Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમારા શરીરને ચુમવાની ને તમને આલિંગન કરવાની મારી ઈચ્છા નથી.
આજે તો તમારાં ચરણને ચુમવાની મારી ઈચ્છા છે.
એમ કહીને મેં તમારા ચરણને સ્પર્શ કરવાનું શરૂ કર્યું,
ત્યાં જ તમે જરા રોષે ભરાયાં ને દૂર ખસી ગયાં.
તમારા ચરણને હું અડું તે તમને પસંદ નથી
કેમ કે તમે મારી જાતને અત્યંત પવિત્ર ને આદરણીય માનો છો એમ તમે કહેવા માંડ્યું.

મારું હૃદય જરા કરુણ તો થઈ ગયું, કેમ કે હું તમારો પ્રેમી ભક્ત છું.
તેને તમે કેટલું બધું મહાન પદ આપી દીધું એ વાતની માહિતીથી મારું હૈયું ભરાઈ આવ્યું.
ચરણને નહિ ચૂમવા દો તો તમારા ચરણની ધૂળને ચૂમીશ -
તમારાં ચરણ જે પૃથ્વી પર પડ્યાં હશે તે પૃથ્વીનાં પ્રદેશને - તમારી પગલીને ચૂમીશ.
તેની તો તમે ના નહિ પાડોને ? મેં તમને કહેવા માંડ્યું.

ને અપાર પ્રેમ ને આદરભાવથી ઉભરાઈને
મેં તમારી પૃથ્વી પર પડેલી પગલીને ચૂમી લીધી
ને તમારી ચરણરજને મસ્તક પર ચઢાવી
ત્યારે પવિત્ર પ્રેમના એકાએક થયેલા એ દર્શનથી પૃથ્વી હાલી ઉઠી,
ને પવને પ્રસન્નતા ધારણ કરી.

તમને તેથી શું નુકસાન થયું ?
મને શાંતિ મળી, તમને મારા પવિત્ર પ્રેમની પ્રતિતી થઈ શકી,
ને સંસારને પ્રેરણાથી ભરેલું એક મહાન ગીત મળ્યું.
તમને તેથી શું નુકસાન થયું ?

- શ્રી યોગેશ્વરજી