Text Size

જીવતાંનું વધારે ધ્યાન રાખો

શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતી ક્રિયા એવો સામાન્ય અર્થ કરી શકાય. પરંતુ શ્રાદ્ધની ક્રિયા વધારે ભાગે જીવંત નહિ પરંતુ મૃત મનુષ્યોને માટે જ કરવામાં આવે છે, અથવા તો મૃત આત્માઓની સાથે જ સંબંધ રાખે છે, એટલે એ મરણોત્તર ક્રિયા છે અને શ્રદ્ધાપૂર્વક તો કરવામાં આવે જ છે, માટે શ્રાદ્ધ તરીકે ઓળખાય છે. મૃતાત્માની સદ્દગતિ માટે કે એને શાંતિ પહોંચાડવા સારુ એનો આધાર લેવાય છે. એવી સદ્દગતિ તથા શાંતિને માટે ભાગવતસપ્તાહ કરાવવાની પ્રથા તો છે જ: ભાગવતમાં પણ એનું સમર્થન કરવામાં આવ્યું છે: પરંતુ એની સાથે સાથે રામાયણમાં, મહાભારતમાં, ગીતામાં તથા ઉપનિષદમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે શ્રાદ્ધની પ્રથા એક પુરાતન પ્રથા છે એ વાત તો નક્કી છે. ઘણા જૂના વખતથી લોકહૃદયમાં એ એકધારો આદર પામતી ચાલી આવી છે. એ વાતની પ્રતીતિ પંચાંગમાં શ્રાદ્ધપક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે તેના પરથી સહેજે થઈ રહે છે.

મરણ પછી જે ક્રિયા કરવામાં આવે છે તે મૃતાત્માને પહોંચે છે ખરી ? તેથી મૃતાત્માને સદ્દગતિ કે શાંતિ મળી શકે છે ? એટલું તો સાચું છે કે સંકલ્પમાં ભારે શક્તિ છે. અને એથી પ્રેરાઈને જે ક્રિયા કરવામાં આવે છે તેમાં પણ ભારે બળ હોય છે. તે અવશ્ય ફળે છે. ખાસ કરીને શરીરધારી જીવાત્માઓને તો તેનો લાભ જલદી મળે છે. છતાં પણ શ્રાદ્ધના વિષયનો વિચાર એ દ્રષ્ટિએ કરવાને બદલે બીજી દ્રષ્ટિએ કરવા જેવો છે, અને તે દ્રષ્ટિ વધારે ઉપયોગી હોવાથી એ વિષયને આપણે બીજી રીતે ચર્ચીશું.

શ્રાદ્ધની ક્રિયામાં મોટે ભાગે ભોજનને જ મહત્વ આપવામાં આવે છે, અને શ્રાદ્ધનો સમસ્ત સાર એમાં જ સમાઈ જતો હોય એવું માનવા-મનાવવામાં આવે છે. પરંતુ એ પદ્ધતિ આપણે બદલવી પડશે. પ્રેતભોજનની ભારે ખર્ચાળ અને મધ્યમ તથા ગરીબ વર્ગની કરોડ ભાંગી નાખનારી કરુણ ક્રિયા તદ્દન બંધ કરવા જેવી છે તે તો ખરું જ, પરંતુ સાથે સાથે શ્રાદ્ધની પરંપરાગત ક્રિયાને નવું રૂપ આપવું પડશે. શ્રાદ્ધના દિવસે મૃતાત્માની શાંતિપૂર્વક વધારે સારી રીતે સ્મૃતિ કરી, તે સ્મૃતિમાંથી જીવનોપયોગી બોધપાઠ ગ્રહણ કરી, જીવનને વધારે સારો ને સુંદર ઘાટ આપવા તૈયાર થવું જોઈએ. એવે વખતે જીવનની વિશુદ્ધિને માટે કોઈ વ્રત લેવું જોઈએ, નક્કર કાર્યક્રમ ઘડી કાઢવો જોઈએ, અને બાકીના બધા જ દિવસોમાં એને વફાદાર રહેવું જોઈએ. મૃતાત્માની એવી પ્રાણપ્રદાયક શક્તિસંચારક સ્મૃતિ કાયમની બની જવી જોઈએ અથવા તદ્દન સ્વાભાવિક થવી જોઈએ. એ ઉપરાંત શ્રાદ્ધના અવસર પર બધું જ ધ્યાન ભોજન કરવા-કરાવવા તરફ આપવાને બદલે, એને એમાં જ શ્રાદ્ધકર્મની ઈતિકર્તવ્યતા સમજવાને બદલે, એ કર્મનો આધાર લઈ અને એને નિમિત્તરૂપ બનાવી, જુદીજુદી રીતે બીજાની સેવા કરવા તૈયાર થવું જોઈએ. એવી સેવામાં કેટલીય લોકોપયોગી પ્રવૃત્તિઓનો સમાવેશ કરી શકાય છે. વિદ્યાર્થીઓને, ગરીબોને, વિધવાઓને મદદ કરવી, પરબ બંધાવવી, તથા સ્કૂલ, ધર્મશાળા તથા દવાખાના જેવી સંસ્થાઓમાં સહાય કરવી, એવી બધી પ્રવૃત્તિઓ એના ઉદાહરણરૂપ છે. મતલબ કે શ્રાદ્ધને નિમિત્તરૂપ બનાવીને માણસે પોતાના ગજા પ્રમાણે બીજાને મદદરૂપ થવાનો પ્રયાસ કરવો જોઈએ.

ખરી રીતે જોઈએ તો સેવા માણસને માટે રોજ-બ-રોજની સ્વાભાવિક ક્રિયા બની જવી જોઈએ. એના અનુષ્ઠાનને માટે શ્રાદ્ધ જેવા કોઈ વિશિષ્ઠ પ્રસંગની પ્રતીક્ષા કરવાની ના હોય. જીવનની પ્રત્યેક પળ તથા ક્રિયાપ્રક્રિયા એને માટે શ્રાદ્ધરૂપ અથવા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતા સત્કર્મરૂપ બની જવી જોઈએ. શ્રાદ્ધપક્ષમાં જ સત્કર્મ કરી શકાય એમ માનીને એણે શ્રાદ્ધપક્ષ સુધી બેસી રહેવું ના જોઈએ. છતાં પણ કેટલાક લોકો એવા હોય છે જે પુણ્ય, દાન, ધર્મ કે સત્કર્મને માટે કોઈક નિમિત્તની આશા રાખે છે. કોઈ નિમિત્ત કે અવસર આવે ત્યારે જ તે વધારે વિશાળ, ઉદાર કે સેવાપરાયણ બની શકે છે. એવા લોકોને માટે પણ શ્રાદ્ધનું મહત્વ ઓછું નથી. કોઈ પણ દિવસે કોઈને કશું જ ના આપનાર માણસ પણ શ્રાદ્ધને દિવસે, ભલે ગમે તેવા વિચારથી પ્રેરાઈને પણ, બ્રહ્મભોજન કરાવે છે તથા વસ્ત્રાદિનું દાન દે છે. એવી રીતે એને યાદ કરાવામાં આવે છે કે એણે પણ ઓછેવત્તે અંશે, યથાશક્તિ, મદદરૂપ થવાનું છે. એ રીતે વિચારતાં શ્રાદ્ધનું મહત્વ ધાર્યા કરતાં ઘણું મોટું છે.

એક બીજી વિશેષ વાત પણ વિચારવા જેવી છે. માણસો મરેલાંને સદ્દગતિ ને શાંતિ આપવા સારુ શ્રાદ્ધ કરે છે, પણ જીવતાં માણસો પ્રત્યે કેવો વ્યવહાર કરે છે ? એમની ગતિ તથા શાંતિ અને એમના આત્માના સંતોષ માટે જે કાંઈ કરવું ઘટે એ બધું એ કરે છે ખરા કે ? બધા માણસો એવા કામો કરે જ છે એવું નહિ કહી શકાય. માતા, પિતા, પતિપત્ની કે ભાઈબેન જીવતાં હોય ત્યારે તેમની સાથે ભાગ્યે જ સારો સંબંધ રાખવામાં આવે છે. કેટલીક વાર તો એમને સારાં, પૂરતાં વસ્ત્રો ને સારો ખોરાક પણ નથી આપવામાં આવતો. એમની સામે બોલવામાં આવે છે, એમની મર્યાદાનું પાલન નથી થતું, અને એમના જીવનને ક્લેશમય કરવામાં ભાગ લેવાય છે. પરંતુ એ મરે છે પછી એમની પાછળ ચોરાશી થાય છે, ભોજન કરાવાય છે, ને વસ્ત્રો વહેંચાય છે. એવાં શ્રાદ્ધ ક્યાં લગી પહોંચે ને કોનો ઉદ્ધાર કરે ? મરેલાંનો કે જીવતાંનો કોઈનોય નહિ. મૃતાત્માની પાછળ શ્રાદ્ધ થાય તે ભલે, પરંતુ જીવતાંનું વધારે ધ્યાન રાખવાની અને એમની સાથે સારા સંબંધો પ્રસ્થાપિત કરીને એમના આત્માને સુખ, શાંતિ અથવા આનંદ આપવાની અને એને માટે પ્રામાણિક પ્રયાસ કરવાની આપણી પહેલી ફરજ છે. એમની ગતિ જીવનમાં જ થાય અને એમનું જીવન સુખમય રીતે પસાર થાય તે માટે બનતું બધું જ કરી છૂટીએ તો મરણોત્તર ક્રિયાની જરૂર ભાગ્યે જ રહે. પરંતુ આજે તો ઊંધી ગાડી ચાલે છે. જીવતાંની ઉપેક્ષા થાય છે, એમની પ્રત્યે ઉદાસીનતા સેવાય છે, એમનું જોઈએ તેટલું ધ્યાન નથી રખાતું, અને તે મરે પછી લોકલાજથી પ્રેરાઈને, લોકોમાં યશસ્વી થવા, કે ગમે તે કારણે, તેમની પાછળ ભાતભાતની ક્રિયાઓ કરવામાં આવે છે. શ્રાદ્ધની ક્રિયા એવી રીતે યાંત્રિક, પરંપરાગત કે નિર્જીવ બની ગઈ છે. એના પ્રવાહને પલટાવીએ અને એના રહસ્યને સમજીને એને વધારે ને વધારે સજીવ, સારવાહી કે જીવનોપયોગી બનાવીએ તો જ તેમાંથી મદદ મળી શકે. જીવનવ્યવહારને જીવન દરમિયાન જ ઉત્તમ બનાવવાની એ વાત ખાસ યાદ રાખવાની છે.

- શ્રી યોગેશ્વરજી

Comments  

+1 #1 Dr.Tulsidas Kanani 2012-03-03 07:29
Jivanma ghanu sikhva aney yad rakhava jevu gnan,the best web site.

Today's Quote

The real voyage of discovery consists not in seeking new landscapes, but in having new eyes.
-Marcel Proust

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok