Text Size

ચિત્તનો લય

પવિત્ર પ્રદેશમાં પવિત્ર આસન પર બેસીને નામજપ, આત્મવિચાર અથવા ધ્યાનની સાધના કરતાં કરતાં એમાં તરબોળ બની જવાય તે પહેલાં વચગાળાના સંક્રાંતિકાળમાં મન કદીકદી એકાગ્ર થાય છે તો કદીકદી બહિર્મુખ બનીને બાહ્ય વિષયો પ્રતિ પ્રવાહિત થવા લાગે છે. મન બહિર્મુખ બનીને બાહ્ય વિષયો પ્રતિ દોડવા માંડે તો એથી કશું આશ્ચર્ય ન થવું જોઈએ. નિરાશ બનવું, નિરુત્સાહ થવું કે ગભરાઈ જવું પણ ન જોઈએ. અનંત કાળથી મન બહિર્મુખ બનીને બહારના વિષયોનું ચિંતનમનન કર્યા જ કરે છે ને બહારના વિષયોનું અદમ્ય આકર્ષણ સેવે છે. આત્માભિમુખ બનાવવાનું કે પરમાત્મપરાયણ કરવાનું કાર્ય ધાર્યા જેટલું સહેલું નથી પરંતુ કપરું છે. તેને માટે અનવરત અભ્યાસની આવશ્યકતા પડે છે. એવા અભ્યાસની ધીરજ ને હિંમત જેની અંદર હોય છે એ મનની ચંચળતામાંથી મુક્તિ મેળવે છે.

એને માટે તીવ્ર સંવેગની આવશ્યકતા છે. મહર્ષિ પતંજલિ પોતાના યોગદર્શનમાં એને અનુલક્ષીને કહે છે કે  तीव्र संवेगानामासन्नः  તીવ્ર સંવેગવાળા સાધકો પોતાના મનને સહેલાઈથી સ્થિર અને શાંત કરી શકે છે. પરંતુ એવો સંવેગ પ્રકટે કેવી રીતે ? એને પ્રકટાવવા માટે નિયમિત અભ્યાસની, વૈરાગ્યની ને પ્રેમની આવશ્યકતા છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે મનને જે પદાર્થ કે વિષયમાં પ્રેમ હોય છે તે પદાર્થ કે વિષયમાં એ લાગી જાય છે ને ડૂબી કે લીન બની જાય છે. એના સિવાયના બીજા પદાર્થોનું કે વિષયોનું વિસ્મરણ એને સારું સહજ બની જાય છે. ઈશ્વરના સ્મરણ, મનન અને નિદિધ્યાસનમાં પણ એને રસ લાગે, પ્રેમ જાગે, અથવા આનંદ આવે તો એને માટે એકાગ્ર થવાનું અને એની અંદર ડૂબી જવાનું કામ તદ્દન સહેલું બની જાય. ત્યાં સુધી, એવી અસાધારણ અવસ્થાની પ્રાપ્તિ સુધી, એને એકાગ્ર થવામાં કે અંતર્મુખ બનવામાં મુશ્કેલી પડવાની.

અંતરંગ સાધનામાં જેમજેમ મન એકાગ્ર થતું જશે તેમતેમ વધારે ને વધારે સુખ, શાંતિ, રસ અને આનંદની અનુભૂતિ સહજ બનશે. સાધનાનો ઉત્સાહ પણ એથી વધી જશે. મનની વિક્ષિપ્તાવસ્થા દૂર થશે. એની અંદર પ્રસન્નતાના દૈવી ફુવારા ફૂટવા માંડશે. અને પછી, સાધનાત્મક અભ્યાસક્રમ પરાકાષ્ઠાએ પહોંચતાં, એક ધન્ય દિવસે, ધન્ય ક્ષણે અતીન્દ્રિય અવસ્થાનું દ્વાર ઊઘડી જતાં, મનનો લય શરૂ થશે. લયાવસ્થાની એ અનુભૂતિ અતિશય આનંદદાયક અને આશીર્વાદરૂપ પુરવાર થશે.

મનની એ અતીન્દ્રિય લયાવસ્થામાં પ્રવેશ થતાં કેટલીક વાર કોઈ સાધક સહસા ગભરાઈ જાય છે તેમ જ ભયભીત બને છે. અતીન્દ્રિય અવસ્થાની એ અલૌકિક અનુભૂતિ એને માટે એકદમ અદ્ ભુત અને અવનવી હોવાથી એને જીરવવાનું કાર્ય ખૂબ જ કપરૂં થઈ પડે છે. એની પ્રતિક્રિયા એટલી બધી પ્રબળ હોય છે કે વાત નહિ. એ પ્રબળ પ્રતિક્રિયાને પરિણામે ભ્રમિતચિત્ત કે પાગલ બનીને ફર્યા કરે છે. અલબત્ત, સાધનાની એવી વિપરીત વિઘાતક અસર કોઈક વિરલ સાધક પર જ પડતી હોય છે. અધિકાંશ સાધકો પર તો મનની લયાવસ્થાની પ્રતિક્રિયા ખૂબ જ સુંદર અને સાનુકૂળ થાય છે. લયાવસ્થાના લીધે એમને એમનું સાધનાત્મક જીવન ધન્ય લાગે છે. ભગવાન શંકરાચાર્ય તો ત્યાં સુધી કહે છે કે જેનું ચિત્ત પરબ્રહ્મ પરમાત્માના પરાત્પર સુખસાગરમાં લય પામ્યું કે લીન બન્યું તેનું કુળ પવિત્ર થઈ ગયું, તેની જનની એને જન્મ આપીને કૃતાર્થ થઈ, ને પૃથ્વી એની પવિત્ર પદરજથી વિશેષ પાવન બની ગઈ. એની કૃતકૃત્યતાનો અંત ન રહ્યો.

