Thursday, August 13, 2020

ઈશ્વરની કૃપાનું દર્શન

‘પર્વતોની રાણી’ના રોચક નામે ઓળખાતી મસુરી નગરીના લાંબા યા ટૂંકા પ્રવાસે જે આવ્યા હશે તેમણે ત્યાં આવેલી ચિત્રશાળાનું દર્શન જરૂર કર્યું હશે. એ ચિત્રશાળાના આચાર્ય શ્રી રૂપકિશોર કપુરે તૈયાર કરેલાં દેશનેતાઓનાં, દેવીદેવતાઓનાં ને વિવિધ પ્રસંગો તથા પ્રકૃતિનાં અસંખ્ય નાનામોટાં ચિત્રોની કલાત્મકતા જોઈ કેટલાય રસજ્ઞોએ રસ માણ્યો હશે અને સંવેદના અનુભવી હશે. એ સુંદર ચિત્રશાળાને મસુરીની જ નહીં, પરંતુ આખા દેશની મહામૂલી સાંસ્કૃતિક મૂડી કહેવામાં જરાય અતિશયોક્તિ નથી થતી.

ગુરૂજીના સારવાહી મીઠા નામથી ઓળખાતા શ્રી રૂપકિશોર કપુરની એ સુંદર ચિત્રશાળાના આખા મકાનને ગયા એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં એક રાતે એકાએક આગ લાગી.

એ મકાનમાં ચિત્રશાળા ઉપરાંત બીજી ચાર જુદી જુદી દુકાનો પણ હતી. રાતે એમાં રહેનારા માણસો કામકાજથી પરવારી સુવા ગયા. ગુરૂજી પણ સુવા ગયા. એ જ વખતે મકાનને ઉપલે માળે ફાટી નીકળેલી આગ પવનની મદદથી ચારે તરફ જોરથી ફેલાવા લાગી.

ગુરૂજીને કોઈએ બૂમો પાડીને જગાડ્યા અને ભડકે બળતી આગથી માહિતગાર કર્યા. ગુરૂજી બીજા પડોશીઓની પેઠે જાગ્યા ને બહાર નીકળ્યા. આગ તો એટલી બધી ઝડપથી ફેલાતી જતી’તી કે મકાનમાંથી કોઈ વસ્તુને કાઢવાનું અશક્ય હતું.

આગ એક બાજુએ નહિ પરંતુ ચારે તરફ લાગેલી ને પ્રમત્તની પેઠે સાનભાન ભૂલી વધવા માંડેલી. થોડોક વધારે વખત થયો હોત તો ગુરૂજી પોતે પણ ના બચત. લથડિયું ખાતા ગુરૂજી મકાન સામેના વૃક્ષ પાસે બેસી ગયા. સર્વભક્ષી અગ્નિએ પોતાની અનંત જ્વાળાઓથી થોડા જ વખતમાં આખાય મકાનને ભસ્મીભૂત કરી દીધું. પ્રસંગ અત્યંત ભયંકર ને કરુણ હતો.

એની માહિતી મળવાથી મસુરીના ઘણા લોકો ત્યાં એકઠા થઈ ગયા. તેઓ ગુરૂજીને આશ્વાસન આપવા લાગ્યા, તો એમણે કહ્યું, ‘મને તો ઈશ્વરની આવી લીલાનું દર્શન કરવામાં આનંદ આવે છે.’

એ લોકો સમજ્યા-ગુરૂજી પાગલ થઈ ગયા લાગે છે ! મસુરીમાં આગ ઓલવવાનાં પુરતાં સાધનોનો અભાવ હતો. વળી આગ હતી પણ ખૂબ ભયંકર, એટલે દોઢથી બે કલાકમાં તો આખું મકાન સ્વાહા થઈ ગયું.

એક પંજાબી કુટુંબ ગુરૂજીને પોતાને ત્યાં લઈ ગયું. બીજે દિવસે એ દહેરાદૂન ગયા. એમનું મન હવે મસુરી પરથી ઊઠી ગયું. પરંતુ ઈશ્વરની યોજના જુદી હતી.

દહેરાદુનમાં આખી રાત એમને ઊંઘ જ ન આવતાં બીજે દિવસે એ પાછા મસુરી આવ્યા. ત્યાં એમને રહેવા માટે બીજું નાનું મકાન મળી ગયું.

એમની ચિત્રશાળાના વિનાશના સમાચાર સાંભળી એમના અસંખ્ય પ્રેમી, પ્રશંસકો તથા શુભેચ્છકોએ દુઃખ પ્રકટ કર્યું અને એમની પ્રત્યે સહાનુભૂતિ બતાવી. પ્રસંગ અતિશય દુઃખદાયી હોવા છતાં આશ્ચર્યની વાત તો એ હતી કે ગુરૂજીનું મન સંપુર્ણ સ્વસ્થ હતું.

એમણે બધાંને કહ્યું, ‘આગની ઘટનાનું મને લેશ પણ દુઃખ નથી. પણ એમાં ઈશ્વરની કૃપાનું જ દર્શન થઈ રહ્યું છે. છેલ્લા કેટલાય વખતથી મને ચિત્રશાળાના ભવિષ્યની ચિંતા થતી કે ઈશ્વર એનો કોઈક ઉકેલ લાવે તો સારું. એ આવો અજબ ઉકેલ લાવશે તેની મને કલ્પના પણ નહીં. પરંતુ હવે ઉકેલ આવ્યો જ છે તો મારે એની સામે કશો બડબડાટ કરવાનો ન હોય, એને માથે ચડાવવાનો હોય. સર્જન અને વિસર્જન તો સૃષ્ટિનો ક્રમ છે. ચિત્રશાળાને છોડીને મારે જવાનું જ હતું. તેને બદલે ચિત્રશાળા મને છોડી ગઈ, એ મારે માટે સારું જ થયું છે. મારી રહીસહી મમતા પણ દૂર થઈ. ઈશ્વર આપણા જીવનમાં કેવી રીતે ને કયે વખતે કલ્યાણકારક થાય છે તેની ખબર આપણને નથી પડતી. મારા જીવનમાં અત્યાર પહેલાં કદી પણ નહોતી મળી એવી ઊંડી ને સાચી શાંતિનો અનુભવ હું કરી રહ્યો છું. ઈશ્વરે મને મારી પ્રિય વસ્તુથી વંચિત કરીને અત્યંત અમુલખ વસ્તુ પૂરી પાડી છે. જીવનમાં મેં જે સંતોનો અનુભવ કર્યો છે તેના ફળરૂપે મને આવો વિવેક આવી મળ્યો છે.’

ખરેખર એમનો એ વિવેક પ્રશસ્ય હતો. મહાન સંતો પણ વસ્તુના વિયોગથી દુઃખી થઈ જાય છે ને મનની સ્થિરતાને ખોઈ બેસે છે ત્યારે ગુરૂજીની દૃષ્ટિ ને વૃત્તિ સાચે જ અભિનંદનીય હતી. સમજુ માણસ પણ સમય પર શોક કરવા બેસે છે ત્યારે ગુરૂજી તદ્દન સ્વસ્થ હતા એ ઈશ્વરની કૃપા જ નહિ તો બીજું શું ? સર્જનની પેઠે સર્વનાશમાં પણ એ ઈશ્વરની કૃપાનું જ દર્શન કરી રહેલા. એવી દૃષ્ટિ સહુમાં આવી જાય તો જીવનના કેટલાં બધાં દુઃખ ઓછાં થઈ જાય !

મસુરીમાં આજે ચિત્રશાળા તો નથી-પરંતુ એના જનક, જીવનનાં સાચા કલાકાર-ગુરૂજી છે અને એમનો સમાગમ કરવા જેવો છે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

From the solemn gloom of the temple, children run out to sit in the dust, God watches them play and forgets the priest.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok