Text Size

11. એકાદશ સ્કંધ

દત્તાત્રેયનાં ચોવીસ ગુરૂ - 5

ભગવાન દત્તાત્રેયે એકવાર પોતાના પ્રવાસ દરમિયાન એક સમડીને જોઇ. એના મુખમાં માંસનો ટૂકડો હતો. એને જોઇને માંસની લાલસાથી પ્રેરાઇને બીજાં બળવાન પક્ષીઓ એની પાછળ પડ્યાં. એને ઘેરી લઇને એ બધાં ચાંચ મારવા માંડ્યા. સમડીએ છેવટે મોંમાંથી માંસનો ટુકડો નાખી દીધો ત્યારે જ બીજાં પક્ષીઓએ એનો ત્યાગ કર્યો અને એને શાંતિ મળી. એ દેખીને દત્તાત્રેય ભગવાને મનોમન પ્રેરણા પ્રાપ્ત કરતાં કહ્યું કે ‘મનુષ્યો પોતાને પ્રિય લાગતા પદાર્થોમાં પ્રીતિ અથવા આસક્તિ કરીને એમનો સંગ્રહ કરે છે. એથી બેચેન બને છે, અશાંતિ અનુભવે છે ને દુઃખી થાય છે. એવું સમજીને જે સ્થૂળ તથા સૂક્ષ્મ સર્વપ્રકારના પરિગ્રહનો પરિત્યાગ કરે છે અથવા અકિંચનભાવે રહે છે તે સનાતન સુખસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ કરી લઇને કૃતાર્થ બને છે.’ આ રહ્યો એ ભાવોની અભિવ્યક્તિ કરતો અમર સરસ શ્લોક:

परिग्रहो हे दुःखाय यद्द यत् प्रियतमं नृणाम् ।
अनंत सुखमाप्नोति तद्द विद्वान् यस्त्वकिंचनः ॥
(અધ્યાય ૯, શ્લોક ૧)

*

ભગવાન દત્તાત્રેય રાજા યદુને જણાવે છે કે બાળક પાસેથી મને સરળ, નિર્દોષ, નિષ્કપટ થવાનો સંદેશ સાંપડ્યો છે. સંસારમાં ચિંતા તથા શોકને છોડીને આનંદપૂર્વક કોણ રહી શકે ? એક તો બાળક અને બીજો સ્થિતપ્રજ્ઞ પરમ પવિત્ર ગુણાતીત પુરુષ. મને માનાપમાનનું ધ્યાન નથી ને પારિવારિક જીવનવાળાને થતી ચિંતામાંથી પણ સર્વપ્રકારે મુક્તિ મળી છે. હું આત્મક્રીડ બનીને આત્મામાંથી જ આનંદ મેળવું છું.

*

એક કુમારી કન્યાને પણ દત્તાત્રેયે ગુરુ માની છે. એની વાત કરતાં એ કહે છે કે એ કુમારીને ત્યાં એને જોવા ને પસંદ કરવા કેટલાક લોકો આવેલા. ઘરના માણસો એ દિવસે ક્યાંક બહાર ગયેલા. એટલે એણે પોતે જ એમનો સત્કાર કર્યો. એમના ભોજનની પૂર્વ તૈયારીરૂપે એ ઘરમાં એકાંતમાં ચોખા ખાંડવા લાગી. એ વખતે એના હાથની બંગડીઓનો અવાજ આવવા માંડ્યો. એથી પોતાની ને પોતાના ઘરની દીનતા દેખાઇ આવશે એવું સમજીને એણે બધી બંગડીઓ કાઢી નાખીને બે જ બંગડીઓ રહેવા દીધી. પરંતુ તો પણ અવાજ થવા માંડ્યો એટલે એણે એકેક બંગડી જ રહેવા દીધી. એ દૃશ્યને જોઇને એણે વિચાર્યું કે ઘણા લોકો એક સાથે રહે છે ત્યારે ક્લેહ થાય છે ને બે જણા સાથે રહે છે ત્યારે પણ વાતચીત જેવી પ્રવૃત્તિ થતી રહે છે માટે આત્મવિકાસની સાધનાની અભિરુચિવાળા પુરુષે સદા એકલા જ રહેવું જોઇએ.

वासे बहूनां कलहो भवेद्द वार्ता द्वयोरपि ।
एक एव चरेत् तस्मात् कुमार्या इव कंकणः ॥ (શ્લોક ૧0)

*

એક બાણ બનાવનારો માણસ બાણ બનાવવામાં એટલે બધો તન્મય થઇ ગયેલો કે એની પાસેથી વાજતેગાજતે કોઇક રાજાની સવારી નીકળી તો પણ એને એની ખબર ના રહી. દત્તાત્રેયની સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિ એનું દર્શન કરવાનું અને એમાંથી સંદેશ ગ્રહણ કરવાનું કેવી રીતે ચૂકે ? એમણે સંદેશ ગ્રહણ કર્યો કે સાધના આવી જ એકાગ્રતાપૂર્વક કરવી જોઇએ. આસન અને પ્રાણાયામને સિદ્ધ કરીને અભ્યાસ તેમજ વૈરાગ્ય દ્વારા મનનો સંયમ સાધીને ખૂબ જ સાવધાનીપૂર્વક લક્ષ્યમાં લગાડી દેવું જોઇએ. એ અવસ્થામાં બહારનું કશું ચિંતન ના કરવું. પરમાનંદસ્વરૂપ પરમાત્મામાં મન સ્થિર થઇ જતાં છેવટે શાંત થઇ જાય છે. સાધના એવી રીતે સફળ થાય છે.

*

ભગવાન દત્તાત્રેય સાપનું સ્મરણ કરતાં જણાવે છે કે ત્યાગીએ કે સંન્યાસીએ સાપની પેઠે એકલા જ વિચરવું, મંડળીમાં ના રહેવું કે મઠાદિ ના બનાવવાં. એક નિશ્ચિત સ્થળે રહેવાને બદલે વિચરતાં રહેવું, પ્રમાદી ના બનવું, ગુફામાં પડ્યા રહેવું, કોઇની મદદ ના માગવી, અને આવશ્યકતાનુસાર ઓછામાં ઓછું બોલવાનો આગ્રહ રાખવો, સાપ બીજાએ બનાવેલા સ્થાનમાં સમયને સુખપૂર્વક પસાર કરે છે એવી રીતે એણે પણ બીજાએ તૈયાર કરેલા સ્થળોનો લાભ લઇને સમય પસાર કરવો.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok