શ્રદ્ધાનો દંડ લઇ મારે ચાલવું હંમેશા સત્યને રાહ.
હોય સવાર કે સાંજ, મધ્યાન્હ કે ઘોર અંધારી રાત,
સૂરજ હોય તપી રહ્યો, પૂર્ણ પ્રકાશ ભલે ને ચાંદ,
મારે જોવો ના કદી કાળ. ......શ્રદ્ધાનો દંડ
પદ્મ ભલે ખીલ્યાં ચારે પાસે, મારે લેવો કદી ન વિરામ,
અમૃતના સરને તટ બેસીને કરવું ના મારે પાન.
મારે ના જ બુઝાવવી પ્યાસ. ......શ્રદ્ધાનો દંડ
નિદ્રા ભલે જગ માણે, મારે મારો રોકવો ના જ પ્રવાસ,
જ્યાં લગ પૂર્ણ પ્રકાશ પામી મળે સ્થાન નહીં અભિરામ.
મારો સત્યને કાજે જ શ્વાસ. ......શ્રદ્ધાનો દંડ
વેચાયો સત્યને હાથે હું તો, મારો સત્યને સારું જ શ્વાસઃ
સ્વાર્થ ને વૈભવ ભોગને શૈશવમાંથી મારી મેં તો લાત.
બનું સૃષ્ટિનો તારણહાર. ......શ્રદ્ધાનો દંડ
- શ્રી યોગેશ્વરજી