Friday, June 05, 2020

અષ્ટગ્રહ યુતિ

પ્રશ્ન: અષ્ટગ્રહ-યુતિ વિશે તમારો અભિપ્રાય આપશો ?

ઉત્તર: હું કોઈ જ્યોતિષી થોડો છું ?

પ્રશ્ન: તો પણ, તે સંબંધી બે શબ્દો કહી શકો તો સારું.

ઉત્તર: પરંતુ હું કોઈ જ્યોતિષી નથી. એટલે મારી વાત જ્યોતિષશાસ્ત્ર સાથે સંબંધ ધરાવતી નહિ હોય.

પ્રશ્ન: છતાં પણ તમારા વિચારો જાણવાની અમારી ઈચ્છા છે. અમારે એ વિશેનું તમારું દૃષ્ટિબિંદુ જાણવું છે.

ઉત્તર: જુઓ ત્યારે, એ દૃષ્ટિબિંદુ જરા નવું લાગે તો નવાઈમાં ના પડતા. આઠ ગ્રહો આકાશમાં ભેગા થયા હતા. તે તો કહે છે કે શાંતિપૂર્વક સમજીને છૂટા પણ પડી ગયા, પરંતુ મનુષ્યના મનરૂપી આકાશમાં આઠ ગ્રહો મળેલા છે અને એ પણ આજથી નહિ, પણ અનાદિ કાળથી. તેનું શું ?

પ્રશ્ન: એ વળી કયા ગ્રહો છે, તે કહી બતાવશો ?

ઉત્તર: એ ગ્રહો જ મહત્વના છે. ને વધારે દુ:ખ પણ એ જ આપી રહ્યા છે. એ જ અશાંતિના સાચા કારણરૂપ છે. એમાંથી એક ગ્રહ હોય તો પણ અશાંતિ કે ક્લેશરૂપ થઈ પડે છે. તો આઠે આઠ ગ્રહો ભેગા મળે તો તો કહેવું જ શું ? એ આઠ ગ્રહ આ રહ્યા : કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંતા અને મમતા. લગભગ દરેક માનવીમાં એમનું સામ્રાજ્ય ચાલી રહ્યું છે. ભાગ્યે જ કોઈ એમની અસરથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે. એ ગ્રહોની શાંતિ વિના સમસ્ત જીવનમાં અશાંતિ ફરી વળે છે, ને જીવન ભારરૂપ બની જાય છે.

પ્રશ્ન: એ ગ્રહોની શાંતિ કેવી રીતે થાય ?

ઉત્તર: એ શાંતિ માટે ઈશ્વરની કૃપા મેળવવાના પ્રયાસ કરવા જોઈએ. જેમ જેમ ઈશ્વરની કૃપા મળતી જાય છે, અથવા તો માણસ ઈશ્વરની વધારે ને વધારે પાસે પહોંચતો જાય છે તેમ તેમ એ ગ્રહોનું જોર ઘટતું જાય છે. ઉત્તમ રસ્તો તો એ જ છે. એની સાથે સાથે સતત રીતે આત્મનિરીક્ષણ કરતા રહેવાની આવશ્યકતા છે. આત્મનિરીક્ષણ એટલે પોતાની જાતનું બારીક અવલોકન. પોતાને તપાસવાની ને પોતાની ભૂલોને જોવાની તથા તેમને સુધારવા કે દૂર કરવાની વૃત્તિ. એવી વૃત્તિથી લાંબે વખતે લાભ થાય છે, ને હૃદયશુદ્ધિ સધાઈ જાય છે. એને ચિત્તશુદ્ધિ પણ કહેવામાં આવે છે. એથી પ્રસન્નતા તથા શાંતિ મળે છે, ને જીવન ધન્ય બને છે. સંસાર આજે એ ગ્રહોથી વધારે પ્રમાણમાં પીડાય છે. એ ઉપરાંત બીજા આઠ બહારના ગ્રહો છે, અને એમના વિશે હું ફરી કહીશ.

પ્રશ્ન: તમે ગયે વખતે કહેલું કે બીજા આઠ બહારના ગ્રહો છે, તો તેમના વિશે પ્રકાશ ફેંકશો ?

ઉત્તર: જરૂર.

પ્રશ્ન: તે ગ્રહો કયા કયા છે ?

ઉત્તર: દેશભરમાં તથા દુનિયામાં બહાર ફેલાયેલા ભારે ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ અસત્ય છે, વાણી ને વર્તનમાં એ ગ્રહની અસર થયેલી લગભગ બધે જ દેખાય છે. કોઈક જ વ્યક્તિ એનાથી બચી શકી હશે. ટૂંકમાં કહીએ તો જૂઠની બધે જ બોલબાલા છે. વ્યક્તિ કે સમષ્ટિ અથવા માનવ કે માનવસમાજમાં.

પ્રશ્ન: બીજા ગ્રહો ?

ઉત્તર: હિંસા, ચોરી, અસંયમ અથવા વિલાસ, સંઘરાખોરી, સ્વાર્થ, ભેળસેળ તથા લાલસા. પછી તે લાલસા ધનની હોય, યશ કે પ્રતિષ્ઠાની હોય, પદની હોય, કે પછી સત્તાની હોય. વિચારપૂર્વક જોશો તો ભારતનો કોઈએ ખૂણો તમને આ આઠ ગ્રહોથી રહિત નહીં દેખાય. કાશ્મીરથી માંડીને કન્યાકુમારી, ને દ્વારકાથી માંડીને જગન્નાથપુરી સુધી બધે જ આ ગ્રહો ફરી વળ્યા છે અને એમની માઠી અસરથી દેશ પીડાઈ રહ્યો છે, એવો અનુભવ દેશના કોઈ પણ ભાગનો પ્રવાસ કરનારને સહેલાઈથી થઈ જાય છે. આ આઠે ગ્રહોની દેશ ને દુનિયામાં યુતિ થઈ છે એમ કહીએ તો ચાલે અને એમાંથી આપણે મુક્તિ મેળવવાની છે. એ ગ્રહો લોકોનાં તન ને મનને ચૂસી રહ્યા છે, અને પ્રાણને વધારે ને વધારે જડ કરી રહ્યા છે.

પ્રશ્ન: પરંતુ એમાંથી મુક્તિ મળે ક્યારે ? અથવા તો કેવી રીતે મળે ?

ઉત્તર: પોતાની જાતની શુધ્ધિનું મહત્વ સમજવાથી તથા દેશદાઝને વધારવાથી દેશના લાખો લોકોના હિતનો વિચાર જો હૃદયમાં વસી જાય, તો નાની મોટી પ્રત્યેક પ્રવૃત્તિ દેશવાસીના લાભ માટે જ કરવાનું મન થાય. અંગત લાભનો પ્રશ્ન પછી ગૌણ બની જાય. તથા તેને માટે ગમે તેવા સ્વાર્થી કે તકવાદી ઉપાયોને અજમાવાનું મન પણ ના થાય. જાતની શુધ્ધિ એમાં મોટો ભાગ ભજવી શકે કેમકે જાતની શુધ્ધિ કરનાર હંમેશા સાચું, સેવાભાવી ને પ્રામાણિક જીવન જીવવાનો આગ્રહ રાખે છે. તે સંયમ ને શીલનો ઉપાસક હોય છે. જાતની શુધ્ધિ સાધનારના જીવનમાં આ ગ્રહોની શાંતિ થઈ જાય છે. સમાજ માનવોનો જ બનેલો છે, ને બધા જ માણસો જો જાતની શુધ્ધિ કરવાના કામમાં લાગી જાય, તો ધીરે ધીરે આ બધા ગ્રહોની શાંતિ થતાં, આખો માનવસમાજ સુધરી જાય, ને સુખી થાય.

Today's Quote

Our greatest glory is not in never falling, but in rising every time we fall.
- Confucius

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok