Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આજે નવું વરસ હો,
મારે આજે નવું વરસ હો !

વરસ આટલાં વીત્યાં વિરહે, આજે મિલન દિવસ હો,
વ્યથા શમે ને ક્લેશ ટળે સૌ, જીવન મળે નવું છો.

અશાંતિ બંધન તેમ અલ્પતા તેનું આજ મરણ હો;
પરમશાંતિ સુખસૂરજ પ્રકટે, પ્રકાશિત કરી દે છો.

અસત્યમાંથી સતમાં, વિષથી અમૃતમહીં ગમન હો,
ઊર્ધ્વ જગતનો પ્રવાસ ન્યારો આજે પૂર્ણ સફળ હો.

નવા ભાવ ને નવા વિચારો, ભાવ નવા ભરપુર હો,
નવા વેશ ને નવા ખેલના પ્રાણ રસે ચકચુર હો.

તંદુરસ્તી તન ને મનની, નવું રક્ત પ્રકટિત હો,
અભેદ સેવા પ્રેમમાળથી શોભિત કંઠ લલિત હો.

કંટક કિલ્મિષ દૂર હઠો સૌ, પાવન મનઅંતર હો;
સુવાસ ફેલાયે સંસારે જાણે કો’ જંતર હો.

દુઃખ ટળે જગનાં પણ સાચે, સૌને સુખમંગલ હો;
પ્રેમપૂજારી બને બધાંયે, શાંતિ મળે સૌને છો.

નવા વરસનો આરંભ હવે ઉત્સવ જીવનમાં હો,
નવા ગીત ને નવા સૂરનો સ્વાદ મળે મુજને છો.

‘પાગલ’ની છે એ જ પ્રાર્થના, પ્રેમે તમે પ્રકટ હો;
કૃષ્ણપક્ષની જાય કાલિમા, રસ ને પ્રાણ પ્રકટ હો !

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit