Text Size

Asana (આસન)

વજ્રાસન (Diamond Pose)

વજ્રાસન
આ આસનમાં બંને જાંઘોને વજ્રાકારે ગોઠવવામાં આવે છે તેથી આ આસનને વજ્રાસન એવું નામ આપવામાં આવ્યું છે. ઘેરંડ સંહિતમાં વજ્રાસન વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

अथ वज्रासनम् ।
जङ्घाभ्यां वज्रवत्कृत्वा गुदपार्श्वे पदावुभौ ।
वज्रासनं भवेदेतद्योगिनां सिद्धिदायकम् ॥१२॥

આસનની રીતvajrasana
 • બંને પગને આગળ સીધા લંબાવી બેસો.
 • હવે ડાબા પગને ઢીંચણમાંથી વાળીને જમણા પગની જાંઘ પાસે ઊભો મૂકો. પછી ડાબા હાથથી ડાબા પગની ઘૂંટીને પકડી પગને પાછળ લઈ જાવ. આ સમયે પગનો અંગૂઠો ખેંચેલો રાખો. આમ કરવાથી ડાબો ઢીંચણ જમીનને અડશે અને એડી થાપાની બાજુમાં રહેશે. આ જ પ્રમાણે જમણા પગને પણ વાળીને પાછળ લઈ જાવ.
 • હાથના પંજા ઢીંચણ પર ઊંધા મૂકો અને દૃષ્ટિ સામે સ્થિર રાખો. આસનની અવસ્થામાં મસ્તક, કરોડ અને કમરને ટટ્ટાર રાખો. આમ આસન પૂરું થયું.
આસનના લાભ
 • આ આસનથી શરીરનો મધ્ય ભાગ સીધો રહે છે અને શ્વાસોશ્વાસ નિયમિત ચાલે છે. આસનમાં થોડા સમય બેઠા પછી શ્વાસની ગતિ મંદ પડે છે.
 • આ આસનની સિદ્ધિ થવાથી દૃષ્ટિની સ્થિરતા થતાં તેજોદર્શન થાય છે.
 • શરીરને કષ્ટ આપ્યા વગર  સ્થિરતાથી આ આસનમાં લાંબો સમય સુધી બેસી શકાય છે. આથી ચિત્તની વૃત્તિ અનાયાસ સ્થિર બને છે.
 • લોહી યોગ્ય રીતે ફરવાથી શરીર નીરોગી રહે છે. જમ્યા પછી અડધો કલાકે આ આસનમાં બેસવાથી ઉદરનો વાયુ નાશ પામે છે. પાચન શક્તિ વધે છે અને અજીર્ણ દૂર થાય છે.
 • વજ્રનાડી વીર્યધરા નાડી છે, જે આ આસનથી દૃઢ બને છે. વીર્યની ગતિ ઉર્ધ્વ થવાથી શરીર વજ્ર જેવું મજબૂત અને નિરોગી બને છે. અંડકોષોને પોષણ આપતી નાડીઓના ખેંચાણથી અંડકોષોનો અંતઃસ્ત્રાવ સીધો રુધિરમાં ભળી સર્વ અંગમાં ફરે છે.
 • આ આસન ધ્યાનને માટે અત્યંત ઉપયોગી છે. જેઓને પદ્માસન કરવામાં તકલીફ પડતી હોય કે તેમાં લાંબો સમય બેસવામાં મુશ્કેલી પડતી હોય તેઓ આ આસનમાં લાંબો સમય બેસી શકે છે.
સુપ્ત વજ્રાસન
સુપ્ત વજ્રાસન એ વજ્રાસનનો એક વિશેષ પ્રકાર છે. સુપ્ત નો અર્થ સૂઈને અથવા તો સૂતા સૂતા થાય છે.

આસનની રીતsupta-vajrasana
 • વજ્રાસનમાં બેઠા પછી કોણી સુધીના હાથને જમીન ઉપર બાજુમાં મૂકીને એના પર શરીરનું સઘળું વજન ટેકવો. પછી હાથને પાછળ લેતા જઈ પીઠ પર સૂઈ જાવ. આ સમયે પીઠ કમાનની માફક વળેલી હશે અને ઘણે ભાગે જમીનને અડકતી હશે. હાથની હથેળી સાથળ પર હશે.
 • આ સ્થિતિમાં ત્રીસ સેકંડથી ધીમે ધીમે અભ્યાસ થતાં દસેક મિનીટ સુધી રહી શકાય. આસનને છોડવા માટે ઉલટા ક્રમમાં હાથનો ટેકો લઈ બેઠા થવું અને પછી પગને છૂટા કરી મૂળ સ્થિતિમાં લાવવા.
આસનના ફાયદા
 • આ આસનથી પેટના સ્નાયુઓ Recti Muscles સંપૂર્ણપણે ખેંચાય છે. અને ઉદરના અવયવો સચેતન થાય છે. આંતરડામાં રહેલ પદાર્થોની ગતિ થાય છે.
 • આ આસન કરવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. પાચનશક્તિ વધે છે અને કબજિયાત, અજીર્ણ વગેરે રોગો નાબૂદ થાય છે.
 • સુપ્ત વજ્રાસન કરવાથી કરોડને કસરત મળે છે, માલિશ થાય છે. એથી કરોડરજ્જુને લગતા દુખાવા કે અન્ય બિમારીઓનો અંત આવે છે.
 • વજ્રાસન અને સુપ્ત વજ્રાસન બંનેથી પગના સ્નાયુઓ અને નાડીઓ સુદૃઢ થાય છે. એથી પગના અને ઢીંચણના દુખાવા માટે આ આસન અકસીર છે.
 • રાંજણ Sciatica ના દર્દમાં આ આસન લાભકર્તા નીવડે છે.
સાવધાની
 • અક્કડ સાંધાઓ વાળા તથા સાંધાના દર્દને લીધે સામાન્ય હલનચલનમાં મુશ્કેલી અનુભવતા હોય તેવા વ્યક્તિઓએ આ આસન વિશેષજ્ઞની સલાહ વિના કરવું નહીં. જેમના સાંધાઓ joints સામાન્ય હોય તેઓએ જ આ આસન કરવું.
 • સુપ્ત વજ્રાસન કરતી વખતે શરીરનું બધું વજન હાથ પર મુકી પાછળ જવાનું હોય છે. હાથ પર વજન મુકી પાછળ જતી વખતે આંચકા ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. નહિતર કરોડ અને ઘુંટીના સ્નાયુઓ પર દબાણ આવવાથી નુકસાન થવાનો સંભવ રહે છે.
 • જેમને ગેસની ખૂબ તકલીફ હોય અને જેમના ઘૂંટણમાં દર્દ થતું હોય તેવા વ્યક્તિઓએ આ આસન કરવાથી દૂર રહેવું.
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok