Text Size

સિદ્ધ મહાત્મા કૃષ્ણાશ્રમજી

ભગવતી ભાગીરથીનો કલકલ નાદ કરતો સુંદર પ્રશાંત પ્રવાહ વરસોથી વહી રહ્યો છે. એની આજુબાજુ એકાંત અરણ્ય ને આકાશને અડવાની હરિફાઈ કરતા ઊંચાઊંચા હિમાચ્છાદિત પર્વતો છે. એ અસાધારણ આનંદદાયક દૃશ્યને જોતાંવેંત જ એમ થાય છે કે અહીં રહી જઈએ ને થોડો વખત તપશ્ચર્યા કરીને આત્માનુભવથી જીવનને કૃતાર્થ કરીએ.

જે સુંદર પ્રદેશ મનને એવી રીતે પ્રથમ દર્શને જ મુગ્ધ કરે છે તથા સર્વોત્તમ આધ્યાત્મિક જીવનની ઉદાત્ત ભાવનાઓથી ભરે છે તે ઉત્તરાખંડના ગંગોત્રી પ્રદેશનો પુણ્ય પ્રવાસ દર વરસે હજારો પ્રવાસીઓ કરે છે. અને એ પવિત્ર પુરાણ પ્રસિદ્ધ પ્રદેશનાં સુખદ સંસ્મરણો લઈને પાછા ફરે છે.

હિમાલયના એ ગંગોત્રી ધામમાં ભગવતી ભાગીરથીને સામે કિનારે, એક નાની સરખી કુટિરમાં એક મહાપુરુષ બેઠેલા છે. હિમાલયની ઋષિમુનિસેવિત ભૂમિમાં વસનારા એ મહાપ્રતાપી મહાત્માઓમાંના એકને જોવા હોય તો આવો એમનું દર્શન કરીએ.

એમણે ગંગોત્રીના અતિશય ઠંડા વાતાવરણમાં વસવા છતાં પોતાના શરીર પર એકેય વસ્ત્ર નથી વીંટ્યું. એ તદ્દન દિગંબર દશામાં શરીરને ટટ્ટાર યાને સીધું રાખી, પદ્માસન વાળીને બેઠા છે. એમના શરીરની ચામડી ખૂબ જ કાળી છતાં કાંતિવાળી છે. એમની આંખ તેજસ્વી, શાંત અને મોટી છે તથા એમના મસ્તક પર જટા છે.

એ કેવળ પરાળ  પર બેઠા છે. દર્શનાર્થીઓ આવે છે ને જાય છે પરંતુ એ એવા જ અચળ રહે છે. કલાકો લગી પદ્માસન પર બેસી રહે છે. વરસોથી એ મૌનવ્રત રાખતા હોવાથી કોઈની સાથે વાતચીત નથી કરતા. તો પણ કોઈ જિજ્ઞાસુ કોઈ પ્રશ્ન પૂછે તો જમીન પર આંગળીની મદદથી લખીને એ પ્રશ્નોના ઉત્તર પૂરા પાડે છે. એ ઉત્તરો ઘણા મુદ્દાસર અને સારવાહી હોય છે. જુઓને, એક જીજ્ઞાસુએ આસપાસની શાંતિનો ભંગ કરીને એમને હિંમતપૂર્વક પ્રશ્ન પૂછ્યો : ‘મહારાજ, જીવનકા ધ્યેય ક્યા હૈ ?’

એમણે આંગળીથી જમીન પર લખી સ્મિતપૂર્વક તરત ઉત્તર આપ્યો, ‘અપને કો પહેચાનના.’

જીજ્ઞાસુના મનનું સમાધાન થઈ ગયું. સ્વરૂપનો સાક્ષાત્કાર સચ્ચિદાનંદરૂપ પરમાત્માનું દર્શન અથવા આત્માનુભવ એ જ જીવનનું ધ્યેય છે એની એને ખાતરી થઈ.