कुलं पवित्र जननी कृतार्था वसुन्धरा पुत्रवती र्च  तेन ।
अपारसंवित्सुखसागरेङस्मन् लीनं परे ब्रह्मणि यस्य चेतः ॥

શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં એવી અલૌકિક અવસ્થાવિશેષનું વર્ણન કરવામાં આવ્યું છે. એનો ભાવાર્થ એવો છે કે યોગનો અભ્યાસ કરતાં ચિત્ત ઉપરામ થઈને શાંત બને છે ત્યારે આત્મામાં સંતુષ્ટ બનીને આત્માને જ અવલોકે છે. એ વખતે સનાતન સંપૂર્ણ સુખાનુભૂતિ સહજ થાય છે. એ સુખાનુભૂતિ અતીન્દ્રિય હોવા છતાં બુદ્ધિથી સમજી શકાય તેવી હોય છે. ચિત્તની એ શાંત અવસ્થામાં આત્મતત્વ વિના બીજું કશું શેષ નથી રહેતું. એમાં પ્રતિષ્ઠિત થયા પછી ભારેમાં ભારે દુઃખ કે પ્રતિકૂળતા પેદા થાય તોપણ ચલાયમાન નથી થવાતું. એ સર્વોત્તમ લાભને મેળવ્યા પછી બીજો કોઈ લાભ વિશેષ નથી લાગતો ને બીજા લૌકિક-પારલૌકિક લાભને મેળવવાની ઈચ્છા નથી રહેતી. દુઃખના સંયોગના વિયોગની અથવા સનાતન સુખની પ્રાપ્તિની એ અલૌકિક અવસ્થાને યોગ તરીકે ઓળખવામાં આવે છે. સાધકે યોગનો અભ્યાસ દ્રઢ નિરધારપૂર્વક હતાશ થયા કે થાક્યા વગર કરતા રહેવું જોઈએ.

સાધના દ્વારા સાંપડતી અતીન્દ્રિય અવસ્થાની એવી અનુભૂતિથી સાધક ધન્ય બને છે. એની આગળ એક અવનવી દૈવી દુનિયા ખુલ્લી થાય છે. જેમજેમ એ લયાવસ્થા, સમાધિદશા અથવા નિરુદ્ધદશા વધતી ને સહજ થતી જાય છે તેમતેમ સાધકનું સમસ્ત જીવન પ્રશાંત, પરમાત્મપરાયણ તથા કૃતાર્થ બનતું જાય છે. એનું આંતર અને બાહ્ય વ્યક્તિત્વ બદલાતું જાય છે. આત્મવિકાસના સ્વાભાવિક ક્રમને અનુસરીને લોકોત્તર શક્તિઓનો ઉદય થાય છે. શક્તિઓની અને આત્માનુભૂતિ સિવાયની અનુભૂતિઓની પ્રાપ્તિ, સાધનાત્મક જ્યોતિર્મય જીવનનું ધ્યેય ન હોવા છતાં, અનાયાસે આપોઆપ જ થઈ રહે છે. આત્મા સ્વયં પરમસુખ, પરમશાંતિ, પરમાનંદ અને પૂર્ણ શક્તિનો ભંડાર હોવાથી સાધક આત્માભિમુખ બનીને જેમજેમ એની પાસે પહોંચે છે તેમતેમ પરમસુખનો, પરમ સનાતન શાંતિનો, પરમાનંદનો ને શક્તિનો સમ્રાટ બનતો જાય છે. એનો આત્મિક અસંતોષ સંપૂર્ણપણે શમી જાય છે. સાધક સ્વાનુભૂતિપૂર્વક સમજે છે કે અંદરના આત્મિક રસની આગળ બહારના વિષયરસોની કશી જ વિસાત નથી. એ આત્મતૃપ્ત, આત્મારામ અને આત્મરત બની જાય છે.

