if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઉત્તરપ્રદેશમાં સતના જિલ્લામાં રામવન નામનું સુંદર તીર્થ છે. પ્રયાગ અથવા અલ્હાબાદથી ત્યાં જઈ શકાય છે. રામવન ‘માનસસંઘ’ નામે રજિસ્ટર્ડ સંસ્થાનું કેન્દ્રસ્થાન છે. એ સ્થાનમાં રામાયણને મૂર્તિમંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હિંદુ ધર્મની લગભગ બધી શાખાઓ ને બધા સંપ્રદાયોનાં પ્રતીક એ સ્થાનમાં રાખવામાં આવ્યાં છે.

રામવનના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતાં પહેલાં દ્વારની આગળ વાણી અને વિનાયક એટલે કે સરસ્વતી અને ગણપતિનાં દર્શન થાય છે. ગોળાકાર ધરતી પરના સ્થંભ પર એ બંને મૂર્તિઓ સ્થાપિત કરેલી છે, અને એની નીચે તુલસીકૃત રામાયણના મંગલાચરણનો પ્રથમ શ્લોક લખ્યો છે :

वर्णानामर्थसंघानां रसानां छन्दसामपि ।
मंगलानां च कर्त्तारौ वन्दे वाणी विनायकौ ॥

"અક્ષર અર્થાત્ શબ્દોના અર્થસમૂહ, રસ તથા છંદો, તેમ જ સર્વ મંગલોના રચનાર સરસ્વતી અને ગણપતિને હું વંદન કરું છું."

દ્વારમાં પ્રવેશ કરીને ડાબી તરફ વળીએ તો કૃષ્ણકુંજ આવે છે. ત્યાં જમનાજી તેમજ ગોવર્ધન અને એમના અધિદેવતા શ્રીકૃષ્ણ છે. એમની મુખમુદ્રા આશીર્વાદાત્મક છે. એમની પાછળ ગાય છે. ઉપરાંત, ત્યાં ગોપાલના વેશમાં લાકડી લઈને ગાય ચરાવતા, વાંસળી વગાડતા શ્રીકૃષ્ણની મૂર્તિ પણ જોવા મળે છે. કૃષ્ણકુંજમાં બીજા અવતારોની મૂર્તિઓ પણ ક્રમેક્રમે સ્થાપિત કરવામાં આવનાર છે.

કૃષ્ણકુંજની જમણી બાજુએ ભાગવત ભવન છે. રામવનમાં ભાગવતની વિભિન્ન ટીકાઓ તેમ જ જુદાંજુદાં સંસ્કરણોની ૧૧૪ પ્રતો સંગ્રહવામાં આવી છે. એમાં ર૬ હસ્તલિખિત પ્રતો પણ છે. કુંજની બહારના પ્રાંગણમાં એક નૌકાકાર હૉજ છે. એમાં સાત્વિકતા તથા જ્ઞાનના પ્રતીકરૂપ સફેદ કમળ છે.

પ્રાંગણના પૂર્વભાગમાં વાલ્મિકી આશ્રમ છે. એમાં શિવ તથા પાર્વતીની મૂર્તિ, મનુ-શતરૂપાની મૂર્તિ, લોમશ મુનિ તથા ભરતની મુર્તિ, અયોધ્યાવાસીઓની પ્રતીક મૂર્તિ, દેવર્ષિ નારદજીની, સનકની, તેમ જ સનંદન, સનાતન અને સનત્કુમાર આદિની મૂર્તિઓ છે. આગળ જતાં હનુમાનજી, શત્રુઘ્ન, વિભીષણ, સુગ્રીવ, સુતીક્ષ્ણ મુનિ ને નિષાદરાજના મૂર્તિઓ છે. એથી આગળ અયોધ્યાનું રાજભવન છે.

રામવનમાં તુલસી સંગ્રહાલય છે. જેમાં પુસ્તકો, હસ્તલેખો, ચિત્રો, મૂર્તિઓ, સિક્કાઓ અને ટિકિટોનો સંગ્રહ જોવા મળે છે.

જૈન કક્ષમાં મહાવીર સ્વામી તથા બીજા તીર્થંકરોની મૂર્તિઓ છે.

વૈષ્ણવ કક્ષમાં વિષ્ણુસ્વામી સંપ્રદાય, સ્વામી હરિદાસજી સંપ્રદાય, મધ્વ સંપ્રદાય તથા ચૈતન્ય સંપ્રદાયના કેટલાક કીમતી ગ્રંથોનો સંગ્રહ છે. એમાં એક અલગ સ્થાનમાં તુલસીદાસજીની પ્રતિમા સ્થાપેલી છે. એ ઉપરાંત, વેદ અને ઉપનિષદ તથા બીજું ધાર્મિક સાહિત્ય એકઠું કર્યું છે.

તુલસીઘાટ પર માનસ મંદિર છે, જ્યાં તુલસીદાસની મૂર્તિ છે. ભરદ્વાજઘાટ પર જે મંદિર છે તેમાં વક્તારૂપે મહર્ષિ યાજ્ઞવલક્ય તથા શ્રોતારૂપે ભરદ્વાજ મુનિનું દર્શન થાય છે. શિવઘાટ પરના મંદિરમાં શિવ-પાર્વતીની મૂર્તિ છે. તે ઉપરાંત, અત્રિ આશ્રમ, મારુતિ મંદિર, શરભંગ આશ્રમ, ચિત્રકૂટની પંચવટી, દેવીમંદિર, ગાંધીઘર, અતિથિશાળા, ગુરુદ્વારા (જેમાં ગુરુ ગ્રંથસાહેબ વિરાજમાન છે) આદિ સ્થાનો ખાસ જોવાલાયક છે. રામવનમાં ગોશાળા પણ છે. એકાંતમાં રહીને સાધના-ભજન કરવાની ઈચ્છાવાળા માનવો માટે રામવનમાં સાધક કુટિરો બનાવવામાં આવી છે. પાણી માટે કૂવાની વ્યવસ્થા છે. સંસ્થાની થોડીક જમીનમાં ખેતી કરવામાં આવે છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.