તમે કહો છો કે હું કોઈ કવયિત્રી નથી, લેખિકાયે નથી.
મારી પાસે એવો કંઠેય નથી જેથી તમારાં ગીત ગાઈને તમને ઘેલાં બનાવી શકું
અથવા હું કોઈ સંગીતજ્ઞ કે ચિત્રકાર પણ નથી.
મારા હૃદયને વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ કળા પણ નથી.
નથી એવું કોઈ રૂપ, નથી એવા ગુણ ને નથી એવું જ્ઞાન.
મને થાય છે કે તમે મને પસંદ કરવામાં
ને તમારા પ્રેમનું પાત્ર બનાવવામાં કોઈ ભૂલ તો નથી કરી ?
ઉતાવળ તો નથી કરી ?
મારે બદલે તમને કોઈ સુરીલા કંઠવાળી કુમારી મળી હોત
તો તમારા હૃદયના સંગીતને વધારે સારી રીતે ઝીલી ના શકત ?
પણ તમારી એ દલીલો મને વિશેષ અસર કરી શકતી નથી.
તમારામાં બીજી કોઈ વસ્તુ છે કે નહિ તેની મને ખબર નથી,
તેની મને પરવા પણ નથી.
મને તો એક જ વાતનો સંતોષ છે કે તમારી પાસે હૃદય છે.
મારાં ગીતને ઝીલવાની તમારામાં સંપૂર્ણ શક્તિ છે,
એટલું જ નહિ, તમે પોતે જ ગીતરૂપ છો.
તમારી અંદરથી મારા સંગીતની પરંપરા પ્રકટ્યા કરે છે.
તમારું જીવન જ કળારૂપ છે.
આત્માનો સંવાદ સાધવાની કળા તમને કાયમ માટે હસ્તગત છે.
પછી તમે કલાકાર નથી એમ કોણ કહી શકે ?
માટે જ મેં તમને પસંદ કર્યાં છે, ને મારાં પ્રેમપાત્ર બનાવ્યાં છે.
- શ્રી યોગેશ્વરજી

