Friday, June 05, 2020

હિમાલયના સંતો

પ્રશ્ન: હિમાલયમાં અત્યારે ઈશ્વરસાક્ષાત્કારી કે સિદ્ધિપ્રાપ્ત મહાપુરુષો છે ખરા  ?

ઉત્તર: જરૂર છે. પરંતુ એમની સંખ્યા અત્યંત ઓછી છે. ઈશ્વરનો સાક્ષાત્કાર કાંઈ રમત વાત નથી. કોઈ વિરલ કોટીના મજબૂત મનોબળવાળા, અધિકારી પુરુષો જ તે કરી શકે છે. હિમાલયમાં કે હિમાલયની બહાર બીજે, એવા અધિકારી પુરુષો છે જ ઓછા. એટલે એમના દર્શન આપણને અવારનવાર અને જ્યાં ત્યાં નથી થતાં. પણ જીવનની કોઈ ધન્ય પળે ને ધન્ય સ્થળે જ થઈ શકે છે.

પ્રશ્ન: પરંતુ હિમાલયનો પ્રદેશ તો એવા પુરુષોના આશ્રયસ્થાન તરીકે પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે. એ પ્રદેશમાં પણ એવા મહાપુરુષો બહુ ઓછી સંખ્યામાં મળે છે, એ શું આશ્ચર્યકારક નથી લાગતું ? હિમાલયમાં એવા પુરુષો મોટી સંખ્યામાં નહીં મળે તો બીજે ક્યાં મળશે ?

ઉત્તર: એમાં આશ્ચર્યકારક જેવું કશું જ નથી. વખત પ્રમાણે દુનિયામાં ફેરફારો થયા કરે છે. એક વખત એવો હતો કે જ્યારે હિમાલયમાં ઈશ્વરસાક્ષાત્કારી કે સિદ્ધમહાપુરુષોની સંખ્યા ઘણી મોટી હતી. પરંતુ બદલાયેલા સંજોગોમાં બધું જ બદલાયું છે. આજે તો એવી સ્થિતિ છે કે હિમાલયના સમસ્ત પ્રદેશને ખૂંદી વળો તો પણ, ઈશ્વરની ઈચ્છા કે તમારું ભાગ્ય હોય, તો જ કોઈ ઈશ્વરદર્શી મહાપુરુષને મેળવી શકો-નહીં તો નહીં.

પ્રશ્ન: એનો અર્થ એ કે, હિમાલયમાં જે એવા મહાપુરુષને મળવાની ઈચ્છાથી જાય, તેમને નિરાશ થવું પડે ? એ તો ભારે દુ:ખદ કહેવાય.

ઉત્તર: નિરાશ થવું પડે એવું કશું જ નથી, જેમના દિલમાં મહાપુરુષોને મળવાની ઉત્કટ ઈચ્છા છે, તેમને ગમે તે રીતે પણ મહાપુરુષોનું દર્શન થશે જ. મહાપુરુષોની શોધ કરવા એમને આમ તેમ ભટકવું નહીં પડે. એ જ્યાં હશે ત્યાં મહાપુરુષો પ્રગટ થશે. ને એમને પ્રેરણા, માર્ગદર્શન તથા શાંતિ આપશે. જે મહાપુરુષોના દર્શનની ઈચ્છા રાખે છે, તેની ઈચ્છા ઈશ્વર જરૂર પૂરી કરે છે. મારો પોતાનો એવો અનુભવ છે. મને પોતાને એવી રીતે આજ લગી અનેક મહાપુરુષોનો મેળાપ થયેલો છે. એટલે એ બાબતે કોઈએ નિરાશ થવાની જરૂર નથી. બાકી કોઈ જો એવી ઈચ્છા રાખતું હોય કે હિમાલય જઈશું કે તરત જ આપણને ઊંચી કોટીના મહાત્મા પુરુષનું દર્શન થઈ જશે, તો તેની તે ઈચ્છા એટલી વહેલી પૂરી થાય એવી નથી, એ જ મારે કહેવાનું છે.

પ્રશ્ન: હિમાલયમાં જે યોગી, સિદ્ધ કે મહાપુરુષો છે, તે કેટલી ઉંમરના છે ?

ઉત્તર: કેટલાક સમકાલીન અથવા તો સાધારણ આયુના છે. અને બીજા કેટલાંક એવા પણ છે જેમની ઉંમરનો તાગ નથી કાઢી શકાતો. મતલબ કે તે દીર્ધાયુષ્ય છે.

પ્રશ્ન: દીર્ધાયુષ્યવાળા એટલે કેટલી ઉંમરના ?

ઉત્તર: તમને નવાઈ લાગશે, અને તમે કદાચ નહીં પણ માનો, પરંતુ એ એક હકીકત છે કે જેને આપણે વૈદિક કાલ, ઉપનિષદ કાલ, કે પુરાણ કાલ, અથવા તો પ્રાગૈતિહાસિક કાલ, કહીએ છીએ તે કાલના કેટલાક મહાપુરુષો હિમાલયમાં છે, અને એમનું દર્શન આપણને થઈ શકે છે. જે સાધકો સચ્ચાઈ ને પ્રામાણિકતાથી સાધના કરે છે, તેમને કોઈ ધન્ય ઘડીએ એમના દર્શનનો લાભ મળી જાય છે.

પ્રશ્ન: તમને તેમાંના કોઈના દર્શન થયેલા ખરાં ?

ઉત્તર: હું જે કહું છું તે કોઈની પાસેથી સાંભળેલું કે કોઈ પુસ્તકમાં વાંચેલું નથી કહેતો. છેલ્લા વીસ વરસથી હિમાલયના પવિત્ર પ્રદેશમાં રહીને સાધના કરવાનું જે સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે, અને એને પરિણામે જે અનેકાનેક અનુભવો થયા છે, એ અનુભવોના આધાર પર જ હું બધું બોલી રહ્યો છું. એ પ્રદેશમાં રહીને મેં જે જોયું છે, તે જ કહી રહ્યો છું. મને એવા કૃતકામ, સિદ્ધ, પ્રાતઃસ્મરણીય, મહાપુરુષોનાં દર્શન વારંવાર થયેલાં છે. અને એટલે જ હું આ માહિતી આપી રહ્યો છું.

Today's Quote

In prayer, it is better to have a heart without words than to have words without a heart.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok