Sunday, September 27, 2020

ધીરજ રાખો

સાધકને માટે ત્રીજી અગત્યની આવશ્યકતા ધીરજ ધારણ કરવાની છે. સાધનાની સફળતા કેટલા ઓછા કે વધારે સમયમાં સાંપડી શકશે તે નિશ્ચયાત્મક રીતે કોણ કહી શકે તેમ છે ? ખેડૂત ખેતરમાં બીજ નાખી આવે અને પછી તરત જ જોવા જાય કે ઊગ્યું કે નહિ તો એને ઘોર નિરાશા જ મળે કે બીજું કાંઈ ? જમીનમાં જે બીજ નાખ્યું છે તે બહાર નીકળેલું નથી દેખાયું તોપણ નકામું નથી ગયું. એની સૂક્ષ્મ પ્રતિક્રિયા ભૂગર્ભમાં અદ્રશ્ય રીતે ચાલ્યા જ કરે છે, એ સંબંધી એને કશી શંકા ન હોવી જોઈએ. એને બદલે કશું જ નથી થતું એવી નિરાશાત્મક વૃત્તિ કેળવીને એ બીજને એ જમીનમાંથી ખોદી કાઢે તો ? એના હાથમાં કશું જ ન આવે. બીજ પોતાનું કાર્ય કરીને અંકુરમાં પરિણામે એને માટે ખેડૂતે જરૂરી ધીરજ રાખવી જ જોઈએ. દૂધમાંથી દહીં કરવા માગનારે ઉતાવળ ન કરવી જોઈએ. એવી રીતે સાધકે પણ ધીરજપૂર્વક સાધનામાં લીન રહેવું જોઈએ. જે સાધના કરવામાં આવે છે તે ફળશે એ ચોક્કસ છે પરંતુ સાચેસાચ ક્યારે અને કયા રૂપમાં ફળશે તે વિશે ચોક્કસપણે કશું જ ન કહી શકાય.

સાધકે શ્રદ્ધા રાખવી જોઈએ કે કોઈ પણ કર્મ નિષ્ફળ નથી જતું તે પ્રમાણે સાધનારૂપી કર્મ પણ નિષ્ફળ નહિ જાય અને નિર્ધારિત સમયે પોતાનું ધારેલું ફળ આપશે જ. માટે ચીવટપૂર્વક સાધના કરતાં રહેવાની ને વચગાળાના વખત દરમિયાન ધીરજને તિલાંજલિ ન આપવાની આવશ્યકતા છે. સાધકની સમજણ સાચી અને એનું મનોબળ મજબૂત હશે તો એ સફળતા તથા નિષ્ફળતાની વચ્ચે અડગ રહેશે, ઉત્તરોત્તર આગળ વધશે, અને ધીરજ તેમ જ હિંમત નહિ છોડે. એવા જ સાધકો કાંઈક મહત્વનું મેળવી શકશે.

ધીરજનો નાશ થવાના પ્રસંગો આવે ત્યારે સાધકે ધીરજ ફરી ધારણ કરવા માટે સ્વાનુભવસંપન્ન સત્પુરૂષોનો સમાગમ સાધવો, એમના સદુપદેશોનું શ્રવણ કરવું, ઈશ્વરની પ્રાર્થનાનો આધાર લેવો, અથવા પ્રાતઃસ્મરણીય પરમાત્મનિષ્ઠ પુરૂષોની પ્રેરક વાણીનો કે સદ્ ગ્રંથોનો સ્વાધ્યાય કરવો. એથી નવી શક્તિનો સંચાર થાય છે ને નવેસરથી કર્તવ્યરત બનવાની દીક્ષા મળે છે.

