if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શીખ ધર્મના મહાન સંસ્થાપક ગુરુ નાનકદેવ.

એમના જીવનની વાત છે.

એમના અંતરમાં ઘણી નાની ઉંમરમાં આત્મજ્ઞાનનો પ્રકાશ થયો. એ નદીમાં સ્નાન કરવા ગયેલા ત્યાં એમને એક સંત પુરુષનો મેળાપ થયો. એમના અનુગ્રહથી એમને પરમાત્માનું જ્ઞાન થયું અને એ બોલ્યા કે પરમાત્મા સત્ય છે, એક છે, નિર્ભય છે, નિર્વેર, સ્વયંભૂ, અજન્મા તેમ જ કલ્પનાતીત છે. એ સૃષ્ટિની શરૂઆતમાં હતા, આજે છે, અને હવે પછી પણ રહેવાના છે. એના દરબારમાં બધા સરખા છે. એને ત્યાં હિંદુ કે મુસલમાનના ભેદ નથી.

એ વખતે નાનકદેવ સુલતાનપુરમાં રહેતા. ત્યાંના કાજીને એમનો એ ઉપદેશ પસંદ ના પડ્યો. ખાસ કરીને હિંદુ-મુસલમાનમાં ભેદ ના હોવાની વાત એને જરા પણ ના ગમી.

એણે ત્યાંના નવાબના કાન ભંભેરવાથી નવાબે નાનકને દરબારમાં બોલાવીને એમના શબ્દોનું સ્પષ્ટીકરણ માંગ્યું.

એ દિવસે શુક્રવાર હતો ને નમાજનો વખત પણ થવા આવેલો એટલે નવાબે કહ્યું, 'નાનક, તું ઈશ્વરને તથા હિંદુ અને મુસલમાનને એક જ માનતો હોય તો મારી સાથે મસ્જીદમાં આવીને નમાજ પઢ.'

નાનક મસ્જીદમાં જવા સંમત થયા.

મસ્જીદમાં પ્રવેશીને કાજી તથા નવાબે નમાજ પઢવાનું શરૂ કર્યું, પણ નાનકદેવ નમાજ પઢવાને બદલે એક બાજુ ઊભા રહ્યા.

નવાબને આ ન ગમ્યું. એણે નાનકને નમાજ ના પઢવાનું કારણ પૂછ્યું.

કાજી પણ નાનકનું વર્તન જોઈને ક્રોધે ભરાયો. એણે કહ્યું કે નાનકનો એકતાનો ઉપદેશ તદ્દન ખોટો છે, માટે જ એમણે નમાજ પઢવાને બદલે ઊભા રહેવાનું જ ઉચિત માન્યું. એને માટે એને કઠોર શિક્ષા કરાવી જોઈએ.

એ સાંભળીને નાનક બોલ્યા, 'જે સાચા દિલથી મન લગાડીને ખુદાની સ્મૃતિ કે પ્રાર્થના કરે છે તે હિંદુ હોય કે મુસલમાન તો પણ હું તેને સાથ આપું છું પરંતુ જેનું મન ઠેકાણે નથી હોતું ને જે કેવળ બહારનો જ દેખાવ કે દંભ કરે છે તેને હું સાથ નથી આપી શકતો.'

'તો શું અમારું મન ઠેકાણે ન હતું ને અમે નમાજ પઢવાને બદલે દંભ જ કરતા હતા ?' કાજીએ ક્રોધથી પૂછ્યું.

'એ તો તમારે નક્કી કરવાનું છે.' નાનકદેવે શાંતિપૂર્વક કહેવા માંડ્યું, 'હું તો એટલું જ કહી શકું કે નવાબ સાહેબ આમ તો મસ્તક નમાવીને નમાજ પઢવાનો દેખાવ કરી ગયા. પરંતુ એમનું મન અહીંથી કેટલાય ગાઉ દૂર કંદહારમાં ઘોડા ખરીદવાના વિચારમાં ફર્યા કરતું'તું, અને કાજી સાહેબ, તમારી દશા પણ નમાજ પઢતી વખતે કેવી હતી તે કહી બતાવું ? તમે તો જાણો જ છો છતાં સાંભળવું હોય તો કહું. તમારું મન ખુદામાં ન હતું પણ તમારી પરમ દિવસે વિયાયેલી ઘોડીના જ વિચારમાં હતું. તમને એ જ ચિંતા થયા કરતી કે ઘોડીનું તાજું જન્મેલું બચ્ચું કૂવામાં તો નહિ પડી જાય ! હવે તમે જ કહો કે તમારા જેવા કેવળ બાહ્ય દેખાવ કરનારા સાથે હું નમાજ કેવી રીતે પઢું ? એટલે જ હું તમારો મિથ્યા અભિનય જોતો ને હસતો એક તરફ ઊભો રહ્યો.

નાનકની વાત સો ટકા સાચી હતી. એમના દિવ્ય અસાધારણ અંતર્જ્ઞાનનો એ ચમત્કારિક પરિચય પ્રાપ્ત કરીને નવાબ એકદમ નમ્ર બની ગયો. એને નાનકને માટે સદ્દભાવ થયો. પરંતુ કાજી એમ જલદી માને તેવો ન હતો. એટલે એણે નાનકદેવને જુદા જુદા પ્રશ્નો પૂછ્યા.

'સાધુતાનું પહેલું પગથિયું કયું કહેવાય ?'

'અહંકારનો નાશ.' નાનકે ઉત્તર આપ્યો.

'અને છેલ્લું પગથિયું ?'

'અનંત ઈશ્વરમય જીવનનો અનુભવ.'

'એની કૂંચી ?'

'નમ્રતા તેમ જ મનનો સંયમ.'

'અને સાધુતાનો પોશાક કયો ? તથા તેનું તેજ કયું ?'

'શાંત ધ્યાન તેનું તેજ છે ને સત્ય તથા સહનશીલતા તેનો પોશાક છે.'

'ત્યારે તું મૂંડન કરાવીને ફકીરનાં વસ્ત્રો કેમ નથી પહેરતો ?'

'એવા બહારના મૂંડનથી શું વળે ? મન મૂંડાવું જોઈએ. એનો અહંકાર દંભ, રાગ ને દ્વેષ જવા જોઈએ. જીવન સત નામ ગુરુ કે ઈશ્વરને અર્પણ કરાવું જોઈએ. મનમાં વિષય-તૃષ્ણા હોય તો બહારની કફની કે વેશભૂષાથી શું વળે ? વસ્ત્રો તો વૈરાગ્યમાં આગળ વધવાની પ્રતિજ્ઞાના પ્રતીક છે.'

'આસક્તિનો અંત કેવી રીતે આવે ?'

'ઈશ્વરની ભક્તિની જાગૃતિ અને અભિવૃદ્ધિ થવાથી. એ ઉપરાંત સંસારની વિનાશશીલતાનો વારંવાર વિચાર કરવાથી.'

નાનકના શબ્દો સાંભળીને કાજીનું અભિમાન દૂર થયું. એ પણ એમનો ભક્ત બન્યો.

કાજીએ કબૂલ કર્યું કે નમાજ પઢતી વખતે પોતાનું મન ઘોડીમાં જ રમી રહેલું.

આપણે પણ એવી જ રીતે જપ, ધ્યાન, સ્વાધ્યાય કે પ્રાર્થના કરીએ છીએ, પણ એકાગ્રતાપૂર્વક ભાગ્યે જ કરીએ છીએ. આપણું મન એ વખતે ઈશ્વરમાં નથી હોતું એટલે આપણને જેવો મળવો જોઈએ તેવો ને તેટલો લાભ નથી મળતો. પેલા નવાબ તથા કાજીની જેમ ધ્યાનાદિમાં આપણું મન મોટે ભાગે દુન્યવી વિષયોમાં જ ભમ્યા કરે છે. ઈશ્વરની ભક્તિભાવના વધારીને જપ, ધ્યાન કે પ્રાર્થના કરતાં મનને એમાં લીન કરી દઈએ ત્યારે જ આરાધનાનો સાચો આનંદ મળી શકે. એવી તલ્લીનતા અથવા તલ્લીનતાની લગની વિનાની આરાધના ક્ષુલ્લક અને ઉપરચોટિયા જ થઈ પડે એ હકીકત સમજી જઈએ તે જરૂરી છે. નાનકના શબ્દો એ જ સંદેશો પૂરો પાડે છે.

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.