કોઈક વાર એ મહાપુરુષની ઈચ્છા હોય અથવા એમને પ્રેરણા થાય તો એ વગર પૂછ્યે પણ વાત કરે છે. એક તાજેતરનું જ ઉદાહરણ આપું. ઉત્તર પ્રદેશના એક ધનાઢ્ય, લબ્ધપ્રતિષ્ઠિત પુરુષ ગંગોત્રીની યાત્રાએ ગયા. એમણે એ મહાપુરુષની મુલાકાત લીધી પરંતુ એમની સાથે જે સ્ત્રી હતી તે એમની પોતાની સ્ત્રી ન હતી.

એમની પોતાની પત્નીનું તો મૃત્યુ થયેલું અને એ પછી ઘરબાર વગરની અને બુરે રસ્તે ચઢી ગયેલી સાધારણ જાતિની એ સ્ત્રીને એમણે કુટુંબીજનોની અનિચ્છાએ ઉપરવટ જઈને પોતાની સ્ત્રી તરીકે ઘરમાં રાખેલી.

એની સાથે એમણે વિધિપૂર્વક લગ્ન નહોતું કર્યું તો પણ બહારના બીજો લોકો એવું જ માનતા કે એ એમની પત્ની છે. ગંગોત્રીમાં એ સ્ત્રીને લઈને એ પેલા પ્રાતઃસ્મરણીય મહાત્મા પુરુષના દર્શન માટે ગયા ત્યારે, પોતાના વ્યક્તિગત જીવનની એ હકીકત એમણે જાહેર ના કરી તો પણ, એ મહાત્મા પુરુષે એમના મનના ભાવોને માપી લઈને પોતાની લાક્ષણિક ઢબે લખી બતાવીને કહ્યું, ‘ઈસ સ્ત્રીકો ઘરમેં રખ્ખી હૈ સો અચ્છા કિયા હૈ. એક દુર્દશાગ્રસ્ત નારીકા ઉદ્ધાર હુઆ. પરંતુ ઉસે છોડના નહિ ઔર દુઃખી ભી નહિ કરના, ઉસકા બરાબર ધ્યાન રખના.’

શ્રીમંતના આશ્ચર્યનો પાર ન રહ્યો.

એમને થયું કે આ મહાપુરુષને મારી સાથેના આ સ્ત્રીના સંબંધની ગુપ્ત વાતની ખબર ક્યાંથી પડી ?

એમને ખાતરી થઈ કે આ મહાપુરુષની શક્તિ ઘણી અસાધારણ છે, એટલે જ એ મારા જીવનને જાણી શક્યા છે.

એ પોતે સંતોમાં શ્રદ્ધા રાખતા ન હોવા છતાં, એ મહાપુરુષ માટે એમના મનમાં માન પેદા થયું. અને પછી તો એ મહાપુરુષના ભક્ત બની ગયા.

એમણે એમની સ્મૃતિને સાચવી રાખવા માટે, એમની આનાકાની છતાં, ઉપરાઉપરી એમના ફોટા લીધા. એમના વધુ ને વધુ સમાગમની ઈચ્છાથી પ્રેરાઈને ગંગોત્રીનો પોતાનો મુકામ લંબાવ્યો.

ગંગોત્રીના પુણ્યપ્રદેશમાં હિમાચ્છાદિત પર્વતમાળાથી વીંટળાયેલા એકાંત, શાંત આશ્રમમાં વર્ષોથી રહેતા તથા પોતાના દર્શનમાત્રથી જ લોકોને માટે પ્રેરક થનારા એ મહાપુરુષ કોણ છે તે જાણો છો ?  એમનું નામ મહાત્મા કૃષ્ણાશ્રમજી છે.

