, મહિના કે વરસનો ખેલ છે એવું ન સમજતા. તે પ્રયત્નસાધ્ય છે અને લાંબા વખતના પ્રયત્નના પરિણામે જ પ્રાપ્ત થઈ શકે છે. એટલે પ્રયત્નનો પરિત્યાગ કરવાથી જ નહિ મળે. એને બદલે ચિત્તને બનતા પ્રમાણમાં શુદ્ધ ને સાત્વિક કરવાની કોશિશ કરવી પડશે. તેથી ચિત્તનો મળદોષ આપોઆપ દૂર થશે અને એકાગ્રતામાં મદદ મળશે. એને માટે જોઈએ છે દ્રઢ ઈચ્છાશક્તિ, કોઈ પણ સંજોગોમાં ન હોય એવું મજબૂત સંકલ્પબળ કે મનોબળ. પોતાની જાતને તપાસવાની તથા નિર્મળ કરવાની તાલાવેલી તથા તૈયારી, અને અખંડ અભ્યાસ. કાચાપોચા મનોબળવાળા માણસોનું એમાં કામ નથી. વિના પરિશ્રમ કે સહેલાઈથી ઘણી મોટી પ્રાપ્તિ કરવા માગનારા માણસોનું પણ એમાં કામ નથી, ને ધીરજ, ખંત તેમ જ હિંમતથી રહિત માણસોને માટે પણ એમાં સ્થાન નથી.

ચિત્તની સ્થિરતા થયે ધ્યાનનો સાચો આનંદ પ્રાપ્ત થશે. પરંતુ સંપૂર્ણ અને શાશ્વત આનંદ તો ત્યારે મળશે જ્યારે ધ્યાનમાં જોડાયેલું ચિત્ત પોતાના અસલ આત્મસ્વરૂપમાં અવગાહન કરશે ને મળી જશે. શરીરનું જ નહિ પરંતુ મન અને ઈન્દ્રિયોનું બધું જ ભાન ભૂલવનારી એ અવસ્થાને સમાધિના નામથી ઓળખવામાં આવે છે. એ અવસ્થાનો રસ, સુખ, લાભ કે આનંદને વૈખરી વાણી દ્વારા વ્યક્ત કરી કે વર્ણવી નહિ શકાય. જે કાંઈ વર્ણન થશે તે તો સિંધુના બિંદુ જેવું અપૂર્ણ જ રહી જશે. એ તો અભ્યાસ દ્વારા આવી મળતી અનુભૂતિની વસ્તુ અને અનુભૂતિ દ્વારા જ એનો પાર પામી શકાશે, તાગ કાઢી શકાશે તથા રસાસ્વાદ લઈ શકાશે.

એ સમાધિદશા પછી જાગૃતિમાં આવતાં સમસ્ત સંસારમાં પરમાત્માના પરમ પ્રકાશની જે સહજ સ્ફુરણા થાય છે, તે જીવનને કૃતાર્થ કરી દે છે અને નવો જ આકાર આપે છે. અંતરમાંથી અખંડ આનંદના ફુવારા આપોઆપ ફૂટ્યા કરે છે, મન પ્રશાંત બને છે, અને આત્મા અભેદભાવમાં ઓતપ્રોત થાય છે. એવા યોગીનું સમસ્ત જીવન મંગલમય બની જાય છે, અને એ પોતે તીર્થરૂપ થાય છે. એનું જીવન બીજા અનેકને આશીર્વાદરૂપ ઠરે છે, તેમજ સમસ્ત સંસારને માટે પ્રેરક તથા તારક નીવડે છે. એ ઉત્તમોત્તમ કૃતાર્થ દશાની પ્રાપ્તિ માટે આવો, આજથી જ તૈયાર થઈએ ને ધ્યાનનો આધાર લઈએ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You can't cross the sea merely by standing and staring at the water.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.