તમે મને કહો છો કે મારે તમારા પ્રેમના દર્દને સહન કરતાં શીખવું ને ટેવાવું જોઈએ;
પણ હું તમને બે હાથ જોડીને કહું છું
કે એ વાત મારાથી કદી પણ બની શકે તેમ નથી.
વળી તમે કહો છો કે તમારા તરફ થતા ઉરના ઉમળકા
ને ઉન્માદને મારે ધીરે ધીરે શાંત કરવો જોઈએ :
તો તે બાબત પણ મારે એ જ કહેવાનું હોય કે એ વાત પણ તદ્દન અશક્ય છે.
મારા સ્નેહ ને સંવેદનના સહજ સૂરોને દબાવી દેવાની કે શાંત કરવાની મને જરીયે ઈચ્છા નથી.
તે તો નિરંતર વધતા જ જાય છે, ને વધતા જ રહેશે.
તમારે માટેનો મારો પ્રેમ રાતદિવસ વધતો જ જાય છે ને વધતો જ રહેશે.
તેમાં કદી ઓટ આવી શકે તેમ નથી.
કોણ જાણે મારા હૃદયમાં તમારે માટે આટલો બધો પ્રેમ શા માટે થાય છે !
પણ એક વાત ચોક્કસ છે કે તમારા પ્રેમથી મને સ્વર્ગસુખ મળે છે,
ને મારું જીવન મંગલમય બને છે.
- શ્રી યોગેશ્વરજી

