દહેરાદૂન

કેટલાંક મોટાં પંકાયલાં સ્ત્રીપુરુષોએ દહેરાદૂનને ભારતનું સૌથી સુંદર શહેર કહી બતાવ્યું છે. એમના વિધાન પ્રમાણે તેને સૌથી સુંદર શહેર કહેવું ઉચિત છે કે કેમ એ વાત કોરે રાખીએ, તોપણ, તે એક સુંદર શહેર છે એ તો સાચું જ છે. સુંદર શહેર એ દૃષ્ટિએ નહિ કે તેની બાંધણી કે ગટરની યોજના સુંદર છે, પરંતુ એ દૃષ્ટિએ કે તે અત્યંત આકર્ષક અને આહલાદક, આજુબાજુના કુદરતી સૌન્દર્યથી સંપન્ન છે. તેને અડીને ઊભી હોય તેવી એની લીલીછમ પર્વતમાળા તેને વધારે સુંદર બનાવે છે. તેની સાથે જો શહેરની બાંધણીની ને બીજી સુંદરતા ભળી હોત તો તે એક આદર્શ અથવા સુંદરતમ શહેર બની શકત એમાં સંદેહ નથી. તેમ છતાં કેટલીક જોવા જેવી જગ્યાઓ એવી છે જે તેની શોભામાં વધારો કરે છે. એટલું જ નહિ, પણ ભારતના શહેરોમાં તેને આગળ પડતો દરજ્જો ધરે છે. એવાં દર્શનીય સ્થળોનો ઊડતો ઉલ્લેખ કરીએ તો એ અસ્થાને નહિ લેખાય.

ટપકેશ્વર : સૌથી પહેલાં તો આપણે ટપકેશ્વરની મુલાકાત લઈએ. ટપકેશ્વર નદીના તટ પર આવેલું એક સુંદર સ્થળ છે. ત્યાં શંકરનું મંદિર છે. મંદિર અંધારી વિશાળ પ્રાકૃતિક ગુફામાં આવેલું છે. એકબાજુ શંકર ભગવાનનું લિંગ છે અને એના પર ગુફાની ઉપરના ભાગમાંથી કુદરતી રીતે જ પાણી ટપકે છે, એટલા માટે જ એ સ્થળ ટપકેશ્વર તરીકે વિખ્યાત થયું હશે.

ટપકેશ્વરનું સ્થળ અત્યંત આકર્ષક છે. એ શાંત, સુંદર સ્થળની રચનાને કેટલા વરસો થયા હશે એ તો કોણ જાણે, પરંતુ સ્થળ ઘણું જ પ્રાચીન તથા એકાંતવાસ અને સાધના માટે અનુકૂળ છે. નદીના કિનારા પર પર્વતમાં નાનીનાની ગુફાઓ છે. તેમાં કોઈ કોઈવાર કોઈ તપસ્વીઓ રહે છે પણ ખરા. જો કે હવે તપસ્વીઓની સંખ્યા ઓછી થતી જાય છે અને એકાંતમાં રહેનારા યોગીપુરુષો પણ ઘટતા જાય છે; તોપણ કોઈક વાર કોઈ વિરલ સંત કે સાધક ત્યાં પહોંચી જાય છે, અને એના શાંત, સુંદર વાતાવરણથી પ્રભાવિત થઈ એ આહલાદક ભૂમિમાં વસે છે.

ટપકેશ્વરની બહાર, તદ્દન પાસે, એના પ્રવેશદ્વાર આગળ વાલ્મીકિનો આશ્રમ છે એ વાત પણ ખાસ નોંધવા જેવી છે.

ત્યારે શું વાલ્મીકિ મુનિ અહીં રહેતા હશે ? ઋષિમુનિઓ પોતાના જીવનકાળ દરમિયાન એક ઠેકાણે સ્થાયી રહેવાને બદલે અથવા સ્થાયી રહેવા ઉપરાંત, લોકહિતાર્થે કે સાધનાત્મક પ્રવૃત્તિ માટે વિવિધ પ્રદેશોમાં વિચરણ કરતા અને નિવાસ કરતા. એવી રીતે મહામુનિ વાલ્મીકિ પણ કોઈ એક સ્થળે આશ્રમ બાંધીને રહેવા છતાં, આ સુંદર, શાંત, એકાંત સ્થળથી પ્રભાવિત થઈને થોડોક વખત ત્યાં રહ્યા હોય એ બનવા જોગ છે; અથવા એમ પણ હોય કે જનતાને આકર્ષવા માટે તીર્થસ્થળો કે પવિત્ર સ્થળોની સાથે મહાપુરુષોના નામ અને કામને સાંકળી લેવાની પ્રથા આપણે ત્યાં પ્રચલિત છે, એનો પ્રતિધ્વનિ આવી રીતે અહીં પણ પડી રહ્યો હોય. ગમે તેમ, પણ વાલ્મીકિ મુનિનું સ્થાન અહીં છે ખરું, અને એ ખૂબ જ સુંદર છે, એમાં શંકા નથી. આવા સરસ સ્થળમાં થોડો વખત રહીને કોઈ વિવેક ને વૈરાગ્યથી વિભૂષિત સાધક તપશ્ચર્યા કરે, તો સહેલાઈથી શાંતિ મેળવી લે એ સાચું છે. સ્થાન એટલું બધું હૃદયંગમ છે કે જોતાંવેંત જ આંખ અને અંતરને તે આનંદ આપે છે.

ફોરેસ્ટ ઈન્સ્ટિટ્યૂટ : બીજું દર્શનીય સ્થાન ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ છે. લાકડાના સંશોધનની એ વિશાળ સંસ્થા બારીકાઈથી નિરીક્ષણ કરવા જેવી છે. ભારતને માટે એ સંસ્થા ગૌરવ લેવા જેવી છે. ત્યાંનું મ્યુઝિયમ ખાસ જોવા જેવું છે.

સહસ્ત્રધારા : દેહરાદૂન જનારા મુસાફરો સહસ્ત્રધારાનું દર્શન ના કરે તે બને જ કેમ ? જે એનાથી અનભિજ્ઞ હોય તે એની મુલાકાત ના લે એ સમજી શકાય એવું છે; પરંતુ જેને એ સુંદર સ્થાનની માહિતી હશે તે તો એની મુલાકાત લેશે જ અને એનાથી તે સંતુષ્ટ પણ થશે. પર્વતની વચ્ચે વસેલા એ સુંદર સ્થળને સહસ્ત્રધારા શા માટે કહેવામાં આવે છે ? ત્યાં જોતાંવેંત જ એ જિજ્ઞાસાનો જવાબ સહેજે મળી રહે છે. પર્વતની ઉપરથી એક ઠેકાણે કુદરતી રીતે જ પાણીની નાની નાની સેંકડો ધારાઓ પડ્યા કરે છે. જાણે કે કોઈ પ્રાકૃતિક અનંત ધારાવાળો ફુવારો ફૂટી નીકળ્યો હોય એવું એ દૃશ્ય દર્શનાર્થીને મુગ્ધ બનાવી દે છે.

પરંતુ માણસો કાંઈ કુદરતી સૌન્દર્યથી મુગ્ધ બનીને એની પ્રશસ્તિ કરતા બેસી થોડા જ રહે છે ! કુદરતી સૌન્દર્યથી સુશોભિત આવાં સ્થળોને સુંદર અને સ્વચ્છ રાખવાની કોશિશ કરવાને બદલે એ એને બગાડે છે પણ ખરા. આવા જાહેર પ્રવાસસ્થળોને સ્વચ્છ તથા સુંદર રાખવાના મહાત્મ્યને જાણે કે એ સમજતાં જ નથી. એ જાતની તાલીમ જ એમને નથી મળી. માટે તો એ ત્યાં ગંદકી કરે છે. સહસ્ત્રધારાનું સ્થળ પણ એમાં અપવાદરૂપ નથી. કુદરતી સૌન્દર્યની સાથે સંવાદ સાધે એવી રીતે માનવે ત્યાં સ્વચ્છતાની સૃષ્ટિનું સર્જન કર્યું હોત તો એ સ્થળ અધિક આકર્ષક અથવા આહલાદક થઈ પડત એમાં શંકા નથી. લાગતાવળગતા સૌ કોઈ પ્રયત્નશીલ થઈ એ સ્થળને સર્વોત્તમ બનાવે એ ઈચ્છવા યોગ્ય છે.

ગુચ્છુપાની : સહસ્ત્રધારા જેવું જ એક બીજું રમણીય સ્થળ ગુચ્છુપાનીનું છે. ગુચ્છુપાની પણ પર્વતમાળાની વચ્ચે જ આવેલું છે. ત્યાં એક નાનકડી નદી છે. તે ઉપરાંત, પાણીની જોશબંધ વહેનારી જે નહેર છે તે ઊંડા પર્વતીય પ્રદેશમાં વહેનારી ગંગા તથા યમુનાની યાદ આપે છે. ચાંદની રાતના રમણીય વાતાવરણમાં એ સ્થાનની શોભા કેટલી બધી અલૌકિક બની જતી હશે, તથા ત્યાં કેટલી બધી અનેરી અસીમ શાંતિ છવાતી હશે તેની કલ્પના એની મુલાકાત લેનારો પ્રવાસી સહેજે કરી શકશે.

તપોવન : તપોવનનું સ્થાન એના નામ પ્રમાણે તપોવનની જ સ્મૃતિ કરાવનારું એકાંત સ્થાન છે, પરંતુ એટલું બધું આકર્ષક નથી. તોપણ, દેહરાદૂનના દર્શનીય સ્થાનોમાં એનો સમાવેશ થઈ જાય છે.

રાયપુર : રાયપુરમાં માતા આનંદમયીનો નાનોસરખો આશ્રમ છે. એ પણ જોવા જેવો છે. આશ્રમની પાછળનો ખીણનો ભાગ અત્યંત હૃદયંગમ છે. એમાં પણ આશ્રમમાં માતા આનંદમયીને રહેવા માટેનો ખંડ છે તે પણ ઘણો સુંદર છે. થોડેક દૂર એક બીજી ટેકરી પર માતા આનંદમયીના પતિની સમાધિ છે, જે નાનકડી છતાં આહલાદક છે.

કિશનપુર : કિશનપુરમાં પણ માતા આનંદમયીનો આશ્રમ છે. તે ઉપરાંત, ત્યાં બાજુમાં રામકૃષ્ણ મિશનની શાખા છે. રાજપુરમાં બીજા બે આશ્રમો-શહેનશાહ આશ્રમ અને રામતીર્થ આશ્રમ-છે. એ આશ્રમો પણ પોતાની રીતે સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે.

લક્ષ્મણસિદ્ધ : દેહરાદૂનની મુલાકાત લેનાર માણસ લક્ષ્મણસિદ્ધની મુલાકાત લેશે તો એને અવશ્ય આનંદ થશે. લક્ષ્મણસિદ્ધ એક મહાસમર્થ ઈશ્વરી કૃપાપાત્ર સિદ્ધપુરુષ હતા આજે તો એમની સમાધિના શાંતસ્થળનું જ દર્શન થાય છે, પરંતુ એ સિદ્ધપુરુષ જ્યારે એકાંત સ્થાનમાં નિવાસ કરતા હશે ત્યારે એ સ્થાન કેટલું બધું સજીવ લાગતું હશે અને એ સ્થાનની શોભા પણ કેટલી બધી વિલક્ષણ લાગતી હશે ? જેની આજુબાજુ ઘોર જંગલ વિના બીજું કશું જ નથી એવા દહેરાદૂનથી હૃષીકેશના માર્ગ પરથી અંદરના ભાગમાં આવેલા એ સ્થાનમાં જ્યારે લક્ષ્મણસિદ્ધનો વાસ હશે ત્યારે કોઈક ભાગ્યશાળી આત્માઓ એમના દર્શને પણ આવતા હશે અને એમની દ્વારા જુદીજુદી રીતે લાભ ઉઠાવતાં હશે. એ વખતના દૃશ્યો એ સ્થાનને જોતાંવેંત, આપણાં અંતરની આંખ આગળ ઊભા રહે છે. કટ્ટર સાધનાપરાયણ, ઈશ્વરનિષ્ઠ, એકાંતપ્રિય વ્યક્તિ વિના બીજું કોઈ તો એવા સ્થાનમાં રહી જ ના શકે.

લક્ષ્મણસિદ્ધનું સ્થાન તપશ્ચર્યાને માટે અનુકૂળ છે, લોકોમાં એવી માન્યતા છે કે, ગોળની ભેલી લઈને એ સ્થાનમાં જવાથી ને પ્રાર્થના કરાવાથી લક્ષ્મણસિદ્ધની કૃપાથી મનોકામના પૂરી થાય છે. એવા વિશ્વાસથી પ્રેરાઈને ઘણા લોકો ગોળની ભેલી સાથે એ સ્થાનની મુલાકાત લે છે.

Today's Quote

There is nothing that wastes the body like worry, and one who has any faith in God should be ashamed to worry about anything whatsoever.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.