Wednesday, September 30, 2020

મહાપુરુષોનો દર્શનલાભ

પ્રશ્ન : કોઈને આત્મદર્શન અથવા સિદ્ધિદર્શન થયું છે એવું કેવી રીતે સમજાય ?
ઉત્તર : આપણે કોઈક મહાનુભાવને મળીએ છીએ ત્યારે તેના મેળાપ સંબંધી કશો સંદેહ રહે છે ખરો? એમનું દર્શન થાય છે, એમની સાથે વાતચીત કરવાનું સૌભાગ્ય સાંપડે છે, એમની સાથે કોઈ વસ્તુની આપ-લે કરી શકાય છે, એ વિશે કોઈપણ પ્રકારનો સંદેહ રહેતો નથી. આપણે આપણા સ્થૂળ શરીરનું અવલોકન કરીએ છીએ ત્યારે એ બાબત પણ કોઈ જાતની શંકા માટે અવકાશ રહેતો નથી. એ બધું એકદમ વાસ્તવિક અને ચોક્કસ હોય છે. સિદ્ધ પુરુષોના દર્શનના અને આત્મદર્શનના અનુભવોના સંબંધમાં બીજાને કેવી રીતે સમજાવી શકાય ? એ તો સ્વાનુભવનો વિષય હોવાથી જે અનુભવે તે જ સમજી શકે છે. સાકરનો સ્વાદ જેણે માણ્યો હોય તે જ જાણે છે. શાસ્ત્રોમાં એવા પુરુષો વિશે કેટલુંક વર્ણન કરવામાં આવ્યું છે. એ વર્ણનના આધાર પર નક્કી કરી શકાય છે કે કોઈને એવું દર્શન થયું છે કે નહિ.

પ્રશ્ન : એવા વર્ણનનો સાધારણ ખ્યાલ આપી શકશો ?
ઉત્તર : એ વર્ણન પ્રમાણે વિચારીએ તો એવા દૈવી દર્શનનો લાભ મેળવી ચૂકેલા મહાપુરુષો ઊંડી શાંતિથી સંપન્ન હોય છે. એમના પોતાના અંતરમાંથી અવર્ણનીય અનંત આનંદની અખંડ અનુભૂતિ થતી હોય છે. એ સંસારના બહારના વાતાવરણથી અથવા સંજોગોથી ચલાયમાન થતા નથી અને સર્વત્ર પરમાત્માનું દર્શન કર્યા કરે છે. એના પરીણામે સૌ પ્રત્યે પ્રેમ રાખે છે. એ ભય, શોક, ચિંતા તથા ક્લેશથી મુક્ત હોય છે.

પ્રશ્ન : એવા પુરુષોનું દર્શન વર્તમાનકાળમાં થઈ શકે ?
ઉત્તર : શા માટે ના થઈ શકે ? એવા મહાપુરુષો કોઈ ચોક્કસ કાળના અથવા દેશવિદેશના બાહ્ય બંધનમાં બંધાયેલા હોતા નથી. એ દેશ તથા કાળથી અતીત હોય છે. વર્તમાનકાળમાં કે બીજા કોઈપણ કાળમાં એમનું દર્શન થઈ શકે છે.

પ્રશ્ન : એમના દર્શન માટેનું આવશ્યક સાધન કયું ?
ઉત્તર : એમના દર્શનને માટે ઉત્કટ ઈચ્છા હોવી જોઈએ. ઉત્કટ ઇચ્છાથી પ્રેરાઈને નિયમિત રીતે પ્રેમપૂર્વક સતત પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે એમના દૈવી દર્શનનો દેવદુર્લભ લાભ મળી રહે છે. એમની સહાયતા પણ સાંપડે છે.

પ્રશ્ન : એવા મહાપુરુષોના દર્શન, સમાગમ કે સત્સંગને માટે જુદા જુદા પ્રદેશોનો પ્રવાસ કરીને શોધ કરીએ તો એમનો મેળાપ થાય કે ના થાય ?
ઉત્તર : એવું કરવાથી એમનો દુર્લભ સમાગમ સાંપડશે જ એવું ચોક્કસપણે ના કહી શકાય. એથી ઉલટું એમને માટેની અસાધારણ આતુરતા પેદા થતાં એમનું દર્શન જ્યાં પણ હોઈએ ત્યાં અનાયાસે મળી રહે છે. રામકૃષ્ણ પરમહંસદેવે પોતાના શિષ્ય નાગમહાશયને ઘેર રહીને સાધના કરવાની સૂચના આપેલી. નાગમહાશયે એમને પૂછેલું કે ઘરમાં રહેવાથી ઉત્તમ પ્રકારના સંતપુરુષોના દર્શન તથા સમાગમનો લાભ કેવી રીતે મળી શકશે, તો રામકૃષ્ણદેવે ઉત્તર આપેલો કે ઉત્તમ પ્રકારના સંતપુરુષોના દર્શનની ઉત્કટ ઇચ્છા થતાં તે ઘેર આવીને દર્શન આપશે. રામકૃષ્ણદેવ પ્રત્યેના પ્રેમ તથા વિશ્વાસથી પ્રેરાઈને નાગમહાશય ઘરમાં જ રહીને કાર્ય કરતા રહ્યા, અને રામકૃષ્ણદેવનાં વચનો પ્રમાણે સર્વોત્તમ પ્રકારના સંતો એમની પાસે આપોઆપ આવતા રહ્યા. સ્વામી વિવેકાનંદ પણ પોતાના પરદેશના પુણ્યપ્રવાસ પછી એમને મળવા ગયેલા ને બોલેલા કે સમસ્ત જગતમાં ફર્યો પરંતુ નાગમહાશય જેવો પવિત્ર સાધુપુરષ બીજો નથી જોયો. જે સર્વોત્તમ શ્રેણીના સંતપુરુષોને ઝંખે છે તે ઈશ્વરની અસાધારણ કલ્યાણકારિણી કૃપાથી એમને પામી શકે છે. એમની કૃપાથી એમને ઓળખીને એમનો લાભ પણ મેળવી શકે છે.

Today's Quote

Patience is not so much about waiting, as it is about how one behaves while waiting.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok