Saturday, May 30, 2020

સિદ્ધિઓ વિશે

સિદ્ધિ શબ્દ સાંભળતાંવેંત સાધારણ માણસના મનમાં અનેક જાતના વિચારો ઊઠે છે. સિદ્ધિ વિશે વધારે ને વધારે જાણવાની ઈચ્છાવાળા માણસો કેટલાય મળી આવે છે, અને એવા માણસો પણ મળે છે જે સિદ્ધિનું નામ સાંભળીને મોં બગાડતા હોય છે. તેમને મન સિદ્ધિ એક સાધારણ, મહત્વ વિનાની ને ઉપેક્ષા કરવા જેવી વસ્તુ છે. છતાં એક વાત તો ચોક્કસ છે કે સિદ્ધિ શબ્દમાં જબરું આકર્ષણ રહેલું છે. તેમાં અખૂટ રસનો વાસ હોય તેવું લાગે છે. માટે તો તેને વિશે માહિતી મેળવવા માણસ સદાય તૈયાર રહે છે. એ ઉપરાંત, સિદ્ધિ વિશે જુદાજુદા માણસોના મનમાં જુદાજુદા ખ્યાલો ફેલાયેલા દેખાય છે. તેથી સિદ્ધિ સાચેસાચ શું છે, અને ભારતના તાત્વિક ગ્રંથોમાં સિદ્ધિ વિશે કેવું નિરૂપણ કરવામાં આવ્યું છે, તેનો ઊડતો વિચાર કરી લઈએ. સાથેસાથ તે મહત્વવાળી છે કે મહત્વ વિનાની છે અથવા ઉપેક્ષા કરવા યોગ્ય પણ છે કે કેમ તેનો પણ નિર્ણય કરીએ.

'અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ કે રિદ્ધિ ને સિદ્ધિ’ એ શબ્દો અધ્યાત્મપ્રેમી પુરૂષોથી અપરિચિત નહિ જ હોય. તે પ્રમાણે મુખ્ય સિદ્ધિ આઠ છે. તેમનાં નામ અનુક્રમે અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ છે. અણિમા એટલે અણુ જેવું નાનામાં નાનું સ્વરૂપ ધારણ કરવું. તે સિદ્ધિ દ્વારા યોગી કે સાધક પોતાનું સ્વરૂપ અણુ જેવું નાનું બનાવી શકે છે. રામાયણના ઉલ્લેખ પ્રમાણે, હનુમાનજીએ લંકાપ્રવેશ વખતે આવું જ સૂક્ષ્મ સ્વરૂપ બનાવ્યું હતું. લંકામાં પ્રવેશ કરતી વખતે હનુમાનજીએ નગરના અનેક રખવાળોને જોયા ને મનમાં વિચાર કર્યો કે રાત્રે અતિશય નાનું રૂપ ધારણ કરીને નગરમાં પ્રવેશ કરવાનું બરાબર થશે. અને તે પછી મહાન ભક્ત ને સંત કવિ તુલસીદાસના શબ્દોમાં કહીએ તો
मसक समान रूप कपि धरी । लंकहि चलेउ सुमिरि नरहरी ॥

એટલે કે મચ્છરના જેવું અતિશય નાનું સ્વરૂપ ધારણ કરીને રામભક્ત હનુમાનજીએ રામનું સ્મરણ કરીને લંકાનગરીમાં પ્રવેશ કર્યો. રામનું સ્મરણ કરવાનું કારણ એ જ કે હનુમાનજીના જીવનમાં, તેમની પ્રત્યેક ક્રિયામાં ને શ્વાસોચ્છ્ વાસમાં શ્રી રામનું જ રાજ્ય હતું. તેમનામાં જે શક્તિ હતી તે રામની કૃપાની જ પ્રસાદી હતી અને રામની કૃપા દ્વારા ગમે તે વસ્તુ થઈ શકે છે; રામના ભક્તને માટે કશું જ અસંભવ નથી; એ વાત તુલસીદાસજીએ આગળ કહી દીધી છે. પ્રભુની કૃપાથી મૂંગો માણસ કે મૂંગુ પ્રાણી પણ વાચાવાળું બને છે, ને પંગુ પણ પર્વતને ઓળંગી જાય છે, એ પ્રસિદ્ધ શાસ્ત્રવચનની જેમ જ તુલસીદાસજી લખે છે કે
गरल सुधा रिपु करहिं मिताई । गोपद सिंधु अनल सितलाई ॥
गरुड़ सुमेरु रेनू सम ताही । राम कृपा करि चितवा जाही ॥

એટલે કે જેના પર રામની કૃપા થઈ જાય છે, તેને માટે ઝેર અમૃત જેવું થઈ જાય છે, વેરી મિત્ર બની જાય છે, સમુદ્ર ગાયની ખરી જેવો નાનો થઈ જાય છે, અગ્નિ શીતળ ને મહાન સુમેરુ પર્વત તેને માટે ધૂળ જેટલો હલકો થઈ જાય છે.’ રામકૃપાના ચાતક ને પરમ અધિકારી હનુમાનજી આ જ સૂક્ષ્મરૂપ ધારણ કરીને અશોકવનમાં સીતાજીને મળવા જાય છે, અને જેને અઢેલીને સીતાજી બેઠાં છે તે વૃક્ષ પર બેસી જાય છે. શંકરાચાર્ય ભગવાન પણ જ્યારે આકાશમાર્ગે ઊડીને મંડનમિશ્રની સાથે શાસ્ત્રાર્થ કરવા ગયા, ત્યારે મંડનમિશ્ર પોતાના ઘરનાં બારણાં બંધ કરીને અંદર યજ્ઞ કરતા હતા. એટલે શંકરાચાર્યે એકદમ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને બારીમાંથી મકાનમાં પ્રવેશ કરેલો એ વાત સુપ્રસિદ્ધ જ છે. એ પણ અણિમા સિદ્ધિનો પ્રયોગ હતો.

આ પછી બીજી સિદ્ધિ મહિમા છે. તે દ્વારા યોગી પોતાના શરીરને મોટામાં મોટું બનાવી શકે છે. બલિરાજાને ત્યાં ભગવાને વામનરૂપ ધરીને જે વિરાટ રૂપ લઈને ત્રણ ડગલામાં સમસ્ત બ્રહ્માંડને માપી લીધું, તે દ્રષ્ટાંત મહિમા નામની સિદ્ધિનું છે.

ત્રીજી સિદ્ધિ લઘિમા છે. તે દ્વારા શરીરને હલકામાં હલકું કરી શકાય છે. આવું હલકું શરીર થતાં યોગી આકાશગમન પણ કરી શકે છે. શરીરને ભારેમાં ભારે કે વજનદાર બનાવવું તે ગરિમા નામની ચોથી સિદ્ધિ છે. આ સિદ્ધિના પ્રભાવને લીધે જ ભીમ મહાભયંકર ને બલવાન હોવા છતાં હનુમાનજીના એક અંગને પણ હલાવી શક્યો ન હતો. અને શરણે આવેલા પક્ષીને બચાવવા, તેની બરાબર માંસ કાઢવામાં નિષ્ફળ જતાં શિબિરાજાને છેવટે પોતાનું આખું શરીર ત્રાજવામાં મૂકવું પડ્યું હતું. એ બંને વાતો પ્રસિદ્ધ જ છે.

ઈચ્છાનુસાર ગમે તેટલા પ્રમાણમાં પદાર્થો મેળવવા તેને પ્રાપ્તિ કહે છે. ઈચ્છા પ્રમાણે ગમે તે કાર્ય થઈ જવું તેને પ્રાકામ્ય કહે છે. ઈશ્વરની જેમ શાસન કરવાનું કે સૃષ્ટિની રચના કરવાનું સામર્થ્ય થઈ જાય તેને ઈશિત્વ ને પોતાના પ્રભાવથી ગમે તેને વશ કરી શકાય તેને વશિત્વ નામની સિદ્ધિ કહે છે. આ ઉપરાંત, સિદ્ધિના ઘણા પ્રકારો છે. તે દ્વારા યોગી કે સાધક પંચમહાભૂતનો સ્વામી થઈ જાય છે. તે પાણી તેમ જ અગ્નિ પરથી વિના સંકટ ચાલી શકે છે. પાણી તેને માર્ગ કરી આપે છે, અને વાયુ તેમ જ પૃથ્વીનો પણ તે સ્વામી થાય છે. શંકરાચાર્યના શિષ્ય પદ્મપાદાચાર્ય ગુરૂને તેમનાં પહેરવાનાં વસ્ત્રો આપવા, ગુરૂની કૃપાથી નદીમાં પ્રકટ થયેલાં કમલ પર થઈને નદીને સામે કિનારે જઈ શક્યા : શંકરાચાર્યે નર્મદામાં પૂર આવ્યું ત્યારે નદીકાંઠે સમાધિસ્થ થયેલા પોતાના ગુરૂને બચાવવા નર્મદાના પ્રબળ પાણીને કમંડલમાં લઈને પૂરને શમાવી દીધું : ને વસુદેવ કૃષ્ણને લઈને ચાલ્યા ત્યારે શ્રીકૃષ્ણની કૃપા અને સંકલ્પશક્તિથી જમનાજીએ માર્ગ કરી આપ્યો : એ બધાં દ્રષ્ટાંતો જલતત્વ પરના પ્રભુત્વનાં છે.

હમણાં જ થઈ ગયેલા મહાન સિદ્ધપુરૂષ શ્રી સાંઈબાબાના જીવનમાં આવી અનેક પ્રકારની સિદ્ધિઓનું દર્શન થતું હતું. એક વાર પ્રસિદ્ધ મરાઠી કવિ દાસગણુએ સાંઈબાબા પાસે થોડો વખત નિવાસ કરીને ગંગાસ્નાન માટે જવાની ઈચ્છા પ્રદર્શિત કરી. સાંઈબાબાએ તેને કહ્યું કે ગંગા અહીં જ છે. બીજે જવાનું શું કામ છે ? પછી દાસગણુને પોતાની પાસે બેસાડીને તેમણે પોતાના પગના અંગૂઠામાંથી ગંગાનું પાણી પ્રકટ કર્યું. દાસગણુએ ખૂબ જ આનંદ ને આશ્ચર્યમાં આવી જઈને તેનું આચમન કર્યું, તેમાં સ્નાન કર્યું, ને તેને વાસણમાં લઈ લીધું. આ મહાન સિદ્ધપુરૂષના જીવનમાં સિદ્ધિના આવા કેટલાંય પ્રસંગો મળે છે. તે બધાનો ઉલ્લેખ અહીં અસંભવ હોવાથી ટૂંકમાં જ લખું છું.

દૂરશ્રવણ, દૂરદર્શન, અનેક પ્રકારનાં સ્વરૂપ ધારણ કરવાની ને અદ્રશ્ય થઈ જવાની શક્તિ, ત્રિકાલજ્ઞપણું, સંકલ્પમાત્રથી ગમે ત્યાં ને ગમે તેટલે સ્થળે પ્રકટવાની શક્તિ, પશુપક્ષી તથા સૌની ભાષાને જાણવાની શક્તિ, મૃત્યુંજયપણું, અખંડ યૌવનની પ્રાપ્તિ, એવીએવી બીજી ઘણી સિદ્ધિઓ છે. તેનો સવિસ્તાર ઉલ્લેખ પાતંજલ યોગદર્શનમાં કરવામાં આવ્યો છે. એ બધી વાતનું સરવૈયું કાઢીને કહી શકાય કે પૂર્ણ યોગી કે ઈશ્વરની કૃપાપ્રાપ્ત સિદ્ધ કે સાધક મહાપુરુષ ન કરી શકે એવી કોઈ વસ્તુ નથી. અંધને આંખ કે જ્યોતિ અને મરેલાંને જીવન આપવું, મૂંગાને વાચા અને પંગુને ગતિ આપવી, બધી જ જાતનાં કામ તે કરી શકે છે. મહાભારતના યુદ્ધમેદાનથી ખૂબ દૂર બેઠેલા સંજયે યુદ્ધને બરાબર જોયું, ને યુદ્ધમાં થયેલો શ્રીકૃષ્ણ અને અર્જુનનો સંવાદ પણ સાંભળ્યો. તે બધું કેવી રીતે બન્યું ? સંજયે પોતે ગીતાની આખરે કહ્યું છે કે વ્યાસની કૃપાથી જ એ બની શક્યું હતું. વ્યાસે તેને દિવ્ય દ્રષ્ટિ ને શક્તિ આપી તેથી તે યુદ્ધની બધી વાત જોઈ શક્યો ને સાંભળી શક્યો.

ગીતા વાંચનારા કેટલાક માણસોને પ્રશ્ન થવા સંભવ છે કે શ્રીકૃષ્ણે અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું તે વાત સાચી કે ખોટી ? કેવળ વિનોદ માટે તો તે લખી નથી ? પણ સિદ્ધિના આટલા વિચાર પછી તે પ્રશ્ન ભાગ્યે જ અણઉકલ્યો રહેશે. શ્રીકૃષ્ણે પોતાની યોગસિદ્ધિથી અનેક કામ કર્યા હતાં. ગોવર્ધનધારણ અને કાલીયમર્દન જેવા પ્રસંગો તેમની મહાન યોગશક્તિના પુરાવારૂપે હતા. તે જ પ્રમાણે પોતાના પરમ યોગના સામર્થ્યથી તેમણે અર્જુનને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું હતું. એ કાંઈ વિનોદવાર્તા નથી, પણ સાચી હકીકત છે એ સહેજે સમજી શકાશે. મહિમા નામની સિદ્ધિના વિચારમાં આપણે કહી ગયાં છીએ કે યોગી મોટામાં મોટું રૂપ પણ લઈ શકે છે. તો શ્રીકૃષ્ણ તો યોગીના પણ યોગી હતા, પોતાની શક્તિથી સર્વકાંઈ કરવા સમર્થ હતા. પોતાની શક્તિના પ્રયોગથી તેમણે વિરાટ રૂપનું દર્શન કરાવ્યું હતું. એ પ્રમાણે સમજવાથી કોઈ પણ માણસના મનને સહેજે સમાધાન થઈ શકે છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

The real voyage of discovery consists not in seeking new landscapes, but in having new eyes.
-Marcel Proust

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok