Text Size

11. એકાદશ સ્કંધ

દત્તાત્રેયનાં ચોવીસ ગુરૂ - 4

માછલીના સંબંધમાં શું બને છે ? એને પકડનારા હરિદ્વાર, ઋષિકેશના પવિત્ર ગંગાતટ પર પણ પહોંચી જાય છે. ત્યાંના લોકો એમને માછલી પકડતાં અટકાવે તો પણ એમનું માન્યા વગર એ એમના કામમાં મશગુલ રહે છે. એ કેટલીકવાર માછલીને કળાપૂર્વક પકડતાં હોય છે. કાંટામાં લગાડેલા માંસ પીંડથી આકર્ષાઇને માછલી એને ખાવાનો પ્રયાસ કરીને નાશ પામે છે તેવી રીતે જીભના આસ્વાદમાં આસક્ત બનનારો મનુષ્ય પણ આખરે અશાંત અને બરબાદ બને છે. સાધકે સ્વાદજયની સાધનામાં સફળ બનવું જોઇએ. કેટલાક લોકો પોતાના પ્રિય ખાદ્યપદાર્થને દિવસો સુધી નથી ખાતા અને એક દિવસ એની ઉપર અકરાંતિયાની જેમ તૂટી પડે છે તેથી સ્વાદજય નથી થતો. કેટલાક સાધુઓ પદાર્થોને ભેગા કરીને ખાવાની ટેવ પાડે છે પરંતુ એને લીધે પણ એક પ્રકારનો નવો સ્વાદ પેદા થાય છે. એટલે એ સંબંધમાં ખૂબ જ સાવધાન રહીને જીભને વશ કરવી જોઇએ. ભગવાન દત્તાત્રેય તો ત્યાં સુધી કહે છે કે ‘બીજી બધી જ ઇન્દ્રિયો પર વિજય મેળવવા છતાં પણ માનવ જ્યાં સુધી રસનેન્દ્રિયને વશ નથી કરતો ત્યાં સુધી જીતેન્દ્રિય નથી બની શકતો. રસનેન્દ્રિયને વશ કરવાથી બીજી બધી જ ઇન્દ્રિયો વશ થઇ જાય છે.’

0                                               0                                         0

પોતાના એ અદ્દભુત અનુભવના અનુસંધાનમાં ભગવાન દત્તાત્રેય આગળ કહે છે :

पिंगला नाम वेश्याङङसीद् विदेहनगरे पुरा ।
तस्या मे शिक्षितं किचिन्निबोध नृपनंदन ॥

(અધ્યાય ૮, શ્લોક રર)

‘નૃપનંદન ! કેટલાક કાળ પહેલાં વિદેહનગરી મિથિલામાં પિંગલા નામની એક વેશ્યા રહેતી હતી. એની પાસેથી મને જે કાંઇક શીખવાનું મળ્યું છે તે જણાવું. તમે તેને ધ્યાનપૂર્વક સાંભળો :

પિંગલાની એ કથા જાણવા જેવી તથા પ્રેરક છે. પિંગલા અતિશય રૂપવતી, સ્વેચ્છાચારિણી તથા ધનવૈભવની લોભી હતી. એને પોતાના અસાધારણ સૌન્દર્યનું ગુમાન તો હતું જ, સાથે સાથે એની વિષયવાસનાનો પણ અંત ન હતો. એને લીધે એ અહર્નિશ અશાંત અને અતૃપ્ત રહેતી. વિષયોપભોગ એના અંતરાત્માને શાંતિ નહોતો આપી શક્તો.

એક વાર રાત્રીનો રમણીય શાંત સરસ સમય હતો. એ સર્વોત્તમ શૃંગાર તથા વસ્ત્રાભૂષણથી આભૂષિત બનીને કોઇક પુરુષને આકર્ષવાની અને પોતાના આવાસમાં લાવવાની આકાંક્ષાથી ઘરના બહારના દ્વાર પર અત્યંત આતુરતાપૂર્વક ઊભી રહી. એના અંતરમાં ધનની લાલસા ઉછાળા મારી રહેલી. એને એક વિપળનો પણ વિશ્રામ ન હતો, રસ્તા પરથી પસાર થતા પુરુષોને જોઇને એને લાગતું કે આ પુરુષો મારાથી મોહિત થઇને મારી પાસે જ આવી રહ્યા છે પરંતુ એની ભાવનાનુસાર કશું ના થતાં એ દુઃખી થતી. કોઇવાર એ એના એ આકર્ષક આવાસની અંદર જતી તો કોઇવાર બહાર નીકળતી. એવી રીતે પરપુરુષની પ્રતીક્ષા કરતાં મધ્યરાત્રીનો વખત વીતી ગયો ત્યારે એના મનમાં એકાએક વૈરાગ્યનો ઉદય થયો. વૈરાગ્ય સદાને સારુ સુખકારક અને શાંતિદાયક છે. એ વૈરાગ્યની અસર નીચે આવીને પિંગલાને થયું કે મોહાધીન તેમજ વિષયાંધ બનીને હું મારા જીવનના બહુમૂલ્ય સમયને બરબાદ કરી રહી છું. એ કેટલા બધા દુઃખની વાત છે ? મારા અંતરના અંતરતમમાં મારા સાચા સ્વામી પરબ્રહ્મ પરમાત્મા વિરાજમાન હોવા છતાં એમને છોડીને હું તુચ્છ દુન્યવી પુરુષોનું સેવન કરું છું એ મારી મૂર્ખતા નથી તો બીજું શું છે ? વેશ્યાવૃત્તિનો આશ્રય લઇને મેં મારા જીવનને બરબાદ કરી નાખ્યું, અનિત્ય સુખોપભોગની પાછળ આંધળી દોટ મૂકી, એ કેટલું બધું દુઃખદ છે ?

सुहृत् प्रेष्ठतमो नाथ आत्मा चायं शरीरिणाम् ।
तम विक्रीयात्मनैवाहं रमेङनेन यथा रमा ॥

(અધ્યાય ૮, શ્લોક 3પ)

‘મારા હૃદયમાં વિરાજમાન પ્રભુ સમસ્ત પ્રાણીઓના હિતૈષી, સુહૃદ, પ્રિયતમ, સ્વામી અને આત્મા છે. હવે એમને સમર્પિત થઇ, મારા કરીને એમની સાથે લક્ષ્મીની પેઠે વિહાર કરીશ.’

नूनं मे भगवान् प्रीतो विष्णुः केनापि कर्मणा ।
निर्वेदोङयं दुराशया यन्मे जातः सुखावहः ॥ (શ્લોક 3૭)

‘ખરેખર, મારા કોઇક સુંદર શ્રેષ્ઠ શુભ કર્મને લીધે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થયા છે એટલે તો મારી આશા ના ફળવાથી મને આવો વૈરાગ્ય થયો છે. મારો આ વૈરાગ્ય સુખદાયક થઇ પડશે.’

ભગવાનના અસાધારણ અનુગ્રહને યાદ કરીને એમના ચરણમાં મસ્તક નમાવું છું અને એમનું શરણ લઉં છું.

જીવ જગતના કૂપમાં પડેલો છે. વિષયોએ એને આંધળો બનાવી દીધો છે. કાળરૂપી અજગરે એને મોંમા દબાવી રાખ્યો છે. ભગવાન સિવાય એની રક્ષા બીજું કોણ કરી શકે તેમ છે ?

અને એ પછી આવે છે પિંગલાના સંબંધમાં નીકળેલા એ મહાન ઉદ્દગારો :

आशा हि परमं दुःखं नैराश्य परमं सुखम् ।
यथा संछिद्य कान्ताशां सुखं सुष्वाप पिंगला ॥ (શ્લોક ૪૪)

‘ખરેખર આશા જ સૌથી મોટું દુઃખ છે અને લૌકિક પદાર્થોની કે વિષયોની લાલસા કે આશા ના રાખવી એ સૌથી મોટું સુખ છે. પિંગલા પરપુરુષની ઇચ્છાનો પરિત્યાગ કરીને જ સુખપૂર્વક સુઇ શકી.’

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok