Text Size

Asana (આસન)

મયૂરાસન (peacock pose)

આ આસનમાં શરીરનો આકાર મોર જેવો થાય છે એથી આ આસનને મયૂરાસન કહેવામાં આવે છે.

હઠયોગ પ્રદીપિકામાં મયૂરાસન વિશે આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
धरामवष्टभ्यः करद्वयेन तत्कूर्परस्थापितनाभिपार्श्वः ।
उच्चासनो दण्डवदुत्थितः खे मायूरमेतत्प्रवदन्ति पीठम् ॥३२॥

mayurasana
આસનની રીત

 • પ્રથમ બંને ઘૂંટણો વચ્ચે અંતર રાખી ઘૂંટણો પર બેસો. કોણીઓ સુધીના હાથને ભેગા રાખી, આંગળા પગ તરફ રહે એમ હાથના પંજા જમીન પર ટેકવો.
 • સમતોલન જાળવવા માટે હાથના આંગળા પક્ષીઓને પગની માફક પહોળા પ્રસરેલા રાખો. હાથને અક્કડ સ્થિર કરો. હાથને સહેજ વાળી નાભિની બંને બાજુએ કોણીને ભરાવી એમના પર શરીરનો ભાર ટેકવો. પગને પાછળ સીધા લંબાવો.
 • આ સ્થિતિમાં બે-ચાર સેકંડ રહ્યા પછી છાતી અને મોંના ભાગને જરા આગળ નમાવો. આ સમયે શરીરનું સમતુલન બિંદુ પાછળ જશે અને એક સમયે પૂર્ણ સમતુલનમાં રહે તે રીતે પગને જમીનથી અધ્ધર ઊંચકી લો.
 • આ સમયે પગ માથાની સીધી લીટીમાં અધ્ધર થશે અને આખું શરીર એક લાકડીની માફક સીધું અને જમીનથી સમાંતર અધ્ધર થશે. માત્ર બે પંજાનો આધાર જમીન પર રહેશે.
 • આ સ્થિતિમાં જેટલું રહેવાય તેટલું રહો. સામાન્ય રીતે ચાર-પાંચ સેકંડથી માંડી અભ્યાસ વધતાં એકાદ મિનીટ સુધી આ અવસ્થામાં રહી શકાશે.
 • પછીથી ધીરેથી પગને નીચે લાવી અંગુઠા જમીન પર ટેકવો. મોંના ભાગ પર લોહીનો પ્રવાહ જતો હોવાથી થોડો સમય ઊંધા સૂઈ રહો.

આસનના લાભ

 • મયૂરાસનના ગુણો વિશે હઠયોગ પ્રદીપિકા ગ્રંથમાં આ પ્રમાણે ઉલ્લેખ છે.
  हरति सकलरोगानाशु गुल्मोदरादीनभिभवति च दोषानासनं श्रीमयूरम् ।
  बहु कदशनभुक्तं भस्म कुर्यादशेषं जनयति जठराग्निं जारयेत्कालकूटम् ॥३३॥
 • મયૂરાસનથી ગુલ્મ, જલોદર વગેરે રોગો દૂર થાય છે. વાત, પિત્ત, કફ અને આળસ વગેરે દોષોનો પરાભવ થાય છે. વધારે પ્રમાણમાં લેવાયેલ ખોરાક અને હલકા પ્રકારનો કુત્સિત આહાર - બંનેને સંપૂર્ણ પણે પચાવી ભસ્મ કરી નાખે છે. જઠરાગ્નિ એટલો પ્રદીપ્ત કરે છે કે કાલકૂટ ઝેર પણ પચી જાય.
 • મયૂરાસન પેટના દર્દો માટે ખૂબ ઉપયોગી છે.
 • ડૂંટીની બંને બાજુ મૂત્રપિંડની ઉપર આવેલી એડ્રીનલ ગ્રંથિઓ આ આસન કરતાં દબાય છે. ઉપરાંત હૃદયની ગતિ વધવાથી રક્તાભિસરણ ઝડપથી થાય છે. એથી શુદ્ધ લોહી શરીરના કોષોમાં ફરી વળે છે.
 • આ કારણથી પેટ તરફ શુદ્ધ લોહી લઈ જતી મુખ્ય ધમની વડે પાચક રસો ઉત્તેજિત થાય છે. વળી Intra abdominal pressure વધવાથી ભૂખ ઉઘડે છે અને ખોરાક જલ્દી પચે છે. કબજિયાત દૂર થાય છે. Chronic Gastrites મટે છે.
 • મયૂરાસનથી ડાયાબીટીસ અને પાઈલ્સની બિમારીમાં લાભ થાય છે. વધી ગયેલ બરોળ, કલેજુ, મૂત્રપિંડ નીરોગી અને સુદૃઢ થાય છે. જઠર અને લીવરની સર્વ ફરિયાદોમાં રાહત મળે છે.
 • પેન્ક્રીઆસ પર દબાણ આવવાથી તેનો રસ વધુ ઝરે છે. એથી પાચન સારું થાય છે. કફ પ્રકૃતિવાળાઓએ આ આસન ખાસ કરવા જેવું છે.
 • મયૂરાસનથી ફેફસાં સુદૃઢ બને છે. મૂળબંધ પર કાબૂ આવે છે. જેથી મળ, મૂત્ર અને શુક્રની ગતિ યોગ્ય રીતે થાય છે અને જાતીય નબળાઈઓ દૂર થાય છે.
 • મયૂરાસનથી આળસ ગાયબ થાય છે અને સ્ફૂર્તિનો સ્ત્રોત સાંપડે છે. આ આસન કુંડલિની શક્તિ જાગ્રત કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
 • બસ્તિ ક્રિયા કર્યા પછી આ આસન કરવું અત્યંત લાભદાયી છે કારણ કે તેથી આંતરડામાં રહેલું વધારાનું પાણી અને વાયુ બહાર આવી જાય છે.
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok