અમરનાથ - ર

અમરનાથના યાત્રી માટે કેટલીક સૂચનાઓ યાદ રાખવા જેવી છે. અમરનાથની યાત્રા ધાર્યા કરતાં વધારે વિકટ હોવાથી, પહેલગાંવથી ઘોડા પર જવું સારું છે. ખૂબ હિંમત ને પર્વતીય પ્રવાસના અનુભવવાળાએ જ પગે ચાલીને જવું. માર્ગમાં તંબૂમાં નીચે પાથરવા માટે પહેલગાંવથી ચટાઈ લઈ લેવી. પાછાં ફરતાં સુધીનું જરૂરી સીધું પણ ત્યાંથી જ લઈ લેવું. તૈયાર નાસ્તો કે ફળ પણ લેવાં. ગરમ કામળા, હાથ-પગનાં મોજાં, કાનટોપી, છત્રી, વરસાદી કોટ, ગરમ કપડાં તથા પ્રાયમસ પણ લેવાનું ધ્યાન રાખવું. અમરનાથની યાત્રા માટે શ્રાવણ સુદ આઠમ-નોમે શ્રીનગર પહોંચી જવું જોઈએ. પહેલગાંવથી અમરનાથનો રસ્તો પૂરા ત્રણ દિવસનો છે. પ્રત્યેક ધર્મપ્રેમી, સૌન્દર્યરસિક વ્યક્તિએ અમરનાથની યાત્રા જીવનમાં એકવાર તો અવશ્ય-અવશ્ય કરવા જેવી છે.

શ્રીનગરમાં તથા એની આજુબાજુના વિસ્તારમાં બીજાં દર્શનીય સ્થાનો પણ કેટલાંક છે. શ્રીનગરમાં શંકરાચાર્ય નામે એક પર્વત છે. તેના પર મંદિર છે. ત્યાંનું શિવલિંગ શંકરાચાર્ય દ્વારા સ્થપાયેલું હોવાનું કહેવાય છે. પર્વતની ઉપર પહોંચતી વખતે જરાક વધારે કપરા ચઢાણનો સામનો કરવો પડે છે. પરંતુ ત્યાં પહોંચ્યા પછી જે આનંદનો અનુભવ થાય છે તે ખરેખર અનેરો અને અવર્ણનીય હોય છે. ત્યાંથી આજુબાજુ જોવા મળતી શ્રીનગરની શોભા જોઈને પ્રવાસનો સઘળો પરિશ્રમ લેખે લાગ્યો જણાય છે.પર્વત પરનું મંદિર ઘણું પ્રાચીન છે. શંકરાચાર્ય પર્વતની નીચે શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત શંકરમઠ છે.

કાશ્મીરમાં ક્ષીરભવાની, અનંતનાગ અને માર્તંડ મંદિર પણ જોવાલાયક છે. શ્રીનગરથી ક્ષીરભવાની મોટરમાં જઈ શકાય છે. ત્યાં દર વરસે જેઠ સુદ આઠમે મેળો ભરાય છે. અનંતનાગ શ્રીનગરથી મોટરમાર્ગે જતાં રસ્તામાં આવે છે. રસ્તામાં મટન નામે ગામ આવે છે. ત્યાં સરોવર છે. પંડાઓ તેને માર્તંડતીર્થ કહી બતાવે છે. જોકે માર્તંડતીર્થની એક બીજી જગ્યા પણ છે. મટનથી ત્રણેક માઈલ દૂર શ્રીનગર-માર્ગ પર આવતી એક નાની પર્વતમાળા પર માર્તંડ મંદિરના ભગ્નાવશેષો જોવા મળે છે.

અમરનાથ યાત્રાની ઝાંખી 

ક્રમ સ્થાન અગાઉના પડાવથી અંતર સમુદ્રસપાટીથી ઊંચાઈ(ફૂટ)
શ્રીનગર - પ,300
અનંતનાગ 3૪ માઈલ પ,ર૪0
3 પહેલગાંવ રપ માઈલ ૭,ર00
ચંદનવાડી ८ માઈલ ૯,પ00
શેષનાગ ૭ માઈલ ૧૧,૭30
વાયુજન ૧ માઈલ ૧3,000
મહાગુનસ 3 માઈલ ૧૪,૭00
પંચતરણી પ માઈલ ૧ર,000
અમરનાથ ૪ માઈલ ૧ર,ર૭૯

શ્રીનગરથી અમરનાથનો માર્ગ : ८૭ માઈલ

પહેલગાંવથી અમરનાથનો માર્ગ : ર८ માઈલ

કાશ્મીરનાં અન્ય દર્શનીય સ્થળો

કાશ્મીર પુરાણકાળમાં વિદ્યા અને સંસ્કૃતિનું ધામ હતું. હજારો વર્ષ પૂર્વે આર્યોએ કાશ્મીર અને તેની આસપાસની ગિરિકંદરાઓને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. તે સમયે દુનિયાના દૂરદૂરના ખૂણામાંથી લોકો એ પાવન શાંત પ્રદેશમાં શાંતિ અને પ્રકાશની ઈચ્છાથી આવતા હતા. પ્રખ્યાત ડૉ. આર્થર નીવેએ કહ્યું છે કે, ‘ભારત પાસે, તેની પુરાતન સંસ્કૃતિના સૂચક એવા કાશ્મીરના ભવ્ય અવશેષો સિવાય વધુ યોગ્ય પુરાવાઓ અન્ય કોઈ નથી.’

અવંતીપુરનાં મંદિરો : જમ્મુ-બનીહાલ માર્ગે શ્રીનગર તરફ આગળ ધપીએ તો એક ટેકરી ઉપર પ્રાચીન અવશેષોના વિનાશનાં ચિહ્નો નજરે પડે છે. અવંતીપુરનાં પ્રાચીન મંદિરોના આ અવશેષો છે. આ સ્થળ શ્રીનગરથી ૧८ માઈલ દૂર, જેલમ નદીના કિનારે આવેલું છે. આ સ્થળનું મૂળ નામ વિશ્વઐક્ય-સાર હતું. ઈ.સ. ८८3-८પપ દરમિયાન થયેલા રાજા અવંતીવર્માએ અહીં એક શહેર વસાવ્યું હતું અને તેણે ત્યાં બે ભવ્ય મંદિરો પણ બાંધ્યા હતાં. તેમાંનું એક તેના રાજ્યારોહણ પહેલાં, ને બીજું તે પછી બાંધ્યું હતું. પહેલાનું નામ અવંતીસ્વામી-વિષ્ણુસમર્પિત હતું.

આ બંને મંદિરો, જેમાંનું એક અવંતીપુરમાં અને બીજું જોબરાથી વાયવ્યમાં આવેલું હતું તે આજે પણ સૌનું ધ્યાન દોરે છે. જો કે મંદિરો તો ભાંગીને ભુક્કા થયેલ છે, છતાં આ બંને મંદિરોના ભવ્ય પ્રવેશદ્વારો, વિનાશથી ખડકાયેલી ઈમારતો વચ્ચે હજુ પણ ડોકિયાં કરે છે. કાશ્મીરનાં અન્ય પ્રાચીન મંદિરોની જેમ આ મંદિરો પણ પોતાની ભવ્યતાનો ખ્યાલ આપે છે. તાજેતરમાં ખોદકામ કરતાં હાથ લાગેલું એક નાનું મંદિર શિલ્પકળાના ઉત્તમ નમૂનાની યાદ આપે છે.

 માર્તંડ મંદિર: માર્તંડનું સુવિખ્યાત મંદિર અનંતનાગથી ૪ માઈલ દૂર અને શ્રીનગરથી 3૯ માઈલ દૂર પહેલગાંવ જતા માર્ગે આવેલું છે. આ મંદિરનાં ખંડિયેરો કાશ્મીરમાં સૌથી મોટાં છે. ‘કાશ્મીરની શિલ્પકળાનો સિંહ’નું બિરુદ માર્તંડ મંદિરને મળેલું છે તેમાં કાંઈ નવાઈ નથી.

આ મંદિર પ્રાચીન કાશ્મીરનું સ્મારક છે. તેની નક્કર દીવાલો અને મજબૂત બાંધણી તેની ભવ્યતાનો ખ્યાલ આપે છે. તે કઈ સાલમાં બંધાયું તે ચોક્કસ રીતે કહી શકાતું નથી. સૂર્ય ભગવાનને સમર્પિત થયેલ આ મંદિર ઈ.સ. પ00 થી 3૭0 ના અરસામાં બંધાયાનું કહેવાય છે. આ મંદિર ખગોળવિદ્યાને લગતાં સાધનોવાળી વિશાળ પ્રયોગશાળા ધરાવતું હતું એમ પણ કહેવાય છે.

પટ્ટણ : બારામુલ્લા માર્ગે શ્રીનગરથી ૧૭ માઈલ દૂર શંકરવર્મા અને તેની પ્રિયતમા સુગંધાએ (ઈ.સ. પૂ. ૯0૧-८८3) બંધાવેલાં પથ્થરનાં બે મંદિરોનાં ખંડિયેરો જોવા મળે છે. ‘રાજતરંગિણી’માં જણાવ્યા મુજબ, આ મંદિરો ગૌરીશા અને સુગંધેશ્વર નામે પ્રચલિત હતાં અને તે મહાદેવને અર્પણ કરાયેલાં. તેમની શિલ્પકળા માર્તંડ મંદિર જેવી જ છે, પરંતુ તેના જેટલી વિસ્તૃત નહીં.

પન્દરેન્થનનું મંદિર શ્રીનગરથી ચારેક માઈલ દૂર આવેલું છે. આ સ્થળે મહારાજા અશોકે પુરાણું શ્રીનગર બાંધ્યું હોવાનું મનાય છે. પન્દરેન્થનનું આધુનિક નામ સંસ્કૃતમાં કહેવાતા પુરાણાવિસ્થાન (એટલે કે પુરાણું પાટનગર) પરથી ઊતરી આવેલ છે. પાછળથી એ રાજધાની રાજા પર્વસેને હાલના સ્થળે ફેરવી હતી.

પથ્થરમાંથી કોતરી કાઢેલ ને સંભાળપૂર્વક રખાયેલ આ મંદિર તળાવની મધ્યમાં આવેલું છે. તેની આસપાસ સ્થળને અનુરૂપ એવું કુદરતી લાલિત્ય છવાયેલું છે. આ મંદિરનો ઘુમ્મટ ખૂબ જ આકર્ષક છે. આ મંદિર, ઈ.સ. પૂ. ૯ર૧-૯0૬ના ગાળામાં, રાજા પાર્થના સમયમાં તેના વડાપ્રધાન મેરુવાહને બંધાવી, ભગવાન શ્રી વિષ્ણુને, મેરુવર્ધનસ્વામી નામ આપીને અર્પણ કર્યું હતું.

પરીમહાલ : શ્રીનગરમાં ડાલ સરોવરની દક્ષિણે આવેલ પરીમહાલ આજે પણ આપણને મોગલ શાહજાદા દારા શિકોહની યાદ આપે છે. તેણે આ સ્થળ ખગોળનિરીક્ષણ અને પુસ્તકાલય માટે બંધાવ્યું હતું. તેના નામ મુજબ, આ પરીઓના મહેલની આસપાસ એક પછી એક એમ ચઢ-ઊતર બગીચાઓ છે. એ બગીચાઓ અને છેક તળિયે રહેલું સરોવર આંખને ટાઢક આપી રહે છે.

શંકરાચાર્યનું મંદિર : ડાલ સરોવરની સામે શંકરાચાર્યનું પથ્થરનું સુંદર મંદિર આવેલું છે. આ મંદિર સપાટ મેદાન કરતાં ૧,000 ફૂટ ઊંચાઈવાળી એક ટેકરીના શિખર પર છે. તે ટેકરીનું નામ પણ આ મંદિરના નામ ઉપરથી પાડવામાં આવ્યું છે. તે ટેકરી ઘણે દૂરથી જોવામાં આવે છે. મંદિર પુરાતનકાળનું છે. ઈ.સ. પૂર્વે ચોથા સૈકામાં રાજા ગોપાદિત્યે એ મંદિર બંધાવ્યું હતું અને પાછળથી તેનું સમારકામ રાજા લલિતાદિત્યે અને તે પછી ઝેન-ઉલ-અલ્દીન નામના એક મુસ્લિમ બાદશાહે કરાવ્યું હતું. એકેશ્વરવાદનો પ્રચાર કરવા ઈ.સ.ની નવમી સદીમાં છેક કાશ્મીર સુધી પહોંચેલા શ્રી શંકરાચાર્યની યાદગીરીમાં આ મંદિરનું નામ ‘શંકરાચાર્ય મંદિર’ રાખવામાં આવ્યું હોવાનું મનાય છે. આજે તમે શ્રીનગર જાઓ તો સૌથી પ્રથમ તમારું ધ્યાન ટેકરીના ઉચ્ચ શિખર પર ભવ્યતાથી ઊભેલા આ મંદિર તરફ દોરાયા વિના ન જ રહે. નક્કર પથ્થર ઉપર, અષ્ટકોણાકારના વીસ ફૂટ ઊંચા એવા, એક ઉપર બીજો એમ પથ્થરના તેર થરના થાળા ઉપર આ મંદિર બાંધવામાં આવ્યું છે. બંને બાજુ શીળી છાયા આપતાં વૃક્ષોવાળો એક માર્ગ યાત્રીઓને મંદિર ભણી લઈ જાય છે. યાત્રી એના દર્શનથી હરખઘેલો બની જાય છે.

Today's Quote

God writes the gospel not in the Bible alone, but on trees and flowers, and clouds, and stars.
- Luther

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.