Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારા પ્રેમથી પ્રેરાઈને તમે આજ સુધી અનેકવાર મારા જીવનમાં પ્રેમ કરવા પ્રકટ થયાં છો,
ને તમારા પ્રેમામૃતનું પાન કરીને મારો પ્રાણ પ્રત્યેક વખતે પ્રસન્ન થયો છે.
છતાં તેને હજી પૂરી તૃપ્તિ નથી મળી.
તમારા અખંડ સનાતન સહવાસની મારી કામના છે,
ને તે માટે હું વરસોથી તમારે દ્વારે પ્રાર્થના કરતાં બેસી રહ્યો છું.
સુંદરમાં સુંદર સ્વરૂપ ધારણ કરી, પ્રકાશ ને મધુરતાની મૂર્તિ બની,
કુમારિકાની કમનીય કાયામાં અવતાર લઈ,
તમે મારી પાસે કાયમને માટે રહેવા આવો તો હું તમને મારા હૃદયમાં ધારણ કરીશ,
ને મારા સર્વસ્વથી પૂજીને પ્રસન્ન પ્રસન્ન કરી દઈશ.

જીવનની આ જ ઝંખના છે, મનીષા છે.
મારા પ્રેમનો આ પોકાર છે.
તમારા વિના મારો પ્રેમ અપંગ છે, તૃષાર્ત છે.
તેને કોને ચરણે અર્પણ કરું ? કોનો કરી દઉં ?
તમે તેનો સ્વીકાર કરવા પ્રકટ થાવ, એ ધન્ય ઘડીની આજે તો પ્રતીક્ષા કરી રહ્યો છું.

- શ્રી યોગેશ્વરજી