Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

અમે તમને વળાવીને સ્મશાનેથી ગૃહે આવ્યાં
હતું જાણે કશું ના સાથમાં સંસ્મરણને લાવ્યાં.

ગયેલાં તમારી સાથે મૂકીને હાથને માથે,
નવલ કપડાં પહેરાવી કરી કીર્તન બધી વાટે;
તમારી રક્ષવા કાયા મથ્યાં પણ ના અમે ફાવ્યાં,
ગમ્યું કે ના ગમ્યું સ્મૃતિનાં છતાં અવશેષને લાવ્યાં.

વખત વીતી ગયો વેગે સ્વપનશો મિલનનો મંગલ,
વિયોગતણો વખત વીતે તમોને કરીને વંદન.
જગતમાં કશું ના સ્થાયી કરીએ કેમ તો ક્રંદન,
વિખૂટાં જે પડે એનેય અંતરના અભિનંદન.

હજી પણ દ્રશ્ય એ તાજાં, સ્મરણ ના લુપ્ત લેશ થયાં,
અમોને એમ લાગે કે સફરમાં સદા કાજ ગયાં.
ચિતા એ, અગ્નિની જ્વાળા, અને એ ભસ્મમય કાયા,

અમે તમને વળાવીને સ્મશાનેથી ગૃહે આવ્યાં.
અમે અમને વળાવીને સ્મશાનેથી ગૃહે આવ્યાં.

 - શ્રી યોગેશ્વરજી