એમને જોતાં કે એમની પાસે બેસતાવેંત હૃદય એક પ્રકારની ઊંડી શાંતિ, સાત્વિકતા ને પ્રસન્નતાનો અનુભવ કરે છે, ને લાગે છે કે પ્રાચીન કાળના કોઈ વાલ્મિકી, વશિષ્ઠ કે વિશ્વામિત્ર જેવા મહાત્મા પુરુષ પાસે આપણે આવી પહોંચ્યા છીએ. એ સનાતન શાંતિમાં સ્નાન કરતા બેઠા હોય છે. એ મહાત્માને કોઈ પ્રકારનાં પ્રવચન કરવાની યા ભાષણ આપવાની આવશ્યકતા નથી હોતી. એમનું જીવન જ શાસ્ત્ર અથવા પ્રવચનરૂપ હોય છે.

એમની હાજરી જ અવની માટે આશીર્વાદરૂપ હોય છે. તેઓ પોતાના આદર્શ જ્યોતિર્મય જીવન દ્વારા જ કેટલાયના જીવનમાં ક્રાંતિ કરે છે, પ્રેરણા ધરે છે ને પ્રકાશ ભરે છે.

વિશ્વસ્ત સૂત્રોના આધાર પણ જાણી શકાયું છે કે કૃષ્ણાશ્રમનું વય અત્યારે એકસો બે વરસનું છે. છતાં પણ એમનું શરીર સ્વસ્થ અથવા સુદૃઢ છે. અને એમનો નિયમ અબાધિત રીતે ચાલુ રહે છે. એ આત્મિક રીતે આટલી બધી ઊંચી અવસ્થાએ પહોંચેલા હોવા છતાં, પોતાના માટો ભાગનાં કામો પોતાની મેળે જ કરી લે છે.

હમણાં ગયા ઓક્ટોબર મહિનામાં જ એક ભાઈ એમના દર્શને ગયેલા. એક દિવસ વહેલી સવારે એ એમની પાસે ગયા તો એમણે એક અજબ દૃશ્ય જોયું. દિગંબર સ્વરૂપના કૃષ્ણાશ્રમજી ભગવતી ભાગીરથીમાં સ્નાન કરીને બે હાથમાં પાણી ભરેલી બે ડોલ લઈને પોતાની કુટિર તરફ આવી રહેલાં. કેટલું સુંદર તથા કરુણ દર્શન ! એ જોઈને પેલા ભાઈ દોડીને એમની પાસે પહોંચ્યા અને એમના હાથમાંથી ડોલ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ પ્રયાસ સફળ ના થયો.

કૃષ્ણાશ્રમજી ડોલને ઊઠાવીને શાંતિપૂર્વક આશ્રમમાં આવ્યા અને પછી પરાળ પર પદ્માસન લગાવીને બેસી ગયા. જમીન પર લખીને એમણે કહી બતાવ્યું, ‘અપના કામ જહાં તક હો શકે અપને હાથ સે કરના અચ્છા. ઉસમેં આનંદ, આઝાદી ઔર સુખ હૈ.’

ગંગોત્રીમાં જ રહેતા કૃષ્ણાશ્રમજીના ભક્ત સ્વામી સુંદરાનંદજી કહે છે કે કૃષ્ણાશ્રમજીનો એ રોજનો ક્રમ છે. ગંગામાંથી (ગંગોત્રીમાં એનું નામ ભાગીરથી છે) એ રોજ પોતાના હાથે જ પાણી ભરી લઈ આવે છે.

સુંદરાનંદજી મહાત્મા કૃષ્ણાશ્રમના જીવનની એક બીજી કથા કહી બતાવે છે.

એક વાર કુટિરનો પાછળનો પહાડ તૂટી પડવાથી કુટિરને નુકશાન થયું. કૃષ્ણાશ્રમજી ભયંકર રીતે ઘાયલ થયા. એમના શિરમાં ને મુખમાં કાંટા તથા જંગલી લાકડીઓ પેસી ગઈ. એમના જખમમાંથી લોહી નીકળવા લાગ્યું અને એ બેશુદ્ધ જેવા બની ગયા.

