જીવનધ્યેયની વિસ્મૃતિ

ભર્તૃહરિએ કહ્યું છે કે ‘સાહિત્ય સંગીત કલાવિહીન: સાક્ષાત્પશુ પુચ્છવિષાણહીન:’ એટલે કે ‘સાહિત્ય સંગીત અને બીજી કળાથી જે રહિત છે તે સંસ્કારની દ્રષ્ટિએ પશુ બરાબર છે, ફક્ત તેને પૂછડું કે શીંગડા નથી એટલું જ.’ એ વાતને યાદ કરીને કોઈએ મને પૂછ્યું કે સૌથી શ્રેષ્ઠ કળા કઈ  ? સાહિત્ય કે સંગીત  ? અથવા તો નૃત્ય કે શિલ્પ  ? મેં ઉત્તર આપ્યો કે બધી કળાઓમાં જીવન જીવવાની કળા સર્વોત્તમ છે. બીજી કળાઓ એ કળાની તોલે ના આવે. મારો ઉત્તર સાંભળીને એમને નવાઈ લાગી. અને એવી નવાઈ બીજા કેટલાયને લાગશે. પરંતુ જીવન જીવવાની પણ કળા છે, અને એ કળા સર્વોત્તમ છે, એ વાત સાચી છે. મારી દ્રષ્ટિએ એથી ઉત્તમ અને ઉપકારક બીજી કોઈયે કળા નથી.

એવા હજારો, લાખો કે કરોડો લોકો છે જે જીવનને જેમતેમ જીવે છે. જીવન એક કલા છે અથવા તો એને કલાત્મક રીતે જીવી શકાય છે ને જીવવાનું છે તેનો ખ્યાલ તેમને નથી. જો છે તો તે ખ્યાલ તેમના મનમાં જ રહી જાય છે. એનો એ આચારમાં અનુવાદ નથી કરી શકતા. પરિણામે એ જીવે છે ખરા, પરંતુ જીવનના રસ અને આનંદથી વંચિત જ રહી જાય છે. જીવન એમને માટે બોજો બની જાય છે, અકસ્માત થાય છે, રૂઢ કે પરંપરાગત વસ્તુ બની રહે છે. અને એ એને રગશિયા ગાડાની પેઠે જીવ્યે જાય છે. જીવનનો સાચો સ્વાદ એમને નથી મળતો; એનો સદુપયોગ કરીને એ જીવનને ઉજ્જવળ નથી કરી શકતા અને એ દ્વારા વ્યક્તિગત વિકાસના માર્ગમાં આગળ પણ વધી નથી શકતા. જીવન એમને માટે જોઈએ તેટલું સુખમય, શાંતિદાયક, પ્રેરણાદાયક તેમજ શ્રેયસ્કર નથી થઈ શકતું.

સાહિત્ય, સંગીત, નૃત્ય જેવી બીજી કળાઓમાં અને જીવનને આદર્શ રીતે જીવવાની કળામાં મહત્વનો તફાવત એ છે કે બીજી કળાઓ એના સ્વામીને તથા એનો રસાસ્વાદ લેનાર ઉભયને આનંદ આપે છે કે રસ પૂરો પાડે છે; પરંતુ એ કળાઓની અસરથી કળાકારનું વ્યક્તિગત જીવન ઉત્તમ અથવા તો આદર્શ જ બને છે એવું નથી હોતું. એ કળાઓ માનવને માનવતાના ઉચ્ચોચ્ચ ગુણસંસ્કારોથી સંપન્ન કરે છે અથવા સત્કર્મોથી સદાને માટે સુશોભિત કરે છે એવું નથી હોતું. એવું હોય પણ ખરું ને ના પણ હોય. કળાની દુનિયામાં કળાકાર આદર્શ અથવા તો ઉત્તમ હોય. પરંતુ મનુષ્ય તરીકે આદર્શ ના હોય અને કેટલીક વાર દૈવી ને બદલે આસુરી ગુણધર્મથી સંપન્ન હોય એવું પણ દેખાય છે. એવી કળા બીજાને આનંદ આપે છે, પરંતુ કળાકારના પોતાના જીવનમાં ક્રાંતિ કરી, એ જીવનને ઉદ્દાત્ત બનાવી, કળાકારને સાચા અર્થમાં માનવ બનાવી એને દેવતાપદે સ્થાપી, ઈશ્વરસદૃશ નથી કરી શકતી. પરંતુ જીવન જીવવાની કળાનું એવું નથી. એ તો માનવ-સ્વભાવને, માનવ-ગુણધર્મોને ને માનવજીવનને પોતાના કેન્દ્રમાં રાખતી હોવાને લીધે, એનો આધાર લેનારના જીવનમાં સમૂળી ક્રાંતિ કરે છે; એની જડતા દૂર કરે છે; એને સત્ય, પ્રકાશ, પવિત્રતા તથા પૂર્ણતાના પાવન પ્રદેશોમાં પ્રસ્થાપિત કરે છે, અને એ રીતે જીવનના સાફલ્યનું અસીમ અને સનાતન સુખ ધરે છે. એટલા માટે જ એ સર્વોત્તમ છે, સૌના માટે ઉપકારક છે અને અનેરી છે. એ દ્રષ્ટિએ એ બીજી કળાઓ કરતાં જુદી પડે છે.

જીવન એક મહામૂલી મૂડી છે, સામગ્રી છે, સંપત્તિ છે, થાપણ છે, ભેટ છે. એને આંખ બંધ કરીને જેમતેમ જીવી શકાય નહિ. એમાં અનંત શક્તિ છે, શક્યતા છે. એની પાછળ પરમ રહસ્ય રહેલું છે. એ એક એવી પગદંડી કે કેડી છે જેના પર વિવેકપૂર્વક પ્રવાસ કરીને માનવી પોતાના શરીર ધારણનું સાર્થક્ય કરી શકે છે. એટલે જ્યારે આપણે એમ કહીએ છીએ કે જીવન જીવવું એક કળા છે ત્યારે એમ કહેવા માંગીએ છીએ કે એને સમજપૂર્વક જીવવું જોઈએ; શાંતિથી જીવવું જોઈએ; યોજનાબદ્ધ રીતે જીવવું જોઈએ અને વિકાસના માર્ગમાં આગળ વધી શકાય એવી રીતે જીવવું જોઈએ. એમ પણ કહેવું જોઈએ કે જીવનની પળેપળનો હિસાબ રાખીને કોઈ ઉત્તમ હેતુ કે આદર્શને માટે જીવવું જોઈએ. સંપ, સ્નેહ, સહકાર, સેવાભાવ, સ્વાર્પણ ને સદાચારપૂર્વક જીવવું જોઈએ. આપણી સાથે રહેનારા અને આપણા સમાગમમાં આવનારાં સૌની સાથે છળકપટ રહિત થઈને, રાગદ્વેષનો પરિત્યાગ કરીને બનતી પ્રામાણિકતા, નમ્રતા, સરળતા તથા શુચિતા સાથે જીવવું જોઈએ. આપણું જીવન કોઈના માટે બોજારૂપ ના બને. અથવા તો બીજાને માટે દુઃખદાયક કે અભિશાપરૂપ ન થાય, પરંતુ બીજાને માટે મદદરૂપ થાય, સુખશાંતિ આપનારું બની જાય, અને અણમોલ આશીર્વાદરૂપ થાય એવી રીતે જીવાવું જોઈએ. એવી રીતે જીવવાની આપણને દીક્ષા જ નથી મળી. પરંતુ જીવનને ઉત્સવરૂપ કે મંગલમય કરવું હોય અને આપણા આધ્યાત્મિક વિકાસમાં સોપાનસમું બનાવવું હોય, તો એવી દીક્ષા લીધા સિવાય છૂટકો જ નથી. આધ્યાત્મિક વિકાસની અભીપ્સાવાળા તથા સંસારને સુખમય કરવાની ઈચ્છાવાળા માનવે જીવન જીવવાની એવી કળા પ્રત્યે ગાફેલ રહ્યે ન જ ચાલે.

જીવનની કીમતી કળામાં સૌથી મહત્વની વસ્તુ જીવનનું ધ્યેય છે. તમારા જીવનનું કોઈ ધ્યેય નક્કી કરો. હજારો મનુષ્યો ધ્યેય વિનાનું જીવન જીવી રહ્યાં છે, તેવી રીતે ધ્યેયરહિત બનીને જીવનને બરબાદ ન કરો. આટલું મોટું જીવન કાંઈ નિરર્થક ન જ હોઈ શકે. અને પૂર્ણતા, પરમ શાંતિ કે મુક્તિની પ્રાપ્તિ તેમજ બીજાની સેવા સિવાય એનું બીજું ધ્યેય પણ શું હોઈ શકે ? જીવનનું આધ્યાત્મિક ધ્યેય તો એ જ છે - સ્વ અને પરની ઉન્નતિ. એ ધ્યેયના નકશાને ચોક્કસ રીતે દોરી કાઢ્યા પછી તમારી બધી જ વૃત્તિ ને પ્રવૃત્તિ, તમારી શક્તિ ને સામગ્રી તથા તમારા સમગ્ર ગૃહને એને માટે વાપરવાનો સંકલ્પ કરો. એવો સંકલ્પ કરીને બેસી જ ન રહેતા, એ સંકલ્પની સિદ્ધિ માટે ભરચક કોશિશ પણ કરતા રહેજો. તમારા પોતાના તેમજ તમારી સાથે સંકળાયેલા સૌના ધારણપોષણને માટે તમારે જે વ્યવસાય કરવા પડે છે તેને બાદ કરતાં, શેષ સમયમાં એ ધ્યેયની પ્રાપ્તિને માટેના પુરુષાર્થના કાર્યક્રમનો અમલ કરો. દુન્વયી વ્યવસાયોમાં રહીને પણ એ ધ્યેયને વિસ્મૃતિ ન થવા દો. તમારી લૌકિક પ્રવૃત્તિ એ ધ્યેયને ભૂલાવી ન દે અથવા તો એ ધ્યેયપ્રાપ્તિના જુસ્સા, ઉત્સાહ કે ભાવને મંદ પાડીને સદાને સારુ શાંત ન કરી દે તેનું ધ્યાન રાખો.

કોઈયે કારણે ને કોઈયે સંજોગોમાં તમારા જીવનધ્યેયની સંસ્મૃતિને છોડી ન દો. આ જીવન તમને શાને માટે મળ્યું છે, એ દ્વારા તમારે શું કરવાનું છે, તમે શાને માટે સંકલ્પ કર્યો છે, આજે તમે એ સંકલ્પસિદ્ધિની સૃષ્ટિમાં ક્યાં છો, તમારી વિશેષતાઓ તથા ક્ષતિઓ શાને આભારી છે, તેનો સદા વિચાર કરો. રોજ સવારે કે રાતે સૂતાં પહેલાં વિચાર કરો. અને એવી રીતે તમારી જાતનું પૃથક્કરણ કરીને તમારા આલોચક બનો. જીવનને ઉજ્જવળ કરવાની કળામાં એ ટેવ તમને લાભકારક થઈ પડશે, ને ક્રમે ક્રમે આગળ વધારશે. એ ટેવ તથા એને પરિણામે કરાતા પ્રામાણિક પ્રયાસને લીધે તમે તમારા જીવનના સફળ ને સાચા કળાકાર થઈ શકશો, એ નિર્વિવાદ છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

In prayer, it is better to have a heart without words than to have words without a heart.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.