Monday, July 13, 2020

આત્મિક ઉન્નતિની સાધના

પરમાત્માનો સાક્ષાત્કાર કરવાથી પરમ શાંતિ મળી શકે છે. પરંતુ સંસારમાં શ્વાસ લેનારા, અનેક જાતની દુન્યવી જવાબદારીવાળા, વ્યગ્ર, વ્યથિત કે ચિંતાતુર માનવને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો સમય જ ક્યાં છે ? એને એવી ઈચ્છા પણ કેવી રીતે થાય ? અને ધારો કે કોઈ પ્રબળ પૂર્વસંસ્કારના પરિણામરૂપે થાય તો એનો અમલ પણ એ કેવી રીતે કરી શકે ? સાધારણ માણસ આજે સાંસારિક ઉપાધિઓમાંથી જ ઊંચો નથી આવતો પછી એને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનું ક્યાંથી સૂઝે?

બરાબર છે. આધ્યાત્મિક ઉન્નતિ કાંઈ ખાલી પેટે ન થઈ શકે. જેને જીવનનાં નિર્વાહની ચિંતા સતાવતી હોય અથવા તો જેને માથે બીજી ઉપાધિ હોય તે પરમાત્માનો પરિચય કરવાની પ્રવૃત્તિ તરફ ભાગ્યે જ વળે. એને તો સૌથી પહેલાં સાંસારિક સુખાકારી જ જોઈએ. ભૌતિક સમૃદ્ધિ તરફ જ એનું ધ્યાન હોય. દુન્યવી પદાર્થોની પ્રાપ્તિ એ જ એનું જીવનધ્યેય હોય અને એમાં કાંઈ ખોટું પણ નથી. મનુષ્યનો એ સહજ સ્વભાવ છે. એ સ્વભાવની આપણે અવગણના કરવા નથી માગતા. માટે જ સાંસારિક સુખાકારી તથા સમદ્ધિને જીવનમાં આવશ્યક માનીએ છીએ. જીવનની શાંતિ માટે એની પણ એટલી જ આવશ્યકતા છે. 'ભૂખે ભજન ન હોય ગોપાલા’ એ વાત કેટલેક અંશે સાચી ઠરે છે તોપણ સાંસારિક સુખસમૃદ્ધિની અભીપ્સાથી પ્રેરાઈને પણ માણસ જો પરમાત્માનું શરણ લે, તેમ જ પરમાત્માને ભજતો ને પ્રાર્થતો થાય તો કાંઈ ખોટું નથી. તેથી પણ તેને સરવાળે લાભ જ થશે. પરમાત્માનું શરણ ને સ્મરણ એક રામબાણ રસાયણ છે અને બધાં જ દુઃખદર્દો પર અકસીર કામ કરે છે. માટે છતવાળા માનવોની જેમ ભૌતિક અછતવાળા માનવોને પણ હું તો પરમાત્માભિમુખ થવાની જ ભલામણ કરીશ.

સુખ તથા શાંતિની પ્રાપ્તિ માટે આપણે પરમાત્મા જેટલે બહુ દૂર ન જઈએ તોપણ, આપણી આજુબાજુની દુનિયામાં અને આપણા પોતાના જીવનમાં પણ એને માટે ઘણુંઘણું કરી શકાય છે. જીવનમાં જેટલા પ્રમાણમાં પ્રેમ પેદા થશે, મીઠાશ આવશે; નમ્રતા, પ્રામાણિકતા, સેવાભાવ તેમ જ સહકારની ભાવના ખીલશે, તેટલા પ્રમાણમાં સુખ તથા શાંતિનું પુનિત પ્રભાત પ્રગટી શકશે. વિચાર ને વાણી જીવનની અનુકૂળતા ને પ્રતિકૂળતામાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે તે આપણે જાણીએ છીએ. એટલે એ બંનેને અંકુશમાં રાખવાની જરૂર છે. માનવ મોટે ભાગે એના સ્વભાવને લીધે સુખી કે દુઃખી થતો હોય છે. એ સ્વભાવમાં જો પરિવર્તન કરવામાં આવે તો તે સુખી થાય. એટલા માટે એની અંદરથી ભય, ધિક્કાર, ભેદભાવ, સ્વાર્થ, લાલસા, સંકુચિતતા ને ઈર્ષાવૃત્તિને દૂર કરવાની જરૂર છે. એ વૃત્તિઓ એને પોતાને અને એની આસપાસનાં સહુને દુઃખી કરે છે. ત્યાં એ સુખશાંતિનો સર્વનાશ કરી નાખે છે. એટલા માટે એ વૃત્તિઓને કાબૂમાં લઈને સદગુણ ને સદવિચારની મૂર્તિ બનવાની જરૂર છે.

એ કામ આપણી પોતાની અંદરથી આરંભી શકાય છે. આપણી જાતમાંથી, ઘરમાંથી અને આપણી આજુબાજુના સમાજમાંથી એનો આરંભ કરીએ. આપણા સંસર્ગમાં આવનારા સહુની અંદર પરમાત્માનો પાવન પ્રકાશ જોઈએ. સહુની સાથે મધુર, છળરહિત સંભાષણ કરીએ, સહુ પ્રત્યેની આપણી ફરજનું યથાશક્તિ પ્રેમપૂર્વક પાલન કરીએ અને સૌની સાથે એક આદર્શ મનુષ્યને છાજે તેવો સારો વ્યવહાર કરીએ. એવી રીતે વર્તીએ તો આપણા પોતાના અંતરમાં, ઘરમાં, મહોલ્લામાં, સમાજમાં ને સમસ્ત સંસારમાં શાંતિ ઊતરી શકે. એને માટે ઈશ્વરસ્મરણની કે ઈશ્વરનું શરણ લેવાની જરૂર ન રહે. ફક્ત માનવતાથી મહેકતું મધુમય બનેલું સીધુંસીધું વર્તન જ પર્યાપ્ત થઈ પડે. એ જ આપણા ઘરના ને બહારના જીવનને મધુમય કે મંગલ કરનારી યોગસાધના કે સત્કર્મસાધના થઈ પડે. જગતમાં ઠેકઠેકાણે તૈયાર થયેલા માનવમેળાઓ એવા તો કિલ્લોલ કરતા થઈ જાય કે વાત નહિ. એનું દર્શન પણ આપણને આનંદ આપે.

આજનું જગત વિજ્ઞાનમય છે. વૈજ્ઞાનિક અન્વેષણો વધતાં જાય છે. માનવની બુદ્ધિ આગળ વધતી જાય છે, અને ભૌતિક સંશોધનના નવાનવા વિક્રમો કરતી જાય છે. સુખપ્રાપ્તિનાં સાધનો પણ વધતાં તેમ જ છૂટથી વપરાતાં જાય છે. છતાં એ સાધનોથી સંપન્ન માનવના મનમાં પણ શાંતિ નથી. બહારથી શાંતિ ને સુખની વૃષ્ટિ કરવાના પ્રયાસ થાય છે, પરંતુ એના અંતરમાં જ્વાળા સળગે છે. એ જ્વાળા શી રીતે શાંત થાય ? એને માટે માનવે પોતાના મન અથવા તો હૃદયનો વિકાસ કરવો રહેશે. મન ને હૃદયને નિર્મળ બનાવીને આદર્શ માનવ થવાની કોશિશ કરવી રહેશે, પોતાની અંદરની પશુતા પર વિજય મેળવીને માનવતાના મહાપૂજારી બનવું પડશે. તો જ તેને પોતાને શાંતિની પ્રાપ્તિ થશે, ને બીજાને માટે પણ તે ભયરૂપ કે અશાંતિકારક નહીં થાય. માનવીની પ્રકૃતિને પરિવર્તિત કરવાનું એ કામ અત્યંત ઉપયોગી છે, અને આપણે ઘેરબેઠાં કરી શકીએ એમ છીએ.

એક બીજી વાત. મનને આત્માભિમુખ કરવા માટે દિવસમાં ઓછામાં ઓછું બે વાર, સવારે ને સાંજે તમારી રુચિ પ્રમાણે ધ્યાન, જપ કે પ્રાર્થનાના અનુષ્ઠાનમાં બેસવાની ટેવ પાડો. રોજ નિયમિત રીતે તમારી પસંદગીની સાધનામાં બેસો જ. પ્રારંભમાં મન નહિ લાગે પરંતુ ક્રમેક્રમે સ્થિર થતું જશે, અને પછી તો એમાં એવો આનંદ આવશે કે વાત નહિ. એ સાધના તમારે માટે રોજિંદા રસાયનરૂપ થઈ રહેશે. બહાર ગમે તેટલી અશાંતિ હશે તોપણ એ અભ્યાસક્રમ દ્વારા તમે તમારી અંદરથી રસ લેતાં શીખશો ને શાંતિ મેળવશો. તમારી પોતાની જ અંદર રહેલો સુખ, શાંતિ, રસ અથવા તો આનંદનો ખજાનો હાથ લાગશે અને એનો આસ્વાદ પામીને તમે ધન્ય બનશો. એ અભ્યાસ જેમજેમ વધતો જશે તેમતેમ તમારા જીવનમાં ક્રાંતિ થતી જશે. તમારું જીવન અવનવું બનતું જશે. પછી તમે જીવનના આઘાતો અને પ્રત્યાઘાતોની વચ્ચે પણ હસતા રહેશો. લાભ ને હાનિ, યશ અને અપયશ, તેમ જ સહકાર અને અસહકાર કે વિરોધમાં પણ માનસિક સ્થિરતાને નહિ ગુમાવો. સંજોગો કે વાતાવરણ તમારી આત્મિક શાંતિને નહિ હણી શકે. તમે એ રસનો ભંડાર મેળવી લીધો હશે જે કદી પણ નહિ ખૂટે, અને એ કળાને હસ્તગત કરી લીધી હશે જેને લીધે તમારા મનને સર્વ કાળે ને સર્વ સ્થળે સ્વસ્થ શાંત રાખી શકશો. એને માટે સમય કાઢીને આ અભ્યાસક્રમનો આરંભ કરવાની તથા તેને વળગી રહેવાની ભલામણ કરું છું.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

It is easy to be friendly to one's friends. But to befriend the one who regard himself as your enemy is the quientessence of true religion. The other is mere business.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok