Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દીપક પ્રશાંતિ પામ્યો રેલી પ્રકાશરેખા,
રેખા નથી નિરર્થક એણે બધે પ્રસારી,
એનું પ્રકાશવાનું ક્યારેય ના નિરર્થક,
સાર્થક પ્રકાશ એનો હો અલ્પ તોય સાર્થક.

ઉદ્યાનમાં ઉગીને સુમને સુવાસ રેલી,
કોઇય મંદિરે ના એને જગા મળેલી,
એનું ન ખીલવાનું તોયે કદી નિરર્થક,
ઉદ્યાનને ઉજાળ્યું એની સુવાસ સાર્થક.

જે સ્ત્રોતના સલિલમાં કોઇય ના નહાયું,
કોઇય માનવે ના જેને કદા નિહાળ્યું,
એનું વહન અનોખું સ્વપ્ને નથી નિરર્થક,
પંખીને પ્રાણ આપ્યો કિલ્લોલ શાંતિ સાર્થક.

જે આરતી ઉતારે તે માળ જ્યોતકેરી
ને ના ઉતારનારી દૂરસ્થ જ્યોત પેલી,
આ ધૂપ બે જ ક્ષણમાં આરાધનાર એની
મીઠી સુગંધનીયે પૂજા સદાય સાર્થક.

જે ગાય સ્તોત્ર બોલે દેખે પ્રસન્નતાથી
ના ગાય મૌન સેવે બેસીને બંધ આંખે
ડૂબે તમારા ધ્યાને, માળા ભલે ન અર્પે,
હૈયે પ્રસૂન ધારે, એનોય સ્નેહ સાર્થક.

રેલેલ રશ્મિ રવિએ જોવાંય ના છતાંયે
કોદી નથી નિરર્થક એનો પ્રવાસ સાર્થક.
સંગીતના સ્વરોની અજ્ઞાત તોય સૃષ્ટિ
સ્વપ્ને નથી નિરર્થક વરસંત દિવ્ય વૃષ્ટિ.

આવાગમન ધરિત્રી પર મેધબિંદુકેરુ
કોદી નથી નિરર્થક; સાર્થક સદાય સાર્થક.

 - શ્રી યોગેશ્વરજી