કૈલાસ માનસરોવર - ૩

તિબેટના રિવાજો : તિબેટમાં લામાઓની સંખ્યા ઘણી છે. જોકે ચીનના મોટા ભાગના લામાઓ તો ભારતમાં આવી ગયાં છે. પ્રત્યેક કુટુંબમાંથી એકથી વધારે ભાઈ સાધુ બનતા, ને તે ‘લામા’ કહેવાતા. એમને રહેવાના મઠો પણ ઘણા હતા, જ્યાં એમને તાલીમ મળતી. મોટા ભાગના લામાઓ મંત્ર-જપ તથા જાદુવિદ્યામાં વધારે રસ લેતા. તિબેટના પલટાયેલા રાજકારણે એમના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.

તિબેટમાં કેટલાંક અવનવા રિવાજો છે. એક રિવાજ એવો પણ છે કે, ત્યાંના લોકો લાકડાના પાત્રમાં દૂધ વગરની, મીઠાવાળી ચા પીએ છે. આપણને ચા પાય ત્યારે જો આપણે તે પાત્ર ખાલી કરી દઈએ તો તેમાં ફરીવાર ચા રેડે છે. એવી રીતે જ્યાં સુધી આપણે તે પાત્રને ખાલી કરતા જઈએ ત્યાં સુધી તે તેને ચાથી ભર્યા જ કરે છે. એવું થાય છે ત્યારે આપણી મુંઝવણનો પાર નથી રહેતો. એ પરિસ્થિતિમાંથી કેવી રીતે રસ્તો કાઢવો એ આપણને નથી સમજાતું. ત્યાંની પ્રથા એવી છે કે, ચા પીધા પછી પાત્રમાં જો થોડીક ચા રાખી મૂકવામાં આવે તો જ પીનારને પૂરો સંતોષ થયો છે અને તેને હવે વધારે ચાની જરૂર નથી એવું સમજવામાં આવે છે. એટલે ચા પીનારે એ હકીકત યાદ રાખીને, ચાની જરૂર ના હોય ત્યારે પાત્રમાં થોડીક ચા છોડી દેવી પડે છે. નહિ તો, એમની ભાષા આપણે ના સમજીએ અને આપણી ભાષા એ ના સમજે, એટલે એક પ્રકારનો મીઠો ગજગ્રાહ શરૂ થાય છે.

માનસરોવરનું દર્શન : હિમાલયને પાર કરીને તિબેટના પ્રદેશમાં માઈલોની મુસીબતભરી મુસાફરી કર્યા પછી યાત્રીને માનસરોવરનું દર્શન થાય છે, ત્યારે અનેરો આનંદ થાય છે. માનસરોવર અને રાક્ષસતાલ બંને સરોવરો પાસપાસે છે. બંને સરોવરો પર્વતોથી ઘેરાયેલાં છે. બંનેની વચ્ચેનો પર્વતીય પ્રદેશ એ બંનેને જુદાં પાડે છે. રાક્ષસતાલનો વિસ્તાર વધારે છે. એના વિશે કહેવાય છે કે, રાક્ષસરાજ રાવણે ત્યાં કરેલી શંકર ભગવાનની તપશ્ચર્યાને લીધે એનું નામ રાક્ષસતાલ પડ્યું છે. એવા ઠંડા સ્થાનમાં લાંબા સમય સુધી રહીને તપશ્ચર્યા કરવા માટે કેટલું મજબૂત મનોબળ ને સુદૃઢ શરીરબળ જોઈએ તે સહેજે સમજી શકાય તેમ છે. માનસરોવર અત્યંત સ્વચ્છ અને ગોળાકાર છે. તેમાં હંસપક્ષી રહે છે. એ રાજહંસ તથા સામાન્ય હંસ એમ બંને પ્રકારના જોવા મળે છે. સામાન્ય હંસ બદામી રંગના તથા થોડાક આછા સફેદ રંગના હોય છે. તેઓ અત્યંત ઊંચે ઊડી શકે છે.

માનસરોવરમાં કમળ તો નથી જ થતાં, બલકે મોતી પણ થાય છે કે કેમ એ પણ શંકાસ્પદ છે. એને શોધી કાઢવાનું કામ સંશોધકોનું છે. સામાન્ય યાત્રીઓ તો ઉપરઉપરથી જોઈને જ નિર્ણય બાંધવાના અથવા અભિપ્રાય આપવાના. માનસરોવરમાંથી કોઈ બીજી નાનીમોટી નદી નથી નીકળતી. કેટલાક વિદ્વાન સંશોધકોનું કહેવું છે કે, સરયૂ ને બ્રહ્મપુત્રા જેવી કેટલીક નદીઓ એમાંથી જ નીકળે છે. તે ઉપરઉપરથી જોતાં તો નીકળતી નથી દેખાતી, પરંતુ માનસરોવરનું પાણી જમીનની ભીતરમાં જ માઈલો સુધી વહીને છેવટે એ નદીના રૂપમાં પરિવર્તન પામે છે, એ ખરું છે. માનસરોવરના શીતળ જળમાં ભાવિકો સ્નાન કરે છે. ત્યાંની ભયંકર ઠંડીમાં કોઈ વૃક્ષ, ફૂલ કે છોડ થવાનો સંભવ જ નથી. કિનારા પર રંગબેરંગી પથ્થર દેખાય છે. કોઈ કોઈ યાત્રી તથા યોગીઓએ, એના પટ પરનાં અદૃશ્ય અલૌકિક આશ્રયસ્થાનોમાંથી વેદના ધ્વનિ સંભળાયાનું કે એવા જ કોઈ બીજા ગેબી અવાજો કાને અથડાયાનું રોચક વર્ણન કરેલું છે. ખરું જોતાં તો, આ આખોય પ્રદેશ અલૌકિક હોવાથી એમાં અનેક જાતના અવનવા અનુભવો થવાનું અશક્ય નથી જ. બાકી, કોને કેવી જાતના અનુભવો કેટલા પ્રમાણમાં થયા તે અલગ પ્રશ્ન છે.

કૈલાસ દર્શન : માનસરોવરથી કૈલાસ લગભગ ર0 માઈલ દૂર છે, પરંતુ એનું દર્શન માનસરોવર પહોંચ્યા પહેલાં જ યાત્રામાર્ગ દરમિયાન થઈ જાય છે. કુંગરીબિંગરીના પર્વત પરથી, જો આકાશ સ્વચ્છ હોય તો, એનું દર્શન સહેલાઈથી થઈ જાય છે. કૈલાસની ઝાંખી કરતાંવેંત આપણું અંતર ભગવાન શંકર પ્રત્યેના પ્રેમભાવથી પ્રેરાઈને બોલી ઊઠે છે :

चन्द्रोदभासितशेखरे स्मरहरे गंगाधरे शंकरे
सर्पैर्भूषितकण्ठकर्णविवरे नेत्रोत्थवैश्वानरे ।
दन्तित्वकृतसुन्दराम्बधरे त्रैलोक्यसारे हरे
मोक्षार्थ कुरु चित्तवृत्तिमखिलामन्यस्तुस किं कर्मभिः ॥

"જેમના મસ્તક પર ચંદ્ર છે, જે કામદેવનો નાશ કરનારા, ગંગાને ઝીલનારા તથા કલ્યાણકારક છે, જેમના કંઠ ને કર્ણ સર્પથી શણગારેલા છે, જેમનાં નેત્ર પ્રદીપ્ત પાવક જેવાં  છે, જેમણે હાથીનું ચામડું પહેર્યું છે, જે ત્રિલોકના સારરૂપ છે, ને જે દુઃખ તેમ જ બંધનનો નાશ કરનારા છે એવા શંકરમાં તું મોક્ષ મેળવવાની ઈચ્છાથી તારી બધી જ ચિત્તવૃત્તિને જોડી દે. બીજાં કર્મોથી શું વળવાનું છે ?"

કૈલાસ પર્વતની આકૃતિ સુંદર, વિશાળ શિવલિંગ જેવી છે. આજુબાજુ નાનાંનાનાં પર્વતશિખરો છે, ને એમની વચ્ચે કૈલાસનું શિખર આવેલું છે. એ શિખર બીજાં બધાં શિખરોથી ઊંચું છે. એ સફેદ દૂધ જેવા બરફથી ઢંકાયેલું છે. એની આજુબાજુનાં બીજાં પર્વતશિખરો કાચા પથ્થરનાં હોવાથી કાળક્રમે તૂટતાં જાય છે. કૈલાસનું શિખર જાણે કે મંદિર જેવું લાગે છે; અને એના મૂળ દેવતા ભગવાન શકંર શરીરે ભસ્મ લગાડીને કરુણામૂર્તિ બનીને જાણે કે ત્યાં ઊભા રહ્યા છે. કૈલાસની ત્રણ દિવસમાં પૂરી થનારી પરિક્રમા લગભગ 30 થી 3ર માઈલની છે. કૈલાસની ઊંચાઈ સમુદ્રસપાટીથી લગભગ ૧૯,000 ફૂટ છે.

આદિબરી : તિબેટમાંના ધુલિગમઠ સ્થાનને આદિબદરી પણ કહેવામાં આવે છે. તે સ્થાન સુંદર છે. કહે છે કે, બદરીનાથની મૂર્તિ પહેલાં ત્યાં હતી, જેને શંકરાચાર્યે ત્યાંથી લઈને બદરીનાથમાં સ્થાપેલી. ગમે તેમ પણ, તિબેટના એ પર્વતીય પ્રદેશનો પ્રવાસ ખેડીને અને કૈલાસ માનસરોવરનાં અલૌકિક સ્થળોની ઝાંખી કરીને હૃદય ગદ્દગદ્દ ને ભાવવિભોર બની જાય છે; ને જીવન જાણે કે સફળ થાય છે. માણસ જો વિવેકી હોય તો તેનું જીવન કે માનસ એકદમ ફરી જાય છે. તેનું હૃદય શંકરપરાયણ બનીને મહર્ષિ વાલ્મીકિજીના રામાયણની પેલી પ્રખ્યાત પંક્તિઓમાં બોલવા માંડે છે :

नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपम् ।
निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेङहम् ॥
निराकारमोङ्कारमूलं तूरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशम् ।
करालं महाकालकालं कृपालं गुणागारसंसारपारं नतोङहम् ॥

કૈલાસ માનસરોવરની તે લાંબી, કષ્ટયુક્ત છતાં અત્યંત આનંદદાયક યાત્રા જીવનની એક યાદગાર યાત્રા છે. એના ઉપસંહારમાં, આપણે શંકર ભગવાનની કૃપાયાચના કરતાં પ્રેમપૂર્વક પ્રાર્થીશું :

સુહાયે મસ્તકે ગંગા, વળી મધુ ચંદ્ર માણે છે,
શરીરે પુષ્પની માળા સમા સર્પે સુહાયે છે,
પરમ શોભા બની જેની, લજાયે કામ જ્યાં લાખો;
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

મહાકૈલાસના વાસી, વળી આત્મા તણા રાગી,
ભર્યા કરુણા થકી ત્યાગી છતાંયે ખૂબ વરણાગી,
ઘણાયે સિદ્ધ ને યોગીન્દ્ર જેને પૂજતાં લાખો;
નમું એવા સદાશિવને ચરણ માંહે મને રાખો.

તમે ના હોત તો ગંગા મળત ના મર્ત્ય આ જગને,
તમે ઝીલી શક્યા તેને જટામાં દિવ્યશક્તિએ,
લભી તે દિવસથી ગંગા કરે છે પુણ્યમય લાખો;
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

કરી મજ્જન અને જલપાન લોકો પુણ્ય મેળવતાં,
બને ઐશ્વર્યશાળી ને સુખી ને વૈભવી બનતાં,
બને છે દૂત યમના તેમની પાસે ખરે માખો;
નમું એવા સદાશિવને ચરણ માંહે મને રાખો.

જગતને રક્ષવા માટે હસીને નીલકંઠ થયા,
અનંગ કર્યો રતિસ્વામી, ઉમાની સાથે તોયે રહ્યા,
ચરણ એ દેવ મારા મસ્તકે મધુરા સદા રાખો;
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

અમારી જિંદગીમાં હો કૃપા એ એક આશા છે,
ઉમાશંકર તમારા દૃષ્ટિસુખની ફક્ત આશા છે,
સુણી પોકાર મારો આવજો પ્રેમે કરી પાંખો;
નમું એવા સદાશિવને ચરણ માંહે મને રાખો.

Today's Quote

Prayer : Holding in mind what you desire, but without adding desire to it.
- David R Hawkins

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.