તમારા પ્રેમની તુલના કોની સાથે કરું તે મને સમજાતું નથી.
તેનાથી હું મંત્રમુગ્ધ થયો છું, પ્રસન્નતાથી પુલકિત થયો છું, ને તમારો પ્રેમી બન્યો છું.
ચોમાસાના પાણીથી પ્રમત્ત નદી જેમ કિનારાંના બધાં જ બંધનને તોડી નાખે છે, ને માર્ગ કરે છે,
તેમ તમારા પ્રેમનો પ્રબળ પ્રવાહ તન ને મનનાં બંધનને તોડીને સતત રીતે વહેવા માંડે છે,
ને પ્રાણને તમારા પ્રેમથી તરબોળ કરી દે છે.
તમારા પ્રેમની વર્ષા વરસાવવા બદલ હું તમારો અત્યંત આભારી છું.
એ પ્રેમની પૂજા જીવનમાં નિરંતર કર્યા કરું,
ને તમારા હૃદયમાં, અરે રોમેરોમમાં ઘર કરું, એ મારી કામના છે.
એ કામનાની પૂર્તિ માટે તમારી તરફ ટકટકી લગાવીને બેસી રહ્યો છું.
- શ્રી યોગેશ્વરજી