લયની એ અવસ્થાના એક નાનાસરખા સાધારણ ભયસ્થાનને સમજવા જેવું છે. સાચા સાધકે એ ભયસ્થાન પ્રત્યે ગાફેલ રહ્યે ન ચાલે. એ ભયસ્થાન જપ, ધ્યાન અથવા આત્મવિચાર કરતાં-કરતાં એકાએક આવતી નિદ્રાનું છે. નિદ્રાનું ? હા. સાધકને એ ભયસ્થાનનો સામનો કરવો પડે છે. કેટલીક વાર એ સાધનાનો આધાર લેતાં નિદ્રાધીન બની જાય છે ને છેવટ સુધી એવું માને છે કે મને સમાધિ થઈ છે. તો પછી લય સમાધિ દ્વારા સાંપડ્યો છે કે નિદ્રા દ્વારા એ કેવી રીતે સમજી શકાય ?

સામાન્ય રીતે મનનો નિદ્રા દ્વારા લય થાય છે ત્યારે શરીર એકસરખી અવસ્થામાં નથી રહેતું. માથું નીચે નમી પડે છે અથવા આજુબાજુ ઢળી પડે છે. એની ખબર સાધક જો સાવધ હોય છે તો એને જાગ્યા પછી પડે છે. જો માથું નમી પડ્યું ન હોય અને એકસરખી સ્થિર દશામાં હોય તો તે મનનો શુદ્ધ સાત્વિક લય અથવા સમાધિ છે એમ સમજવું. નિદ્રાની સંભવિત અસરમાંથી મુક્ત થવા માટે રાતે અત્યંત સૂક્ષ્મ આહાર લેવાની ને વહેલા સૂવાની આવશ્યકતા છે. સાધના કરતી વખતે જો ઊંઘ આવે કે આવવા જેવું લાગે તો આસન પરથી ઊભા થઈને મોઢું ધોઈને સ્વસ્થ થઈને આસન પર ફરી વાર બેસી જવું. પોતાની આવશ્યકતાનુસાર પૂરતી નિદ્રા લીધા પછી સાધના શરૂ કરવાથી નિદ્રાના ભયસ્થાનથી બચી શકાય છે.

આત્મવિકાસના અભ્યાસીને માટે ચિત્તના લયની અવસ્થા અમોઘ આશીર્વાદરૂપ ઠરે છે તોપણ એ અવસ્થા જડ ન બની બેસે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. લયાવસ્થા જડ તથા ચિન્મય બંને પ્રકારની હોય છે એ ભૂલવાનું નથી. જે લયાવસ્થામાં મન શાંત થાય ખરું પરંતુ સુખ, શાંતિ, આનંદ, ધન્યતા તથા પરમાત્માનો અનુભવ ન કરે અને લયાવસ્થામાંથી બહાર આવ્યા પછી પણ શાંતિ, ધન્યતા તેમ જ પરમાત્મતત્વને ન અનુભવે એ લયાવસ્થાને જડ કહી શકાય. અને એથી ઊલટું, જે લયાવસ્થા અસીમ સુખ, શાશ્વત શાંતિ અને અક્ષય આનંદ આપે અને પોતાની અંદર તથા બહાર પરબ્રહ્મ પરમાત્માનો અનુભવ કરાવીને ભેદભાવમાંથી કાયમને માટે મુક્તિ આપીને આત્મભાવમાં, પવિત્ર પ્રેમમાં ને નિર્વાસનિક દશામાં સ્થિતિ કરાવે એ લયાવસ્થાને ચિન્મય કહી શકાય. સાધકનું સાચું શ્રેય એમાં-એ ચિન્મય અવસ્થાની પ્રાપ્તિમાં - જ સમાયેલું છે. જેમજેમ અભ્યાસ વધતો જાય છે તેમતેમ એવી ચિન્મય-આત્મરત અવસ્થાની અનુભૂતિ સહજ બનતી જાય છે. આત્માનુભૂતિ કરી ચૂકેલા સાધકને સમાધિનો ને જાગૃતિનો ભેદ નથી રહેતો. સમાધિમાં જે અનંત સુખશાંતિનો અને દેશકાલાતીત પરમાત્મતત્વનો એને અનુભવ થાય છે તે અનંત સુખશાંતિનો અને પરમાત્મતત્વનો અનુભવ એને જાગૃતિમાં પણ થયા કરે છે. એટલે એ સમસ્ત પ્રકારના ભેદભાવોમાંથી મુક્તિ મેળવીને સહજ સમાધિનો અનુભવ કરે છે.

- શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 mir Rajeshkumar Kara 2019-06-10 17:18
અતિસુંદર આધ્યાત્મિક લેખ છે.આપનો ખુબ ખુબ આભાર
પણ આપના તમામ લખાણ ને સેવ કરવા દો તો આપનો ખુબ ખુબ આભાર. પ્રણામ.
==
તમે આ બધા લેખ જેમાં સમાવિષ્ટ છે તે સાધના પુસ્તકને અમારા ડાઉનલોડ વિભાગમાંથી PDF સ્વરૂપે ડાઉનલોડ કરી સેવ કરી શકશો. - admin

Today's Quote

Change your thoughts and you change your world.
- Norman Vincent Peale

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies).

You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok