સેવાવ્રતી સંત

ગંગાતટે આવેલા ઉત્તરાખંડના સુંદર સુપ્રસિદ્ધ તીર્થસ્થાન હૃષિકેશની યાત્રા કરનાર યાત્રી બાબા કાલી કમલીવાલાની સંસ્થાની મુલાકાત લે છે ત્યારે સંસ્થાના મુખ્ય મકાનમાં બાબા કાલી કમલીવાલા સ્વામીશ્રી વિશુદ્ધાનંદજીની પ્રતિમાનું દર્શન કરે છે. બાબા કાલી કમલીવાલા લોકસેવાના મહાન સાચા ભેખધારી હતા. એમણે સમગ્ર જીવન જનતા જનાદર્નની સેવામાં ગાળેલું. દીનદુઃખી, અનાથ અપંગ ને સાધુસંતોમાં એ ઈશ્વરનું દર્શન કરતા. એમને ઈશ્વરની પ્રત્યક્ષ પ્રતિમારૂપ માનતા. એમને મદદ કરવા, સુખશાંતિ આપવા બધું જ કરી છૂટતા.

એ વખતે હૃષિકેશની ભૂમિ લગભગ જંગલથી વીંટળાયેલી હતી. જંગલમાં હિંસક પશુઓ વાસ કરતા. એવા પશુઓનો સામનો પ્રવાસીને ધોળે દિવસે પણ કરવો પડતો.

સાચા સંતસાધુઓને કોઈ જાતનો ભય ના હોય એટલે એવા એકાંત ઘોર પ્રદેશમાં ગંગાના સાનિધ્યનો આનંદ લેતાં એ તપ કરતા. કેટલાક સિદ્ધાવસ્થાએ પહોંચેલા તો કેટલાક એ અવસ્થાની અનુભૂતિ માટે સંસારના સઘળા વિષયો અને રસોમાંથી મનને પાછું વાળીને પ્રામાણિકપણે પરમાત્માનું ધ્યાન ધરનારા કે સાધના કરનારા સાચા સાધકો હતા. મોટેભાગે ફળફૂલ ને કંદમૂળ ખાઈને એ નિર્વાહ કરતા. કેટલાક આસપાસની પર્વતીય વસતિમાંથી ભિક્ષા લાવતા.

એવી પરિસ્થિતિમાં બાબા કાલી કમલીવાલાએ એ પવિત્ર ભૂમિમાં પગ મૂક્યા. પહેલેથી જ એમનું મન સંતમહાત્માઓ પ્રત્યેના પ્રેમભાવથી ભરેલું હતું. આથી એમને થયું કે આવા એકાંતવાસી સાધનાપરાયણ સંતોની સેવા કરવી જોઈએ. એમની સેવા પણ એક જાતની મહાન સાધના જ છે ને.

આજુબાજુ રહેતી જનતાની પાસેથી લોટ તથા બીજી સામગ્રી લેવાનું કામ એમણે શરૂ કર્યું. એમાંથી એ રસોઈ બનાવતા અને અરણ્યમાં આવેલા સાધુઓના આશ્રમોમાં ઉત્સાહપૂર્વક ફરીને ભિક્ષા પહોંચાડતા.

સ્નેહ, સેવા અને સમર્પણભાવમાંથી શરૂ થયેલી એ પવિત્ર પ્રવૃત્તિ નિયમિત રીતે ચાલુ જ રહી. હૃષિકેશની મુલાકાતે આવતા ભાવિક ધર્મપ્રેમીઓ પર એણે ખૂબ જ ઘેરી અસર કરી. એટલે એમાંથી જનતાનો સહકાર મળ્યો.

વખતના વીતવા સાથે સારું એવું ફંડ થયું. મકાન થયું, ને સાધુસંતોની સાથે ગરીબ, અપંગ, અનાથ, દીનદુઃખી, વિદ્યાર્થી, વિધવાઓ વગેરેની સેવાસુશ્રુષા ઘણા મોટા પાયા પર થવા માંડી. એ પ્રવૃત્તિ પાછળનું સંકલ્પબીજ ઘણું પ્રાણવાન, પવિત્ર ને પ્રબળ હતું. એની પાછળ કોઈ અંગત સ્વાર્થ, લાલસા કે કામના ન હતી.

એમાંથી ઊગેલો અંકુર વખત જતાં વિશાળ વૃક્ષમાં પરિણમ્યો. સેવાનું એ વિશાળ વટવૃક્ષ અનેકનાં તન-મન-અંતરને માટે આરામદાયક ને આશીર્વાદરૂપ થઈ પડ્યું.

કાલી કમલીવાલાનો ઉદ્દેશ પોતાના જીવનને ચંદનની જેમ પરાર્થે ઘસી નાખવાનો ને બીજાને સુવાસ પહોંચાડવાનો હતો. પોતે સંકટ સહીને, તપીને કે વ્યથા ભોગવીને પણ બીજાને સુખી કરવાનો, આનંદ આપવાનો એમનો ઉદ્દેશ હતો. એ ઉદ્દેશની પૂર્તિ માટે એમણે આજીવન પરિશ્રમ કર્યો.

એમણે ઊભી કરેલી સેવાની વિશાળ સંસ્થા તે જ બાબા કાલી કમલીવાલાની સંસ્થા. ભારતમાં જ નહિ, પરંતુ ભારતની બહાર પણ આવી સંસ્થાનો જોટો જડવો મુશ્કેલ છે.

કેટલાક લોકો માને છે તેમ એ સંસ્થા એકલી સાધુઓને ભિક્ષા આપનારી સંસ્થા નથી. એના તરફથી બીજી ઘણી પ્રવૃત્તિઓ ચાલે છે. સાધુઓને, પાઠશાળામાં ભણતા સાધન વગરના વિદ્યાર્થીઓને, વિધવાઓને ને બીજા અછતવાળા લોકોને રોજ લોટ, દાળ, અનાજ, મસાલા આપવામાં આવે છે. સાથે સાથે સંસ્થા ઔષધાલય, પુસ્તકાલય, ગૌશાળા, પરબ, સત્સંગભવન, સંસ્કૃત વિદ્યાલય અને આત્મવિજ્ઞાન ભવનની પ્રવૃત્તિઓ પણ ચલાવે છે. ૧૬૦ જેટલા સંતો ને ૧૨૫ જેટલા કુષ્ઠ રોગીઓને પંદર પંદર દિવસની ખાદ્યસામગ્રી એક સાથે આપવાનો પ્રબંધ પણ કરવામાં આવ્યો છે. લોટ જેવી સામગ્રીનો લાભ રોજ લેનારાં સ્ત્રી-પુરુષોની સંખ્યા ૨૫૦ થી ૬૦૦ સુધીની હોય છે ને રોજના ૮૦૦ થી ૧૦૦૦ સાધુઓ તૈયાર રસોઈ લેતા હોય છે. યાત્રાના દિવસો દરમ્યાન એમની સંખ્યા સ્વાભાવિક જ વધી જાય છે.

હૃષિકેશની લક્ષ્મણઝુલાની જગ્યામાં ગંગા પાર કરવા માટે પહેલાં દોરડાંનો કાચો પૂલ હતો. પૂલની નીચેનો પ્રવાહ અત્યંત ઊંડો ને વેગવાળો હોવાથી મુસાફરોને ઘણી મુશ્કેલી પડતી.

બાબા કાલી કમલીવાલા તો લોકોની મુશ્કેલીઓના નિવારણમાં જ આનંદ માનનારા. એમનાથી એ મુશ્કેલી કેવી રીતે જોઈ શકાય ? એમણે એમનો ઉપાય કરવાનો સંકલ્પ કર્યો. ઈશ્વરે એમની પાસે શેઠ સૂરજમલ ઝુનઝુનવાલાને નિમિત્ત બનાવવા માટે મોકલી આપ્યા. એમણે બાબાને ધન પ્રદાન કરવાની ઈચ્છા બતાવી.

બાબાએ કહ્યું : ‘ધનને લઈને હું શું કરીશ ? હું તો સંન્યાસી છું. એટલે વ્યક્તિગત ધનસંગ્રહ ના કરી શકું. તમારી ઈચ્છા ધનનો સદુપયોગ કરવાની જ હોય તો આ પૂલને પાકો કરી દો. આથી લોકોનું ભલું થશે. લોકસેવાના આ ઉત્તમ યજ્ઞમાં તમે આહુતિ આપો.’