સ્વામી સુંદરાનંદજીએ તે અતિ દુઃખદ દૃશ્યને જોયું ત્યારે એમનું કાળજું કંપવા લાગ્યું. કૃષ્ણાશ્રમજીએ એમને પોતાના શિર, મુખ અને શરીરમાંથી કાંટા ને લાકડીઓ કાઢવાની સૂચના કરી. એમણે ડોક્ટરને બોલાવવાની સાફ ના પાડી. સુંદરાનંદે રડતા હૃદયે એ સૂચનાનો અમલ કર્યો. એમણે કૃષ્ણાશ્રમના શરીરને સાફ કર્યું.

એ કામ ખૂબ જ વ્યથાજનક-પીડાકારક હતું તો પણ એ મહાત્મા પુરુષ દેહભાવથી પર થયેલા હોવાથી એ દરમ્યાન એકદમ શાંત રહ્યા. આંખો બંધ રાખીને એ સમાધિ દશામાં લીન બની ગયા. દેહભાવથી પર જઈને દેહની અસરોથી ઉપરવટ જઈ આત્મભાવમાં આસીન થવાનો એ પ્રસંગ યાદ કરીને સ્વામી સુંદરાનંદજી આજે પણ ગદ્ ગદ્ બની જાય છે.

હિમાલયની ભૂમિમાં છેલ્લાં પચાસ વરસોના ગાળામાં ત્રણ ખ્યાતનામ મહાપુરુષો થઈ ગયા. એક તો ઋષિકેશના સુપ્રસિદ્ધ સ્વામી શિવાનંદજી, બીજા ઉત્તરકાશીના સ્વામી તપોવનજી ને ત્રીજા ગંગોત્રીના મહાત્મા કૃષ્ણાશ્રમજી.

ત્રણે દક્ષિણ ભારતમાં જન્મેલા અને આત્મોન્નતિ માટે હિમાલયમાં આવેલા. એમાંથી કૃષ્ણાશ્રમજી એકદમ વિલક્ષણ નીકળ્યા. એમનું મન ગંગોત્રીના ઠંડા પ્રદેશમાં લાગી ગયું અને એ ત્યાં રહીને યોગની સાધના કરવા માંડ્યા. પહેલાં એ દંડી સંન્યાસી હતા. પરંતુ પાછળથી દંડ તથા વસ્ત્રોનો ત્યાગ કરીને દિગંબર રૂપે રહેવા માંડ્યા.

ઠંડા પવનની લહરી જ્યાં ચામડીને ચીરી નાખે છે ને જ્યાં સામાન્ય માણસને માટે લાંબુ રહેવાનું મુશ્કેલ છે, એવા ગંગોત્રીના તપઃપૂત પ્રદેશમાં શરીરની બાહ્ય ક્રાંતિ કરીને અને એમાં સર્વસ્વ માનીને એ બેસી ન રહ્યા, પણ મન તેમજ અંદરની અગત્યની ક્રાંતિને સુધારવા મૌનધારણ કરીને સાધનામાં લાગી ગયા. ‘નર કરણી કરે તો નર કા નારાયણ હોય’ એ ઉક્તિ અનુસાર તે નરમાંથી નારાયણ બનવા તલપાપડ થયા. દ્રઢ સંકલ્પ, ઉત્સાહ, ત્યાગ તથા નિરંતર પુરુષાર્થના પરિણામે થોડા વખતમાં તો એમને ઉત્તમ અવસ્થાની પ્રાપ્તિ થઈ. એમને શાંતિ મળી.

પંડિત મદનમોહન માલવીયાજી એમને ઘણો આગ્રહ કરી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વરસો પહેલાં લઈ આવેલા. એથી બહારની દુનિયાને એમની મોટા પ્રમાણમાં જાણ થઈ.

મોદીનગરવાળા ગુજરલાલ મોદી એમને ચારેક વરસ પહેલાં મોદીનગરમાં મંદિરના ઉદઘાટન પ્રસંગે લાવેલા. કૃષ્ણાશ્રમજી કહે છે, ‘મોદી યહાં આકે અનશન કરને કો તૈયાર હુઆ થા ઈસલિયે મૈને ઉનકે સાથ જાને કી બાત માન લી.’

શિયાળામાં એ ઉત્તરકાશીમાં અથવા ગંગોત્રીની બાજુમાં ધરાલી પાસે આવીને વાસ કરે છે.

કૃષ્ણાશ્રમજી વરસો સુધી ગંગોત્રીમાં એકલા જ રહ્યા, પરંતુ એક દિવસ એમની પાસે એક સ્ત્રી આવી પહોંચી. એના રૂપમાં એમનું શેષ રહેલું પ્રારબ્ધ આવ્યું અથવા ઈશ્વરની ઈચ્છા આવી એમ કહીએ તો ચાલે. એ સ્ત્રી ગંગોત્રીની બાજુના એક ગામની એક પરણેલી સ્ત્રી હતી. ઘરમાં ક્લેશ હોવાથી એ ગંગામાં પડવા નીકળી પડેલી, પરંતુ ભાગ્ય તેને ગંગોત્રી ખેંચી લાવ્યું.

એણે કૃષ્ણાશ્રમજીને આશ્રય આપવા પ્રાર્થના કરી. મહાત્મા પુરુષે કરુણાથી પ્રેરાઈને એને પોતાની પાસે રહેવાની રજા આપી અને બાજુમાં એક જુદી કુટિર કરી આપી.

ત્યારથી એ સ્ત્રી એમની સેવામાં રહે છે. એનું નામ એમણે ભગવત સ્વરૂપ પાડ્યું  છે. ભગવત સ્વરૂપ ભારે વિવેકી ને સેવાભાવી છે. એને સંસ્કૃતનું સારું જ્ઞાન થયું છે. દર્શનાર્થીઓને આવકારવાનું કામ એ જ કરે છે. ભગવા વસ્ત્રધારી એ ભગવત સ્વરૂપનો વિકાસ થયો છે.

કૃષ્ણાશ્રમજી અગ્નિને ઉધઈ ન લાગે તેમ એના એ જ રહ્યા છે. કેટલાક સંકુચિત ને દ્વેષી સાધુઓએ એ ઘટના પછી એમની વિરુદ્ધ પ્રચાર કરવાનું અને એમની નિંદા કરવાનું ચાલુ કર્યું પણ એમના પર એની ખરાબ અસર ન થઈ. એ તો પોતાને ત્યાં આવતા સાધુઓનો સત્કાર તથા સાધુઓની સેવા કરતા જ રહ્યા.

કૃષ્ણાશ્રમજી આટલા મહાન હોવા છતાંય એમનો કોઈ મઠ નથી, તથા એમની સાથે નાનું કે મોટું સિદ્ધ મંડળ નથી. ભારતીય પ્રાચીન પરંપરાના પ્રતિનિધિ જેવા એ સમર્થ સંત શિશુ જેવી શુચિતા અને સરળતાથી જીવી રહ્યા છે. પ્રાચીન પરંપરાના અથવા જૂની પેઢીના મહાન સંતો એક પછી એક વિદાય થતા જ જાય છે. દેહાધ્યાસ અથવા દેહબંધનથી મુક્તિ મેળવીને આત્માની અનેરી દુનિયામાં શ્વાસ લેતા કૃષ્ણાશ્રમજી આપણી વચ્ચે છે ત્યાં સુધી એમના દર્શનનો લાભ લઈશું તો એ આપણે માટે આશીર્વાદરૂપ થશે. કૃષ્ણાશ્રમજી ભારતની વિરલ અસાધારણ સંતવિભૂતિઓમાંના એક છે. હિમાલયમાં મહાન સંતપુરુષોને મળવા માગનારા પ્રવાસીઓને એમનું દર્શન અવશ્ય કરવા જેવું છે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

When I admire the wonders of a sunset or the beauty of the moon, my soul expands in the worship of the creator.
- Mahatma Gandhi

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok