Text Size

Asana (આસન)

ધનુરાસન (Bow Pose)

ધનુર્ એટલે ધનુષ્ય. આ આસનમાં શરીર અને ઉરૂ ધનુષનો અને સામાસામા ખેંચાયેલ હાથપગ પણછ ખેંચેલ દોરીનો દેખાવ આપે છે. સરવાળે આ આસનમાં શરીરનો આકાર ધનુષ્યના જેવો થતો હોવાથી આ આસનને ધનુરાસન કહેવામાં આવે છે.  હઠયોગ પ્રદીપિકામાં ધનુરાસન વિશે આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

अथ धनुरासनम् ।
प्रसार्य्य पादौ भुवि दण्डरूपौ करौ च पृष्ठे धृतपादयुग्मम् ।
कृत्वा धनुस्तुल्यपरिवर्त्तिताङ्गं निगद्य योगी धनुरासनं तत् ॥१८॥
dhanurasana
આસનની રીત
 • સૌ પ્રથમ જમીન પર ઊંધા સૂઈ જાઓ. બંને પગ ભેગા રાખી લંબાયેલ રાખો.
 • હવે પગને ઢીંચણમાંથી વાળીને પાનીઓ નિતંબ પ્રદેશ ઉપર આવે તેમ રાખો. પગની ઘૂંટીઓને તે તે બાજુના હાથથી પકડો. એટલે કે ડાબા હાથે ડાબા પગનું કાંડુ અને જમણા હાથે જમણા પગનું કાંડુ પકડો.
 • હવે બંને હાથની મજબૂત પકડ રાખી બંને પગ ખેંચો અને સાથે સાથે આગળથી ધડને નાભિ સુધી ઊંચું કરી શરીરને ધનુષ્યાકાર કરો. માથું પાછળ ઝુકાવી આકાશ તરફ જુઓ.
 • આ સમયે નાભિની ઉપર અને નીચેનો માત્ર ચાર આંગળ જેટલો શરીરનો ભાગ જ જમીન પર અડકેલો હશે. ઉરુ અને પેટના બીજા ભાગ જમીનથી અધ્ધર હશે. અને બંને પગ માથું ને બરડો એક રેખામાં હશે એટલે કે વળેલા કે વાંકા નહીં હોય.
 • પાંચ-સાત સેકંડથી શરૂ કરી ત્રીસેક સેકંડ સુધી આસન સ્થિર રાખી પછી ઉલટા ક્રમથી આસન છોડવું.
 • આ આસનમાં વધારે સમય સ્થિર રહેવા કરતાં તેના આવર્તનો કરવા હિતાવહ છે.
 • આસન દરમ્યાન શ્વાસની ગતિ સ્વાભાવિક રીતે ચાલવા દેવી.
આસનના ફાયદાઃ
 • ધનુરાસનમાં ભુજંગાસન અને શલભાસનનો સુમેળ સધાયો છે. એથી એ બંને આસનમાં મળતા લાભો ધનુરાસનમાં મળે છે, અલબત્ત થોડા ઓછા પ્રમાણમાં. ધનુરાસનમાં હાથપગને સામસામા ખેંચવાથી પીઠનો વળાંક સર્જાય છે. ભુજંગાસનની જેમ એમાં દબાણ કરોડરજ્જુના એક એક મણકા પર પસાર થઈ માત્ર પીઠની માંસપેશીઓને આધારે રહેતું નથી. વળી ભુજંગાસન અને શલભાસનની જેમ અહીં કુંભક પણ કરવાનો હોતો નથી. એથી આ આસન એ બંને આસનો જેટલી અસર ઉપજાવતું નથી છતાં પોતાની રીતે અસરકારક નીવડે છે.
 • ધનુરાસનમાં પેટની ઉપરના અવયવો ઉંચકાઈને એનું બધું જ દબાણ ઉદર પ્રદેશ પર આવવાથી Intra abdominal pressure વધે છે.
 • ઉરુ, પેટ અને છાતી એક સાથે પાછળ ખેંચાવાથી Recti Muscles ખેંચાય છે. વિશેષમાં હાથથી પગની ઘૂંટીઓને પકડવાથી ઉરોગુહામાં જગ્યા વધે છે અને ફેફસાંને ફુલવાનો પૂરો અવકાશ મળે છે. એથી ફેફસાં મજબૂત બને છે અને હાથ તથા છાતીના સ્નાયુઓ સુદૃઢ બને છે.
 • ધનુરાસન કરવાથી પેટના સ્નાયુઓ તથા જાંઘના સાંધા વાળનાર સાથળના સ્નાયુઓ સબળ થાય છે. આંતરડામાં પાચક રસોનો સ્ત્રાવ થવાથી જઠરાગ્નિ ઉદીપ્ત થાય છે. મંદાગ્નિ, કબજિયાત, અજીર્ણ જેવા ઉદરના વ્યાધિઓ દૂર થાય છે.
 • કરોડરજ્જુને વ્યાયામ મળવાથી એ સ્થિતિસ્થાપક થાય છે. પીઠની માંસપેશીઓ પર માલિશ જેવી અસર થાય છે.
 • ધનુરાસન કરવાથી જ્ઞાનતંતુઓ પુષ્ટ થાય છે. સંધીવા Rheumatism મટે છે. પેટ ઉપરની વધારે પડતી ચરબી દૂર થાય છે. જમ્યા પછી થતા પેટના દુખાવા માટે ભુજંગાસન, શલભાસન અને ધનુરાસન અકસીર છે.
 • બહેનો માટે પણ ધનુરાસન ખુબ લાભદાયી છે. અગાઉ જણાવ્યા પ્રમાણે ભુજંગાસન અને શલભાસનથી મળતા બધા જ લાભો ધનુરાસનથી પણ મળી રહે છે.
સાવધાની
 • અંતિમ સ્થિતિએ પહોંચવા માટે આંચકો મારીને જોર ન કરવું. ક્રમશઃ કરોડની કમાન વાળવી. બળજબરી કરવાથી અક્કડ માંસપેશીઓ તણાઈ જવાનો અથવા સાંધામાં દુખાવો થઈ જવાનો સંભવ છે.
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok