ફુલોં કી ઘાટી

હેમકુંડ જોયા પછી કેટલાય યાત્રીઓ ફૂલોની ઘાટી જોવાનું પસંદ કરે છે. ઘગરિયા ગામની ગુરુદ્વારાની આગળની નાની પહાડી નદીને પાર કરીને ઉત્તર તરફના માર્ગે આગળ વધવાથી ફૂલોની ઘાટી પાસે પહોંચી શકાય છે. ત્યાંથી ફૂલોની ઘાટી ત્રણેક માઈલ દૂર છે. એની ઊંચાઈ સમુદ્રતટથી બાર હજાર ફૂટ છે. ત્યાં જવાનો માર્ગ પાકો તથા ઘોડા સહેલાઈથી ચઢી શકે તેવો છે.

ફૂલોની એ ઘાટી ભ્યૂંડારઘાટીમાં આવેલી છે. સૌથી પહેલાં એ સુંદર સ્થાનનો પરિચય હિમાલયના કામત શિખરને સર કરનાર સાહસવીર શ્રી ફ્રેન્ક એસ. સ્મિથે ઈ.સ. ૧૯3૧માં આપેલો. ત્યાંના રસમય દૃશ્યો ને ફૂલોને નિહાળીને આશ્ચર્યચકિત ને મુગ્ધ થતાં એણે કહ્યું કે, ‘એનું સૌન્દર્ય સંસારભરમાં સર્વશ્રેષ્ઠ છે.’ એથી આકર્ષાઈને એ ઈ.સ. ૧૯3૭માં એ સુંદર સ્થાનમાં ચાર મહિના રહેવા તથા શાંતિ મેળવવા આવ્યો. એણે એ સમય દરમિયાન બસો પચાસ જાતનાં ફૂલ તેમજ ફૂલનાં બીજ એકઠાં કરીને પોતાના દેશના બગીચા માટે મોકલી આપ્યાં. ‘ફૂલોની ઘાટી’ નામની એક પુસ્તિકા પણ તૈયાર કરી. એમાં એણે લખ્યું છે : "હિમાલય પ્રદેશમાં જ નહિ, પરંતુ દુનિયાના કોઈ પ્રદેશમાં આવું સૌન્દર્ય નથી દેખાતું. અહીં એક જ સ્થળમાં બરફથી છવાયેલા ઊંચા પર્વતશિખરો, ધોધ, થીજી ગયેલાં બરફની નદીઓ, ઝરણાં, મેદાનો, જંગલો, બરફના વિસ્તારો, અને રંગબેરંગી ફૂલોનું દર્શન થાય છે. સંતપ્ત હૃદયને શીતળતા અને શાંતિ આપનારું આથી ઉત્તમ બીજું કોઈ સ્થાન મેં અત્યાર સુધીમાં જોયું નથી."

એ પરદેશી પ્રવાસી ને પ્રકૃતિપ્રેમીની વિદાય પછી બે વરસ બાદ ઇંગ્લેન્ડથી લેડી લેજ નામની એક સ્ત્રી આવી. એણે એ સુંદર સ્થળમાં બે વરસ જેટલો લાંબો સમય રહીને ચારસો પ્રકારનાં ફૂલ ને બીજ લંડનના ક્યૂ ગાર્ડનમાં મોકલી આપ્યાં. એ પ્રકૃતિપ્રેમી સન્નારીએ ત્યાંના સુંદર શાંત વાતાવરણથી પ્રભાવિત થઈને પોતાનું શેષ જીવન ત્યાં જ ગાળવાનો સંકલ્પ કર્યો. એ ત્યાં રહી પણ ખરી. પ્રકૃતિ સાથે એણે પોતાના આત્માને એક કરી દીધો. પરંતુ એના જીવનનો અંત કરુણ રીતે આવ્યો. ફૂલની ઘાટીના એના એ અત્યંત પ્રિય સ્થાનમાં જ એણે છેલ્લો શ્વાસ લીધો. એક દિવસ ફૂલ તોડતી વખતે એનો પગ પર્વત પરથી એવો તો લપસ્યો કે નીચે આવેલા ફૂલોના મેદાનમાં ફૂલોની સુંવાળી શય્યા પર સદાને માટે એ પોઢી ગઈ. પ્રકૃતિએ જાણે કે એવી રીતે એની સામે બળવો પોકાર્યો; અથવા બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે, એના પ્રકૃતિપ્રેમી પ્રાણને પ્રકૃતિએ પ્રસન્ન થઈને પોતાની અંદર સમાવી દીધો. બકરાંઘેટા ચરાવનારા પહાડી લોકોએ એ કરુણ ઘટના જોઈને દુઃખ અનુભવ્યું. એમણે જ પાછળથી સંવેદના અને સહાનુભૂતિથી પ્રેરાઈને એ ભૂમિ પર થોડેક દૂર એક પથ્થર પાસે એ સૌન્દર્યપ્રેમી સન્નારીની સમાધિ તૈયાર કરી. ફૂલની ઘાટીનું અવલોકન કરવા જનારા પ્રવાસીઓ એ સમાધિ આજે પણ જુએ છે અને એ સન્નારીને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

ફૂલોની ઘાટીના નિરીક્ષણ માટે ઑગસ્ટ મહિનો સૌથી ઉત્તમ મનાય છે. એ વખતે બરફ તથા વરસાદની એટલી તકલીફ નથી રહેતી, અને ઘાટી વિવિધરંગી ફૂલોથી છવાયેલી હોય છે. પ્રવાસીના સત્કાર અને પ્રવાસી પ્રત્યેના પ્રેમદર્શન માટે પ્રકૃતિએ જાણે પુષ્પોના પાથરણા ના પાથર્યા હોય ! એ સ્થળમાં વરસતી વખતે વાદળ પણ વિચાર કરે છે કે કોમળ કુસુમો પર મારું વેગથી વરસવાનું કઠોર આઘાત સમું થઈ પડશે, એટલે વરસાદના દિવસોમાં પણ અત્યંત મંદ ગતિએ વરસે છે. સૌન્દર્યનું નિરીક્ષણ કરતું અને એથી પ્રમત્ત બનતું એ ધીમે સ્વરે વરસતું રહે છે. મે થી ઑગસ્ટ સુધીના ચાર મહિનામાં નવા નવા ફૂલ ખીલતા રહે છે. એમને ખીલવા માટે કોઈ બાહ્ય ખાતરની જરૂર નથી પડતી. પ્રકૃતિ પોતે જ એમને માટે જરૂરી ખાતરની તૈયારી કરે છે. જુના ફૂલ ધરતીમાં ભળી જઈને ખાતરનો હેતુ સારતા રહે છે. ફૂલોની ઘાટી જોઈને કુદરતની અદ્દભુત કળા અથવા ઈશ્વરની અજબ લીલાનો ખ્યાલ આવે છે ને હૃદય ભાવવિભોર તથા ગદ્દગદ્દ બની જાય છે.

ફૂલોની ઘાટીના માર્ગમાં પર્વતોને અડીને ધૌલી ગંગા વહે છે. તે પણ પ્રવાસી સાથે જાણે ફૂલોનું દર્શન કરવા આવે છે. તે ઉપરાંત, કેટલાય ધોધ દેખાય છે. શિલાઓ પર પાણીના ઉછાળા મારતાં અને આગળ વધતાં તરંગો અત્યંત ચિત્તાકર્ષક લાગે છે. ફૂલોની ઘાટીમાં પ્રવેશતાં ને ફૂલોના એ પાર વિનાના પ્રદર્શનને જોતાંવેંત જ અંતર આનંદથી ઉભરાઈને ઊછળવા માંડે છે. ઘાટીની આજુબાજુ ઊંચાઊંચા ગગનચુંબી પર્વતો છે. એમાંના કોઈક હિમાચ્છાદિત, કોઈક નીલ રંગના, તો કોઈક કાળા રંગના દેખાય છે. એ પર્વતની બધી ખીણો અને વિશાળ સપાટ જમીનમાં ફૂલો સિવાયની ખાલી જગ્યા ક્યાંય પણ નથી દેખાતી. જમીન પર ચાલતી વખતે પણ ફૂલો વિના બીજું કશું જ નથી આવતું. ચારેકોર ફૂલોનું જ સામ્રાજ્ય છે. એમની વચ્ચે ક્યાંક ક્યાંક પથ્થરો પડ્યાં છે. એમની ઉપર બેસીને ચારે તરફ ફેલાયેલા એ પર્વતીય પરિવારનું અવલોકન કરતા આનંદ થાય છે. એમાંના એકાદ પથ્થર પર ઈશ્વરસ્મરણ, ધ્યાન કે પ્રાર્થનામાં બેસવાથી પણ મન બહારના વિષયોનું વિસ્મરણ કરીને સહેલાઈથી એકાગ્ર અને શાંત થાય છે. પ્રકૃતિના ભંડારથી ભરેલા એ પરમ શાંત, સુંદર પ્રદેશમાં જરૂરી તૈયારી કરીને તંબુ નાખીને જુલાઈ, ઑગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં આત્મવિકાસની સાધના માટે રહેવાનું હોય તો ઘણો મોટો લાભ થાય એમાં શંકા નથી.

Today's Quote

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.