Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મેં તમારે માટે કરી શકાય એટલું બધું જ ફના કર્યું છે. જુઓ તો ખરાં.
માણસના ઉગતા ઉરમાં જ્યારે અનેક આશા, તૃષ્ણા ને મનોરથ પોતાનું કામ કરતા હોય છે,
ત્યારે મેં મારા જીવનનું સમસ્ત ધન તમારી પૂજામાં અર્પણ કર્યું છે
ને હું તમારો પુજારી બની બેઠો છું.
મારું તન, મન ને અંતર એક તમારી જ રાગરાગિણીથી ભરી દીધું છે.
એ તો ઠીક, પણ તમારે માટે તલસવામાં પ્રાર્થનામાં ને રડવામાં મેં બાકી નથી રાખ્યું.
તમારે માટે મેં મારી નિદ્રા, મારા આરામ ને મારી સુખ સાહ્યબીનો પણ ભોગ આપ્યો છે.
મનને તમારાં ચરણોમાં જ જોડી દીધું છે.
મેં તમારે માટે કરી શકાય તેટલું બધું જ ફના કર્યું છે.

છતાં આશ્ચર્ય એ છે કે તમે મને બેચેન બનાવવામાં બાકી નથી રાખ્યું.
તમારા પ્રેમને - તમારી કૃપાને માટે તમે મારી પાસેથી પૂરું વ્યાજ - પૂરી કીમત વસૂલ કરો છો.
મારા અંતરને તમે કઠોર જેવાં બનીને રોજરોજ તપાવો છો, તલસાવો છો, ને નીચોવી નાખો છો.
મારી દશા કેટલી બધી કરુણ થઈ જાય છે તેનો તમને ખ્યાલ સરખો લાગતો નથી.

તમારી કૃપાની કામના કરતાં, તમારા પ્રેમની ભિક્ષા માગતાં, વરસો વહી ગયાં.
છતાં હું હજી હતાશ થયો નથી.
તમારી કૃપામાં વિશ્વાસ રાખીને હજી બેસી રહ્યો છું.
ને મને આશા છે કે એકવાર તમે સંપૂર્ણપણે મારાં બની જશો,
મારી સાથે કાયમ માટે પ્રેમ કરવા આ પૃથ્વી પર પ્રકટ થશો.
આ આશા જ મારા આજના જીવનનું રહસ્ય છે.

- શ્રી યોગેશ્વરજી