અને એમના આદેશાનુસાર સૂરજમલ શેઠે એ પૂલને ઠેકાણે આજનો સુંદર પાકો પૂલ બનાવી દીધો. એ પૂલ પરથી પસાર થતા પ્રવાસીઓને ખબર પણ નહિ હોય કે એ કાલી કમલીવાલાના સેવાભાવનું પ્રત્યક્ષ પ્રાણવાન પ્રતીક છે.

સેવાક્ષેત્રે એ મહાપુરુષનો એક બીજો સુંદર ફાળો પણ જાણવા જેવો છે. એ વખતે બદરીનાથની યાત્રા ઘણી કઠિન કહેવાતી. ધર્મભાવનાવાળાં સ્ત્રી-પુરુષો ખૂબ ખૂબ વિપત્તિઓ વેઠીને એ વિકટ યાત્રા પૂરી કરતા. એ વખતે આજના જેવી મોટરો તો ત્યાં દોડતી જ નહિ. માર્ગમાં પૂરતી ધર્મશાળાઓનો પણ અભાવ હતો.

બાબાએ ઈ.સ. ૧૮૮૦માં બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી તથા જમનોત્રીની યાત્રા કરીને એ માર્ગની મુશ્કેલીઓનો અનુભવ કર્યો. આથી એમનું પરગજુ હૃદય કકળી ઉઠ્યું. એ માર્ગની મુસીબતોને ઓછી કરવાનો એમણે નિર્ણય કર્યો. એ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા એમણે સહારનપુર, મેરઠ, દિલ્હી ને કલકત્તા જેવા શહેરોનો પ્રવાસ કરી, લોકલાગણીને જાગ્રત કરી.

ત્યાંના સેવાભાવી સંતોનો સંપર્ક સાધ્યો. એ સંપર્કના પરિણામે એમની ભાવના ફળીભૂત થઈ. બદરી, કેદાર, ગંગોત્રી ને જનમોત્રીના માર્ગમાં એમણે ઠેકઠેકાણે નેવું જેટલી ધર્મશાળાઓ, પરબો, ઔષધાલયો, પુસ્તકાલયો, સદાવ્રતો, અન્નક્ષેત્રો, સાધુકુટિરો તેમજ મુસાફરોને મદદરૂપ થાય એવી બીજી પ્રવૃત્તિઓનું નિર્માણ કર્યું. એના સફળ સંચાલન માટે વ્યવસ્થા કરી.

ઉત્તરાખંડના એ ચારે ધામની યાત્રા દરમ્યાન એ મહાપુરુષની સેવાવૃત્તિનો પરિચય આપતી કેટલીય પ્રવૃત્તિઓને જોઈને આજે પણ આપણા અંતરમાં એમને માટે આદરભાવ ઉત્પન્ન થાય છે.

ઉત્તરાખંડ સિવાય હરિદ્વાર, ઋષિકેશ, રામનગર, કનખલ, કલકત્તા, કુરુક્ષેત્ર ને પ્રયાગરાજ જેવા સ્થળોમાંય એમની સેવાસંસ્થાઓ વિસ્તરવા માંડી.

એમનો જન્મ પંજાબના ગુજરાનવાલા જિલ્લાના જલાલપુર ગામમાં ઈ.સ. ૧૮૩૧માં એક વૈશ્ય કુટુંબમાં થયેલો. એમનું મૂળ નામ બિસાવાસિંહ હતું. નાની ઉંમરથી જ એમનામાં વૈરાગ્યવૃત્તિના અંકુરો ઉગવા માંડેલા. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી પણ એ વૃત્તિ કાયમ રહી. એના પરિણામરૂપે છેક બત્રીસ વરસની ઉંમરે પત્ની, પુત્ર તેમજ કુટુંબીજનોને એમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે મારા જીવનનો બાકીનો સમય હું લોકસેવામાં વિતાવવા માગું છું. એમનો દૃઢ નિશ્ચય આખરે વિજયી નીવડ્યો.

તપોનિધિ મહારાજ પાસેથી એમણે સંન્યાસની દીક્ષા લીધી. એ પછી એમનું નામ વિશુદ્ધાનંદ પડ્યું. પરંતુ એ મોટે ભાગે કાળી કામળી પહેરતા હોવાથી બાબા કાલી કમલીવાલાના સાંકેતિક નામે ઓળખાવા માંડ્યા. મીરાંની પેઠે એમને પણ કદાચ થયું હશે કે ‘ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ ના લાગે કો’ય.’

જેમ કૃષ્ણપ્રેમમાં ડૂબેલી મીરાંને સંસારનો કોઈ ડાઘ ના લાગ્યો તેમ લોકસેવાની લગનવાળા વિશુદ્ધાનંદ પણ સેવા કરતાં કરતાં દુનિયાના ભાતભાતના ડાઘથી દૂર રહ્યા. સેવા કરતાં કરતાં જેમ કેટલાક સેવાને ભૂલીને મેવામાં પડી જાય છે તેમ વિશુદ્ધાનંદજી પદ, પ્રતિષ્ઠા, પૈસા કે મદના મેવામાં ન પડ્યા. એમણે આજીવન સેવામાં જ મેવાની મીઠાશ માણી. જે સેવાધર્મને અત્યંત ગહન, સૂક્ષ્મ, જટિલ ને યોગીઓની પણ સમજમાં ન આવે એવો અસાધારણ કહ્યો છે, અને જે માર્ગે કોઈ વિરલ, પ્રમાણિક, જાગ્રત, વિશુદ્ધ પ્રકૃતિના, અનુકંપા ભરેલા સંતો જ સફળતાપૂર્વક આગળ વધી શકે છે, તે માર્ગે એમણે સ્વસ્થતા સાથે સફર કરી.

જેમનું હૃદય બીજાને સુખી કરવા સંવેદનશીલ બને છે, જે સદાય સમર્પણભાવના સેવે છે, એની સેવા ગમે તે ક્ષેત્રમાં હોય તો પણ સમાજને માટે આશીર્વાદરૂપ છે. એવા મહાપુરુષો માનવજાતિની મહામૂલી મૂડી છે. સમાજની સૂરત પણ આવા સમાજઘડવૈયાઓ ફેરવી શકે છે.

જીવનની છેલ્લી ક્ષણ સુધી અવિરત સેવા કરનાર કાલી કમલીવાલા, પોતાને સેવક, સેવાવ્રતના ભેખધારી કે કર્મયોગી કહેવડાવવામાં ગૌરવ નહોતા માનતા. એવા ઉપનામથી એ દૂર જ રહેતા.

કોઈ એમને કહેતું કે તમે ભારે મહત્વની સેવા કરી રહ્યા છો, તો એ ઉત્તર આપતા કે, ‘તમે શું ભાન ભૂલીને મને માનરૂપી મદિરા પાવા માંડ્યા ? સેવા કોણ કરે છે ? ગાડા નીચે કૂતરું ચાલે એટલે એણે સેવા કરી ? હું તો ઈશ્વરના હાથનું હથિયાર છું, નિમિત્ત છું. જે કરાવે છે તે કર્યે જાઉં છું. આથી વધારે કશું જ નહિ...’

આજે એ વિરક્ત લોકોપકારી સદેહે હયાત નથી, પણ એમણે સ્થાપેલી સંસ્થા અને એનાં કાર્યો દ્વારા અમર છે. એમના યશશરીરને વૃદ્ધાવસ્થાયે નથી ને મૃત્યુયે નથી. આજે તો સાધનો વધ્યાં છે, પણ વરસો પહેલાંની પરિસ્થિતિ આજના જેટલી અનુકૂળ ન હતી ત્યારે એમને જે પરિશ્રમ કરવો પડ્યો ને વિપત્તિ વેઠવી પડી એનો સાંગોપાંગ, કડીબદ્ધ, પ્રમાણભૂત ઈતિહાસ તો એમના પાસે જ રહી ગયો. આપણી પાસે તો એની ઝલક માત્ર છે.

છતાં પણ શૂન્યમાંથી એક વિરાટ સેવાસંસ્થાનું સર્જન કરનાર, એ સંતપુરુષને માટે આપણને માન તો થાય છે જ. એમનું જીવન પેલા કહેલા કવિત જેવું જ હતું -

‘જનની જણ તો ભક્ત જણ, કાં દાતા, કાં શૂર,
નહિ તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર !’

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Security code
Refresh

Today's Quote

We turn to God for help when our foundations are shaking, only to learn that it is God who is shaking them.
- Unknown

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.