સતત તથા નિયમિત સાધનાનો ફાળો સાધકના જીવનમાં ધાર્યા કરતાં ઘણો મોટો હોય છે. કેટલાક સાધકો સાધના કરે છે ખરા પરંતુ નિયમિત રીતે કરવાને બદલે કદીક કરે છે ને કદીક નથી કરતા. વચ્ચે વચ્ચે એ પ્રમાદને વશ થઈ જતા હોવાથી એમનો સાધનાતાર એકસરખો ચાલુ રહેવાને બદલે તૂટી જાય છે. એવો પ્રમાદ ઘાતક ઘાતક ઠરે છે. નિયમપૂર્વકની સાધનાનું મહત્વ સુચારુરૂપે સમજી લઈને એના પાલન માટે પ્રયાસ કરવામાં આવે એ અત્યંત આવકારદાયક છે. નિયમિત સમયે સાધના કરવાથી મન પણ એવી સાધના માટે તૈયાર રહે છે અને મનની અંદર એક પ્રકારના ઉદાત્ત અનુકૂળ સંસ્કાર બંધાય છે. રોજરોજ નિયમપૂર્વક સાધના કરવાથી એની શક્તિ કેટલી બધી વધી જાય છે ને સંગીન થાય છે ! આપણે ત્યાં કહેવત છે કે ટીપેટીપે સરોવર ભરાય. એવી રીતે રોજ નિયમિત રીતે કરાતી સાધના થોડી હોય તોપણ કાળાંતરે ઘણું મોટું પરિણામ પેદા કરે છે.

સતત સાધનાનો અર્થ ક્ષણેક્ષણની સાધના અથવા બને તેટલી વધારે ને વધારે સાધના એવો લેવાનો છે. દિવસના અધિકાધિક સમયને સાધનાત્મક અભ્યાસમાં લગાડી દેવો જોઈએ. સાધના પ્રત્યે પ્રેમ જાગે છે પછી સમય આપોઆપ અને વધારે ને વધારે પ્રમાણમાં કાઢવાનું મન થાય છે; કઢાય છે પણ ખરો. કેટલાક પ્રાતઃસ્મરણીય ઉત્કટ લગનવાળા સાધનાનુરાગી સાધકોને કે સંતોને જોઈએ છીએ તો આપણને અસાધારણ આશ્ચર્ય થાય છે. તે દિવસે તો સાધના કરે જ છે પરંતુ રાતનો આખો કે મોટો ભાગ પણ સાધનામાં વિતાવે છે. દિવસ ને રાતનો સમગ્ર વખત સાધનામાં ક્યાં અને કેવી રીતે વીતી જાય છે એની એમને ખબર નથી પડતી. એમને તરવરાટ એવો અદ્ ભુત હોય છે. એવા તરવરાટ અને અનવરત અભ્યાસથી જ એમને કશુંક મહત્વનું મળી શકે છે. બીજાઓને એમના જીવનમાંથી પદાર્થપાઠ લેવાનો છે.

કહે છે કે ઉપરાઉપરી હથોડા મારવાથી પ્રચંડ પર્વતો પણ ભેદાઈ જાય અને એમની અંદરથી રસ્તા તૈયાર થાય છે. ઉજ્જડ ભૂમિ વારંવારના સતત પ્રબળ પ્રયત્નોથી સુંદર સ્વાસ્થ્યપ્રદ ઉદ્યાનમાં પરિણમે છે. ક્રમેક્રમે સુવિશાળ સાગરો પણ પુરાઈ જાય છે અને એની ઉપર ઉત્તુંગ આવાસો બંધાય છે. તો પછી માનવનો સ્વભાવ, માનવનું મન, સમજપૂર્વકની સતત સાધનાથી કેમ ન સુધરે કે કેમ ન ઊર્ધ્વગામી બને ? માનવે એને માટેના પ્રયત્નોમાં કોઈ કચાશ ન રાખવી જોઈએ. પ્રયત્નો અવશ્ય ફળે છે ને શાંતિ આપે છે. સાધક સતત પ્રયત્નો દ્વારા જ સાધકમાંથી સિદ્ધ બને છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Our greatest glory is not in never falling, but in rising every time we fall.
- Confucius

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok